ગાંધીજીનો અક્ષર દેહ - ૧/લૉર્ડ રિપનને અરજી-૨

← શાકાહારી મિશનરીઓની મંડળી ગાંધીજીનો અક્ષરદેહ
લૉર્ડ રિપનને અરજી-૨
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
લૉર્ડ એલ્જિનને અરજી →


પર. લોર્ડ રિપનને અરજી
પ્રિટોરિયા, એસ. એ. આર.,

[મે, ૧૮૯૫ ] [૧]

નામદાર ધિ રાઈટ ઑનરેબલ રિપનના માર્ક્વિસ,
સંસ્થાનો માટેના નેક નામદાર શહેનશાહબાનુના
મુખ્ય સેક્રેટરી ઑફ સ્ટેટ જોગ, લંડન
દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયમાં વસતા બ્રિટિશ હિંદીઅોની અરજી

નમ્રપણે દર્શાવે છે કે,

પોતાની દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાં જે સ્થિતિ છે અને ખાસ કરીને ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશે હિંદી લવાદીના કેસમાં આપેલા લવાદી ચુકાદાથી તેના પર જે અસર પહોંચી છે તેની બાબતમાં તમારા અરજદારો તમો નામદારને સાદર અરજ ગુજારવાનું સાહસ કરે છે.

૨. તમારા અરજદારોની મોટામાં મોટી સંખ્યા જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં વસવાટ કરીને રહેતી હોવા છતાં તેમનામાંના વેપારી, દુકાનદારોના ગુમાસ્તા, ફેરિયા, રસોઈયા, હોટલોમાં કામ કરતા વેઈટર અથવા મજૂરો તરીકે આખા ટ્રાન્સવાલમાં ફેલાયેલા છે. વેપારીઓની સંખ્યા લગભગ ૨૦૦ની હોઈ તેમની મિલકતની પડતર કિંમત આશરે ૧,૦૦,૦૦૦ પાઉંડ થાય, અા પૈકીની લગભગ ત્રણ પેઢીઓ ઇંગ્લંડ, ડરબન, પોર્ટ ઇલિઝાબેથ, હિંદુસ્તાન અને બીજાં સ્થળોએથી માલ સીધો આયાત કરે છે. તેથી દુનિયાના બીજા ભાગોમાં તેમની શાખાઓ આવેલી હોઈ તે શાખાઓની હસ્તી મોટે ભાગે તેમના ટ્રાન્સવાલમાંના વેપાર પર આધાર રાખે છે. બાકીના નાના નાના દુકાનદારો હોઈ તેમની દુકાનો જુદાં જુદાં સ્થળોએ ચાલે છે. પ્રજાસત્તાક રાજ્યમાં ૨,૦૦૦ ફેરિયાઓ છે ને માલ ખરીદી તેની ચારે કોર ફરીને ફેરી કરે છે. અને તમારા અરજદારો પૈકીના જે મજૂરો છે તેમને યુરોપિયનોનાં ઘરોમાં અને હોટલોમાં સામાન્ય નોકરો તરીકે રોકવામાં આવેલા છે. તેમની સંખ્યા આશરે ૧,૫૦૦ માણસોની હોઈ તેમનામાંના ૧,૦૦૦ જોહાનિસબર્ગમાં રહે છે.

૩. રાજ્યમાંની પોતાની બિનસલામતી તેમ જ અચોક્કસ સ્થિતિની ચર્ચામાં ઊતરતાં પહેલાં તમો નામદારના અરજદારો પૂરેપૂરા વિવેક સાથે દર્શાવવાને હિંમત રાખે છે કે જેમનાં હિત જોખમમાં મુકાયાં છે એવા તમારા અરજદારોને લવાદીની બાબતમાં એક વખત પણ પૂછવામાં આવ્યું નથી અને લવાદીનો સવાલ ઉપાડવામાં આવ્યો તેની સાથે તમારા અરજદારોએ લવાદીના સિદ્ધાંતની અને લવાદી કરનારા પંચની પસંદગીની એમ બંને બાબતોમાં વાંધો ઉઠાવ્યો હતો. એ વાંધો તમારા અરજદારોએ પ્રિટોરિયાના નામદાર બ્રિટિશ એજન્ટને મોઢેથી કહેવડાવ્યો હતો અને અહીં તમારા અરજદારો જણાવવાની સંધિ લેવા ચાહે છે કે, તમારા અરજદારોમાંથી જે જે


  1. ૧. મે માસની ૧૪મી તારીખ પછીના અરસામાં આ અરજી મોકલવામાં આવી હતી.(જુએા પા. ૧૫૦). ૧૮૯૫ની સાલના મે માસની ૩૦મી તારીખે સર જૅકોબસ ડિ બેટે કેપટાઉનમાં૨હેતા હાઈ કમિશનરને તે રવાના કરેલી.

વખતોવખત ટ્રાન્સવાલમાંના હિંદીઓની ફરિયાદો અંગે તે નામદારની મુલાકાતે ગયા છે તે સૌને તેમણે પૂરા ધ્યાનથી તેમ જ વિવેકથી સાંભળ્યા છે. કેપટાઉનના નેક નામદાર શહેનશાહબાનુના હાઈ કમિશનરને લેખિત વાંધો સુધ્ધાં મોકલી આપવામાં આવ્યો હતો એ હકીકત તરફ પણ તમારા અરજદારો તમો નામદારનું ધ્યાન ખેંચવા માગે છે. આ બાબત ચર્ચાને જોકે તમારા અરજદારો ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશની ઉદારતા અગર તેમના સાબિત થઈ ચૂકેલા પ્રામાણિકપણાની નામનીયે ટીકા કરવા અથવા નેક નામદાર શહેનશાહબાનુના અમલદારોના શાણપણ વિષે શંકા ઉઠાવવા માગતા નથી. હિંદીઓની સામેના વિદ્વાન વડા ન્યાયાધીશના પૂર્વગ્રહવાળા વલણની જાણ હોવાથી તમારા અરજદારો માનતા હતા અને હજી નમ્રપણે માનવાની હિંમત કરે છે કે જુદી રીતે કામ લેવાની પૂરેપૂરી કોશિશ હોવા છતાં પોતાની સમક્ષ આવનારા કોઈ પણ કેસને અંગેની હકીકતોનું સાચું અને ઘટતું આકલન કરવાને જરૂરી સમતોલ ન્યાયબુદ્ધિથી તેઓ આ સવાલને અંગે વિચારી નહીં શકે, આગળથી બંધાઈ ગયેલા ખ્યાલો અગર પૂર્વગ્રહોથી અજાણતામાં પણ પોતે દોરવાઈ ન જાય તે સારુ જે મુકદ્દમાઓની બાબતમાં પહેલેથી પોતાને જાણકારી હોય છે તેમને વિષે ચુકાદા આપતાં રોકાઈ ગયેલા ન્યાયાધીશોના દાખલા મોજુદ છે.

૪. નેક નામદાર શહેનશાહબાનુની સરકારની વતી વિદ્વાન પંચને ચુકાદાને માટે સોંપવામાં આવેલો મુદ્દો આ મુકદ્દમામાં આ મુજબ દર્શાવવામાં આવ્યો છે:

કાં તો નેક નામદાર શહેનશાહબાનુની સરકારે રજૂ કરેલા અગર દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયે રજૂ કરેલા દાવાની તરફેણમાં ચુકાદો આપવાને અથવા મુકદ્દમામાં ઉઠાવવામાં આવેલા સવાલની સાથે સંબંધ ધરાવતા ખરીતાઓ સાથે વાંચતાં જણાવવામાં આવેલા કાયદાના આદેશોનો જે સાચો અર્થ લાગે તે કરી આપવાને પંચ સ્વતંત્ર છે.

૫. અખબારોમાં પ્રસિદ્ધ થયો છે તે મુજબ પંચનો લવાદી ચુકાદો આ મુજબનો છે:

(અ) નેક નામદાર શહેનશાહબાનુની સરકારના તેમ જ દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાકના દાવા મંજૂર રાખવામાં આવતા નથી, સિવાય કે નીચે બતાવ્યા મુજબના પ્રમાણમાં, એટલે કે,
(બ) (કોઈ પણ વ્યક્તિઓ તરફથી અગર તેમની વતી વાંધા ઉઠાવવામાં આવે કે તેમની સાથે કોઈ પ્રકારે લેવામાં આવતું કામ દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયની ફોક્સરાડે (પાર્લમેન્ટે) ૧૮૮૬ની સાલમાં સુધારેલા ૧૮૮૫ની સાલમાં કરવામાં આવેલા કાયદા નં. ૩ની જોગવાઈઓ મુજબનું નથી) તે સંજોગોમાં સામાન્ય ચાલુ ક્રમમાં દેશની અદાલતોએ કરેલા એકમાત્ર ને આગવા અર્થને આધીન રહીને દક્ષિણ આફ્રિકાનું પ્રજાસત્તાક રાજ્ય મજકૂર સુધારેલા કાયદાનો પૂરેપૂરો અમલ કરવાને બંધાયેલું છે અને તે તેનો હક છે કેમ કે હિંદી તેમ જે બીજા એશિયાઈ વેપારીઓ બ્રિટિશ પ્રજાજનો છે.

૬. હવે, તમારા અરજદારો નમ્રતાથી સૂચવે છે કે ઉપર જણાવેલો લવાદી ચુકાદો પંચને સોંપવામાં આવેલા મુદ્દાની બહારનો હોઈ તેને કાયદાનો આધાર નથી અને તેથી નેક નામદાર શહેનશાહબાનુની સરકાર તેનાથી બંધાતી નથી. વિવેક સાથે દર્શાવવામાં આવે છે કે ખુદ જેને ખાતર પંચને લવાદી કરવાનું સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો તે ઉદ્દેશ માર્યો ગયો છે. ચુકાદાને માટે સોંપવામાં આવેલા મુદ્દાને અંગેના લખાણમાં कां તો બેમાંથી એક સરકારના દાવા મંજૂર રાખવાનું अथवा સવાલને લગતા ખરીતાઓ ધ્યાનમાં રાખી કાયદાના આદેશોનો પોતાને સાચો લાગે તે અર્થ કરી આપવાનું પંચ પર છોડવામાં આવ્યું છે. પોતે અર્થ કરી આપવાને બદલે વિદ્વાન પંચે અર્થ કરવાનો અધિકાર બીજી વ્યક્તિઓને હવાલે કર્યો છે અને વધારામાં તે અધિકાર જેમને હવાલે કર્યો છે તેમને અંગે એવી મર્યાદા મૂકી છે કે પોતાની સ્થિતિને કારણે તે વ્યક્તિઓ જે કાર્યપદ્ધતિ અખત્યાર કરવી જોઈએ તે અખત્યાર ન કરી શકે અને મળી શકે એવો જે પુરાવો મેળવવો જોઈએ તે મેળવી ન શકે એટલું જ નહીં, જે કાર્યપદ્ધતિ પંચે અખત્યાર કરવી જોઈએ અને મળી શકે એવો જે પુરાવો તેણે મેળવવો જોઈએ એવી સ્પષ્ટ શરત કરવામાં આવી હતી તે કાર્યપદ્ધતિ અખત્યાર કરવાથી અને તે પુરાવો મેળવી ઉપયોગમાં લેવાથી જોકે અણિશુદ્ધ કાયદેસરનો ન ગણાય તોયે ન્યાયી અને પક્ષપાત વગરનો અર્થ કરવાને તે વ્યક્તિઓ સહેજે સમર્થ થાય.

