એકતારો/તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી

← આ એક જાનવર ને વિદવાન બીજો એકતારો
તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી
ઝવેરચંદ મેઘાણી
હળવાં હળવાં લોચન ખોલો →



જુદાઈના જંગલમાંથી
O
[ રેખતાની લઢણમાં ]

તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી
મને ફેર મેળાપ કરાવીશ મા !
ને વિદાય દીધી તો ભલે જ દીધી
મને ફેર એ દ્વાર દેખાડીશ ના !



મનમેળ તૂટ્યા તે તૂટ્યા જ રહો
એનાં સીવણ સાંધણ હોય નહિ,
ઉર–-આરસીના ટુકડા જ રહો,
એના રેવણનો રસ હોય નહિ'
ભર્યા ભાણેથી એક જાકાર કહો,
પછી કોળીડે સ્વાદ કો' હોય નહિ,
ફિટકાર દઈ ખમકાર કહો,
રણકાર એને હૈયે હોય નહિ.

૩.


ધર્યો હાથ તે વાર તાળી ન દીધી
પછી તાળી સો વાર દીધી ન દીધી,
‘ચલો સાથ’ વદી જુદી વાટ લીધી
પછી વાટ ચિતાની લીધી ન લીધી;
પીવા અંજલિ એક જો જીવ ડર્યો
પછી હેલ્યની હેલ્ય પીધી ન પીધી,
પેલી રાત દો બાત મીઠી ન કીધી,
પછી લાવન લાખ કીધી ન કીધી.



કરૂં આાશ કેની ? નવરાશ કોને ?
ઊંચે શ્વાસ આ આલમ ધાઈ રહી,
વેરૂં ફૂલ નિસાસાનાં ઘાટ કિયે ?
આંહીં છાતીએ છાતી ભીંસાઈ રહી;
અહીં ઝાંઝરના ઝણકાર પગે પગ,
પાની હીના-રંગ છાઈ રહી,
મારાં ફૂલ નિસાસે બફાઈ રિયાં
અડવા પગ કયાંય દેખાય નહિ.

૫.


અડવે પગ આવ ચલી, શરમા નહિ,
મેંદી પીસી મેં કટોરા ભર્યા,
ઘનઘોર નિરાશાનાં મોતીને ઘૂંટીને
શીતળ મેં સુરમા સંઘર્યા;
બીજાં કાજળ હોય બજારૂ જો નેનોમાં
ધોઈ લે, આ દિલ–હોજ ભર્યા;
બીજી લાલી જો હોય લગી પગપાનીએ
નાખ લુછી, આ લે ઠીકરડાં,

૬.


કવિ કૂડ કહે, કદી માનીશ ના,
એને ગામ ગુલાબોની બાગ નથી;
એના બોલની ડોલરમાળ તણા
એના આાંગણમાં જ સોહાગ નથી;
એના કોકિલ–કંઠ કુહાવનહાર કો
સાખભર્યા ત્યાં ન અંબ લચે,
એની ભોમ ને વ્યોમ વચ્ચે રજ–ડમ્મર
મોત તણા તાતા થંભ રચે.