ગંગા - એક ગુર્જર વાર્તા/એલ્ફીન્સ્ટન કૉલેજ

← કમળીના વિચાર ગંગા - એક ગુર્જર વાર્તા
એલ્ફીન્સ્ટન કૉલેજ
ઇચ્છારામ દેસાઇ
૧૯૨૮
ઘરમાં તો જેમનું તેમ જ →


પ્રકરણ ૧૧ મું
એલ્ફીન્સ્ટન કૉલેજ

વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ વિશેષ સાનુકૂળ કરવા માટે, એલ્ફીન્સ્ટન કૉલેજમાં જોઇતી સગવડ છે; અને ચાર કે પાંચ વિદ્યાર્થીઓ એકઠા રહીને પોતપોતાનો બંદોબસ્ત કરી લે છે. રહેવાને માટે કૉલેજના મકાનમાં છેક ઉપર કેટલાક ઓરડા છે. એકેક એરડામાં બે બે વિદ્યાર્થીઓ રહે છે. આ કૉલેજમાં શીખવાને માટે ભોંયતળિયે કેટલાક ક્લાસો છે. તેમ જ કૉલેજના મકાનની આસપાસ કેટલીક ફાલતુ એારડીઓ છે, પરન્તુ તેમાં હિંદુ લોકોને અનુકૂળ રહેવાની સોઈ નથી.

બરાબર સવારના નવ વાગ્યા હતા. કિશોરલાલની પરીક્ષાનું પરિણામ આગલે જ દિવસે માલમ પડ્યું હતું. તે જો કે પરીક્ષાની મહેનતથી થાકીને કંટાળી ગયો હતો, તથાપિ તેનું પરિણામ પોતાના લાભમાં ઉતર્યું તેથી ઘણા આનંદમાં હતો. ઉઠીને સ્નાન કીધા પછી પોતાની પ્રિયાને તથા પિતાને પત્ર લખવાનો વિચાર કરતો કૉલેજના કમ્પાઉન્ડમાં ફરતો હતો. પણ તેટલામાં ટપાલવાળાએ આવીને પૂછ્યું કે, “કિશોરલાલ મોહનચન્દ્ર કોણ છે ?” એકદમ કિશોરે સિપાઇના હાથમાંથી કાગળ લઈ તેનો જાણે ઉપકાર માનતો હોય તેમ જણાવી કાગળ ફોડ્યો, ને પોતાની પ્રિયાની પ્રેમપત્રિકા જોઈને તે ઘણો આનંદ પામ્યો.

ગંગાએ ઘણા દિવસ સુધી કાગળ માટે રાહ જોઇ, પણ જ્યારે પત્ર નહિ આવ્યો ત્યારે બે ત્રણ વાર પત્ર લખવાનો વિચાર કીધો, પરન્તુ ઘરકામમાં તે એટલી બધી ગુંથાઇ ગઇ હતી કે જ્યારે લખવાનો વિચાર કરે ત્યારે લીટી બે લીટી લખી કે તરત વિક્ષેપ આવતો હતો. તથાપિ જ્યારે એના જાણવામાં એમ આવ્યું કે પરીક્ષાની ફિકરથી તેનો પ્રાણપ્રિય પતિ મોકળો થયો છે ત્યારે રાતના બાર વાગતા સુધી બેસીને આ પત્ર તેણે ચિત્રી કહાડ્યો હતો !!

કિશેારે પત્ર ફોડતાં ફોડતાં ઘણી ઉતાવળ કીધી. એક ઘણો પ્રેમાતુર પતિ પોતાની પ્રિયા સંબંધી સમાચાર જાણવાને જેટલો ઉત્સુક થાય તેનાથી વધુ આતુરતાથી તેણે તે પત્ર ફોડ્યો ને વાંચવો શરુ કીધો:-