૭. તમારા અરજદારો સૂચવે છે કે આ લવાદી ચુકાદો કાયદાના આધાર વગરનો હોઈ બે કારણોસર રદ લેખાવાને પાત્ર છે. એક, પંચે અર્થ કરવાના પોતાના કામનો અધિકાર બીજે સાંપ્યો છે જેમ દુનિયામાં કોઈ પંચ કરી શકતો નથી. બીજું, પંચને નિર્ણયને માટે જે મુદ્દો સોંપવામાં આવ્યો હતો તે તેઓ ચૂકી ગયા છે કેમ કે જે સવાલને અંગે નિર્ણય આપવાનું તેમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું તે સવાલ અંગે તેમણે નિર્ણય આપ્યો નથી.

૮. એમ લાગે છે કે આ સવાલ લવાદીમાં લઈ જવાનો ઉદ્દેશ કાયદાનો અર્થ કરવાના મુદ્દાનો નિર્ણય અદાલતી રાહે લેવાનો નોતો પણ એ સવાલનો કાયમને માટે નિકાલ કરવાનો હતો. એમ ન હોત તો ટ્રાન્સવાલ ગ્રીન બુકસ નં. ૧ અને ૨, ૧૮૯૪ (ટ્રાન્સવાલ સરકારના ૧૮૯૪ની સાલના લીલા ગ્રંથો નં. ૧ અને ૨)માં જોવા મળતો કાયદાનો અર્થ કરવાના સવાલને લગતો ઘણો વિસ્તૃત પત્રવહેવાર કરવાની માથાકૂટમાં નેક નામદાર શહેનશાહબાનુની સરકાર કદી ન પડી હોત. જે સવાલનો નિર્ણય વાટાઘાટો મારફતે અને રાજકીય દૃષ્ટિથી લેવાનાર હતો અને તમારા અરજદારો સૂચવે છે કે તે જ રસ્તે લઈ શકાય એવો હતો તે પંચનો લવાદી ચુકાદો કાયદાના આધારવાળો મનાય તો હવે કેવળ અદાલતી રાહે લઈ શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે. અને ટ્રાન્સવાલની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશે ટ્રાન્સવાલની સરકાર વતી રજૂ કરવામાં આવેલા મુકદ્દમામાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી દીધાની વાત સાચી હોય તો આ સવાલનો નિર્ણય અગાઉથી લગભગ થઈ ચૂકેલો ગણાય. આ વસ્તુસ્થિતિ છે તે સાબિત કરવાને તમારા અરજદારો તમો નામદારને તે ગાળાની ચાલુ તારીખનાં અખબારો અને ખાસ કરીને ૧૮૯પની સાલના એપ્રિલ માસની ૨૭મી તારીખનું धे जोहानिसबर्ग टाईम्स (અઠવાડિક આવૃત્તિ) જોવાને વિનંતી કરે છે.

૯. પણ તમારા અરજદારો તમો નામદારને વધારે ઉચ્ચ અને વધારે વ્યાપક કારણોસર અપીલ કરે છે; તમારા અરજદારોને પૂરો વિશ્વાસ છે કે જે સવાલ નેક નામદાર શહેનશાહબાનુના હજારો પ્રજાજનોને અસર કરે છે, જેના ઘટતા નિરાકરણ પર સેંકડો બ્રિટિશ પ્રજાજનોના રોટલાનો આધાર છે અને જેનું કેવળ કાયદાની રીતિઓને આધારે કરવામાં આવેલું નિરાકરણ સેંકડો કુટુંબોને બરબાદ કરી તેમને કંગાળ બનાવી મૂકે એમ છે તેનો નિર્ણય કેવળ અદાલતી રાહે લેવામાં નહીં આવે કેમ કે અદાલતોમાં હરેક જણના હાથ અગાઉથી બંધાઈ જાય છે ને આવા પ્રકારની માણસાઈની દૃષ્ટિની વિચારણાને અવકાશ હોતો નથી, વેપારીઓને લાગેવળગે છે ત્યાં સુધી ટ્રાન્સવાલની સરકારે ઉપાડેલો મુદ્દો મંજૂર રહેશે તો અંગત રીતે તે લોકોનું એકલાનું જ નહીં, જે બધાં અહીં ટ્રાન્સવાલમાં તેમ જ ત્યાં હિંદમાં એમ બંને ઠેકાણે ભરણપોષણને સારુ તેમના પર આધાર રાખે છે તે તેમનાં કુટુંબો અને સગાંવહાલાં તેમ જ નોકરો સુધ્ધાં સૌનું સમૂળગું સત્યાનાશ વળી જશે. તમારા અરજદારો પૈકી લાંબા વખતથી ટ્રાન્સવાલમાં વેપાર ખેડતા આવેલા કેટલાકને સારુ તેમના પોતાના કોઈ વાંકગુનાને કારણે નહીં પણ હમણાં તમને દેખાશે તે મુજબ થોડી હિતસંબંધ ધરાવનારી વ્યક્તિઓની અવળી રજૂઆતને કારણે પોતાની આજની સ્થિતિમાંથી હાંકી કાઢવામાં આવે તો નવાં ક્ષેત્રો શોધી કાઢી ત્યાં પોતાના ભરણપોષણ જોગું રળી શરીર નભાવવાનું પણ અશકય છે.

૧૦. આ સવાલનું ગંભીરપણું અને તેના નિરાકરણ સાથે સંડોવાયેલાં મોટાં મોટાં હિતો પોતાની પરિસ્થિતિનો ચિતાર કંઈક વિસ્તારથી રજૂ કરવા માટેનું અને તમો નામદારને તેના પર એકાગ્રતાથી ધ્યાન આપવાને નમ્રતાથી આજીજી કરવા માટેનું તમારા અરજદારોને સારુ નિમિત્ત બન્યાં છે.

૧૧. आफ्रिकाना असल वतनीओ सिवायनी बधी વ્યક્તિઓનાં હિતોને सरखी रीते રક્ષણ આપનારી ૧૮૮૧ની સાલની સમજૂતીની કલમ ૧૪મીનો કમનસીબ ત્યાગ ટ્રાન્સવાલમાં વસવાટ કરીને રહેલા હિંદીઓ આરોગ્ય ને સ્વચ્છતાના નિયમો બરાબર પાળતા નથી એવી માની લેવામાં આવેલી વાતમાંથી શરૂ થયો હોઈ તેને આધારે હજી પણ ચલાવી લેવામાં આવે છે અને હિતસંબંધ ધરાવનારી કેટલીક વ્યક્તિઓએ કરેલી ખોટી રજૂઆતને આધારે તે માન્યતા બંધાયેલી છે.

૧૮૮૫ના કાનૂન ૩ની બાબતમાં થયેલા આખાયે પત્રવહેવારમાં નેક નામદાર શહેનશાહબાનુની સરકારે ભારપૂર્વક આગ્રહ રાખ્યો છે કે જાહેર સુખાકારીના હિતનો વિચાર કરી હિંદીઓને સારુ અલગ મહોલ્લાઓ ભલે મુકરર કરવામાં આવે પણ શહેરો કે કસબાઓના ઠરાવેલા અમુક વિસ્તારોમાં જ વેપાર કરવાને અગર દુકાનો ચલાવવાને તેમને ફરજ પાડી શકાય નહીં. ૧૮૮૫ના કાનૂન ૩નો થોડા વખતને સારુ જોરથી વિરોધ થયા બાદ ૧૮૮૬ના સુધારેલા કાનૂનની સામેનો વાંધો પડતો મૂકતાં તે વખતના હાઈકમિશનર સર એચ. રૉબિન્સન પોતાના (૧૮૯૪ની ગ્રીન બુક નં. ૧ના પાન ૪૬ પર આપવામાં આવેલા ૧૮૮૬ની સાલના સપ્ટેમ્બર માસની ૨૬મી તારીખના) પત્રમાં કહે છે: “સુધારેલો કાયદો હજી જોકે લંડનની સમજૂતીની ૧૪મી કલમનો ભંગ કરે છે, છતાં તે जाहेर आरोग्यनी सलामतीने सारु જરૂરી છે એવા તમો નામદારના અભિપ્રાયનો ખ્યાલ રાખી તેનો વધારે વિરોધ કરવાની ભલામણ નેક નામદાર શહેનશાહબાનુની સરકારને હું નહીં કરું.” લવાદી માટે નીમવામાં આવેલા પંચને આપવામાં આવેલી સૂચના અને ૧૮૮૫નો ૩જો કાનૂન ચોખ્ખનું દર્શાવે છે કે સમજૂતીના ત્યાગને કેવળ જાહેર સુખાકારીનાં કારણોસર મંજૂરી આપવાની હતી.

૧૨. આવા પ્રકારના ત્યાગને માટે જાહેર સ્વચ્છતાને લગતાં કારણો અસ્તિત્વમાં છે એવી માની લેવામાં આવેલી વાતની સામે તમો નામદારના અરજદારો અાથી પૂરા માન સાથે છતાં ભારપૂર્વક વિરોધ નોંધાવે છે.

૧૩. પોતાની વાત ચોખ્ખેચોખ્ખી જણાવનારાં અને સ્વચ્છતા તેમ જ આરોગ્યની દૃષ્ટિથી તમારા અરજદારોનાં રહેઠાણ યુરોપિયનોનાં રહેઠાણોથી કોઈ રીતે ઊતરતાં નથી એવું દર્શાવી આપનારાં દાક્તરો પાસેથી મેળવેલાં ત્રણ પ્રમાણપત્રો તેમણે આ સાથે જોડયાં છે. (પરિશિષ્ટ ૧, ૨, ૩) તમારા અરજદારો જે યુરોપિયનોનાં રહેઠાણો પોતાનાંની નજદીકના પડોશમાં છે તેમની સાથે પોતાનાં રહેઠાણોની સરખામણી કરવાને આહવાન કરે છે. કેમ કે પ્રિટોરિયામાં એવી સ્થિતિ છે કે તમારા અરજદારોમાંના કેટલાકનાં ઘરો તેમ જ દુકાનોની સાથોસાથ યુરોપિયનોનાં ઘરો તેમ જ દુકાનો આવેલાં છે.

૧૪. નીચે આપવામાં આવેલા વણમાગ્યા પ્રમાણપત્રના મજકૂર વિષે વિવેચન કરવાનું રહેતું નથી. ૧૮૮૫ની સાલના ઑકટોબર માસની સોળમી તારીખે સ્ટૅન્ડર્ડ બૅંકના તે વખતના જોડિયા જનરલ મૅનેજર મિ. મિચેલ હાઈ કમિશનર સર એચ. રૉબિન્સનને આ પ્રમાણે લખી જણાવે છે :

અહીં મારે મારી જાતમાહિતી તરીકે ઉમેરવું ઘટે કે તેઓ (હિંદી વેપારીઓ) બધી રીતે શાંત, વ્યવસ્થિત, ઉદ્યમી અને આબરૂદાર લોકો હોઈ તેમનામાંના કેટલાક સંપત્તિવાળા અને મોભાદાર વેપારીઓ છે અને મોરિશિયસ, મુંબઈ તેમ જ બીજાં સ્થળોએ તેમની મોટી મોટી પેઢીઓ ચાલે છે (ગ્રીનબુક ૧, પા. ૩૭).
૧૫, આશરે ૩પ મોભાદાર યુરોપિયન પેઢીઓ
સ્પષ્ટપણે જાહેર કરે છે કે જેમનામાંના વધુમતીની સંખ્યાના મુંબઈથી આવેલા છે તે ઉપર જણાવેલા હિંદી વેપારીઓ તેમનાં વેપારરોજગારનાં મથકો તેમ જ તેમનાં રહેઠાણના મુકામો હકીકતમાં યુરોપિયનોની માફક સ્વચ્છ અને ઘટતી સુખાકારીની સ્થિતિમાં રાખે છે (પરિશિષ્ટ ૪).

