← વિદાય કલાપીનો કેકારવ
એક ભલામણ
કલાપી
વ્હાલીને નિમંત્રણ  →


એક ભલામણ

મુજને પણ ચાહતી કો દી ! પ્રિયે !
દિલ શું પણ ચાંપતી કો દી ! પ્રિયે !
રડતી દુખડાં પણ કો દી ! પ્રિયે !
સુણતી કવિતા પણ કો દી ! પ્રિયે !

કંઈ બોલ કીધો!
કંઈ કોલ લીધો!

સ્મૃતિએ પણ એ ચડશે ન ! પ્રિયે !
અહ ! વીતી ગઈ ભૂલવી જ ! પ્રિયે !
નવી વાત હવે ગમતી થઈ તો, નવી
વાત હવે ગમશે જ ! પ્રિયે !

દુ:ખ દૂર રહો !
સુખમાં વિહરો !

પ્રભુ રાજી રહો તુજ પ્રેમ પરે ! બહુ
માણ અનંત યુગો તું પ્રિયે !
મુજને સુણ કે સ્મ તું ન ! પ્રિયે !
પણ વાત કંઈ વદવી તુજને !

ખીજશે કદિ તું !
હસશે કદિ તું !

પણ એ પણ ઠીક જ છે મુજને !
મુજથી પણ સૌ દુ:ખ દૂર વસે !
તુજ પ્રીતમને હ્રદયે વસતાં, હસતાં
રમતાં બહુ કાલ જતાં,

કંઈ એ કરતાં
હરિકોષ થતાં,

તુજ રૂપ વિરૂપ સહુ બનતાં , પિયુનો
સહુ પ્રેમ કમી જ થતાં,
અહ ! કાંઈ કહે કટુ એ તુજને, મુજ
પ્રેમ તણી કંઈ વાત કરે.

તુજ દિલ બળે,
દુખડાં ઉપડે,

પિયુ એ ત્યજીને કદી દૂર પળે,
જગમાં નવ કોઈ સહાય રહે,
અહ ! તો પણ ના રડજે તું, પ્રિયે!
તુજ ભાઈની ઝૂંપલડી સ્મરજે!

રમણિ ! રમણિ !
ભગિની ! ભગિની !

મુજ ઝૂંપડીમાં સુખ સૌ મળશે,
દુઃખડાં તુજ જ્યાં સુણનાર વસે;
પ્રભુ રાજી રહો તુજ પ્રેમ પરે, બહુ
માણ અનંત યુગો તું પ્રિયે!