એકતારો/પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો;
< એકતારો
← થંભો જબાનો, કવિ-ગાન થંભો | એકતારો પુત્રને ઝેરના પ્યાલા, પીવાડી પોઢાજો; ઝવેરચંદ મેઘાણી |
કોણે કહ્યું કાળ વિનાશપ્રેમી ! → |
પુત્રોને ઝેરના પ્યાલા, પિવાડી પોઢાડજો;
બંદૂકો ઝાલતાં પે'લાં, બાવડાં છેદી નાખજો !
વિશ્વની કોટિ માતાઓ ! સંઘરા ક્રંદનો તણા
ખારાં વારિ તણાં ટાંકાં, હજુ શું રહિયાં ઉણાં.
મોં વાળ્યાં, માથડાં ઢાંક્યાં, ધડુસ્યાં છાતી–છાજિયાં;
હજુ યે કેટલાં બાકી, ઉલેચણ આંસુનાં રહ્યાં !
બેટડા જન્મતી કાં તો, માવડી બંધ થા હવે;
કાં તો આંસુ જલાવી દૈ, હુતાશન ચેતાવ હે!
કારમા લોહ–થંભાઓ, ગાળી અગ્નિરસો પીવો !
કોટિકોટાન અંબાઓ ! આંકડા ભીડી નીસરો.
હીંચોળી પારણાં લીધાં : ઝંઝા–જૂથ બનો હવે,
ઝંઝેડો તખ્ત ને તાજો : પ્રલયંકર ચંડિકાઓ હે!
- ↑ *સ્પેનના પ્રજાસંગ્રામ સમયે રચેલું.