જીભને શિખામણ
કેશવલાલ ભટ્ટ



જીભને શિખામણ

લખુડી, લખલખ કર મા, ભજ ભાવે ભગવાન.
તર, આવી છે તક આ તુંને, મેલ સલુણી માન… લખુડી…

વિવિધ વિષયનાં વર્ણન વખતે ભૂલ ન ભોળી ભાન.
નવ બોલ્યામાં નવ ગુણ એનું કેમ ન સમજે શાન ?… લખુડી…

ષડરસ ભોજન વિષમ વિસારી કર હરિરસનું પાન.
અવસર જાય અરે આ અમથો, એ જ ખરેખર જાન… લખુડી…

પરનિંદા પિશુનાઈ પરી કર, લે તરવાનું તાન.
કૂડ કપટ છલ ભેદ ભમેલી, આખર નરક નિદાન…. લખુડી….

વિનય વિવેક ભરેલાં વચનો છે પીયૂષ સમાન.
ઈચ્છા હોય તને તો તેનું દે લે પ્રતિદિન દાન…. લખુડી…..

ગુણસાગર નટવરનું નિશદિન ગુણિયલ, કરને ગાન.
સારું નરસું સર્વ સુણે છે કેશવ હરિના કાન……… લખુડી…..