“પરમપ્રિય નેત્રમણી પ્રાણનાથ,

તુકડો કાગળ લખવાની હમણાં પ્રિયને ફુરસદ હશે નહિ. પરંતુ જરા આપે રંક દાસીને લક્ષમાં લીધી હોત તો જે આનંદ પ્રાપ્ત થાત તે અવર્ણનીય થઇ પડત. મારી સ્થિતિ માટે કોણ જાણણહાર છે કે જે બરાબર રીતે જાણી શકે ? હું ત્રિવિધ તાપે સિઝાઉં છું, ને આ મનને આપની જ લગની લાગી છે. તેથી મને કંઇ પણ સૂઝતું નથી. જ્યાં ને ત્યાં હવે તો તમારું જ દર્શન થાય છે. ક્ષણિક બુદ્ધિવાળી દાસીને આ લખવા માટે ક્ષમા કરશો. ઘરના રંગ ઘણા બદલાઇ ગયા છે. ઘરમાં મીઠાસ નથી; ને બારે પહોર ને બત્રીસ ઘડી મેાટી બેહેન, ભાભીજી વગેરેનો ઝઘડો ચાલુ જ છે. નકામાં તૂત વારંવાર ઉભાં થાય છે. સૌને ઘણો સંતાપ છે, તેથી તમે આવીને નિવેડો લાવો. મને ઝાઝી ફિકર માત્ર આપની છે. હું શરીરે સર્વ પ્રકારે આરોગ્ય છું. તમને હવે શરીર સંબંધી સુખ થયું હશે. મોટી બેહેન માટે શો વિચાર કીધો છે? અજાયબ જેવું એ છે કે તે સંબંધી તમે તથા તમારા મિત્ર મોતીલાલે કંઇ પણ કરવા અતિશય આગ્રહ બતાવ્યો હતો, ને કંઇ પણ કરવા કહ્યું હતું, પરંતુ હજી સુધી કંઇપણ થયું નથી. પ્રિય કરવામાં તમે તત્પર છો, ને તમને ઘણું લાગે છે, તો હવે શો ઉપાય કરવો? યથાયોગ્ય યત્ન આપે કમળી બેહેનના ક૯યાણ માટે કરવો જોઇયે ! એ પ્રમાણે આપે કરવું છે કે નહિ તે જાણવાને માટે મોટી બેહેન ઘણાં આતુર છે, ને તેઓ ક્ષણે ક્ષણે વિવેકથી તમારી તરફના પત્રની રાહ જુએ છે. મારા માટેની આપ જરા પણ ફિકર ચિંતા કરતા નહિ. હું સર્વ રીતે આરોગ્ય છું. તમારાં દર્શનથી વિશેષ ખુશાલી જેવું શું છે? આપ પ્રાણનાથથી મને પ્રિય અને આપની ચરણસેવાથી વધુ શું જોઈએ છે ? પ્રિયના કુશળ સમાચાર જાણવાને ચાતકપેરે આતુર છે,

આપની ચરણરજ દાસી,

ગંગા.


કાગળ વાંચી રહ્યા પછી કિશોરને આનન્દ ને ખેદ બન્ને સાથે પ્રાપ્ત થયાં, ઘરની હાલત છેક જ કથળી ગઇ હતી, તેથી હવે ઘરમાં મઝીયારો બરાબર સચવાય તેવું એને ભાસ્યું નહિ. તેમાં કોઇની કશી કસુર નહોતી, પણ પોતાની માતાની જ કસુર હતી. પણ ઉપાય શું ? તે નિરુપાય હતો. એનાથી એક પણ શબ્દ બોલાય તેમ નહોતું. એને અતિ ઘણો સંતોષ પોતાની પ્રિયાના સંબંધમાં હતો. તે હંમેશાં જ એના સુખમાં આનન્દ માનતી હતી, ને તેથી આટલું પણ એણે લખ્યું તે ન છૂટકે લખ્યું હશે એમ કિશોરે સારી રીતે જાણ્યું.

યુનીવર્સિટીની ડીગ્રી (પદવી) લીધા પછી એને સુરત જવાનો વિચાર હતો પણ તેટલામાં મુંબઇમાં નોકરી મળે તો તે મેળવવાની ને હવે મુંબઇમાં જ રહેવાની એની વધુ મરજી હતી. પ્રિયાના પત્રનો પ્રત્યુત્તર લખવાનો વિચાર સ્થાયી થયા પછી હતો. શો વિચાર નક્કી કરવો તેટલા માટે મોતીલાલની પાસે તે ગયો, ત્યારે તે પણ પત્ર વાંચતો હતો. તરત જ આ પત્ર મોતીલાલે કિશોરના હાથમાં આપ્યો, જેમાં બીજું કંઇ નહોતું, પણ મોતીલાલે જે જે કહ્યું હતું તે બાબતમાં શા વિચાર હતા તે જાણવાને કમળીએ મરજી બતાવી હતી. કમળીના શબ્દ ઘણા નમ્ર વિનયવંત ને આર્જવવાળા હતા. તેમાં એવી તો નિરાશાની સાથે વિનતિ કરવામાં આવી હતી, કે જો સૃષ્ટિનું અવલોકન કરનાર પ્રાણી તેના ઉંડાણમાં ઊતરીને જોય તો તેને એ પત્રમાંથી ઘણો ચમત્કારિક ભાગ માલમ પડ્યા વગર રહે નહિ. ઘણી ઊંડી નિરાશાનાં દુ:ખોથી આ પત્ર લખાયો હતો. તેમાં પ્રેમવાણીનો એક પણ શબ્દ નહોતો, તેમ પોતાના હૃદયની લાગણી શું છે તે પણ બતાવામાં આવી નહોતી, પરંતુ સ્ત્રીના યોગ્ય ધર્મ રહીને અને પૂર્ણ પ્રૌઢ વિચારથી પત્ર લખાયો હતો, ને વાંચતાં વાંચતાં ત્રણવાર મોતીલાલનાં નેત્ર અશ્રુથી ભીંજાયાં હતાં.

