અનાસક્તિયોગ/૧૪. ગુણત્રય-વિભાગ-યોગ

← ૧૩. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-વિભાગ-યોગ અનાસક્તિયોગ
૧૪. ગુણત્રય-વિભાગ-યોગ
ગાંધીજી
૧૫. પુરુષોત્તમ-યોગ →



૧૪

ગુણત્રયવિભાગ યોગ


ગુણમયી પ્રકૃતિની થોડી ઓળખ કરાવ્યા પછી સહેજે ત્રણગુણનું વર્ણન આ અધ્યાયમાં આવે છે. અને તે કરતાં ગુણાતીતનાં લક્ષણ પણ ભગવાન ગણાવે છે.

બીજા અધ્યાયમાં જે લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જોવામાં આવે છે, બારમામાં જે ભકતનાં જોવામાં આવે છે, તેવાં આમાં ગુણાતીતનાં છે.

૪૨

श्रीभगवान बोल्याः

જ્ઞાનોમાંનું જે ઉત્તમ જ્ઞાન છે અને જે અનુબહવીને બધા મુનિઓ આ દેહ-બંધન છૂટ્યા પછી પરમગતિને પામ્યા તે હું તને ફરી કહીશ. ૧.

આ જ્ઞાનનો આશ્રય લઈને જેઓ મારા ભાવને પામ્યા તેમને ઉત્પતિકાળે જન્મવાપણું નથી અને પ્રલયકાળે વ્યથા પામવાપણું નથી. ૨.

હે ભારત! મહદ્‍બ્રહ્મ એટલે પ્રકૃતિ તે મારી યોનિ છે. તેમાં હું ગર્ભ મેલું છું અને તેમાંથી પ્રાણી માત્રની ઉત્પત્તિ થાય છે. ૩.


હે કૌંતેય! બધી યોનિઓમાં જે જે જીવોની ઉત્પત્તિ થાય છે તેમની ઉત્પત્તિનું સ્થાન મહદ્‍બ્રહ્મ એટલે કે મારી પ્રકૃતિ છે ને તેમાં બીજારોપણ કરનારો પિતા - પુરુષ - હું છું. {{float right|૪.

હે મહાબાહો! પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણો સત્ત્વ,રજસ્ અને તમસ્ અવે વિશે બાંધે છે. ૫.

તેમાં સત્વ નિર્મળ હોવાથી પ્રકાશક અને આરોગ્યકર છે, અને હે અનઘ! તે દેહીને સુખમાં ને જ્ઞાનમાં આસક્તિ ઉપજાવી બાંધે છે. ૬.

હે કૌંતેય! રજોગુણ અનુરગ રૂપ હોઈ તે તૄષ્ણા અને આસક્તિનું મૂળ છે, તે દેહધારીને કર્મપાશમાં બાંધે છે. ૭.

હે ભારત! તમોગુણ અજ્ઞાનમૂલક હોઈ તે દેહધારી માત્રને મોહમાં નાખે છે અને તે અસાવધાનતા (ગફલત), આળસ અને નિદ્રાના પાશથી દેહીને બાંધે છે. ૮.

હે ભારત! સત્ત્વ આત્માને શાંતિસુખનો સંગ કરાવે છે. રજસ્ કર્મનો, અને તમસ્ જ્ઞાનને ઢાંકીને પ્રમાદનો સંગ કરાવે છે. ૯.

હે ભારત! જ્યારે રજસ્ અને તમસ્ દબાય છે ત્યારે સત્ત્વ ઉપર આવે છે. અસત્ત્વ અને તમસ્ દબાય છે ત્યારે રજસ્ [ઉપર આવે છે] અને સત્ત્વ અને રજસ્ દબાય ત્યારે તમસ્ ઉપર આવે છે. ૧૦.

બધી ઈન્દ્રિયો દ્વારા આ દેહને વિશે જ્યારે પ્રકાશને જ્ઞાનનો ઉદ્‍ભવ થાય છે ત્યારે સત્ત્વગુણની વૃધ્ધિ થઇ છે એમ જાણવું. ૧૧.

હે ભરતર્ષભ! જ્યારે રજોગુણ્ની વૃધ્ધિ થાય છે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ (અતૃપ્તિ) અને ઇચ્છાનો ઉદય થાય છે. ૧૨.

