ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ધર્મ વિષે સવાલો

← શાકાહાર અને બાળકો ગાંધીજીનો અક્ષરદેહ
ધર્મ વિષે સવાલો
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ ઍસેમ્બલીને અરજી →


૨૩. શાકાહાર અને બાળકો

મિ. એમ. કે. ગાંધી એક અંગત પત્રમાં લખે છે :

“તાજેતરમાં રેવરન્ડ એન્ડ્રયુ મરેના પ્રમુખપદે કેસ્વિક ખ્રિસ્તીઓનો એક ભવ્ય સમારંભ વેલિંગ્ટનમાં થયો હતો. કેટલાંક પ્રિય ખ્રિસ્તી મિત્રોની સંગાથે હું પણ તેમાં હાજર રહ્યો હતો; તેમનો એક છ સાત વર્ષનો બાળક છે. તે અરસામાં તે મારી સાથે એક દિવસ બહાર ફરવા નીકળ્યો. હું માત્ર તેની સાથે પ્રાણીઓ પર દયા રાખવા વિષે વાત કરતો હતો, તે વાતમાં અમે શાકાહારના સિદ્ધાંતની ચર્ચાએ ચડી ગયા. મને જણાવવામાં આવ્યું છે કે ત્યારથી તે બાળકે માંસ ખાધું નથી. ઉપર જણાવેલી વાતચીત અમારે થઈ તે પહેલાં ભોજનના ટેબલ પર કેવળ નિરામિષ વાનીઓ મને લેતો તે જોયા કરતો અને હું માંસ કેમ નથી ખાતો તે મને પૂછતો. તેનાં માબાપ જાતે, શાકાહારી નથી છતાં શાકાહારના ગુણ સમજે છે અને તેમના બાળક સાથે તેની વાત હું કરું તેમાં વાંધો લેતાં નહોતાં.

“શાકાહારના મહાન સત્યની પ્રતીતિ બાળકોને કેટલી સહેલાઈથી કરાવી શકાય છે અને તેમનાં માબાપને ફેરફાર કરવાની સામે વાંધો ન હોય તો તેમને માંસ છોડી દેવાને કેટલી સહેલાઈથી સમજાવી શકાય છે તે બતાવવાને હું આ લખું છું. એ બાળક અને હું હવે ઘાડા મિત્રો બન્યા છીએ. હું તેને ઘણો ગમી ગયો હોઉં એવું લાગે છે.

“પંદરેક વરસની ઉંમરનો બીજો છોકરો જેની સાથે મારે વાત થઈ તેણે મને કહ્યું કે હું કદી પક્ષીને મારતો નથી અથવા તેને હલાલ થતું જોઈ શકતો નથી પણ તે ખાવામાં મને વાંધો લાગતો નથી.”

[મૂળ અંગ્રેજી] धि वेजिटेरियन, ૫–૫–૧૮૯૪


૨૪. ધર્મ વિષે સવાલો

[ગાંધીજીને : શ્રી રાજચંદ્ર રવજીભાઈ મહેતા ઉર્ફે રાયચંદભાઈને વિષે ઘણો આદર હતો. તેઓ એક જૈન તત્ત્વચિંતક હતા અને सत्यना प्रयोगो अथवा आत्मकथाના બીજા ભાગનું પહેલું પ્રકરણ આખું ગાંધીજીએ તેમને વિષે લખ્યું છે. ૧૮૯૪ની સાલના જૂન માસ પહેલાં પ્રિટોરિયાથી લખેલા પત્રમાં તેમણે રાયચંદભાઈને ધર્મને લગતા કેટલાક સવાલ પૂછયા હતા. મૂળ પત્રનો પત્તો અમે મેળવી શકયા નથી તેથી ગાંધીજીએ પૂછેલા સવાલો રાયચંદભાઈના ભાઈ શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતાએ સંપાદિત કરેલા ગુજરાતી પુસ્તક श्रीमद राजचंद्रની ૧૯૧૪ની આવૃત્તિમાં ૨૯૨ અને તે પછીનાં પાનાંઓ પર પ્રસિદ્ધ થયેલા રાયચંદભાઈના જવાબમાંથી ઉતારવામાં આવ્યા છે. અસલ લખાણ બતાવે છે કે પુછાયેલા બીજા થોડા સવાલ છોડી દેવામાં આવ્યા છે અને તેથી તેમનું લખાણ મળી શકતું નથી.] આત્મા શું છે? તે કંઈ કરે છે.? અને તેને કર્મ નડે છે કે નહીં?

ઈશ્વર શું છે? તે જગત્કર્તા છે એ ખરું છે?

મોક્ષ શું છે?

મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય?

એમ વાંચવામાં આવ્યું છે કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય; આ બરાબર છે?

આર્ય ધર્મ તે શું? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?

વેદ કોણે કર્યા? તે અનાદિ છે? જો અનાદિ હોય તો અનાદિ એટલે શું?

ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તો નથી? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો?

પશુ આદિના યજ્ઞથી જરાય પુણ્ય છે ખરું?

જે ધર્મ ઉત્તમ છે એમ કહો, તેનો પુરાવો માગી શકાય ખરો કે?

ખ્રિસ્તી ધર્મ વિષે આપ કંઈ જાણો છો? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો?

તેઓ એમ કહે છે: બાઇબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો હતો.

જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડયું છે?

આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા

પડી શકે તો કોને?

મોક્ષ પામેલાનાં નામ આપ આપો છો તે શા આધાર ઉપર? બુદ્ધદેવ પણ મોક્ષ નથી

એ શા ઉપરથી આપ કહો છો?

દુનિયાની છેવટ શી સ્થિતિ થશે?

અા અનીતિમાંથી સુનીતિ થશે ખરી?

દુનિયાનો પ્રલય છે?

અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે?

કૃષ્ણાવતાર અને રામાવતાર એ ખરી વાત છે? એમ હોય તો તે શું? એ સાક્ષાત્ ઈશ્વર હતા, કે તેના અંશ હતા? તેમને માનીને મોક્ષ ખરો?

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર તે કોણ?

મને સર્પ કરડવા આવે ત્યારે તેને મારે કરડવા દેવો કે મારી નાખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.