ગંગા - એક ગુર્જર વાર્તા/બીજી વિપત્તિ
← સુખના તો સ્વપ્નાં જ | ગંગા - એક ગુર્જર વાર્તા બીજી વિપત્તિ ઇચ્છારામ દેસાઇ ૧૯૨૮ |
વિપત્તિ પર વિપત્તિ → |
પાછું સઘળું સ્વસ્થ થયું ને ગંગા કિશેાર આનંદથી પોતાનો કાળ ગુજારવા લાગ્યાં. કશી પણ પાંતીની અત્રે હવે ન્યૂનતા નહોતી ને કિશેારની પ્રતિષ્ઠા ઘણી વધવા માંડી હતી. ગંગા ને કિશેાર નિરંતર વિનોદથી દિવસ ગાળતાં હતાં. એકપાસથી તારાગવરી ઘરમાં દોડાદોડ કરી મૂકતી હતી. સાંઝના કિશેાર ઘેર આવે કે તારી દોડીને 'બાપુજી બાપુજી' કહી ગળે વળગીને શોર બકોર કરી મૂકતી તેને માટે કિશોર એક મનોરમ્ય મેના લાવ્યો હતો, તેને ને તારીને ઘણું હેત બાંધ્યું હતું. કિશેાર આવ્યાની પહેલી ખબર મેના તારીને આપતી હતી તેથી તારી દોડીને બારણા નજીક જતી હતી. ગંગા પોતાના પ્રિયપતિને આનંદ આપવામાં કશી મણા રાખતી નહોતી. કદી પણ આ સ્વર્ગ ભુવનમાં વિવાદ તો જણાતો જ નહિ, તો પછી ક્લેશ કે ટંટાનું નામ પણ ક્યાંથી હોય ?
એક દિવસે કિશેાર કોરટમાંથી સાંજનો આવ્યો, ને રાત્રિનું જમણ કરીને પોતાના બાગમાં વીણા લઈને બજાવતો હતો. સામે ગંગા બેસીને ઝીણા સુસ્વરે દયારામભાઈની ગરબી ગાતી હતી, ને તેની પ્રેમાળ વાણીના સ્વરની ધૂનથી વીણાએ ખૂબ ઘટા છાઇ દીધી હતી. રાત્રિ ઘણી સુંદર હતી, ને સઘળે શાંત હતું. આકાશના તારા શિવાય બીજું કશું અજવાળાં જેવું નહોતું, ને જ્યાં આ લાવણ્યમય રૂપસુંદરી ને તેનો કંથ બેઠાં હતાં, ત્યાં પણ કોઈ જાતનું અજવાળું નહોતું, તારી પહેલે તો દોડાદોડ કરતી હતી, ઝાડનાં કુડાંમાંથી ફૂલો ચૂંટતી હતી, અને કદી ઘરના પાછલા ભાગમાંથી એક દીવાનો પ્રકાશ જે પાસેના ઓટલાપર પડતો હતો ત્યાં જઇ પોતાની છાયા સાથે ખેલતી હતી, પણ અંતે તે થાકી ગઇ ને બાજુએ ઉંઘી ગઇ. ઘરની દાસીએ ને રસોઇઆઓમાંથી કોઇ ખાતાં હતાં ને કોઇ પરવારી ગયાં હતાં, અને કોઇ ગપ્પાં મારતાં, તેનો ધીમો અવાજ કદી કદી ત્યાં સંભળાતો હતો, તેમ કોઈ પડોસમાં રહેનારા છોકરાઓ પોતાનો પાઠ તૈયાર કરવામાં રોકાયલા તેઓ કવિતા મોઢે કરતા તેનો સ્વર કદી મોટેથી તો કદી ધીમેથી સંભળાતો હતો; એ શિવાય બીજો કોઈ પણ જાતનો ત્યાં ઘોંઘાટ નહોતો. કિશેાર પોતાની વીણા સુંદર રીતે બજાવતો હતો, ને ગંગાએ સંગીતથી એવી તો મિલાવટ કીધી હતી કે કોણ સરસ છે એ કહેવાને, કોઈ ૫ણ શક્તિમંત નથી. સરસાસરસીમાં સૂર્યને પશ્ચિમમાં ગયાને પાંચ કલાક વહી ગયા; પણ કોઇ પાછું હટ્યું નહિ. ખરેખર આવા સુંદર વિનોદ આપણા ઘરસંસારમાં થાય જ શાનો !
મોડી રાત્રિ થવાથી બંને દંપતી ઉઠ્યાં, ને જેવાં શય્યાપર જાય તેવો અવાજ સંભળાયો, 'કિશેાર ભાઇ છે ?' કિશોરે તે અવાજ પારખ્યો, કેમ કે તેની માસીના દીકરા રતનલાલનો હતો. તે એલ્ફીન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરતો હતો, પણ જ્યારે આવતો ત્યારે હંમેશાં જણાવતો હતો. આજે તે વગર જણાવ્યે એકદમ આવ્યો, તેથી ગંગા ને કિશેાર એકદમ તેની પાસે ગયાં. કિશેારે એકદમ ચકિત થઇ પૂછ્યું, "કોણ રતનલાલ કે ?"
