← ૧૭. શ્રદ્ધા-ત્રય-વિભાગ-યોગ અનાસક્તિયોગ
૧૮. સંન્યાસયોગ
ગાંધીજી



૧૮

સંન્યાસ યોગ


આ અધ્યાય ઉપસંહારરૂપે ગણાય. તેનો તેમ જ આખી ગીતાનો પ્રેરકમંત્ર આ કહેવાયઃ 'બધા ધર્મોને તજી મારું શરણ લે.' એ ખરો સંન્યાસ છે. પણ બધા ધર્મોનો ત્યાગ એટલે બધાંકર્મોનો ત્યાગ નહીં.પરોપકારી કર્મો પણ ઈશ્વરને અર્પણ કરવાં અને ફલેચ્છા છોડવી, એ જ સર્વોત્કૃષ્ટ કર્મ છે; એ જ સર્વધર્મત્યાગ કે સંન્યાસ છે.

૫૨

अर्जुन बोल्याः

હે મહાબાહો! હે હૃષીકેશ! હે કેશિનિષૂદન! સંન્યાસ અને ત્યાગનું નોખું નોખું રહસ્ય હું જાણવા ઈચ્છું છું. ૧.

श्री भगवान बोल्याः

કામનાથી ઉત્પન્ન થયેલાં (કામ્ય) કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસને નામે જાણે છે.બધાં કર્મોનાં ફળના ત્યાગને ડાહ્યા લોકો ત્યાગ કહે છે. ૨.

કેટલાક વિચારવંત પુરુષો કહે છેઃ કર્મમાત્ર દોષમય હોઈ ત્યાગવા યોગ્ય છે; બીજા કહે છેઃ યજ્ઞ, દાન ને તપરૂપી કર્મો ત્યાગવા યોગ્ય નથી.૩.

હે ભરતસત્તમ! એ ત્યાગને વિશે મારો નિર્ણય સાંભળ. હેપુરુષવ્યાઘ્ર! ત્યાગ ત્રણ પ્રકારે વર્ણવાયો છે. ૪.

યજ્ઞ, દાન અને તપરૂપી કર્મો ત્યાજ્ય નથી પણ કરવા યોગ્ય છે.યજ્ઞ, દાન અએ તપ વિવેકીને પાવન કરનારાં છે.૫.

હે પાર્થ! આ કર્મો પણ આસક્તિ અને ફલેચ્છાનો ત્યાગ કરીને કરવાં જોઇએ એવો મારો નિશ્ચિત અને ઉત્તમ અભિપ્રાય છે. ૬.

નિયત કર્મનો ત્યાગ યોગ્ય નથી. મોહને વશ થઈને જો તેનો ત્યાગ કર્યો તો તે ત્યાગ તામસ ગણાય છે.૭.

દુઃખકારક સમજી, કાયાના કષ્ટના ભયથી જે કર્મનો ત્યાગ કોઈ કરે છે તે રાજસ ત્યાગ છે ને તેથી તેને ત્યાગનું ફળ મળતું નથી. ૮.

હે અર્જુન! કરવું જ જોઇએ એવી સમજથી જે નિયત કર્મ સંગ અને ફળના ત્યાગપૂર્વક કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. ૯.

સંશયરહિત થયેલો, શુધ્ધ ભાવનાવાળો, ત્યાગી અને બુધ્ધિમાન પુરુષ અગવડવાળાં કર્મનો દ્વેષ નથી કરતો, સગવડવાળાંથી નથી રાચતો. ૧૦.

તમામ કર્મોનો સદંતર ત્યાગ કરવો એ દેહધારીને સારુ શક્ય નથી પણ જે કર્મફળનો ત્યાગ કરે છે તે ત્યાગી કહેવાય છે.૧૧.

ત્યાગ નહીં કરનારને કર્મનું ફળ, આગળ જતાં ત્રણ પ્રકારનું થાય છે: અશુભ, શુભ અને શુભાશુભ. જે ત્યાગી (સંન્યાસી) છે તેને કદી નથી થતું. ૧૨.