૧૬. આ બધું અખબારોમાં આવતું નથી એ વાત જોકે સાચી છે. જાહેર અખબારી આલમ માને છે કે તમારા અરજદારો “ગંદી જીવાત" છે. ફોક્સરાડ (પાર્લમેન્ટ) આગળ કરવામાં આવેલી રજૂઆતોમાં પણ એવી જ વાતો છે. એનાં કારણો દેખીતાં છે. તમારા અરજદારો અંગ્રેજી ભાષા બરાબર જાણતા ન હોઈ આવી ચર્ચાવિચારણામાં ભાગ લઈ શકતા નથી અથવા પોતાને વિષેની બધી અવળી રજૂઆતોની માહિતી સુધ્ધાં મેળવવા પામતા નથી અને તેથી એવાં વિધાનોનો જવાબ વાળવાની હંમેશ તેમની સ્થિતિ હોતી નથી. પોતાની ખુદ હસ્તી જોખમમાં છે એવી તેમને જાણ થઈ એટલે તેઓ પોતાના સ્વચ્છતા અને સુખાકારી અંગેના રિવાજો વિષેનો યુરોપિયન વેપારી પેઢીઓનો અને દાક્તરોનો અભિપ્રાય જણાવવાની વિનંતી કરવાને તેમની પાસે પહોંચ્યા.

૧૭. પણ તમારા અરજદારો પોતાની વતી જાતે રજૂઆત કરવાના હકનો દાવો રાખતા હોઈ તેમને મુદ્દામ અને ભેગા મળીને જણાવતાં બિલકુલ સંકોચ થતો નથી કે તેમનાં રહેઠાણો અણઘડ દેખાતાં હશે અને બેશક, તેમના પર ઝાઝા શણગાર નહીં હોય છતાં સ્વચ્છતા, આરોગ્ય અથવા સુખાકારીની દૃષ્ટિથી યુરોપિયન રહેઠાણો કરતાં કોઈ રીતે ઊતરતાં નથી. પોતાની અંગત ટેવોની બાબતમાં તેઓ વિશ્વાસથી કહી શકે છે કે જેમની સાથે પોતાને વારંવાર સંબંધમાં આવવાનું થાય છે તે ટ્રાન્સવાલમાં રહેતા યુરોપિયનોના કરતાં તેઓ વધારે પાણી વાપરે છે અને કેટલીયે વધારે વખત નહાય છે. સરખામણી ઊભી કરવાની અથવા પોતાના યુરોપિયન ભાઈઓ કરતાં પોતે ચડિયાતા છે એવું બતાવવાની તમારા અરજદારોની જરાયે ઇચ્છા નથી. સંજોગોને કારણે તેમને દલીલનો એ રસ્તો લેવાની ફરજ પડી છે.

૧૮. ગ્રીન બુક નં. ૨નાં પાન ૧૯-૨૧ પર આપવામાં આવેલી બે છટાદાર અરજીઓમાં બધા એશિયાવાસીઓને અળગા કરવાની માગણી કરવામાં આવી છે અને એશિયાવાસી, ચીના વગેરેને સરિયામ ધુતકારી કાઢવામાં આવ્યા છે. તેથી ઉપર કહેવામાં આવ્યું છે તે જણાવવાનું બિલકુલ જરૂરી થયું છે. પહેલી અરજીમાં ભયાનક દૂષણો ગણાવી તે બધાં ચીનાઓમાં ખાસ વરતાય છે એવો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે અને બીજીમાં પહેલીનો ઉલ્લેખ કરી તેમાં રજૂ કરવામાં આવેલા આરોપનામામાં બધા એશિયાવાસીઓને સમાવી લેવામાં આવ્યા છે. ચીના, કુલી અને બીજા એશિયાવાસીઓને નામ પાડીને ગણાવી બીજી અરજીમાં “એ લોકોની ગંદી આદતો અને તેમના અનીતિભર્યા રિવાજોને લીધે પેદા થતા રક્તપિત્ત, ચાંદી અને એવા બીજા ઘૃણા ઉપજાવે એવા રોગોના ફેલાવાથી આખા સમાજને માથે જે જોખમ ઊભું થાય છે” તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

૧૯. વધારે સરખામણીમાં ન ઊતરતાં અને ચીનાઓને સંબંધ છે તેટલા પૂરતો સવાલ બાજુએ મૂકીને તમારા અરજદારો અત્યંત ભારપૂર્વક જણાવવા ચાહે છે કે તમારા અરજદારોને લાગેવળગે છે ત્યાં સુધી ઉપરના આરોપો તદ્દન પાયા વગરના છે.

૨૦. હિતસંબંધ ધરાવનારા ચળવળિયાઓ કેટલી હદ સુધી પહોંચ્યા છે તે દર્શાવવાને તમારા અરજદારો જેની નકલ પ્રિટોરિયાના વેપારી મંડળે પોતાના અનુમોદન સાથે ટ્રાન્સવાલની સરકારને મોકલી હતી તે ઑરેન્જ ફ્રી સ્ટેટની ફોક્સરાડ (પાર્લમેન્ટ)ને આપવામાં આવેલી એક અરજમાંથી નીચે મુજબનો ઉતારો ટાંકે છે:

આ બધા માણસો પોતાની પત્નીઓ અગર સ્ત્રીજાતનાં સગાં વગર રાજયમાં દાખલ થાય છે તેનું જે પરિણામ આવે તે ઉઘાડું છે. તેમનો ધર્મ તેમને બધી સ્ત્રીઓને આત્મા વગરની અને ખ્રિસ્તીઓને પોતાનો કુદરતી શિકાર ગણવાનું શીખવે છે(ગ્રીન બુક નં. ૧, ૧૮૯૪, પા. ૩૦).

૨૧. તમારા અરજદારો પૂછવા ચાહે છે કે આના કરતાં હિંદુસ્તાનમાં ચાલતા મહાન ધર્મોની વધારે હડહડતી બદગોઈ અને હિંદી રાષ્ટ્રનું આથી વધારે મોટું અપમાન હોઈ શકે ખરું?

૨૨. ઉપર જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ગ્રીન બુકોમાંથી લેવામાં આવેલાં આવાં વિધાનો હિંદીઓ સામેની ફરિયાદ તૈયાર કરવામાં ઉપયોગમાં લેવામાં આવ્યાં છે.

૨૩. હિંદીઓની સામે ફરિયાદ ઊભી કરવાનું ખરું અને એકમાત્ર કારણ આ આખા પ્રકરણ દરમિયાન દબાવી દેવામાં આવ્યું છે. તમારા અરજદારોને [અલગ લત્તાઓમાં રહેવાને] ફરજ પાડવાનું અથવા સીધી રીતે તેઓ પોતાની રોજી રળે તેમાં હરેક પ્રકારની આડખીલી નાખવાનું એકમાત્ર કારણ વેપાર અંગેની અદેખાઈનું છે. તમારા અરજદારો એટલે કે જેઓ વેપારીઓ છે, અને આ આખી જેહાદ ઘણે મોટે ભાગે તેમની સામે છે, તેઓ પોતાની હરીફાઈથી અને પોતાની સંયમી તેમ જ કરકસરની ટેવોથી જીવનની જરૂરિયાતોની ચીજવસ્તુઓના ભાવ નીચા ઉતારવાને સમર્થ થયા છે. આ વાત યુરોપિયન વેપારીઓને ફાવતી નથી કેમ કે તેમને મોટા નફા કરવા છે એ વાત જાણીતી છે કે, તમારી અરજદારો જેઓ વેપારીઓ છે તેઓ બધા લગભગ અપવાદ વગર કેફી પીણાંને અડતા નથી. તેમની રહેણીકરણીની ટેવો સાદી છે અને તેથી તેમને થોડા નફાથી સમાધાન રહે છે. તેમની સામેના વિરોધનું આ અને આ જ એક કારણ છે અને દક્ષિણ આફ્રિકામાં હરેક જણ આ વાત બરાબર જાણે છે. વાત આવી છે તે દક્ષિણ આફ્રિકાનાં અખબારોમાંથી પણ સમજી શકાય છે કેમ કે તે બધાં કેટલીક વાર ખુલ્લી વાત કરે છે અને હિંદીઓ તરફના દ્વેષને છતો કરી આપે છે, આમ જેને તુચ્છકારથી 'કુલીઓનો સવાલ' કહીને ઓળખાવવામાં આવે છે તેની ચર્ચા કરતાં સાચો “કુલી” (મજૂર) દક્ષિણ આફ્રિકાને સારુ અનિવાર્યપણે જરૂરનો છે એટલું દર્શાવ્યા બાદ ૧૮૯૩ની સાલના સપ્ટેમ્બર માસની ૧પમી તારીખનું धि नाताल एडवर्टाइझर આ પ્રમાણે બખાળો કાઢે છે:

હિંદી વેપારીને દબાવી દેવાને અને બની શકે તે ફરજ પાડવાને જેટલાં વહેલાં પગલાં લેવાય તેટલાં સારાં. એ જ લોકો સમાજના ખુદ મર્મ કોરી ખાનારો અસલ કીડો છે.

૨૪. વળી, ટ્રાન્સવાલની સરકારનું મુખપત્ર પ્રેસ આ સવાલની ચર્ચા કરતાં કહે છે કે “એશિયાવાસીઓનું આક્રમણ રોકવામાં નહીં આવે તો નાતાલ અને કેપ કૉલોનીના ઘણા ભાગોમાં યુરોપિયન દુકાનદારો પાયમાલ થઈ ભોંય ભેગા થયા છે તેમ અહીં પણ તેમને માટે બીજો આરો નથી.” ઉપરનો આખોયે લેખ રસિક વાચન પૂરું પાડે છે અને દક્ષિણ આફ્રિકામાં રંગવાળા લોકો તરફની યુરોપિયનોની લાગણીનો સારો નમૂનો છે. તેનો આખો સૂર હરીફાઈને કારણે પેદા થતા ડરનો હોવા છતાં તેમાં નીચેનો એક લાક્ષણિક ફકરો છે :

આપણે આ લોકોના ધસારાથી ઘસડાઈ જવાના હોઈશું તો યુરોપિયનો મારફતે વેપારનો વ્યવહાર અશકય બનશે અને જેમનામાં ચાંદી અને રક્તપિત્ત જેવા રોગ સામાન્ય છે અને બિહામણી કુરૂપ અનીતિ સાધારણ ક્રમ છે એવા ગંદા નાગરિકોના મોટા સમુદાય સાથેના ઘાડા સંપર્કથી આધું ન રહી શકે એવા ભયંકર જોખમને બધાએ તાબે થવાનું રહેશે.

