કલાપીનો કેકારવ/વિના કૈં પાપ પસ્તાવું

← મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટીથી ખેસવતાં કલાપીનો કેકારવ
વિના કૈં પાપ પસ્તાવું
કલાપી
ત્યાગ →


વિના કૈં પાપ પસ્તાવું

વિના કૈં પાપ પસ્તાવું નસીબે આ લખાયું છે!
ફરી પસ્તાઈ એ ફન્દે ફસાવાનું લખાયું છે!

તહીં છે ઈશ્કની મેના, જિગર મારું પડ્યું તેમાં;
પરંતું પાંખ એ તેની નસીબે દૂર છે ઠેલી!

અહીં છે ઇશ્કનું પિંજર, પુરાઈ પાંખ છે જેમાં;
હવાલે તે તણે ગાળી રહીને જિન્દગી જેમાં.

નવી, નીલી અને કુંળી ઊગી તે પાંખ ઊડે છે;
અને એ પાંખને જોરે જરા પિંજર તૂટેલું છે.

ન તુટે એ, ન ઊડે આ, અને છોડે પછાડાના;
ગળે બાઝી રહ્યું પિંજર, દિલે બાઝી રહી મેના!

ભલે તું ગીત ગા, મેનાં, ભલે તું રોઈ રહે, મેનાં!
'વિના કૈં પાપ પસ્તાવો', કહું હું બોલ શેં એવા?

અરેરે! કેદખાનામાં મને આ ઈશ્ક સૂઝ્યો ક્યાં?
ખુદાએ નૂર બતલાવી દિલે ચિનગી લગાડી કાં?

ન જોયું કૈં અગાડીનું! ગયો ભૂલી પછાડીનું,
અને ગાફેલીએ વ્હોર્યું વિના કૈં પાપ પસ્તાવું!

૯-૬-૧૮૯૬