મોતીલાલ ઘણા કોમળ હૃદયનો હતો, તેમાં તે જ્યારે સ્ત્રી કે કોકનાં દુ:ખ સાંભળે કે જોય ત્યારે તે પીગળીને નરમ ઘેંશ થઈ જતો હતો. કમળીને નિરાશા ને તેના અંત:કરણની ઉમેદનું ભાંગી પડવું વેદના સંબંધી યાદ કરતો હતો, ત્યારે આ સુશીલ પુરુષને મૂર્છા આવી જતી હતી. એ પોતે ખરી લાગણીથી નિ:શ્વાસ મૂકતો હતો, ને વખતે પોતાના દરજજાને વિસરી જઇને ઘણી વેળા એ અમાનુષિક વૃત્તિથી પોતાનો અબળા જાતિ પ્રત્યે આ અવિનય જોઇ તિરસ્કાર કરતો હતો. ક્વચિત્ ક્વચિત્ કમળીને ફરિશ્તા કે દેવી તરીકે જોઈ હતી, અને કિશેાર પણ ટેકો આપતો હતો. બાળપણથી તો નહિ પણ લગભગ બે ત્રણ વર્ષ થયાં એ કમળીને જોતો હતો, ને તેના ચરિત્રનું અવલોકન કરી જતાં એને એટલી બધી તો તે મનોહર, મીઠી, નિર્દોષ, વેધક, સાદી, શહાણી, નાજુક ને વિનયવાળી, અને ઉપલી ટાપટીપ કરતાં આભ્યંતર સદ્‌ગુણથી ભરેલી જોઇ કે એના મોઢા સમક્ષ મૂર્તિ રમવા માંડી. જે મૂર્તિનું એને હમણાં લક્ષ લાગ્યું હતું; તેમાંએ પોતાના સમુદાયમાંનાં હજારો સંસાર કુટુંબ એણે જોયાં, પરંતુ કોઇપણ કુટુંબમાં કમળી જેવી સુંદરી એના જોવામાં આવી નહિ. ને માટે વિચાર કરતાં તેને ઘણો સંતાપ થયો કે, એક પૂજ્ય પવિત્ર તરફ એ ઘણો બેદરકાર થયો, તે એટલે સૂધી કે પોતાની ના કલ્યાણ માટે જેટલી કાળજી એણે પહેલાં રાખી હતી તે સધળી ભૂલી ગયો ને પોતાની એક પવિત્ર ફરજ અદા કરવામાં એ પાછળ હતો. પણ ઈશ્વર સન્માર્ગે વર્તવાનો સદોદિત ઉપદેશ આપે છે, ને તેમ જ આ સંબંધમાં બન્યું છે, એથી આ વેળાએ બંને મિત્રો પોતાની ભવિષ્યની ચિંતા સંબંધી ભૂલી ગયા ને આજ અગત્યની વાત પર મંડી ૫ડ્યા. “હમણાં તેની કેવી દુ:ખદ અવસ્થા હશે ?” મોતીલાલે કિશેારને પૂછ્યું, “આપણા સંસારપર પૂળો મૂકવો જોઇયે, કે બાપડી નાજુક કળીઓને આમ સહજમાં સૂકવી નાખવામાં આવે છે. માબાપો પોતાના બચ્ચાંનું સુખ કે દુઃખ કંઇ જોતાં નથી ને એકદમ રુઢીબંધનને વળગીને ઝંપલાવે છે, ને તેનું પરિણામ પોતાનાં વહાલામાં વહાલાં બચ્ચાંની જિંદગીના ઘણા ઝુરાપામાં આવે છે.”