૨૫. અને છતાં આ અરજની સાથે જોડવામાં આવેલા પ્રમાણપત્રમાં ડૉ. વીલ પોતાનો પુખ્ત અભિપ્રાય આપે છે કે “ઊતરતામાં ઊતરતા વર્ગના ગોરાના કરતાં ઊતરતામાં ઊતરતા વર્ગનો હિંદી વધારે સારી રીતે, વધારે સારા રહેઠાણમાં અને સુખાકારીને માટેના ઇલાજનું વધારે ધ્યાન રાખીને રહે છે” (પરિ. ૧).

૨૬. વળી, ડૉકટર નેાંધે છે કે જયારે “હરેક પ્રજાનો એક કે એકથી વધારે માણસ કોઈ ને કોઈ વખતે ચેપી રોગના દરદીઓની ઈસ્પિતાલમાં હતો પરંતુ એક પણ હિંદી તેમાં નહોતો.” આની સાથે વધારામાં જોહાનિસબર્ગના બે દાક્તરોનો એવી મતલબનો પુરાવો છે કે “હિંદીઓ પોતાના જેવા જ દ૨જજાના યુરોપિયનો કરતાં કોઈ પણ રીતે ઊતરતા નથી.” (પરિ, ૨ અને ૩).

૨૭. અા વાદાવાદમાં તમારા અરજદારોએ ઉઠાવેલા મુદ્દાના વિશેષ સમર્થનમાં હિંદીઓને પક્ષે જેવી જોઈએ તેવી ન્યાયી રીતે રજૂ કરનારો ઉતારો ૧૮૮૯ની સાલના केप टाइम्स અખબારના એપ્રિલ માસની ૧૩મી તારીખના અંકના અગ્રલેખમાંથી ટાંકવાની તમારા અરજદારો છૂટ લેવા ચાહે છે.

હિંદી અને આરબ વેપારીઓની કરણીને વિષે સવારનાં અખબારોમાં પ્રસંગોપાત્ત પ્રગટ થતા ફકરાઓ પરથી થોડા વખત પહેલાં ટ્રાન્સવાલની રાજધાનીમાં 'કુલી વેપારી' સામે જે બુમરાણ મચ્યું હતું તેની યાદ આવે છે.

હિંદી વેપારી સાહસનું રોચક વર્ણન બીજા અખબારમાંથી ઉતાર્યા બાદ તે અગ્રલેખમાં આગળ કહ્યું છે :

આ પ્રકારે યાદ આપવામાં આવે છે ત્યારે થોડા વખતને સારુ થોભી જઈ આબરૂદાર અને તનતોડ મહેનત કરવાવાળા લોકોના સમુદાયનો ઉલ્લેખ કરવાને માટે માફી મેળવવાની અપેક્ષા સહેજે રાખી શકાય કેમ કે તેમની સ્થિતિને વિષે એવી ગેરસમજ ફેલાયેલી છે કે તેઓ કયા, રાષ્ટ્રની પ્રજા છે એ વાત વીસરી જવાય છે અને તેમને એવા નામથી ઓળખાવવામાં આવે છે કે તેમના ઇતર માનવબંધુઓની નજરમાં તેમને અત્યંત ઊતરતે

દરજજે મૂકી દેવાનું વલણ કેળવાય છે. વળી, જેની સફળતાની હિંદી વેપારીઓ માટે બદનક્ષીભરી ખોટી વાતો ચલાવનારાઓને અદેખાઈ થયા વગર રહે નહીં એવા વેપારનો મોટો આર્થિક વહેવાર ચાલે છે ત્યારે એ વેપાર ખેડનારાઓને આ દેશના ધર્મવિહોણા અર્ધા જંગલી મૂળ વતનીઓની કક્ષાએ મૂકવા માટેની, તેમને અલગ લત્તાઓમાં ગોંધી દેવા માટેની અને જે કાયદાઓ વડે ટ્રાન્સવાલના કાફરાઓ પર શાસન ચાલે છે તે વધારે કઠોર કાયદાઓનો તેમના પર અમલ કરાવવા માટેની ચળવળ સમજાય એવી નથી. શાંત ને નિરુપદ્રવી આરબ દુકાનદાર તેમ જ ઘેર ઘેર ફરી તરેહતરેહના માલસામાનની ફેરી કરનારો સીધોસાદો હિંદી કુલી છે એવી જે છાપ ટ્રાન્સવાલ ને કેપ કૉલોનીમાં સારી પેઠે ફેલાયેલી છે તે એ લોકો કઈ પ્રજામાંથી નીપજયા છે તે વાતના મોટે ભાગે ઘમંડભર્યા અજ્ઞાનને આભારી છે. જ્યારે ખ્યાલ કરીએ છીએ કે કાવ્યમય અને ગૂઢ રહસ્યમય પુરાણકથાઓવાળા બ્રાહ્મણધર્મનું બીજ આ “કુલી વેપારી”ની ભૂમિમાં પ્રગટ થઈને પોષાયું હતું. ચોવીસ સૈકા પર લગભગ ઈશ્વરી અવતાર જેવા બુદ્ધ આત્મત્યાગનો ઉજજવળ સિદ્ધાંત ઉપદેશી તે જ ભૂમિમાં આચરી બતાવ્યો હતો. આપણે ખુદ જે ભાષા બોલીએ છીએ તેના અસલ સિદ્ધાંતો અને સત્યો વિધિએ ઘડેલી એ જ પ્રાચીન ભૂમિનાં મેદાનો અને પર્વતોમાંથી પ્રગટયાં હતાં, ત્યારે ખેદ થયા વગર રહેતો નથી કે તે ભૂમિની પ્રજાનાં સંતાનોની સાથે કાળા ધર્મવિહોણા જંગલી પ્રદેશના અને તેનીયે પેલી પારના અંધારા મુલકનાં સંતાનોની સાથે ચલાવવામાં આવે તેવો વહેવાર રાખવામાં આવે છે. જે કોઈ હિંદી વેપારીની સાથે થોડો વખત પણ વાતચીત કરવાને થોભ્યું હશે તેને આપણો એક વિદ્વાન તેમ જ સંસ્કારી સજજન સાથે મેળાપ થયો એવી નવાઈ કદાચ થયા વગર નહીં રહી હોય. . . અને આ સંસ્કાર તેમ જ જ્ઞાનના પ્રકાશવાળી ભૂમિના પુત્રોને કુલી કહીને તુચ્છકારવામાં આવે છે ને તેમની સાથે કાફરાઓ સાથે ચલાવવામાં આવે છે તેવો વહેવાર રાખવામાં આવે છે.

હિંદી વેપારીની સામે બુમરાણ મચાવનારાઓને તે કોણ અને શું છે તે સ્પષ્ટપણે બતાવી આપવાનો વખત લગભગ પાકી ગયો છે. તેની ખરાબમાં ખરાબ રીતે બદગોઈ કરનારા ઘણા બ્રિટિશ પ્રજાજન હોઈ એક તેજસ્વી અને ઊજળી કોમના સભ્ય તરીકેના બધા હક તેમ જ અધિકાર ભોગવે છે. અન્યાયની ચીડ અને સૌને સારુ ન્યાયી વર્તન માટેનો પ્રેમ તેમના હાડમાં ઊતરેલાં હોઈ જયારે જયારે એ બાબતો તેમને પોતાને અસર કરે છે ત્યારે પરદેશી રાજ્યના કે ખુદ પોતાની સરકારના અમલ નીચે પોતાના હક અને પોતાની સ્વતંત્રતાને સારુ આગ્રહ બતાવવાની કાર્યપદ્ધતિ તેમણે કેળવી છે. હિંદી વેપારી પણ બ્રિટિશ પ્રજાજન હોઈ તેમના જેટલા જ ન્યાયથી તેમના જેવાં જ હક અને સ્વતંત્રતાનો દાવો કરે છે એ બીના સંભવ છે કે તેમના ધ્યાન બહાર જતી રહી હોય. પામર્સ્ટનના જમાનામાં પ્રચલિત થયેલું એક વચન વાપરવાની છૂટ લઈને કંઈ નહીં તો એ વિષે ઓછામાં ઓછું એટલું કહેવું જોઈએ કે જે હક અને અધિકાર બીજાને આપવાની તૈયારી ન હોય તેનો દાવો રાખવો એ ઘણું ગેરઅંગ્રેજી વલણ કહેવાય. રાણી એલિઝાબેથના જમાનાના ઈજારાઓ રદ થયા ત્યારથી વેપાર કરવાનો સૌનો સરખો હક બ્રિટિશ રાજબંધારણનું એક અંગ જેવું બન્યું હોઈ કોઈ તે હકમાં દખલ કરવા નીકળે તો બ્રિટિશ પ્રજાજનનો અધિકાર

એકાએક તેની સામે ખડો થઈને ઊભો રહે છે. હરીફાઈમાં હિંદી વધારે સફળ નીવડે છે અને અંગ્રેજ વેપારીના કરતાં થોડામાં ચલાવે છે એ દલીલ અન્યાયીમાં અન્યાયી અને નબળામાં નબળી છે. બીજાં રાષ્ટ્રોની આપણે વધારે સફળપણે હરીફાઈ કરવાને સમર્થ છીએ એ હકીકત અંગ્રેજ વેપારનો ખુદ પાયો છે. પોતાના હરીફોની વધારે સફળ વેપારી રીતરસમોની સામે પોતાના બચાવને સારુ રાજ્ય વચ્ચે પડે એમ અંગ્રેજ વેપારીઓ ઇચ્છે છે ત્યારે રક્ષણની વાત ખરેખર પાગલપણાની હદે પહોંચી જાય છે. હિંદીઓને એવો હડહડતો અન્યાય થાય છે કે માત્ર વેપારમાં તેમને મળતી સફળતાને કારણે પોતાના દેશબંધુઓ એ લોકોની સાથે દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓની માફક કામ લેવાય એમ ઇચ્છે છે ત્યારે તેમને માટે શરમથી નીચું જોવા જેવું થાય છે. રાજ કરનારી જાતિની સામે તેઓ આટલા સફળ થયા એટલું એક જ કારણ તે હલકા દરજજાથી તેમને ઊંચે ચડાવવાને પૂરતું છે. . . . અખબારોના, ડચમૅનોના અને નિરાશ થયેલા વેપારીના “કુલી” કરતાં હિંદી વેપારી કંઈક વિશેષ છે એટલું દર્શાવવાને પૂરતું કહેવાઈ ચૂકયું છે.