૫૩

હે મહાબાહો! કર્મમાત્રની સિધ્ધિને વિશે સાંખ્યશાસ્ત્રમાં આ પાંચ કારણો કહ્યાં છે. તે મારી પાસેથી જાણ.૧૩.

એ પાંચ આ છેઃ ક્ષેત્ર, કર્તા, જુદાં જુદાં સાધનો, જુદી જુદી ક્રિયાઓ, અને પાંચમું દૈવ. ૧૪.

શરીર, વાચા અથવા મનથી જે કંઈ પણ કર્મ મનુષ્ય નીતિસર કરે છે તેનાં આ પાંચ કારણો હોય જ છે. ૧૫.

આમ હોવા છતાં, અસંસ્કારી બુધ્ધિને લીધે જે કેવળ પોતાને જ કર્તા માને છે તે મૂઢમતિ કંઇ સમજતો નથી. ૧૬.

જેનામાં (હું કરું છું એવો) અહંકાર્ભાવ નથી, જેની બુધ્ધિ (આસક્તિથી) મલિન નથી, તે આ જગતને હણતો છતાં નથી હણતો, નથી બંધનમાં પડતો.૧૭.

નોંધઃ ઉપર ઉપર વાંચતાં આ શ્લોક મનુષ્યને ભુલાવામાં નાખનારો છે. ગીતાના ઘણા શ્લોકો કાલ્પનિક આદર્શને અવલંબનારા છે. તેનો સચોટ નમૂનો જગતમાં ન મળે. છતાં ઉપયોગને અર્થે પણ જેમ ભૂમિતિમાં કાલ્પનિક આદર્શ આકૃતિઓની આવશ્યકતા છે તેમ જ ધર્મ વ્યવહારને અંગે છે. તેહી આ શ્લોકનો અર્થ આમ જ બેસાડાયઃ જેની અહંતા ખાખ થઇ ગઇ છે, ને જેની બુધ્ધિમાં લેશ પણ મેલ નથી તે ભલે આખા જગતને હણે એમ કહીએ. પણ જેનામાં અહંતા નથી તેને શરીર જ નથી.જેની બુધ્ધિ વિશુધ્ધ છે તે ત્રિકાળદર્શી છે. એવો પુરુષ તો કેવળ એક ભગવાન છે. તે કરતો છ્તો અકર્તા છે; હણતો છતો અહિંસક છે. તેથી મનુષ્ય પાસે તો એક ન હણવાનો અને શિષ્ટાચારશાસ્ત્ર પાળવાનો જ માર્ગ છે. કર્મની પ્રેરણામાં ત્રણ તત્વો રહેલાં છેઃ જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા. તેમ જ કર્મનાં અંગ પણ ત્રણ પ્રકારનાં હોય છેઃ ઇન્દ્રિયો, ક્રિયા અને કર્તા.૧૮.

નોંધઃ આમાં વિચાર અને આચારનું સમીકરણ છે. પ્રથમ મનુષ્ય શું (જ્ઞેય) તેની રીત (જ્ઞાન)ને જાણે છે - પરિજ્ઞાતા બને છે. એ કર્મપ્રેરણાના પ્રકાર પછી તે ઇન્દ્રિયો (કરણ) વડે ક્રિયાનો કરનાર બને છે. આ કર્મસંગ્રહ. જ્ઞાન, કર્મ અને કર્તા ગુણભેદ પ્રમાણે ત્રણ પ્રકારના છે. તે ગુણ-ગણનામાં જેવા વર્ણવાયા છે તેવા સાંભળ.૧૯. જે વડે મનુષ્ય બધાં ભૂતોમાં એક જ અવિનાશી ભાવને અને વિવિધતામાં એકતાને જૂએ છે તેને સાત્વિક જ્ઞાન જાણ. ૨૦.

જુદા જુદા (દેખાતા) હોવાથી બધાં ભૂતોમાં જે વડે મનુષ્ય જુદા જુદા વહેંચાયેલા ભાવ જુએ છે તે જ્ઞાન રાજસ જાણ.૨૧.

જે વડે, કાંઈ કારણ વિના, એક જ વસ્તુમાં બધું આવી જતું માનીને માણસ આસક્ત રહે છે અને જે રહસ્ય વિનાનું અને તુચ્છ હોય છે તે તામસ જ્ઞાન કહેવાય છે. ૨૨.

