કલાપીનો કેકારવ/ચાહીશ બેયને હું

← ત્યાગ કલાપીનો કેકારવ
ચાહીશ બેયને હું
કલાપી
ત્યાગમાં કંટક →


ચાહીશ બેયને હું

તુંને ન ચાહું, ન બન્યું કદી એ,
તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહીં તો નવ કોઈને હું.

આ પુષ્પ છે, આ નદી છે, ઝરા છે,
આ પક્ષીઓ સૌઅ નભમાં ઉડે જે,

તેમાં વહે છે સરખો અનિલ,
અર્પે પરાગે સહુને સમાન.

ના એકને ને ક્યમ એકને તે
અર્પી શકે જે રજ તે ગ્રહે છે?
અર્પે સમાન નહીં તો ન અર્પે;
અર્પે નહીં તે ગ્રહશે નહીં એ.

ક્યાં ચાહવું તે દિલ માત્ર જાણે,
તેમાં ન કાંઈ બનતું પરાણે;
ત્યાં બુદ્ધિના જોરની કૈં ન કારી,
બુદ્ધિ તણો માર્ગ જુદો જ કાંઈ.

આ ન્યાય, આ યોગ્ય, ન પ્રેમ જાણે,
પૂરે વહેવા પડી ટેવ તેને;
ચાહું તને હું વહી તે જ પૂરે,
તેને હું ચાહું વહી તે જ પૂરે.

તે પૂર તે પ્રેમ જ માનજે તું,
તે ખાળતાં પ્રેમ જ ખાળશે તું;
તેને ન ચાહું, તુજને ન ચાહું,
તે ખાળતાં તે પરિણામ મ્હારૂં.

જો ખાળશે એ દિલનો તું માર્ગ,
છૂટી રહેશે પછી બુદ્ધિ માત્ર;
બુદ્ધિ ગણે છે સહુને સમાન,
ત્યાં કોઈની ઉપર કૈં ન વ્હાલ.

ખેંચાણમાં તું મુજને જવા દે,
ખેંચાણ બ્હારે અથવા થવા દે;
ચાહું નહીં તો નવ કોઈને હું,
ચાહું છું તો ચાહીશ બેયને હું.

૧૨-૬-૧૮૯૬