૨૮. ઉપર આપવામાં આવેલા ઉતારા પરથી એ પણ સમજાશે કે સ્વાર્થની મારી આંધળી થયેલી નથી હોતી ત્યારે યુરોપિયનોની લાગણી હિંદીઓની વિરુદ્ધ હોતી નથી. પણ ઉપર જણાવેલી ગ્રીન બુકો (સરકારી પ્રકાશનો)માં બધે વારીવારીને કહેવામાં આવ્યું છે કે રાજયના નાગરિકો (બર્ગરો) તેમ જ યુરોપિયન રહેવાસીઓ હિંદીઓની સામે વાંધો લે છે તેથી તમારા અરજદારો દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યના માનનીય રાજ્યપ્રમુખને બે અરજીઓ મોકલાવે છે જેમાંની એક દર્શાવે છે કે રાજયના નાગરિકો (બર્ગરો)માંથી ઘણી મોટી સંખ્યાના હિંદીઓ ટ્રાન્સવાલમાં સ્વતંત્રપણે રહે અને વેપાર ચલાવે તેની વિરુદ્ધ નથી એટલું જ નહીં, રંજાડ કરે એવાં કાયદાનાં પગલાંને પરિણામે આખરે તેઓ રાજ્ય છોડી જાય તેને મોટી હાડમારી પણ લેખશે (પરિ. પ); અને બીજી જેના પર યુરોપિયન રહેવાસીઓએ સહીઓ કરી છે તે દર્શાવે છે કે સહી કરનારાઓને મતે હિંદીઓના સ્વચ્છતા તેમ જ આરોગ્યને લગતા રિવાજો યુરોપિયનોના તેવા રિવાજો કરતાં કોઈ રીતે ઊતરતા નથી અને હિંદીઓની સામેની ચળવળ વેપાર અંગેની અદેખાઈને આભારી છે (પરિ. ૬). પણ વસ્તુસ્થિતિ એથી જુદી હોઈ, રાજ્યનો એકેએક નાગરિક (બર્ગર) અને એકેએક યુરોપિયન રહેવાસી હિંદીઓનો હાડોહાડ વિરોધી હોય તોયે તમારા અરજદારો સૂચવે છે કે મૂળ મુદ્દાને કશી અસર થતી નથી; હા, જે કારણોને લીધે એવી વસ્તુસ્થિતિ શકય બને તે એવાં હોય કે જેની સામે એ પ્રકારની લાગણી ફેલાયેલી હોય તે કોમને તે કારણોથી નીચું જેવાપણું થાય તો વાત જુદી છે. એ -અરજીઓ છાપવાનું શરૂ થતાં સુધીમાં (૧૪-૫-'૯૫ ) ડચ નાગરિકો (બર્ગરો)ની અરજી પર ૮૯૪ અને યુરોપિયન રહેવાસીઓની અરજી પર ૧,૩૦૦ સહીઓ થઈ ચૂકી હતી.

૨૯. ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશના લવાદી ચુકાદાથી સવાલ જરાયે સરળ થતો નથી કે તેનું નિરાકરણ એક ડગલુંયે નજદીક આવતું નથી એ નીચેની બીનાથી દેખાશે:

લવાદી ચુકાદો જાણે કે અપાયો જ ન હોય તેમ નેક નામદાર શહેનશાહબાનુની સરકારે રાખેલી રક્ષણની જોગવાઈનો પ્રત્યક્ષ અમલ પહેલાંની જેમ જરૂરી રહેશે. કેમ કે, દલીલને ખાતર અને કેવળ તેટલા જ ખાતર માની લઈએ કે લવાદી ચુકાદો યોગ્ય અને છેવટનો છે, અને ટ્રાન્સવાલની વડી અદાલતના વડા ન્યાયાધીશે ઠરાવ્યું છે કે હિંદીઓએ સરકારે મુકરર કરેલી જગ્યાઓએ વેપાર કરવો ને રહેવું તો સવાલ એકદમ ઊભો થાય છે કે તેમને કયાં રાખવામાં

આવશે? તેમને નાળીઓ પર રાખવામાં આવશે? તો તે જગ્યાઓ પર તો સ્વચ્છતા ને આરોગ્ય જાળવવાં અશકય છે અને તે કસબાઓની વસ્તીથી એટલી બધી આઘી આવેલી હશે કે હિંદીઓ ત્યાં વેપાર બિલકુલ નહીં કરી શકે અથવા સુઘડપણે બિલકુલ રહી પણ નહીં શકે. મલાયાના વતનીઓને ૧૮૯૩ની સાલમાં વસવાટ ન કરી શકાય એવી જગ્યા કાઢી આપતાં ટ્રાન્સવાલની સરકારની સામે ગ્રીન બુક નં. ૨ના પાન ૭૨ પર આપેલા નીચે ઉતારેલા સખત વાંધા પરથી એમ બનવું તદ્દન સંભવિત છે એવું દેખાઈ આવશે :

શહેરના બધા કચરાનો ઉકરડો જ્યાં કરવામાં આવતો હોય અને શહેર અને તે સ્થળ વચ્ચેની નાળીમાં ઝરીને આવતા મેલા પાણી વગર બીજું પાણી મળતું ન હોય તેવા નાના વાડામાં ગોંધાઈને રહેવાની ફરજ પડવાથી તેમનામાં અનિવાર્યપણે જીવલેણ તાવો ને બીજી બીમારીઓ ફાટી નીકળ્યા વગર રહે નહીં અને તેથી તેમની પોતાની જિંદગીને અને શહેરની વસ્તીના આરોગ્યને પણ હાનિ પહોંચ્યા વગર રહે નહીં, પણ આ ગંભીર વાંધા ઉપરાંત મુકરર કરવામાં આવેલી જમીન પર (અથવા બીજે કોઈ સ્થળે) પોતે અત્યાર સુધી જેમાં રહેવાને ટેવાયેલા છે તેવાં રહેઠાણો પોતાને સારુ ઊભાં કરવાનાં સાધનો એ લોકો પાસે નથી. એટલે તેમની અત્યારની વસવાટની જગ્યાઓ પરથી ફરજિયાત હાંકી કાઢવાથી તેમને પ્રિટોરિયા છોડી જવું પડશે જેને પરિણામે ખુદ તે લોકોને પોતાને જે હાડમારી વેઠવાની આવશે તેની વાત બાજુએ રાખીએ તોપણ ગોરા લોકોને મોટી અગવડ થશે ને ભારે નુકસાન થશે કેમ કે ગોરાઓ તે લોકોને મજૂરીએ રાખતા આવ્યા છે. . . .

૩૦. એ જ પુસ્તકના છેલ્લા પાના પર ૧૮૯૪ની સાલના માર્ચ માસની ૨૧મી તારીખના પોતાના ખરીતામાં હાઈ કમિશનર નીચે મુજબ જણાવે છે:

. . . નેક નામદાર શહેનશાહબાનુની સરકાર માનીને ચાલે છે કે પંચનો ચુકાદો બ્રિટિશ પ્રજાજન હોય એવા એશિયાના આદિવાસીઓને લાગુ કરવામાં આવશે.

૩૧. આ ખરીતાના શબ્દો મુજબ લવાદી ચુકાદો એશિયાના આદિવાસીઓને લાગુ થવાનો હોય તો સવાલ એ ઊભો થાય છે કે ટ્રાન્સવાલમાં એશિયાના કોઈ આદિવાસી છે ખરા? હા, બધા એશિયાવાસીઓને આપોઆપ એવા માની લેવાના હોય તો વાત જુદી છે પણ તમારા અરજદારોને વિશ્વાસ છે કે એ દલીલને ઘડીભરને સારુ પણ સ્વીકારવામાં નહીં આવે. તેથી તમારા અરજદારો અલબત્ત, આદિવાસીઓમાં નહીં ગણાય.

૩૨. હિંદીઓની સામેનો બધો વાંધો સ્વચ્છતા અને આરોગ્યને કારણે હોય તો નીચે બતાવેલા અંકુશો જરાયે સમજાય એવા નથી..

૧. કાફરાઓની માફક હિંદીઓ સ્થાવર મિલકતના માલિક થઈ નહીં શકે,

૨. હિંદીઓએ સરકારી દફતરે ૩ પા. ૧૦ શિ.ની ફી ભરી પોતાની નોંધણી કરાવવી રહેશે.

૩. પ્રજાસત્તાક રાજ્યની હદમાંથી પસાર થતા આફ્રિકાના અસલ વતનીઓની માફક તેમની પાસે નોંધણીના દાખલાની ટિકિટ ન હોય તો પરવાના રજૂ કરવાના રહેશે.

૪. રેલગાડીમાં તેઓ પહેલા ને બીજા વર્ગમાં મુસાફરી નહીં કરી શકે, આફ્રિકાના મૂળ વતનીઓની સાથે તેમનાં ખાનાંઓમાં તેમને ઠાંસીને ભરવામાં આવે છે. ૩૩. તમારા અરજદારો પૈકીના ઘણા ડેલાગોઆ બેમાં મોટી મોટી મિલકતો ધરાવનારાઓ છે એ બીના યાદ રાખીએ તો હીણવવાને માટે કરવામાં આવતાં આ અપમાનોનો ડંખ વધારે કઠે છે. ત્યાં તેઓનું એવું માન રાખવામાં આવે છે કે તેમનાથી રેલગાડીના ત્રીજા વર્ગની ટિકિટ પણ લઈ શકાતી નથી. ત્યાંના યુરોપિયનો હોંશથી તેમને આવકારે છે. તેમને પરવાના રાખવા પડતા નથી. તો પછી તમારા અરજદારો નમ્રપણે પૂછે છે કે તેમની સાથે ટ્રાન્સવાલમાં જુદો વહેવાર શા સારુ રાખવામાં આવે છે? ટ્રાન્સવાલના પ્રદેશમાં પેસતાંની સાથે શું તેમના સ્વચ્છતાના અને આરોગ્યના રિવાજો સૂગ ઉપજાવે તેવા ગંદા બની જાય છે? એવું ઘણી વાર બનતું જોવામાં આવ્યું છે કે એકના એક હિંદી સાથે તેનો તે યુરોપિયન ડેલાગોઆ બેમાં અને ટ્રાન્સવાલમાં જુદો વહેવાર રાખે છે.

૩૪. પરવાના રાખવાનો નિયમ કેવી કનડગત કરે છે તે દર્શાવવાને તમારા અરજદારોએ આની સાથે મિ. હાજી મહમદ હાજી દાદાએ સોગંદ પર કરેલું એક નિવેદન (ઍફિડેવિટ) જોડયું છે જેનું અહીં વિશેષ વિવેચન જરૂરી નથી (પરિ. ૭). મિ. હાજી મહમદ કોણ છે તે એફિડેવિટની સાથે જોડેલી એક પત્રની નકલ પરથી સમજાશે. (૫રિ. ૮). દક્ષિણ આફ્રિકામાંના સૌથી આગળ પડતા હિંદીઓ પૈકીના તેઓ એક છે. તમારા અરજદારોએ એ ઍફિડેવિટ એક મિસાલ લેખે અને એક સૌથી આગળપડતો હિંદી સુધ્ધાં અપમાન અને ખરેખરી હાડમારી વેઠયા વગર મુસાફરી કરી શકતો નથી તો બીજા હિંદીઓના કેવા હાલ થતા હશે તે બતાવવાને આની સાથે જોડયું છે. જરૂર પડે તો આવા નિષ્ઠુર ઘાતકી વર્તનના સેંકડો દાખલા બનેલા સચોટ સાબિત થઈ શકે તેમ છે.