“ખરેખર, એ સઘળું ગમે તે હોય, તથાપિ આપણે તેનો નિકાલ કરી શકવાના નથી.” મોતીલાલના મનમાં જે જે થતું હતું તે સધળું જાણીને તેના વેગને અટકાવવા કિશેાર બેાલ્યો. "તમે જાણો છો કે આપણાં બંધનો ઘણાં જૂનાં છે, ને તે સહજ તોડવાં મુશ્કેલ છે પરંતુ આ બંધનો ધીમે ધીમે તૂટી જાય તેવા ઉપાયો આપણે યેાજવાની ઘણી જરૂર છે ?”

મોતીલાલને જો કે આ રુચ્યું નહિ, તે પણ લોકસ્થિતિ કેવી છે અને વેહેમી બંધનો કેટલાં જડ ઘાલીને બેઠાં છે, તેનો જ્યારે ખ્યાલ કીધો ત્યારે કિશેારના બોલવાની જોઇતી અસર થઈ, તેણે તરત જ પોતાના વધુ વિચાર બતાવવા બંધ પાડ્યા, ટેબલપર માથું નીચું નાખીને મોતીલાલ ઘણેક દરજ્જે નિ:શ્વાસ મુકતો બેઠો. આ વેળાની તેની મનસ્થિતિ સ્થિર નહોતી. તેને કંઈ પણ ગમતું નહોતું. તેને પોતાની દૃષ્ટિ સમીપ કમળીની મૂર્તિ કોતરાઇને રમણ કરતી જણાઇ.

સૂક્ષ્મદૃષ્ટિથી વાંચનારને માલમ પડશે કે કમળીની તરફ આજ વેળાથી મોતીલાલના પ્રેમની જડ છૂપી રીતે રોપાઇ - જો કે તે બાબતથી મોતીલાલ પોતે જાતે પણ અણવાકેફ હતો. પહેલે તો તેને લાગ્યું કે આવી સદ્ગુણી સ્ત્રીપર જે વિડંબના પડે છે તે નહિ ખમાય તેવી છે. પરંતુ આ દયાની લાગણીમાં પ્રેમભાવ સહજ સહજ રસળ્યા કરતો હતો, તેનું એને ભાન હતું નહિ. કમળીના મનમાં પત્ર લખ્યો ત્યાં સુધી મોતીલાલ સંબંધી કંઈ વિચાર જ નહોતો. પ્યારની વલણ કદાપિ પુરુષ તરફથી લેવામાં આવે છે ને કદાપિ સ્ત્રી તરફથી પણ લેવામાં આવે છે. પ્રથમ સ્વચ્છ અંતરમાં પ્યારનો રોપો જાણી બુઝીને રોપવામાં આવતો નથી, પણ કુદરતી જ તે ફુટી નીકળે છે. આ બંનેના મનમાં એકદમ જ એકી વખતે પ્યારે ઘર કીધું હતું, જે તે બંનેને જરા પણ માલમ નહોતું.

