ઓ આવે હરિ હસતા
મીરાંબાઈ



ઓ આવે હરિ હસતા

ઓ આવે હરિ હસતા, સજની ! ઓ આવી હરિ હસતા;
મુજ અબળા એકલડી જાણી, પીતાંબર કે'ડે કસતા.

પંચરંગી પાઘા કેસરિયા રે વાઘા, ફૂલડાં મહેલ્યાં તોરા;
માહારે આંગણિયે દ્રાખ બિજોરાં, મેવલે ભરાઉં તાહરા ખોળા.

પ્રીત કરે તેની પૂંઠ ન મેલે, પાસેથી તે નથી ખસતા;
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલો હ્રદયકમલમાં વસતા.