૩૫. એવું પણ કહેવામાં આવ્યું છે હિંદીઓ પરોપજીવી હોઈ અહીં કશો ખર્ચ કરતા નથી. હિંદી મજૂરો અને તેમનાં બાળકોને સંબંધ છે તે મુજબ આ વાંધામાં કશું તથ્ય માલૂમ પડે એમ નથી અને પૂર્વગ્રહથી વધારેમાં વધારે ઘેરાયેલા યુરોપિયનો સુધ્ધાં તેમને પરોપજીવી માનતા નથી. તમારા અરજદારો પોતાના જાતઅનુભવથી જણાવવાની રજા ચાહે છે કે મજૂરોમાંના મોટા ભાગનાને લાગેવળગે છે ત્યાં સુધી તે લોકો પોતાની આવક કરતાં વધારે ખર્ચ કરીને રહેતા હોઈ પોતપોતાના પરિવાર સાથે અહીં ઠરીઠામ થયા છે. જેમની સામે ખાસ કરીને પૂર્વગ્રહ કેળવાયો છે તે વેપારી હિંદીઓની બાબતમાં થોડા ખુલાસાની જરૂર છે. તમારા અરજદારો જેઓ વેપારીઓ છે તેઓ પોતાના પર આધાર રાખનારાંઓ માટે હિંદુસ્તાન નાણાં મોકલે છે એ વાતનો ઇનકાર કરતા નથી બલ્કે તેનો સ્વીકાર કરવામાં ગૌરવ લે છે, પણ એ રીતે મોકલવામાં આવતી નાણાંની રકમો તેમના ખર્ચના પ્રમાણમાં નજીવી છે. યુરોપિયન વેપારીઓના કરતાં મોજશોખમાં તેઓ ઓછો ખર્ચ કરે છે એ જ એક તેમની હરીફો તરીકેની સફળતાનું કારણ છે. તેમ છતાં યુરોપિયન મકાનમાલિકોને તેમણે ઘરભાડાં ચૂકવવાનાં હોય છે, તેમને ત્યાં નોકરો તરીકે કામ કરતા આફ્રિકાના વતનીઓને પગાર આપવાના હોય છે અને માંસને માટે જે જાનવરો તેઓ ખરીદે છે તેમના પૈસા ડચ વેપારીઓને આપવાના હોય છે. બીજી ચા, કોફી જેવી વપરાશની ચીજો અહીં આ મુલકમાંથી ખરીદાય છે.

૩૬. ત્યારે ખરેખર સવાલ એ નથી કે હિંદીઓ આ લત્તામાં રહે કે પેલા લત્તામાં રહે, પણ એ છે કે આખાયે દક્ષિણ આફ્રિકામાં તેમણે કયે दरज्जे રહેવાનું છે. કેમ કે ટ્રાન્સવાલમાં જે કંઈ કરવામાં આવશે તેની બીજાં બે સંસ્થાનો ઉપર પણ અસર થયા વગર નહીં રહે. સામાન્ય અભિપ્રાય એવો બંધાયો છે કે સ્થાનિક સંજોગો પૂરતા સુધારાવધારા સાથે એ સવાલનો સમાન પાયા પર નિવેડો લાવવો રહેશે.

૩૭. અત્યાર સુધીમાં જે લાગણી व्यक्त थई छे તે હિંદીને કાફરાની સ્થિતિએ ઉતારી મૂકવાની છે. પણ સામાન્ય લાગણી જે એટલા જોરથી વ્યક્ત થઈ નથી છતાં યુરોપિયન લોકોના મોભાદાર વિભાગની કયાંક કયાંક અખબારોમાં પ્રગટ થઈ છે તે તેનાથી તદ્દન ઊલટી છે.

૩૮. નાતાલ સંસ્થાને દક્ષિણ આફ્રિકાનાં બીજાં રાજ્યોને એક 'કુલી' પરિષદને માટે નિમંત્રણો આપ્યાં છે. અહીં 'કુલી' શબ્દ સરકારી રાહે ઉપયોગમાં લેવાયો હોઈ વ્યક્ત થયેલી લાગણી હિંદીઓની સામે કેવી ઉગ્રપણે ફેલાયેલી છે અને કરી શકાય એમ હોય તો આ સવાલને અંગે પરિષદ શું કરશે તે બતાવે છે. ટ્રાન્સવાલની સરકારે લવાદ પંચની આગળ પોતાનો દાવો રજૂ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે 'કુલી' નામ એશિયામાંથી દક્ષિણ આફ્રિકામાં આવનાર कोई पण વ્યક્તિને લાગુ પડે છે.

૩૯. હિંદીઓની સામે દક્ષિણ આફ્રિકામાં આવી ઉગ્ર લાગણી ફેલાયેલી છે. હિતસંબંધ ધરાવનારા લોકો તરફથી ઉપાડવામાં આવેલી ચળવળમાં તે લાગણીનું મૂળ રહેલું છે (એવું ઉપર પૂરતા પ્રમાણમાં દર્શાવી આપવામાં આવ્યું હોવાની આશા છે), એવી લાગણી બધા યુરોપિયનોમાં હરગિજ નથી એ બીના જાહેર છે. દક્ષિણ આફ્રિકામાં પૈસો એકઠો કરી લેવાની સૌ લોકો વચ્ચે પડાપડી ચાલી રહેલી છે, લોકોની નીતિની સ્થિતિ ખાસ ઊંચા પ્રકારની નથી, હિંદીઓના રિવાજો વિષે હડહડતી અવળી રજૂઆતો થાય છે અને તેને પરિણામે તેમને માટે ખાસ અલગ કાયદાકાનૂનો કરવામાં આવે છે, ત્યારે તમારા અરજદારોની સામે કરવામાં આવતાં નિવેદનો અને હિંદી સવાલના નિવેડાની દરખાસ્તો સ્વીકારતાં પૂરેપૂરી સાવચેતી રાખવાને તમો નામદારને વિનંતી કરતાં કંઈ વધારેપડનું થતું નથી એમ તમારા અરજદારો સૂચવે છે.

૪૦. તમારા અરજદારો તમો નામદારને એ વાત પણ વિચારણામાં લેવા આગ્રહ કરે છે કે ૧૮૫૮ની સાલનો ઢંઢેરો તમારા અરજદારોને નેક નામદાર શહેનશાહબાનુના બીજા પ્રજાજનો જે હક અને અધિકારો ભોગવે છે તે બધા ભોગવવાને હકદાર જાહેર કરે છે એટલું જ નહીં, તમો નામદારે મોકલેલા ખરીતા મુજબ તમારા અરજદારોને તેમની સાથે તે પ્રકારનો વહેવાર રાખવામાં આવશે એવી ખાસ બાંયધરી પણ આપવામાં આવી છે. ખરીતામાં કહ્યું છે:

નેક નામદાર શહેનશાહબાનુની સરકાર ઇચ્છે છે કે નેક નામદાર શહેનશાહબાનુના હિંદી પ્રજાજનોની સાથે નેક નામદારના બીજા બધા પ્રજાજનોના જેવો સરખાપણાથી વહેવાર થવો જોઈએ.

૪૧. વળી, આ સવાલ દક્ષિણ આફ્રિકા પૂરતો સ્થાનિક નથી; પણ તમારા અરજદારો સૂચવે છે કે સૌથી વધારે પ્રમાણમાં આખા સામ્રાજ્યનો સવાલ છે. બીજી સંસ્થાનોની અને કરારથી જયાં નેક નામદાર શહેનશાહબાનુના પ્રજાજનો વેપાર વગેરેની સ્વતંત્રતા ભોગવે છે અને જ્યાં નેક નામદાર શહેનશાહબાનુના હિંદી પ્રજાજનો જઈને વસવાટ કરે એવો પણ સંભવ છે તે બધા દેશોની નીતિને આ સવાલનું નિરાકરણ અસર કર્યા વગર અગર દોરવણી આપ્યા વગર રહેશે નહીં. વળી દક્ષિણ આફ્રિકામાં રહેતી ઘણી મોટી વસ્તીને પણ એ સવાલ અસર કરે છે, જેઓ દક્ષિણ આફ્રિકામાં ઠરીઠામ થઈ વસવાટ કરીને રહ્યા છે તેમને સારુ તો એ જીવનમરણનો સવાલ છે. તેમની સાથે એકધારો ભેદભર્યો વહેવાર ચલાવી તેમની રંજાડ થતી રહેશે તો તેમની અવનતિ થયા વગર રહેવાની નથી. અને તે એટલી હદ સુધી થશે કે પોતાની સંસ્કારી આદતો અને રિવાજોમાંથી નીચા જતા જતા તે લોકો દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓની આદતો ને રિવાજો પર પહેાંચી જશે અને આજથી એક પેઢીના ગાળા બાદ આ રીતે અવનતિ તરફ ધકેલાતા જતા હિંદીઓની અને સ્થાનિક આદિવાસી વતનીઓની સંતતિની રહેણીકરણીની આદતો, તેના રિવાજો અને વિચારમાં ઝાઝો ફરક વરતાશે નહીં. હિંદીઓને આ મુલકમાં લાવીને વસાવવાનો ખુદ હેતુ માર્યો જશે અને નેક નામદાર શહેનશાહબાનુના પ્રજાજનોનો એક મોટો ભાગ સંસ્કારિતાના માપમાં ઊંચે ચડવાને બદલે નીચે ઊતરી જશે. આવી દશાનાં પરિણામ ખતરનાક નીવડયા વગર નહીં રહે. કોઈ સ્વમાની હિંદી દક્ષિણ આફ્રિકાની મુલાકાત સરખી લેવાની હિંમત નહીં કરે. હિંદીઓના વેપારવણજ બધું ગૂંગળાઈ મરશે. તમારા અરજદારોને જરાયે શંકા નથી કે જે સ્થળમાં નેક નામદાર શહેનશાહબાનુની સત્તા સર્વોપરી છે અને જેના પર યુનિયન જેક (બ્રિટનનો વાવટો) ફરકે છે ત્યાં તમો નામદાર એવી દુ:ખદ ઘટના કદી નહીં બનવા દો.

૪૨. તમારા અરજદારો અદબ સાથે નિર્દેશ કરવાની રજા ચાહે છે કે, હિંદીઓની સામે જે જાતની લાગણી અત્યારે દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલી છે તે દશામાં હિતસંબંધ ધરાવનારા લોકોના બુમરાણને નેક નામદાર શહેનશાહબાનુની સરકાર તાબે થશે તો તમારા અરજદારોને ગંભીર અન્યાય થશે.

૪૩. તમારા અરજદારોની સ્વચ્છતા ને આરોગ્યને લગતી આદતો યુરોપિયન કોમના આરોગ્યને હાનિ પહોંચાડે એવી નથી એ વાત સાચી હોય અને તેમની સામેની ચળવળ વેપારની અદેખાઈને કારણે છે એ પણ સાચું હોય તો તમારા અરજદારો સૂચવે છે કે ઑરેન્જ ફ્રી સ્ટેટની વડી અદાલતના વડા ન્યાયાધીશે આપેલો લવાદી ચુકાદો પંચને નિર્ણયને માટે સોંપવામાં આવેલા મુદ્દાને અક્ષરશઃ અનુસરીને હોય તોપણ બંધનકારક થઈ શકતો નથી. તેનું કારણ એ કે લંડનની સમજૂતીનો ત્યાગ કરવાને નેક નામદાર શહેનશાહબાનુની સરકારને જે કારણ આપી સમજાવવામાં આવી તે ખુદ કારણ અસ્તિત્વમાં નથી.