હે કુરુનંદન! જ્યારે તમોગુણની વૃધ્ધિ થાય છે ત્યારે અજ્ઞાન,મંદતા અસાવધાની અને મૂઢતા થાય છે. ૧૩.

પોતામાં સત્ત્વગુણની વૃધ્ધિ થઇ હોય ત્યારે દેહધારી મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીના નિર્મળ લોકને પામે છે. ૧૪.

રજોગુણમાં મૃત્યુ થાય તો દેહધારી કર્મસંગીના લોકમાં જન્મે છે, અને તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢયોનિમાં જન્મે છે. ૧૫.

નોંધઃ કર્મસંગી એટલે મનુષ્યલોક અને મૂઢયોનિ એટલે પશુ ઇત્યાદિ લોક.

સત્કર્મનું ફળ સાત્ત્વિક અને નિર્મળ હોય છે. રાજસી કર્મનું ફળ દુઃખ હોય છે, અને તામસી કર્મનું ફળ અજ્ઞાન હોય છે. ૧૬.

નોંધઃ જેને આપણે સામન્ય વ્યવહારમાં સુખદુઃખ માનીએ છીએ તે સુખદુઃખનો ઉલ્લેખ અહીં ન સમજવો. સુખ એટલે આત્માનંદ, આત્મપ્રકાશ, તેથી ઊલટું તે દુઃખ. ૧૭મા શ્લોકમાં આ સ્પ્ષ્ટ થાય છે.

સત્ત્વગુણમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. રજોગુણમાંથી લોભ, અને તમોગુણમાંથી અસાવધાની, મોહ અને અજ્ઞાન નીપજે છે. ૧૭.

સાત્ત્વિક મનુષ્યો ઊંચે ચડે છે, રાજસી મધ્યમાં રહે છે અને છેલ્લા ગુણવાળા તામસી લોકો અધોગતિને પામે છે. ૧૮.

તત્ત્વદર્શી જ્ઞાની જ્યારે જુએ છે કે ગુણો સિવાય બીજો કોઈ કર્તા છે જ નહીં અને જ્યારે તે ગુણોથી જે પર છે તેને જાણે છે ત્યારે તે મારા ભાવને પામે છે.૧૯.

નોંધઃ ગુણોને જ કર્તા તરીકે જોનારાને અહંભાવ હોય નહીં. તેથી તેનાં કામ બધાં સ્વાભાવિક હોય, અને શરીરયાત્રા જોગાં જ હોય. અને શરીરયાત્રા પરમાર્થને કાઅરણે જ હોવાથી તેના કાર્યમાત્રમાં નિરંતર ત્યાગ અને વૈરાગ્ય જ હોવાનાં.આવો જ્ઞાની સહેજે ગુણોથી પર એવા નિર્ગુણ ઈશ્વરને કલ્પે, ઓળખે ને ભજે.

દેહના સંગથી ઉત્પન્ન થતા આ ત્રણ ગુણોને તરી જઇને દેહધારી (માણસ) જન્મ, મૃત્યુ અને જરાના દુઃખમાંથી છૂટે છે અને મોક્ષ પામે છે.૨૦.

૪૩

अर्जुन बोल्याः

હે પ્રભો! આ ત્રણ ગુણોને તરી જનારો કયાં ચિહ્‍નોથી ઓળખાય છે? તેના આચાર શા હોય? અને એ ત્રણ ગુણોને તે જેવી રીતે તરે છે? ૨૧.

श्रीभगवान बोल्याः

હે પાંડવ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં જે દુઃખ નથી માનતો ને તે પ્રાપ્ત થવાથી તેની ઇચ્છા નથી કરતો, ઉદાસીનની જેમ જે સ્થિર છે, જેને ગુણો હલાવતા નથી, 'ગુણો જ પોતાનો ભાગ ભજવે છે' એમ માનીને જે સ્થિર રહે છે, વિચલિત થતો નથી, હે સુખદુઃખમાં સમતાવાન રહે છે;સ્વસ્થ રહે છે, માટીનું ઢેફું,પથ્થર ને સોનું સરખાં ગણે છે, પ્રિય અથવા અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં એકસરખો રહે છે, પોતાની નિંદા કે સ્તુતિ જેને સરખાં છે, જે મિત્રપક્ષ અને શત્રુપક્ષને વિશે સમાન્ભાવ રાખે છે, અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે એવો બુધ્ધિમાન, તે ગુણાતીત કહેવાય છે.૨૨-૨૩-૨૪-૨૫.

