કલાપીનો કેકારવ/તું વિણ મેઘલ વાજસુર !

← ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ કલાપીનો કેકારવ
તું વિણ મેઘલ વાજસુર !
કલાપી
ઉત્સુક હ્રદય →


તું વિણ મેઘલ વાજસુર !

મે'ની જોતાં વાટ, ઉન્હાળો ઉડી ગયો!
પણ ના લીલી ભાત, ત્હારી દેખું - વાજસુર!

બીજાંને મે' આજ, સચરાચર જામી પડ્યો,
પણ ચાતકની જાત, તરસી - મેઘલ વાજસુર!

સ્વાતું ગોતે છીપ, બીજો મે' ખપનો નહીં;
ખપનો એ જ અદીઠ, રાખીશ કાં તું?- વાજસુર!

અણખપિયાંની જાત, ઝાઝી જગમાં સામટી;
જેથી ઠરતી આંખ, તે મે' આઘો - વાજસુર!

હવન કરૂં કે હોમ ? ઉજેણી જોશું કરી!
પણ તુજ સામે જોમ, શું પામરનું ? - વાજસુર!

દેખાડીશ દુકાળ ? ઘેંશું પીને જીવશું!
જપશું ત્હારી માળ, તો એ - આપા વાજસુર!

ના છે કાંઈ ખેડ - મેઘલજી ! અમ લોકની;
તો યે ત્હારી મ્હેર, લીલા લ્હેર જ - વાજસુર!

અબઘડીયે તું આવ ! 'આજ-કાલ' કર મા હવે !
મન ખેતર સોસાય, તું વિણ - મેઘલ વાજસુર!

-૯-૧૮૯૮