૪૪. આમ છતાં તમારા અરજદારોની સ્વચ્છતા તેમ જ આરોગ્યને લગતી આદતો ને રિવાજોને વિષે આ અરજીમાં કરવામાં આવેલી રજૂઆત અંગેનાં નિવેદનોની બાબતમાં તમો નામદારને શંકા રહેતી હોય તો તમારા અરજદારો નમ્રપણે આગ્રહ કરે છે કે આ સવાલની સાથે મોટાં મોટાં હિતો સંકળાયેલાં છે, તમારા અરજદારોની સ્વચ્છતા તેમ જ આરોગ્યને લગતી આદતો ને રિવાજોની બાબતમાં પરસ્પર વિરોધી રજૂઆતનાં નિવેદનો થયાં છે અને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સામેની લાગણી ઉગ્રતાથી ફેલાયેલી છે એ હકીકતો ધ્યાનમાં રાખી લંડનની સમજૂતીનો ત્યાગ કરવાની વાતને છેવટની મંજૂરી આપવામાં આવે તે પહેલાં પરસ્પર વિરોધી નિવેદનોમાંથી સાચું શું તે શોધી કાઢવાને કંઈક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, અને દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના दरज्जा વિષેનો આખો સવાલ ઝીણવટથી તપાસવો જોઈએ.

છેવટમાં, તમારા અરજદારો પોતાનો સવાલ તમો નામદારના હાથમાં સોંપે છે અને અંતરથી પ્રાર્થના કરે છે ને પૂરેપૂરી આશા રાખે છે કે તમારા અરજદારોને રંગદ્વેષનો ભોગ થવા દેવામાં નહીં આવે અને નેક નામદાર શહેનશાહબાનુની સરકાર હિંદીઓને ઊતરતા દરજજાની ને અકુદરતી દશામાં હડસેલી દે તેમ જ તેમની પાસેથી પ્રામાણિકપણે રોજી રળવાનું સાધન ખૂચવી લે એવો વહેવાર તેમની સાથે ચલાવવાની વાતને મંજૂરી નહીં આપે. અને ન્યાય ને દયાના આ કાર્યને સારુ તમારા અરજદારો હંમેશ બંદગી કરવાની પોતાની ફરજ સમજે છે વગેરે.[૧]

પરિશિષ્ટ ૧

આથી હું દાખલો આપું છું કે પ્રિટોરિયા શહેરમાં પાછલાં પાંચ વરસથી હું સામાન્ય દાક્તર તરીકે વ્યવસાય કરું છું.

એ ગાળા દરમિયાન હિંદીઓમાં મારું કામકાજ ધીકતું ચાલતું હતું અને તેમાંયે ત્રણેક વરસ પહેલાં આજના કરતાં તેમની વસ્તી ઘણી વધારે હતી ત્યારે ખાસ વધારે ચાલતું હતું.

સામાન્યપણે મારા અનુભવમાં આવ્યું છે કે તેઓ શરીરે સ્વચ્છ હતા અને ગંદકી તેમ જ ફૂવડ આદતોને લીધે આવતી બીમારીઓમાંથી મુક્ત રહેતા હતા. તેમનાં રહેઠાણ સામાન્યપણે ચોખ્ખાં હોય છે અને આરોગ્ય તેમ જ સ્વચ્છતાના નિયમો તેઓ રાજીખુશીથી પાળે છે. વર્ગ તરીકે વિચાર કરવામાં આવે તો મારો અભિપ્રાય એવો છે કે નીચલામાં નીચલા વર્ગનો હિંદી નીચલામાં નીચલા વર્ગના ગોરાને મુકાબલે ઊતરે નહીં એટલે કે નીચલામાં નીચલા વર્ગના હિંદીની રહેણીકરણી ચડિયાતી હોય છે, તે વધારે સારા ઘરમાં રહે છે અને નીચલામાં નીચલા વર્ગના ગોરાની સરખામણીમાં સ્વચ્છતા અને સુખાકારીને લગતા ઈલાજનો વધારે ખ્યાલ રાખે છે.

એથી આગળ મારા જેવામાં આવ્યું કે શહેર અને જિલ્લામાં બળિયાનો વાવર ચાલ્યો અને હજીયે ચાલે છે ત્યારે હરેક પ્રજાનો એક કે એકથી વધારે માણસ કોઈ ને કોઈ વખતે ચેપી રોગના દરદીઓની ઇસ્પિતાલમાં હતો, પરંતુ એક પણ હિંદી, તેમાં નહોતો.

મારો અભિપ્રાય છે કે સામાન્યપણે સ્વચ્છતા અને સુખાકારીના નિયમોના પાલનની દૃષ્ટિથી હિંદીઓની સામે વાંધો લેવાનું અશકય છે; અલબત્ત, ગોરાઓની જેમ હિંદીઓ પર પણ સુખાકારી ખાતાના અમલદારોની નિયમિત અને સખત દેખરેખ રાખવામાં આવે.

એચ. પ્રાયર વીલ
૨૭ એપ્રિલ, ૧૮૯૫
બી.એ., એમ. બી. બી. એસ. (કૅંન્ટાબ).
પ્રિટોરિયા, ઝેડ. એ. આર.[૨]

 

પરિશિષ્ટ ૨

 

જોહાનિસબર્ગ,

 

૧૮૯૫

 

આથી દાખલો આપવામાં આવે છે કે આ નેાંધ લઈને આવનારનાં રહેઠાણ મેં તપાસ્યાં છે અને તે સ્વચ્છતા ને આરોગ્યની સ્થિતિમાં માલૂમ પડયાં છે. અને હકીકતમાં એવાં કે તેમાં કોઈ પણ યુરોપિયન વસવાટ કરી શકે. હું હિંદુસ્તાનમાં રહી આવ્યો છું. હું પ્રમાણપત્ર આપી શકું કે તેમનાં અહીંનાં ઝેડ. એ. આર.[૨]માં આવેલાં રહેઠાણો તેમના વતનના દેશમાંનાં તેમનાં રહેઠાણો કરતાં કયાંયે ચડિયાતાં છે.

સી. પી. સ્પિક,

 

એમ.આર.સી.પી. અને એલ.આર.સી. એસ. (લંડન)



  1. અરજીની છાપેલી મૂળ નકલ પર સહીએા નથી,
  2. દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયને માટેના ડચ નામ ઝુઈદ આફ્રિકાન્શે રિપબ્લિકનું ટૂંકું રૂપ.
પરિશિષ્ટ ૩
જોહાનિસબર્ગ,

 

૧૪મી માર્ચ, ૧૮૯૫

 

મારા ધંધાની રાહે હિંદીઓના સારા વર્ગ(મુંબઈથી આવેલા વેપારીઓ વગેરે)ના લોકોની મુલાકાતે જવાના પ્રસંગો મને વારંવાર આવતા હોવાથી હું મારો અભિપ્રાય આપું છું કે તેઓ તેમના રીતરિવાજોમાં અને ઘરની રહેણીકરણીમાં તેમના જેવા દરજજાના ગોરા લોકોના જેટલા જ સ્વચ્છ છે.

ડૉ. નાહમાચર,

 

એમ. ડી. વગેરે

 

પરિશિષ્ટ ૪

 


જોહાનિસબર્ગ,

 

૧૪મી માર્ચ, ૧૮૯૫

 

અમને નીચે સહી કરનારાઓને માહિતી આપવામાં આવી છે કે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયમાંના હિંદી વેપારીઓને લગતા સવાલને અંગે લવાદ પંચે બ્લૂમફોન્ટીનમાં પોતાનું કામકાજ શરૂ કર્યું છે અને વળી, તે હિંદી વેપારીઓની સામેના એવી મતલબના આરોપની કે તેમની રહેણીકરણીની મેલીઘેલી આદતોને કારણે યુરોપિયન વસ્તીની વચમાં તેમનો વસવાટ જોખમરૂપ બન્યો છે તેની અમને જાણ કરવામાં આવી હોવાથી આથી અમે સ્પષ્ટપણે જાહેર કરીએ છીએ કે :

પહેલું જેમનામાંના મોટા ભાગના મુંબઈથી આવે છે તેવા ઉપર જણાવેલા હિંદી વેપારીઓ પોતાના વેપારનાં મથકો તેમ જ રહેવાનાં સ્થળો હકીકતમાં યુરોપિયનોના જેવી જ સ્વચ્છ અને સુખાકારીની સ્થિતિમાં રાખે છે.
બીજું એ કે તેમને “કુલી” અથવા બ્રિટિશ હિંદુસ્તાનના “નીચી” ન્યાતના રહેવાસીઓ કહીને ઓળખાવવામાં આવે છે તે ચોખ્ખી ભૂલ છે કેમ કે તેઓ ચોક્કસ હિંદુસ્તાનની સારી ઉપલી વર્ણના છે.
પી. બારનેટ એન્ડ કં.
હેમૅન ગોર્ડન એન્ડ કં.
ઈઝરાયલ બ્રધર્સ વતી
બ્રેન્ડ એન્ડ માયકર્સ
એચ. કલૅપહેમ
લિંડસે એન્ડ ઈન્સ
પેન બ્રધર્સ વતી
ગુસ્ટાવ શ્નાઈડર
એચ. એફ. બેયર્ટ
સી. લીબે
જૉસફ લૅઝૅરસ ઍન્ડ કં.
ક્રિસ્ટોફર પી. સ્પિક
જિયો. જાસ. કેટલ ઍન્ડ કં.
એ વેન્ટવર્થ બૉલ
બોરટન્સ બ્રધર્સ
જે. ગારિલિક વતી
જે.ડબલ્યુ. જૅગર એન્ડ કં. વતી
એચ. વુડક્રૉફટ
ટી. શાર્લૅ
ગૉરડન મિકેલ ઍન્ડ કં.

જોહાનિસબર્ગ, ઝેડ. એ. આર. વતી

આર. જી. ક્રમર અન્ડ ક.
આર. કોર્ટર
હ્યુગો બિન્જેન વતી
હૉલ્ટ એન્ડ હૉલ્ટ વતી
જેસ. ડબલ્યુ. સી.
બી. ઇમેન્યુઅલ
એચ. બ્રેનબર્ગ ઍન્ડ કું, વતી
ઍડમ એલેક્ઝેન્ડર
જનરલ મર્ચન્ટ્સ ઍન્ડ
બી, એક્ઝેન્ડર
ઈ. નીલ
એ. બેહરેન્સ
જે. કુસ્ટિંગ
એસ. કોલમૅન
એન. ડબલ્યુ. લ્યુઈ
એલેક્ઝેન્ડર પી. કે
સ્પેન્સ ઍન્ડ હરી
જી. કોનિસબર્ગ વતી
ફ્રીસમૅન ઍન્ડ શૅપિસો
જે. એચ. હૉપકિન્સ
જે. ફૉગલમૅન
લીબરમૅન, બેલસ્ટટ ઍન્ડ કં. વતી
ટી. રેટ્‌સ ઍન્ડ કં.
જે. એચ. હૉપકિન્સ
બી. ગુન્ડેલફિંગર વતી
જે. એચ. હૉપકિન્સ
જે. ગુન્ડેલફિગર
શ્લૉમ ઍન્ડ આર્મ્સબર્ગ
પરિશિષ્ટ ૫

(ખરો તરજુમો)

