← તરછોડ નહીં કલાપીનો કેકારવ
પ્હાડી સાધુ
કલાપી
હમારી પીછાન →
અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિમથના The Hermit નામના કાવ્ય ઉપરથી


પ્હાડી સાધુ[૧]

'ભલા પ્હાડી સાધુ ! વિકટ સહુ આ પન્થ ગિરિના,
'તહીં દૂરે દીવા ટમટમ થતા આદરભર્યા;
'મ્હને દોરી જા વા જરીક કહી દે માર્ગ ચડવા,
'તહીં આ પન્થીને શયન વળી કૈં હૂંફ મળશે.

'ભરી ધીમે ધીમે દિવસ સઘળો કલાન્ત પગલાં,
'પ્રવાસી થાકેલો વિધુર ભટકે માર્ગ વિસર્યો;
'અજાણ્યાં સર્વે આ તુમુલ વન સીમા વગરનાં,

'અગાડી જાતાં જે વધુ વધુ દિસે દીર્ઘ બનતાં.

'શિયાળાની રાત્રિ શરદ શરૂ થાતાં ચમચમે,
'ભરેલા તોફાને ગિરિ સહુ અને આ નભ દિસે;
'હજુ છેલ્લી છાયા રવિકિરણની પશ્ચિમ પરે,
'તહીં પેલા શૃંગે શ્રમિત પણ પહોંચી જઈશ હું.

'સરો આ ઊંચાં ના રજની સહ ભેટી હજુ પડ્યાં,
'ગુફાઓ પેલીમાં ઉપર હજુ ના વાદળ ચડ્યાં;
'નથી એ ભૂંસાઈ સુરખી બરફે પૂર્ણ હજુ છે,
'તહીં પેલા સ્થાને શ્રમિત પણ પહોંચી જઈશ હું.'

કહે સાધુ, 'બેટા ! ન કર શ્રમ ને સાહસ હવે,
'તહીં તો ભૂતોની ભયભર બધી ઝાંય સળગે;
'મશાલો લોભાવા તુજ નયનને એ ચમકતી,
'સહુ એ તો જાળો ગિરિ પર રમે તે મરણની.

'હજી ખુલ્લી મ્હારી પથિક સહુને પર્ણકુટી આ,
'બિછાનાં હૂંફાળાં ઝુંપડી મહીં છે ઘાસ પરનાં;
'અહીં જોકે હિસ્સો પ્રભુ તરફનો સ્વલ્પ સઘળો,
'છતાં એ અર્પાતો સદાય ઉરથી સૌ અતિથિને.

'સુખે ત્યારે બાપુ ! રજનીભર આંહીં વિરમજે,
'અહીં જે બક્ષાયું સુખથી તહીં ભાગી પણ થજે;
'ત્હને આપું ચાલો શ્રમહર કંઈ ભોજન, અને
'બિછાનું વિશ્રાન્તિ, મુજ ઉર તણી આશિષ વળી.

'અહીંનાં કૂદન્તાં હરિણ સહુ સ્વચ્છન્દ રમતાં,
'જનોને ધીરીને બતક તરતી જેલમ મહીં;
'સુખે પક્ષી આંહીં દિવસભર કલ્લોલ કરતાં,
'હથેળીમાં બેસી ચણ લઈ જતાં બુલ્બુલ કંઈ.

'છુરી નીચે પ્રાણી કદિ પણ અહીં ના તડફતાં,
'બહુ વેળાથી છે મુજ હૃદયને ત્રાસ હણતાં;
'કૃપાલુ શક્તિ જે મુજ પર દયાથી વરસતી,
'દયાલુ થાવાને તહીંથી મુજને શિક્ષણ મળ્યું.

'નહીં પાળી એવું ગિરિ ઉપરનું ભોજન ધરૂં,
'વિશાળું નીલું આ ફલફૂલભર્યું છે વન બધું;

'વહી જાતી ગાતી શીતલ જલ દે જેલમ અહીં,
'અને આ ક્યારાનું ઝરણ સઘળાં પોષણ કરે.

'પ્રવાસી ! ઠેરી જા, ફિકર કર તું દૂર સઘળી,
'બધી જૂઠી ચિન્તા જનહૃદયને આ જગતની;
'અપેક્ષા લોકોને અતિ લઘુ તણી આ તલ પરે,
'અને તે એ ના ના ચિર સમયની ને મળી રહે.'

હવે ધીમે ધીમે મધુર જ્યમ આ ઝાકળ ખરે,
મુખેથી સાધુને નરમ ત્યમ એ સુસ્વર ઝરે;
પ્રવાસી સાધુની ઝુંપડી ભણી ધીમે અનુસરે,
અને એ લજ્જાળુ શ્રમિત મુખડું નમ્ર નમતું.