ફલેચ્છારહિત પુરુષે આસક્તિ અને રાગદ્વેષ વિના કરેલું નિયતકર્મ સાત્વિક કહેવાય છે. ૨૩.

નોંધઃ નિયતકર્મ એટલે ઈન્દ્રિયોને મનવડે નિયમમાં રાખી કરેલું કર્મઃ જુઓ નોંધ ૩-૮.

ભોગની ઈચ્છા રાખનાર 'હું કરું છું' એવા ભાવથી ધાંધલપૂર્વક જે કર્મ કરે તે રાજસ કહેવાય છે. ૨૪.

પરિણામોનો, હાનિનો, હિંસાનો, કે પોતાના ગજાનો વિચાર કર્યા વિના મોહને વશ થઇને મણસ જે કર્મ આરંભે તે તામસ કર્મ કહેવાય છે.૨૫.

[નોંધઃ 'અનુબંધ'માં પરિણામ કરતાં વધારે ભાવ છે. એક કર્મનો સંબંધ, સીધો કે આડકતરી રીતે જ્યાં જ્યાં હોય છે અને એની અસર જ્યાં જ્યાં પહોંચે છે, તે આખા વિસ્તારને અનુબંધ કહે છે. -કા૦]

જે આસક્તિ અને અહંકારરહિત છે, જેનામાં દૃઢતા અને ઉત્સાહ છે, અને જે સફળતા-નિષ્ફળતામાં હર્ષશોક નથી કરતો તે સાત્વિક કર્તા કહેવાય છે. ૨૬.

જે રાગી છે, કર્મફળની ઇચ્છાવાળો છે, લોભી છે, હિંસાવાન છે, મેલો છે, હર્ષ અને શોકવાળો છે તે રાજસ કર્તા કહેવાય છે.૨૭.

જે અવ્યવસ્થિત, અસંસ્કારી, ઘમંડી,મીંઢો, શઠ, ઘાતકી, આળસુ, ગમગીન અને દીર્ધસૂત્રી છે તે તામસ કર્તા કહેવાય છે.૨૮.

હે ધનંજય! બુધ્ધિના તેમ જ ધૃતિના ગુણ પ્રમાણે વિગતવાર અને નોખા નોખા ત્રણ પ્રકાર કહું છું તે સાંભળ. ૨૯.

પ્રવૃત્તિ-નિવૃત્તિ, કાર્ય-અકાર્ય,ભય-અભય, તથા બંધમોક્ષનો ભેદ જે બુધ્ધિ યોગ્ય રીતે જાણે છે તે સાત્ત્વિક બુધ્ધિ છે. ૩૦. જે બુધ્ધિ ધર્મ-અધર્મ અને કાર્ય-અકાર્યનો વિવેક અશુધ્ધ રીતે કરે છે તે બુધ્ધિ હે પાર્થ! રાજસી છે. ૩૧.

હે પાર્થ! જે બુધ્ધિ અંધકારથી ઘેરાયેલી હોવાથી અધર્મને જ ધર્મ માને છે, ને બધી વસ્તુને ઊલટી રીતે જ જુએ છે તે તામસી છે. ૩૨.

જે એકનિષ્ઠ ધૃતિથી મનુષ્ય મન, પ્રાણ અને ઇન્દ્રિયોની સામ્યબુધ્ધિથી ધારણ કરે છે તે ધૃતિ હે પાર્થ! સાત્ત્વિકિ છે. ૩૩.

હે પાર્થ! જે ઘૃતિ વડે મનુષ્ય ફલાંકાક્ષી હોઇ ધર્મ, અર્થ અને કામને આસક્તિપૂર્વક ધારણ કરે છે તે ધૃતિ રાજસી છે.૩૪.

જે ધૃતિ વડે દુર્બુધ્ધિ મનુષ્ય નિદ્રા, ભય, શોક, ખેદ ને મદ છોડી નથી શકતો તે, હે પાર્થ! તામસી ધૃતિ છે. ૩૫.