“હા ભાઇ,” તેણે જવાબ દીધો, ને તરત તે પાસે આવ્યો, “તમે વેણીભાઈને માટે સાંભળ્યું છે ?”
"નારે, શું છે ? હું ધારું છું કે વેણીલાલ હમણાં પોતાની ખુશીથી નવસારી ગયો છે, ત્યાંથી તે પાછો ફર્યો ?”
“તે તો ગમે તેમ હોય, પણ મને ભરૂચથી તાર મળ્યો છે, ને તે તમારા નામનો છે; તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે વેણીલાલને હાલ કેદમાં મોકલવામાં આવ્યો છે.” આમ બોલીને તરત તે તારનો સંદેશો કિશોરના હાથમાં મૂક્યો.
કિશેાર તે પત્ર હાથમાં લઈ ઘરમાં ગયો, ને ગંગા ને રતનલાલ બન્ને વાતો કરતાં પૂઠે ગયાં. કેટલીક વાત કરવા પછી એમ માલમ પડ્યું કે રતનલાલ આજે હજી સુધી જમ્યો નથી, પણ કિશોરે તાર વાંચ્યો તેની હકીકત જાણવાને તરત તે ગંગા ત્યાં જ ઉભી રહી. તારપરથી કંઇ પણ સમજાતું નહોતું કે શું છે, પણ એથી કિશેાર વળી નવી ચિતામાં પડ્યો. દરેક જણ તાર વાંચતાં જુદાં જુદાં અનુમાન કરવા લાગ્યાં. કોઇ કંઇ તો કોઇ કંઇ ધારણા બાંધી બેઠાં. કિશેારે ઠરાવ્યું કે કાલની ટ્રેનમાં ભરૂચ જવું. એટલામાં પોતાના કેસ હતા તે બીજા વકીલને આપી દેવાની તે ગોઠવણ કરવા લાગ્યો. રતનલાલ જમ્યો નહોતો તેથી, ગંગાએ તેને કહ્યું, “દિયરજી, આવો રસોડામાં, હું હમણાં લાપસી તૈયાર કરું છું તે તમે જમી લો, પછી વાતો કરજો.”
“ભાભી, તમે શું કામ શ્રમ લો છો? મને કશી જરૂર નથી નહિ તો રસોઇયાને કહોની.” પણ ગંગાએ ભટને આટલી મોડી રાત્રિના ઉઠાડવાનું ઠીક નહિ ધારી પોતે જ બોલી: “હું કરીશ તો શું થશે ? મારા હાથ કંઇ એવા કુમળા નથી કે કરમાઇ જવાના છે. ભટ તે ભટ, ઉંઘાકળો ભટ અત્યારે સારી કરશે નહિ.” આટલું બોલતી તે રસોડામાં જઇને ઝટપટ કામે વળગી ગઇ. રતનલાલ પણ ઉંબરા પર જઇને બેઠો, ને ઘણીક નવીજૂની વાત પર બન્ને વળગ્યાં. તેટલામાં લાપસી ને દૂધ તૈયાર થયું ને રતનલાલે જમી લીધું. તેના માટે પાસેના ઓરડામાં બિછાનું કીધું.
મળસકું થતાં કિશેાર, ગંગા ને રતનલાલ જાગ્યાં ને જોઇતો સામાન બાંધીને રતનલાલને જોડે લઇને કિશોર ભરૂચ ગયો. ત્યાં જતાં તપાસ કીધી તો ઘણી વિડંબનાઓ જણાઇ. કોઇને ત્યાં ઉતરવાનું બરાબર ઠેકાણું નહિ ને મોસાળમાં કોઇ હતું નહિ. પછી એક થોડા જાણીતા સ્નેહીને ત્યાં ઉતારો કરવા ધારી બન્ને જણ ત્યાં ગયા. મુકામ કરીને જેલરને મળીને વેણીલાલને મળ્યા. તે રડવા લાગ્યો, પણ ઘણી ધીરજ આપીને પછી માજીસ્ટ્રેટને જામીન પર છોડવાને માટે અરજ કીધી. કેસમાં કંઇ દમ નહોતો. કોઇક ગુહસ્થના ઘરમાં જુગાર રમાતો હતો, ને તેવામાં મારામારી થઇ, તેટલામાં વેણીલાલ રસ્તે જતાં તેમાંનો એક છે એમ ધારીને પોલીસવાળાએ પકડ્યો, આ હકીકત ધ્યાનમાં લીધી ને માજીસ્ટ્રેટે તેને જામીન પર છૂટો કીધો. કેસ ચલાવવા માટે બે ત્રણ સારા વકીલની ગોઠવણ કીધી. આણી તરફ કિશેારના જવા પછી ગંગાએ, ઘરનું કામ પોતાને માથે પડ્યું તેથી તરત સઘળા તેના કેસ સંબંધી વ્યવસ્થા કીધી. એક ચાકરની મારફત સઘળા કેસના કાગળો તેના મિત્રને મોકલાવી દીધા. તારીએ જાગતાં જ બાપુજીને હાંક મારી, પણ તેનો અવાજ નહિ આવવાથી તે રડવા લાગી, ને થોડીવારમાં કળીયાણ કરી મૂક્યું. ગંગા ગમે તેવી ડાહી હતી તથાપિ પોતાના પતિના વિયોગથી ઘણી દિલગીર થઇ. તરત કમળા બહેન આવ્યાં. કિશોરભાઇના જવાના સમાચાર જાણી તે દિલગીર થઇ, પણ પછી કામકાજ ન હોવાથી બને જણી વાતે વળગી. કમળીનાપર જે સિતમ ગુજરેલો હતો તેથી તે ઘણી દિલગીર જણાતી હતી ને પંચાતના જુલમાટ પછી કદી પણ હસતી જણાઇ નહોતી. તે દહાડે દહાડે શરીરે અશક્ત જણાતી હતી, તેના તનમાં રોગ હોય તેના કરતાં મનની ચિંતાથી તે ઘણી પીડાતી હતી; જો કે ગંગા ને કિશેાર તેને માટે ઘણી કાળજી રાખતાં હતાં તેટલું છતાં તેની તબીયત જરા પણ સુધરી નહોતી.