વિસામાની મૂર્તિ નિજ પથ ભૂલેલા પથિકને,
કનેના દીનોને સહુ સુખભર્યા કલ્પતરુ શું,
છુપાયેલું દૂરે વિજન સ્થલ નિદ્રસ્થ દિસતું,
તહીં કુંજોમાં આ દ્રુમવર નીચે આશ્રમ રહ્યું.

નિશાની ભીતિની કશી ય હતી ના દ્વાર ઉપરે,
ન સ્વામીચિન્તાની જરૂર હતી એ આશ્રમ મહીં;
જરી ઠેલ્યે દ્વારે સ્વર કરીને નિમન્ત્રે અતિથિને,
અને દે આ જોડી ઝુંપડી મહીં નિર્દોષ પગલાં.

હવે ઉદ્યોગી આ સહુ જન વળે છે નિજ ગૃહે,
કુટુમ્બો જ્યારે સૌ નિજ ઝુંપડીઓમાં મળી રહે,
જગાવી ત્યારે એ શગડી નિજ સાધુ હસમુખો
ઉદાસી પોતાની અતિથિઉરને સાન્ત્વન કરે.

ધરે છે તે પાસે ફલ ફૂલ સહુ શીતલ, અને
જરા કૈં લેવાને નિજ અતિથિને આગ્રહ કરે;
કલાકો લાંબા બે વ્યતીત કરવા ગમ્મત મહીં;
મજીરાંની સાથે સ્વર શરૂ કરે છે ભજનના.

સૂતેલો જાગીને શુક મધુર આલાપ કરતો,
લવી થોડા બોલો ફરી સ્થિર થઈને સૂઈ જતો;
દિવાલે છુપાઈ કંઇક તમરૂં ત્યાં તમતમે,
ઉડન્તા અંગારા શગડી પર પાસે તડતડે.

ન દર્દો કિન્તુ કૈં નરમ બનતાં તે અતિથિનાં,
કશું યે એ ચ્હેરે સુખની ચિનગી ના પ્રકટતું,
ગમી ભારે કોઈ તરુણ હૃદયે વાસ કરતી,
અને અશ્રુ મ્હોટાં ટમટમ ખરે ગાલ પરથી.

ગમીને સાધુનું હૃદય દ્રવતું ઉત્તર ધરે,
અને ઢોળે ઠંડું નિજ ઉર જરી એ દવ પરે;
કહે 'બાપુ ! ક્યાંથી તુજ દુઃખ અરે ! આ ઉર મહીં ?
'વૃથા શાને આવા કટુ રુદનનું સેવન કરે ?

'કહે ! ત્હેં શું ખોયો જગત પરનો વૈભવ બધો ?
'અરે શું કો આશા તુજ જિગરમાં વા તડફડે ?
'ન શું વા મૈત્રીમાં તુજ હૃદય પામેલ બદલો ?
'મનોયોગી પ્રેમે અગર નવ શું આદર મળ્યો ?

'અરે ! આનન્દો જે જગત પરની સમ્પદ ધરે,
'ભલા ભાઈ ! એ તો ક્ષયમય અને તુચ્છ સઘળા;
'અને જે ભોળા એ ચપલ લઘુતા ઇષ્ટ ગણતા,
'અરે બેટા ! તે તો લઘુતર નકી પામર બધા.

'જહીં આશાદીવો તહીં જરૂર અન્ધાર રજની,
'વધુ જ્યાં એ ખીલે તિમિર વધુ ત્યાં ગાઢ જ નકી;
'નવાં દર્દો કાંઈ નવીન ભડકાઓ જગવતાં,
'અજાણ્યાંને અન્તે મરણશરણે છેક ધરતાં.

'અને એ મૈત્રી એ તો જરૂર ઉરને મુફ્‌ત જ ધ્વનિ ?
'સુવાડી દેવાનું મધુર પણ એ છેક સ્વપનું;
'જહીં કીર્તિ લક્ષ્મી તહીં જ નકી એ છાંય ફરતી,
'ત્યજી રોતાં વ્હેતાં રુધિરમય કંગાલ નયનો.

'ગુહા પ્રીતિની તો હજુ ય વધુ ખાલી રસિકતા,
'અરે ! બાલાઓનાં કટુ અટકચાળાં મશકરી;
'અહીં પૃથ્વી પાસે કદિય વસનારી ન દ્યુતિ એ,
'હશે તો માળામાં ચકવીચકવાના સ્વર મહીં.

'અરે ! મુગ્ધ પ્રેમી ! બસ શરમની ખાતર હવે,
'અવજ્ઞાથી ફેંકી દૂર જ કર સ્ત્રીના સ્મરણને,'

પરંતુ આવું એ અતિથિ સુણતાં કૈં કમકમે.
કપોલે ને ભાલે અરુણમયતા કો રમી રહે.