હે ભરતર્ષભ! હવે ત્રણ પ્રકારનાં સુખનું વર્ણન મારી પાસેથી સાંભળ.

અભ્યાસથી જ જેનામાં મનુષ્ય રાચે છે, જેનાથી એ દુઃખનો અંત પામે છે, જે આરંભમાં ઝેર જેવું લાગે છે, પરિણામે જ અમૃતના જેવું હોય છે, જે આત્મજ્ઞાનથી પ્રસન્નતામાંથી ઉત્પન્ન થયેલું હોય છે તે સાત્ત્વિક સુખ કહેવાય છે. ૩૬-૩૭.

વિષયો અને ઈંદ્રિયોના સંયોગથી જે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ જે પરિણામે ઝેર સમાન નીવડે છે તે સુખ રાજસ કહેવાય છે. ૩૮.

જે આરંભમાં અને પરિણામે આત્માને મૂર્છા પમાડનારું છે અને નિદ્રા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું હોય છે તે તામસ સુખ કહેવાય છે.૩૯.

પૃથ્વી કે દેવોને વિશે સ્વર્ગમાં એવું કંઇ જ નથી કે જે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણોથી મુક્ત હોય. ૪૦.

૫૪

હે પરંતપ! બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનાં કર્મોના પણ તેમના સ્વભાવજન્ય ગુણોને લીધે ભાગ પાડેલા છે. ૪૧. શમ,દમ,તપ,શૌચ,ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવમૂલક વિજ્ઞાન અને આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્મો છે.૪૨.

શૌર્ય, તેજ, ધૃત, દક્ષતા,યુધ્ધમાં પાછા ન હઠવું,દાન અને પ્રભુત્વશક્તિ એ ક્ષત્રિયનાં સ્વભાવજન્ય કર્મ ચાકરી છે.૪૩.

ખેતી, ગોરક્ષા, અને વેપાર એ વૈશ્યનાં સ્વવભાવજન્ય કર્મો છે.વળી શૂદ્રનું સ્વભાવજન્ય કર્મ ચાકરી છે.૪૪.

પોતપોતાનાં કર્મમાં રત રહીને પુરુષ મોક્ષ પામે છે. પોતાના કર્મમાં રત રહેલા માનવીને કઇ રીતે મોક્ષ મળે છે તે હવે સાંભળ. ૪૫.

જેના વડે પ્રાણીઓની પ્રવૃત્તિ ચાલે છે, જેના વડે આ બધું વ્યાપ્ત છે તે પરમાત્માને જે પુરુષ સ્વકર્મ વડે ભજે છે તે મોક્ષ પામે છે. ૪૬.

પરધર્મ સુકર હોય તે છતાં તેના કરતાં વિગુણ એવો સ્વધર્મ વધાઅરે સારો છે. સ્વભાવ પ્રમાણે નક્કી કરેલું કર્મ કરનાર મનુષ્યને પાપ નથી લાગતું.૪૭.

નોંધઃ સ્વધર્મ એટલે પોતાનું કર્તવ્ય. ગીતાશિક્ષણનું મધ્યબિંદુ કર્મફળત્યાગ છે, તે સ્વકર્મ કરતાં બીજું ઉત્તમ કર્તવ્ય શોધતાં ફળત્યાગને સ્થાન નથી રહેતું; તેથી સ્વધર્મને શ્રેષ્ઠ કહ્યો. બધા ધરમનું ફળ તેના પાલનમાં આવી જાય છે.

હે કૌંતેય! સહજ પ્રાપ્ત થયેલું કર્મ સદોષ છતાં ન છોડવું. જેમ અગ્નિ સાથે ધુમાડો રહ્યો છે, તેમ સર્વે કર્મોની સાથે દોષ રહેલ છે. ૪૮.

જેણે બધેથી આસક્તિ ખેંચી લીધી છે, જેણે કામનાઓ છોડી છે, જેણે પોતાની જાતને જીતી ઃએ તે સંન્યાસ વડે નૈષ્કર્મ્યરૂપ પરમસિધ્ધિ પામે છે. ૪૯.