કિશોરલાલ સાથે વાતચીત કર્યા પછી મોતીલાલ ઘણો દિલગીર થઈ ગયો. શું કરવું તે એને સૂઝ્યું નહિ, ને તેજ ક્ષણે એના મનમાં એમ પણ આવ્યું કે આવી બાબતમાં કેવો પ્રતિઉત્તર લખવો તે પોતાની મરજી પર જ રાખવું. તેથી કિશેારની સલાહ લીધી નહિ. કિશેાર થોડી વાતચીત થયા પછી ઉઠી ગયો, ને બપોરના મોતીલાલે તથા કિશેારે પત્ર લખ્યા. મોતીલાલે જો કે સ્વચ્છ અંતરથી પત્ર લખ્યો હતો, તથાપિ તેમાં જ્યાં ત્યાં છુપો પ્રેમ રસળતો જણાતો હતો; પત્ર વ્યવહાર ઘણા વખત સુધી ચાલુ રહ્યો, ને તેમાં ધીમે ધીમે એકમેકનો પ્રેમ વધતો ગયો. બન્ને જણનાં દિલમાં આવ્યું કે જો આપણું જોડુ બંધાય તો સુખમાં કંઇ ન્યૂનતા નહિ રેહે, તથાપિ બન્ને જણ એમ પણ માનતાં હતાં કે ગમે તેમ થશે તો પણ કદીએ આપણી ઇચ્છા પાર પડવાની નથી, આટલું છતાં બન્ને જણાંએ બને તેટલો યત્ન કરવાના ઠરાવ પોતપોતાના મન સાથે કીધો, જો કે પત્રમાં એકેએ એ સંબંધી એક પણ શબ્દ દર્શાવવાની હિંમત પણ કીધી નહિ, કમળી આવી બાબતનો વિચાર જણાવતાં બીધી કે રખેને મોતીલાલ મને બેહેન પ્રમાણે ગણીને સલાહ આપતા હોય ને તેમાં જો આવી રીતે મારા તરફથી અવિવેક બતાવવામાં આવે તો તેનો મારી તરફ ઘણો તિરસ્કાર છૂટે ! એટલું જ નહિ પણ મને મદદ આપતો પણ અટકી પડે, ઘડીકમાં તે વિચાર કરતી કે “એક ભવમાં બે ભવ શા માટે કરવા ? મારે તો સંન્યસ્ત લેવો ને હું તો જોગણ થઇને મારી જીન્દગી ગાળીશ ! સદગુણી સ્ત્રીએ પોતાનું શિયળ સાચવવું જોઇયે. પરણીને શું વિશેષ સુખ ભોગવીશ ? નસીબમાં જે લખ્યું હોય છે તે કોઈ મિથ્યા કરી શકતું નથી.” તે મનની સાથે વખતે બોલતી કે, 'નહિ નહિ ! મારા મનમાંથી વળી લગ્નનો ખ્યાલ જ કાઢી નાખવો જોઈયે, હું એક ભવમાં બે ભવ કરવાની નથી ! સાધુડી થઇશ ! જોગણ વેશે ફરીશ ! પણ મારા તરફ લોક આંગળી કરે તેમ નહિ થવા દઉં ! રે દુર્દેવ ! તેં આ ઘેલો વિચાર મારા નિર્દોષ મનમાં કેમ આવવા દીધો છે ? શિયળવ્રત ! પતિવ્રતાપણું ! બસ તેને જ વશ થઇશ. મારે સઘળી સ્ત્રી પ્રમાણે વર્તવું જોઇએ, ને મારાં માબાપના કુળને લેશ પણ હીણું લાગે તેવું આચરણ કદી પણ કરવું નહિ. જે નિર્માણકર્તાએ નક્કી કીધું છે, તેને વશ વર્તવામાં જ શોભા છે. ઘણી સ્ત્રીઓના પતિ મરણ પામે છે ને તે પોતાનું આયુષ્ય ગાળે છે કેની ? હું કેમ નહિ ગાળું ? પુનર્લગ્ન મારાથી કેમ થાય ? કરું તો મારા પિતાનું કાળું ન કહેવાય કે ? મારી મા ગમે તેવી છે તો પણ તે ઝેર પીને મરે ! છટ ! છટ ! હું એવા વિચારને કાઢી નાંખું છું, ગંગા ભાભી કહેતી હતી કે સુખ આવે ત્યારે સુખ ને દુ:ખ આવે ત્યારે દુઃખ ભોગવવું, ભાવિને વશ વર્તવામાં મઝા છે તે મારું દુ:ખ જોઈને બળે છે, પણ મારા આ વિચારને પૂરતો ટેકો આપતી નથી ! તે કેમ ટેકો આપે ? અપાય જ કેમ ? રે ઈશ્વર ! મુજ રંકના સામું જો ને મને દુષ્ટ વાસનાથી ને પાપથી અટકાવ ! રે કિયે અભાગિયે ટાંકણે મને પુનર્લગ્નનો વિચાર આવ્યો ? હું તે કરું તે પહેલાં મરણ કેમ નહિ પામું.” આમ વિચાર કરતાં વખતે ઉલટા વિચારપર પણ ઉતરી પડતી હતી. તરુણાવસ્થામાં વિકારવશ શરીરમાં અવનવા વિચારો આવે તેમાં આશ્ચર્ય નથી ! તેમાં ભલભલાં સપડાય છે તો કમળી કોણ માત્ર ? મોતીલાલના મનમાં પણ તેવા જ પ્રકારના વિચાર આવતા હતા, છતાં ગુહ્યાર્થમાં પોતપોતાની વાણીનું ચાતુર્ય દર્શાવ્યા કરતાં હતાં, તોપણ ખુલ્લા શબ્દમાં જણાય તેવી જરા પણ ભાવના દર્શાવી નહિ, તથાપિ એક પત્ર મોતીલાલે લખ્યો ને તેનો પ્રતિઉત્તર આવતાં તેણે નિયમ લીધો કે જો લગ્ન કરું તો એની જ સાથે, નહિ તો આખી જિંદગી કુંવારાપણામાં ગુજારવી. જે પુરૂષે એક વરસ૫ર પોતાના ભાઈ તથા માબાપને જિન્દગીમાં પણ લગ્ન કરવાને માટે ના પાડેલી તેણે પોતાનો વિચાર આ વેળાએ ફેરવ્યો.