ઉષાની લાલી શા ચપલ મૃદુ ને રંગ નવલા
ધરે એ ચ્હેરાની ઉપર ચટકીદાર બુરકો;
ઢળેલાં નેત્રો છે અધર અધમીચ્યાં જલભર્યાં.
અને એ ખૂણામાં પલપલ ચડે રક્ત ફરતું.

જરા નીચી ભીરુ શરમભર દૃષ્ટિ નયનની,
નીચે ઊંચે ધ્રૂજી દરદમય છાતી ઉપડતી,
બતાવી દે ખુલ્લી અતિથિઉરની એ સ્થિતિ, અને
કહી દે કન્યાનું મનહર મૃદુ મંજુલપણું.

અને બાલા બોલે, 'જરૂર અપરાધી પથિક આ,
'પ્રભુ ને તું આંહીં નિશદિન સદા વાસ કરતાં,
'તહીં સ્ત્રીનાં આવાં મલિન પગલાં આમ ધરતા,
'અરે ! ત્હારા આવા અપટુ અતિથિને કર ક્ષમા.

'અરે આ કન્યા જે ભટકવું શીખી છે પ્રણયથી,
'ભલા સાધુ ! તેની ઉપર કરુણાનાં દૃગ ઘટે;
'સદા જે શોધે છે રખડી ફરતાં શાન્તિ ઉરની,
'નિરાશાનો જેને પણ નિજ પથે સોબતી મળે.

'દૂરે ગંગાતીરે મુજ પ્રિય હતા તાત વસતા,
'પ્રજામાં તેને હું કમનસીબ આ એક જ હતી;
'મ્હને એ મ્હેલ્લામાં મધુર ગણતાં સૌ રમકડું,
'અરે ! બાલ્યાવસ્થા મધુર પણ થોડા દિવસની.

'પછી આકર્ષીને નિજ કર મહીં તાતકરથી,
'મ્હને લેવા કૈં એ મુજ સહ યુવાનો ફરી રહ્યા;
'હતા શ્લાઘાના કૈં સહુ દિશ ઉગેલા ચમન, ને
'સુગન્ધી પુષ્પો એ તહીં કંઈ હતાં મ્હેક ધરતાં.

'હતા આ નેત્રોને શશીરવિ સહે કોઈ કથતા,
'હતા મૂર્ચ્છાના એ કંઈક વળી વેષો ભજવતા;
'બતાવી જાતા કો પ્રણયચિનગી કૃત્રિમ, અને
'હશે ક્યાં ક્યાં થોડો રસ પણ રસીલો ટપકતો.

'હતો બીજા સાથે પણ રસિક કો 'કાન્ત' નમતો
'રહેતો દૂરે ને પ્રણય તણી ના વાત વદતો;
'હતી તેની છાતી મુજ તરફ છાની ધડકતી,
'છતાં એ નિઃશ્વાસો નયન કહી દેતાં ઘડી ઘડી.

'હતાં તેની પાસે નહિ નહિ કશાં દ્રવ્ય ન ઘરો,
'હતાં હીરા મોતી નહિ નહિ કશાં ભેટ ધરવા;
'હતાં તેની પાસે નરમ ઉર ને એક ફુલડું,
'છતાં એવું એનું મુજ જિગરને તો સહુ હતું.

'પ્રભાતે પુષ્પો જે રવિકિરણને ઝાકળ ધરે,
'તડાગે જે પેલાં કમલ રજ અર્પે ભ્રમરને;
'નકી ત્યાં યે ક્યાં યે નહિ વિમલતા વા મધુરતા,
'અહો ! જે તેના એ મૃદુ ઉરની સ્પર્ધા કરી શકે.

'હતી એ હૈયામાં ઝરણ સઘળાંની સતતતા,
'હતી એ હૈયામાં પ્રભુહૃદયની આર્દ્ર પ્રભુતા;
'હતું આ હૈયું એ ગળી જઈ જ આધીન બનતું,
'હતો પાપી કિન્તુ મુજ ઉર મહીં તોર દૃઢ કૈં.

'પરીક્ષાની મેં કૈં અતીવ અજમાવી તરલતા,
'અભિમાની કીધા નવીન સહુ દુરાગ્રહ સદા;
'અરે ! એનો જુસ્સો મુજ જિગરને સ્પર્શ કરતો
'ગણ્યો ત્યારે તેના દરદ મહીં મ્હારો જય હતો.

'વિષાદે થાકેલો મુજ પુરુષ નિન્દા ઉપરથી,
'ગયો એ તો અન્તે ત્યજી મુજ ગરૂરી મહીં મ્હને;
'અરે ! તેણે શોધ્યો નિરજન નકી વાસ વનમાં,
'જહીં એ એકાન્તે ભટકી હિજરાઈ મરી ગયો.