હે કૌંતેય! સિધ્ધિ મળ્યા પછી મનુષ્ય બ્રહ્મને કેવી રીતે પામે છે તે મારી પાસેથી ટૂંકામાં સાંભળ. તે જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. ૫૦.

જેની બુધ્ધિ શુધ્ધ થયેલ છે એવો યોગી દૄઢતાપૂર્વક પોતાની જાતને વશ કરીને,શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને, રાગદ્વેષ જીતીને, એકાંત સેવીને, આહાર અલ્પ કરીને, વાચા,કાયા ને મનને અંકુશમાં રાખીને,ધ્યાનયોગમાં નિત્ય પરાયણ રહીને, વૈરાગ્યનો આશ્રય લઇને, અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને, મમતારહિત અને શાંત થઇને બ્રહ્મભાવને પામવા યોગ્ય છે. ૫૧-૫૨-૫૩.

આવી રીતે બ્રહ્મભાવને પામેલો પ્રસન્નચિત્ત મનુષ્ય નથી શોક કરતો, નથી કંઈ ઇચ્છતો; ભૂતમાત્રને વિશે સમ-ભાવ રાખીને મારી પરમ ભક્તિને પામે છે.૫૪.

હું કેવડો છું અને કોણ છું એ ભક્તિ વડે એ યથાર્થ જાણે છે અને એમ મને યથાર્થપણે જાણ્યા પછી મારામાં પ્રવેશ કરે છે. ૫૫.

મારો આશ્રય લેનાર સદાય સર્વ કર્મ કરતો રહ્યો છતો મારી કૄપા વડે શાશ્વત, અવ્યયપદને પામે છે. ૫૬.

૫૫

મનથી બધાં કર્મોને મારે વિશે અર્પણ કરી, મારામાં પરાયણ થઇ, વિવેકબુધ્ધિનો આશ્રય લઇ નિરંતર મારામાં ચિત્ત પરોવ.૫૭.

મારામાં ચિત્ત પરોવવાથી મુશ્કેલીઓ રૂપી બધા પહાડો મારી કૃપાથી તું ઓળંગી જઇશ, પણ જો અહંકારને વશ થઇ મારું નહિ સાંભળે તો નાશ પામીશ. ૫૮.

અહંકારને વશ થઇ 'નહિ લડું' એમ તું માને તો એ તારો નિશ્ચય મિથ્યા છે. તારો સ્વભાવ જ તને તે તરફ બળાત્કારે લઇ જશે.૫૯.

હે કૌંતેય! સ્વભાવજન્ય પોતીકા કર્મથી બંધાયેલો તું, મોહને વશ થઇ જે નથી કરવા ઇચ્છતો, તે પરાણે કરીશ. ૬૦.

હે અર્જુન! ઈશ્વર બધાં પ્રાણીઓનાં હૃદયમાં વાસ કરે છે; અને પોતાની માયાને બળે તેમને, ચાક ઉપર ચડેલા ઘડાની જેમ, ચકરચકર ફેરવે છે. ૬૧.

હે ભારત! સર્વભાવથી તું તેનું જ શરણ લે. તેની કૃપા વડે તું પરમ શાંતિમય અમરપદને પામીશ. ૬૨. આમ ગુહ્યથી ગુહ્ય જ્ઞાન મેં તને કહ્યું. એ બધાનો સારી રીતે વિચાર કરીને જેમ તને ઠીક લાગે તેમ કર. ૬૩.

વળી બધાથી ગુહ્ય એવું મારું પરમવચન સાંભળ. તું મને બહુ વહાલો છે તેથી હું તને મારું હિત કહીશઃ૬૪.

મારી લગની લગાડ, મારો ભક્ત થા, મારે અર્થે યજ્ઞ કર, મને નમન કર. તું મને જ પામીશ એ મારી સત્ય પ્રતિજ્ઞા છે. તું મને પ્રિય છે.૬૫.

બધા ધર્મોનો ત્યાગ કરીને એક મારું જ શરણ લે. હું તને બધાં પાપોથી મુક્ત કરીશ.શોક કરીશ મા. ૬૬.