સૂનમૂઢ પેઠે થોડીવાર કમળી બેઠી, તેથી ગંગાને એમ લાગ્યું કે તેને મારી તરફથી કંઈ અવિવેક થયો હશે, ને તેટલા જ કારણથી તેણે પૂછ્યું:– “મોટી બેહેન, તમે આજ કેમ દિલગીર છો ? કંઇ તમને મારી કે તમારા ભાઇની તરફથી એાછું પડ્યું વારુ ?”
“ગંગા ભાભી, તું એમ ના બોલ, શું મને અવિવેકી જાણે છે ? તારા જેવી ભાભી તો કોને છે વારુ કે તેના અવિવેકથી મારે શોષવું પડે ?” કમળીએ અચકાતાં કહ્યું.
“ત્યારે તમે કેમ આમ સૂનમૂઢ થઇને બેઠાં છો ?” ગંગાએ પૂછ્યું, “કહો ન કહો, પણ મોટી બેહેન, તમોને કંઇ પણ થયું છે ખરું.”
કમળાએ કંઇ પણ જવાબ દીધો નહિ. તે અબોલ રહી, પણ ગંગાએ પાછું પૂછ્યું ને તેની આંખમાંથી ડબક દેતાં કે આંસુ ખરી પડ્યાં. ગંગાને તેથી ઘણું લાગ્યું, પણ તેની હવે બોલવાની હિમ્મત ચાલી નહિ માત્ર દિલાસા માટે જ બોલી, “આમ હવે ગાંડાં ન કાઢો !!”
“બેશક ભાભી, હું ગાંડાં તો કાઢું છું, પણ તે નકામાં છે. હવે મને નક્કી લાગે છે કે મારા દહાડા ભરાઇ ચૂક્યા છે. તમને નથી લાગતું કે મારી અવસ્થા ઘણી દયામણી છે ?” રડતાં રડતાં કમળી બોલી.
“ખરેખર, લાગે છે, પણ ઉપાય શો ?”
“ન્યાતવાળા જ મારા શત્રુ થયા છે ત્યાં હવે ઉપાય નથી જ.”
“તમે સમજો છો ત્યારે હવે ભાંગી રકાબીનો શોક શા માટે કરો છો ? જો મારાથી બનત તો હું કંઈ પણ કરવાને ચૂકત નહિ.”
“એ ખરું, પણ હવે મારું નસીબ નક્કી થઇ ચૂક્યું છે !”
“શું નસીબ નક્કી થઇ ચૂક્યું છે ?”
“કે હવે મોતને શરણે જવું, ને જે અહિયાં પ્રાપ્ત નથી તે જઇ પ્રભુ પાસથી જાચવું.”
“નહિ, નહિ! તમે આમ નહિ બેાલો. મોટી બેહેન ! એ શું તમારા ભણ્યાગણ્યાનું સાર્થક્ય કે માત્ર ઝુરાઈને મરવું ?”
“પણ હવે અહિયાં શું સુખ છે કે વધારે જીવી તમારા જેવી મમતાળું ભાભી ને ભાઇને પીડા આપવી ? મારા માટે તમોને થોડું વેઠવું પડ્યું છે ?” આટલું બોલતાં તો તે બેહોશ થઇ ગઇ ને ગંગાએ તેની આસનાવાસના નહિ કીધી હોત તો ખરે તે ક્યારે શુદ્ધિમાં આવત તે કંઇ પણ કહી શકાય તેમ નહોતું, જે દુઃખની પીડા તેના પર પડી હતી તેથી તેનું અંતર તો ક્યારનું જ બળી ગયું હતું, માત્ર હવે આ ખાલી ખોખું રહ્યું હતું.
કમળી શુદ્ધિમાં આવ્યા પછી ઉઠીને બન્ને જણાં કામકાજે વળગ્યાં.