← રુરુદિષા કલાપીનો કેકારવ
ત્હારાં આંસુ
કલાપી
તે મુખ →


ત્હારાં આંસુ

રડી શાને વેરે તુજ નયન મોતી અણમૂલાં?
ન દે મીઠા ભાવો જલકણ મહીં આમ વહવા !
ત્હને જે ભાસે છે તુજ હ્રદયના ભાર કડવા,
અરે ! એ તો મીઠા મુજ હ્રદયના લ્હાવ સઘળા !
પ્રિયે ! ત્હોયે તું જો તુજ હ્રદય આવું ઠલવશે,
પ્રતિ બિન્દુ એવું ગણીશ નિરખી એક નજરે !
અકેકે બિન્દુડે દઇશ નવી હું આલમ ત્હને !
નકી એ બિન્દુડાં ટપકી ટપકી વ્યર્થ ન જશે !

૨૮-૩-૧૮૯૭