'ગમી કિન્તુ એ તો મુજ હૃદયની, દોષ મુજ એ,
'પ્રભુ ને હું તેનો જરૂર લઈશું પૂર્ણ બદલો;
'તળું પૃથ્વીનું એ રખડી રખડી ઢૂંઢીશ, અને
'જહીં એ સૂતો ત્યાં મુજ અવયવોને ધરીશ હું !

તહીં સંતાડી આ વદન મુજ પાપી ઝૂરી ઝૂરી
'નિરાશામાં ડૂબી જિગર મુજ ચીરી મરીશ હું !

'અરે ! હું કાજે તે હૃદય કરતું એ સહુ ગયું,
'અને તે કાજે તે કરીશ સઘળું હું પણ નકી.'

'પ્રભુ વારે એ સૌ,' ચમકી લવી સાધુ હૃદયથી
'લપેટે કન્યાના ધડધડ થતા એ હૃદયને;
'ધગી ક્રોધે વાંકાં નયન કરતી લાલ લલના,
'પરન્તુ ભેટીને સુભગ નકી આ કાન્ત જ લવે :

'અહો ! કાન્તે ! કાન્તે મુજ હૃદયની મોહની : પ્રિયે !
ત્હને ને પ્રીતિને તુજ ફરી અહીં કાન્ત મળતો !
'અહો ! જે ખોવાઈ નિજ ઉરની ધૂણી પર વસ્યો,
'ફરી લે, લે, લે એ કર મહીં દીવાનો પ્રણયનો.

'સદા ર્‌હેવા દેજે તુજ ઉર જડેલું મુજ ઉરે,
'બધી ફેંકી દેજે ફિકર તુજ મીઠા હૃદયની;
'જુદાઈ ના ના ના કદિ પણ હવે હો, રસિકડી !
'હવે સ્વીકારી લે જીવન મુજ, મ્હારૂં સહુ, પ્રિયે !

'અરે ! જૂદાઈ એ સ્વર પણ હજો ના શ્રવણમાં,
'હજો દૂરે દૂરે કટુ કટુ વિરાગે જિગરથી;
'હજો ત્હારી છાતી અચલ ધ્રુવ શી સ્નિગ્ધ સરલે,
'અહો મ્હારા ઘેલા વિમલ નભ શા આ ઉર પરે.

'નિસાસો મીઠો જે તુજ ઉર મહીં છેદ કરતો,
'હવે રેંસી દેશે તુજ ઉર તણા કાન્ત‌ઉરને;
'હવે ત્હારાં અશ્રુ વિમલ ઉરના જે ઉમળકા,
'કપોલેથી ચૂસી અધર મુજ આ સાર્થક થશે.'

ગયેલો છે છૂટી શરીર પરથી છેક કબજો,
અને એ બન્નેનાં થડકી ઉર ધ્રૂજે અવયવો;
અહો ! તૃપ્તિ તૃપ્તિ સજલ નયને એ વરસતી,
અને પ્રેમી સાધુ ઉરની નિજ લ્હેરી ઠલવતો :

'પ્રિયે ! કાન્તે બાલે ! ઘડમથલ સૌ દૂર તજશું,
'અહીં આ કુંજોમાં પ્રણયરસનું સ્વર્ગ રચશું;
'હવે ના તે જૂદા જગત તણી વાતો ય કરશું,
'અહીંની વસ્તીમાં તુજ મુખ અને હું બહુ હશું.

'ફુવારા હૈયાના પ્રણયઝરણે એક કરશું,
'વનોમાં આનન્દે કર કર મહીં લેઈ ફરશું;
મ્હને તુંને સાથે ઉર પર કંઈ એક રમતું,
'સદા પૂજીશું તે હૃદયગળણીથી નિશદિને.

'સૂતેલા આનન્દો મધુર સ્વરથી સૌ જગવશું,
'અહીં વીણા છે ને સ્વર પર કૂદે તે મૃગલીઓ;
'વિયોગોના ભીના કરુણ મૃદુ ગાઈ સ્વર બધા
'રસે ધ્રૂજન્તાં આ ઉર લપટવા છૂટ કરશું.

'પ્રભુ ખોવાયેલો મુજ હૃદયને જે મળી ગયો,
'સદા તેને મ્હારાં નયન પર રાખીશ તરતો;
'વળ્યો આત્મા મીઠો મુજ જિગર ખોખા મહીં ફરી,
'હવે તેને કંઠે કબજ કરી રાખીશ રમતો.'

૨૬-૧૦-૯૭

  1. *અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિમથના The Hermit નામના કાવ્ય ઉપરથી