નામદાર દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયના રાજ્યપ્રમુખ,

પ્રિટોરિયા

નામદારને વિનંતી જે

પ્રજાસત્તાક રાજયમાં રહેતા ચોક્કસ હિતસંબંધ ધરાવનારા યુરોપિયનો તરફથી રાજ્યના નાગરિકો (બર્ગરો) હિંદીઓ રાજયમાં રહે અગર વેપાર ચલાવે તેની સામે છે એવી મતલબની થતી હડહડતી અવળી રજૂઆત અને તેમની એ લોકો સામેની ચળવળ ધ્યાનમાં લેતાં અમે નીચે સહી કરનારા નાગરિકો (બર્ગરો) અદબ સાથે જણાવવાની રજા ચાહીએ છીએ કે, એ લોકો રાજ્યમાં રહે અને વેપાર કરે તેના વિરોધની વાત તો આઘી રહી, ઊલટું નાગરિકો તેમને સુલેહશાંતિથી રહેનાર અને કાયદાને વફાદાર રહીને ચાલનાર માણસો તરીકે ઓળખતા હોઈ તેમને પસંદ કરવાલાયક વર્ગના લોકો ગણે છે. પોતાની કરકસરની અને સંયમી ટેવોને લીધે વેપારમાં સફળપણે, તીવ્ર હરીફાઈ કરવાને સમર્થ હોવાથી તેઓ જીવનની જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ નીચા રાખી ગરીબ વસ્તીને ખરેખરા આશીર્વાદરૂપ છે.
અમે સૂચવવાનું સાહસ કરીએ છીએ કે તેમની રાજ્ય છોડી ચાલી જવાની વાત અમારે માટે અને ખાસ કરીને અમારામાંના જે વેપારનાં મથકોથી દૂર દૂર રહે છે અને તેથી પોતાની રોજેરોજની જરૂરિયાતો મેળવવાને હિંદીઓ પર આધાર રાખે છે તેમને માટે ભારે આફતરૂપ બનશે અને તેથી તેમની અને તેમાંયે ખાસ વેપાર અને ફેરી કરનારા હિંદીઓની સ્વતંત્રતા પર અંકુશ મૂકનારાં અને જેમની નેમ આખરે તેમને અહીંથી કાઢવાની હોય તેવાં કોઈ પણ કાનૂની પગલાં અમારી સુખસગવડમાં બાધા ઊભી કર્યા વગર રહેશે નહીં. તેથી નમ્રતાથી અમે અરજ ગુજારીએ છીએ કે હિંદીઓને ટ્રાન્સવાલમાંથી ભડકાવી ભગાડી મૂકે એવાં કોઈ પગલાં સરકારે ન લેવાં.
[આ પર ઘણા બર્ગરોએ સહીઓ કરી છે.]
પરિશિષ્ટ ૬

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયના નામદાર રાજ્યપ્રમુખ,

પ્રિટોરિયા

આ પ્રજાસત્તાક રાજ્યમાં રહેતા અમે નીચે સહી કરનારા યુરોપિયનો આ મુલકમાં સ્વતંત્રપણે રહેનારા અગર વેપાર ચલાવનાર હિંદીઓની સામે હિતસંબંધ ધરાવનારા ચોક્કસ શખસોએ ઊભી કરેલી ચળવળની સામે વિરોધ કરવાની રજા ચાહીએ છીએ.

અમારા જાતઅનુભવને લાગેવળગે છે તે મુજબ અમે માનીએ છીએ કે તેમની સ્વચ્છતા ને આરોગ્યની ટેવો યુરોપિયનોની તેવી જ ટેવો કરતાં કોઈ રીતે ઊતરતી નથી, અને તેમનામાં ચેપી રોગોના ફેલાવા વિષેનાં નિવેદનો ને તેમાંયે હિંદી વેપારીઓ વિષેનાં નિવેદનો ખસસ પાયા વગરનાં છે.

અમે દૃઢપણે માનીએ છીએ કે એ ચળવળનું મૂળ તેમની સ્વચ્છતા ને આરોગ્યને લગતી 'દેવો કે રિવાજોમાં નહીં પણ વેપાર અંગેની તેમની સામેની અદેખાઈમાં રહેલું છે કેમ કે પોતાની કરકસરની તેમ જ સંયમી ટેવોથી જીવનની જરૂરિયાતોની ચીજવસ્તુઓના ભાવ તેઓ નીચા રાખવાને સમર્થ થયા હોઈ તે કારણે પ્રજાસત્તાક રાજયમાં વસતા સમાજના ગરીબ વર્ગોને સારુ અસાધારણ આશીર્વાદરૂપ નીવડયા છે.

અમે માનતા નથી કે અલગ લત્તાઓમાં રહેવાની અગર વેપાર કરવાની તેમને ફરજ પાડવાને કોઈ વાજબી કારણ અસ્તિત્વમાં હોય.

તેથી જેનું વલણ તેમની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકવાનું હોય અને આખરે તેઓ પ્રજાસત્તાક રાજય છોડી ચાલી જાય એવું પરિણામ લાવવાનું હોય તેવું કોઈ પણ પગલું અખત્યાર ન કરવાની અગર તેને ચલાવી ન લેવાની અમે તમો નામદારને નમ્રપણે વિનંતી કરીએ છીએ કેમ કે તે પરિણામ ખુદ તેમના રોજી મેળવવાના સાધન પર ઘા કર્યા વગર રહે નહીં અને તેથી અમે નમ્રપણે સૂચવીએ છીએ કે કોઈ પણ ખ્રિસ્તી મુલકમાં નિરાંતે શાંતિથી જોઈને બેસી રહી શકાય નહીં.

(ઉપરની અરજી આફ્રિકાન્સ અને અંગ્રેજી બંને ભાષામાં છપાયેલી છે રજૂ કરવામાં આવેલી નકલ પર, મૂળ પર કરવામાં આવેલી સહીઓ નથી.]

પરિશિષ્ટ ૭

હું હાજી મહમદ હાજી દાદા ડરબન, પ્રિટોરિયા, ડેલાગોઆ બે અને અન્ય સ્થળોના વેપારી હાજી મહમદ હાજી દાદા ઍન્ડ કંપનીનો વડો અને વ્યવસ્થાપક ભાગીદાર સોગંદ લઈને જણાવું છું કે,

૧. ૧૮૯૪ની સાલમાં એક વખત હું જોહાનિસબર્ગથી ચાર્લ્સટાઉન સિગરામમાં મુસાફરી કરતો હતો.
૨. ટ્રાન્સવાલની હદ પર પહોંચતાં એક વરદીમાં અને બીજો એમ બે યુરોપિયન મારી પાસે આવ્યા અને તમારી પાસે પાસ છે? એમ મને પૂછવા લાગ્યા. મેં જણાવ્યું કે, મારી પાસે કોઈ જાતનો પાસ નથી અને પહેલાં કોઈ વખત આવી રીતે મારી પાસે માગવામાં આવ્યો નથી.

૩. તે પરથી તે માણસે મને તોછડાઈથી કહ્યું કે તમારે પાસ કઢાવવો પડશે.

૪. મેં તેને મારે માટે પાસ કઢાવવાને અને તે માટે પૈસા આપવાને જણાવ્યું.

૫. તે પછી તેણે ઘણી તોછડાઈથી મને ગાડીમાંથી ઊતરીને પાસ આપનાર અમલદારની પાસે તેની સાથે આવવાને કહ્યું અને જો હું તેમ ન કરું તો મને બહાર ખેંચી કાઢવાની ધમકી આપી.

૬. વળી વધારે ધાંધલ થાય તે ટાળવાને હું ગાડીમાંથી નીચે ઊતરી ગયો. પછી તેણે ઘોડા પર સવારી કરતાં કરતાં મને તેની સાથે આશરે બે માઈલ પગે ચલાવ્યો.

૭. હું ઓફિસે પહોંચ્યો ત્યારે મારે પાસ કઢાવવાની જરૂર નથી એમ જણાવી માત્ર હું કયાં જાઉં છું એટલું મને પૂછવામાં આવ્યું. પછી મને ત્યાંથી ચાલી જવાને કહેવામાં આવ્યું.

૮. મારી સાથે જે માણસ ઘોડેસવારી કરીને આવ્યો હતો તે પણ મને ત્યાં છોડી ગયો અને હું બે માઈલ પાછો ચાલીને મૂળ જગ્યાએ પહોંચ્યો ત્યારે સિગરામ જતો રહ્યો હતો.

૯. એથી ચાર્લ્સટાઉન સુધીનું પૂરું ભાડું ભરેલું હોવા છતાં મારે ત્યાં સુધી બે માઈલથીયે વધારે ચાલીને પહોંચવાનું થયું.

૧૦. મને જાતમાહિતી છે કે આવી જ સ્થિતિમાં બીજા ઘણા હિંદીઓને આવી જ તકલીફ અને અપમાન વેઠવાં પડયાં છે.

૧૧. હમણાં થોડા દિવસ પર બે મિત્રો સાથે મારે ડેલાગોઆ બેથી પ્રિટોરિયા જવાનું થયું હતું.

૧૨. અમારે બધાને ટ્રાન્સવાલમાં મુસાફરી કરી શકીએ તે સારુ દક્ષિણ આફ્રિકાના અસલ વતનીઓને કઢાવવા પડે છે તેમ પાસ કઢાવવા પડયા હતા.


હાજી મહમદ હાજી દાદા

૧૮૯૫ની સાલના એપ્રિલ માસની ૨૪મી તારીખે મારી રૂબરૂ સોગંદ પર નિવેદન કરવામાં આવ્યું.

એનવારાલોહેરી

વી. રાસક

 

પરિશિષ્ટ ૮
પૉઈન્ટ, પોર્ટ નાતાલ,
તારનું સરનામું:“બોટિંગ”

 

૨જી માર્ચ, ૧૮૯૫

ધિ આફ્રિકા બોટિંગ કંપની લિમિટેડ તરફથી

મિ. હાજી મહમદ હાજી દાદા(મેસર્સ હાજી મહમદ હાજી દાદા ઍન્ડ કંપની)ને

વહાલા સાહેબ,

તમે થોડા વખતને સારુ હિંદુસ્તાન જાઓ છો તે જાણી તે પ્રસંગે પાછલાં પંદર વરસના અમારા તમારી સાથેના વેપારના સંબંધો દરમિયાન જેનો અમને અનુભવ થયો છે તે તમારી વેપારના વહેવારને અંગેની અનેક જુદી જુદી લાયકાતો માટેની અમારી કદરની લાગણી અમે પ્રગટ કરીએ છીએ અને અમને જણાવતાં ઘણી ખુશી થાય છે કે તમે અહીં રહ્યા તે દરમિયાન વેપારી કોમમાંથી કોઈએ તમારા 'પ્રમાણિકપણા બાબત શંકા ઉઠાવી નથી અને અમને વિશ્વાસ


છે કે તમે નાતાલ પાછા આવવાનું વિચારશો ને તે વખતે તમારી સાથેના વેપારના સંબંધો ફરી ચાલુ કરવાની અમે ઉમેદ રાખીએ છીએ. તમારી મુસાફરી ઘણી આનંદ આપનારી નીવડી એવી આશા સાથે,

અમે છીએ,

 

તમારા વિશ્વાસુ,

 

આફ્રિકન બોટિંગ કંપની વતી

 

(સહી)ચાર્લ્સ ટી. હિચિન્સ

 

[મૂળ અંગ્રેજી]

પરિશિષ્ટો સાથેની અરજીની છાપેલી નકલની છબી પરથી.