૫૬

જે તપસ્વી નથી, જે ભકત નથી, જે સાંભળવા ઈચ્છતો નથી અને જે મારો દ્વેષ કે અદેખાઈ કરે છે તેને આ (જ્ઞાન) તારે કદી ન કહેવું.૬૭. પણ આ પરમગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમભક્તિ કરવાથી નિઃશંક મને જ પામશે.૬૮.

તેના કરતાં મનુષ્યોમાં મારો કોઇ વધારે, પ્રિય સેવા કરનારો નથી, અને આ પૃથ્વીને વિશે તેન કરતાં કોઇ મને વધારે પ્રિય થનારો નથી.૬૯.

નોંધઃ આમાં તાત્પર્ય એ છે કે આ જ્ઞાન જેણે અનુભવ્યું છે એ જ બીજાને આપી શકે. જે કેવળ શુધ્ધ ઉચ્ચારણ કરીને અર્થ સહિત ફક્ત સંભળાવી જાય તેને વિશે ઉપલા બે શ્લોક નથી.

આપણી વચ્ચેના આ ધર્મ્ય સંવાદ્નો જે અભ્યાસ કરશે તે મને જ્ઞાન્યજ્ઞ વડે ભજશે એવો મારો અભિપ્રાય છે.૭૦.

વળી જે મનુષ્ય દ્વેષરહિત થઈને શ્રધ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ પાપ-મુક્ત થ ઈને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકને પામશે.૭૧.

હે પાર્થ! શું તેં આ એકાગ્ર ચિત્તથી સાંભળ્યું? હે ધનંજય! અજ્ઞાનને લીધે જે મોહ તને થયો હતો તે શું નાશ પામ્યો? ૭૨.

अर्जुन बोल्याः

હે અચ્યુત! તમારી કૃપા વડે મારો મોહ નાશ પામ્યો છે. મને ભાન આવ્યું છે, શંકાનું સમાધાન થવાથી હું સ્વસ્થ થયો છું. તમારું કહ્યું કરીશ.૭૩.

संजय बोल्याः

આ પ્રમાણે વાસુદેવ અને મહાત્મા પાર્થ વચ્ચેનો આ રૂંવાં ઊભાં કરે એવો અદ્‍ભુત સંવાદ મેં સાંભળ્યો. ૭૪.

વ્યાસજીની કૃપા વડે યોગેશ્વર કૃષ્ણના શ્રીમુખથી મેં આ ગુહ્ય પરમયોગ સાંભળ્યો.૭૫.

હે રાજન! કેશવ અને અર્જુન વચ્ચેનો આ અદ્‍ભૂત અને પવિત્ર સંવાદ સંભારી સંભારીને હું ફરી ફરીને હરખાઉં છું. ૭૬.

વળી હે રાજન્! હરિનું તે અદ્‍ભૂત રૂપ ખૂબ સંભાઅરતો સંભારતો મહાઆશ્ચર્ય પામું છું; ને વારંવાર હરખાયા કરું છું. ૭૭.

મારો સ્પ્ષ્ટ અભિપ્રાય છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, અને જ્યાં ધનુર્ધારી પાર્થ છે ત્યાં શ્રી છે, વિજય છે, વૈભવ છે અને અવિચળ નીતિ પણ છે.૭૮.

નોંધઃ યોગેશ્વર કૃષ્ણ એટલે અનુભવસિધ્ધ શુધ્ધ જ્ઞાન અને ધનુર્ધારી અર્જુન એટલે તદનુસારિણિ ક્રિયા, આ બેનો સંગમ જ્યાં હોય ત્યાં સંજયે કહ્યું તે સિવાય બીજું શું પરિણામ હોઇ શકે?

ૐ તસ્તત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિશદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'સંન્યાસયોગ' નામનો અઢારમો અધ્યાય અત્રે પૂરો થાય છે. અનાસક્તિયોગ પણ અત્રે પૂરો થાય છે.

ૐ શાન્તિઃ


આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું એમ ઈચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન જેમને ધર્મને આચારમાં મૂકવાની ઈચ્છા છે તેઓ એ વાંચે, વિચારે ને તેમાંથી શક્તિ મેળવે. -ગાંધીજી