નોંધઃ ૨૨થી ૨૫ શ્લોકો એક સાથે વિચારવાના છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ, આગળના શ્લોકમાં જણાવ્યું છે તેમ સત્ત્વ, રજસ્ ને તમસ્ નાં અનુક્રમે પરિણામો અથવા ચિહ્‍ન છે. એટલે ગુણોને જે ઓળંગી ગયો છે તેની ઉપર તે પરિણામની અસર ન હોય એમ કહેવાનું આમાં તાત્પર્ય છે. પથ્થર પ્રકાશની ઈચ્છા નથી કરતો, નથી પ્રવૃત્તિ કે જડતાનો હેત કરતો; એને ઈચ્છ્યા વિના શાંતિ છે; એને કોઈ ગતિ આપે છે તો તેનો તે દ્વેષ નથી કરતો. ગતિ આપ્યા પછી તેને કોઈ સ્થિર કરી મૂકે છે તો તેથી પ્રવૃત્તિ (ગતિ) બંધ થઈ, મોહ, જડતા પ્રાપ્ત થયાં એમ તેને લાગી દુઃખ નથી થતું; પણ ત્રણે સ્થિતિએ તે એકસરખો વર્તે છે. પથ્થર અને ગુણાતીતમાં ભેદ એ કે ગુણાતીત ચેતનમય છે ને તેણે જ્ઞાનપૂર્વક ગુણોનાં પરિણામોનો, સ્પર્શનો ત્યાગ કર્યો છે અને એક રીતે જડ પથ્થરના જેવો બન્યો છે. પથ્થર ગુણોનાં એટલે પ્રકૃતિનાં કાર્યોનો સાક્ષી રહે છે, કર્તા મટી જાય છે. આવા જ્ઞાનીને વિશે કલ્પી શકાય કે તે ૨૩મા શ્લોકમાં કહ્યા પ્રમાણે ગુણો પોતાનાં કાર્ય કર્યા કરે છે એમ સમજતો હોવાથી હાલતો નથી, અને અચળ રહે છે; ઉદાસીનની જેમ બેસે છે એટલે અડગ રહે છે. ગુણોમાં તન્મય થયેલા આપણે આ સ્થિતિ કેવળ કલ્પીને ધીરજપૂર્વક સમજી શઈએ છીએ, અનુભવી નથી શકતા. પણ તે કલ્પનાને નજરમાં રાખી આપણે 'હું'પણાંને દિવસે દિવસે મોળું કરીએ તો છેવટ ગુણાતીત પોતાની સ્થિતિ अनुभवे છે, वर्णवी નથી શકતો. વર્ણવી શકે છે તે ગુણાતીત નથી, કેમ કે તેનામાં અહંભાવ રહ્યો છે. બધા સહેજે અનુભવી શકે છે તે શાંતિ, પ્રકાશ, ધાંધલ - પ્રવૃત્તિ કે જડતા - મોહ હોય છે. સાત્ત્વિકતા એ ગુણાતીતની પાસેમાં પાસેની સ્થિતિ છે એમ ગીતામાં ઠેકઠેકાણે સ્પષ્ટ કર્યું છે. તેથી મનુષ્યમાત્રનો પ્રયત્ન સત્ત્વગુણ केळववानो છે. અને અંતે તેને ગુણાતીત અઅસ્થા પ્રાપ્ત થશે જ એવો વિશ્વાસ એ રાખે.

જે એકનિષ્ઠ થઈ ભક્તિયોગ વડે મને સેવે છે તે આ ગુણોને વટાવીને બ્રહ્મરૂપ બનવાને યોગ્ય છે.૨૬.

આ બ્રહ્મની સ્થિતિ તે હું જ, શાશ્વત મોક્ષની સ્થિતિ તે હું, તેમ જ સનાતન ધર્મની અને ઉત્તમ સુખની સ્થિતિ પણ હું જ છું. ૨૭.

ૐતત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ગુણત્રય-વિભાગ-યોગ' નામનો ચૌદમો અધ્યાય અત્રે પૂરો થાય છે.