તુલસી-ક્યારો/લગ્ન:જૂનું અને નવું

← ભાસ્કરની શક્તિ તુલસી-ક્યારો
લગ્ન:જૂનું અને નવું
ઝવેરચંદ મેઘાણી
દેવુનો કાગળ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ દસમું
લગ્ન : જૂનું ને નવું

ભાસ્કરની આવી લગ્નદૃષ્ટિમાંથી જ ઊભો થયો હતો વીરસુત અને કંચનનો લગ્નસંસાર.

વીરસુતની પહેલી પત્ની ગામડિયણ હતી, અને લગ્ન પણ હાઇસ્કુલના ભણતર દરમિયાન થયેલાં. એક તો પત્ની ગામડાના સંસ્કારવાળી, તેમાં પાછુંં તેણે વીરસુતને લગ્ન પછી વહેલામાં વહેલી તકે બાળક આપ્યું. વીરસુત અમદાવાદ કોલેજમાં ભણતો, સ્ત્રી અને બાળક પિતાને ઘેર સચવાતાં. રજાઓમાં વીરસુત ઘેર આવતાં ડરતો હતો. બીજું બાળક- ત્રીજું બાળક- માથે પડવાની ફાળ ખાતો એ થોડા દિવસ મુંબઈ, થોડા દિવસ છૂટક છૂટક મિત્રોને ગામ અને થોડા દિવસ પોતાને પિતૃગામ ગાળતો.

પિતાને ઘેર જતાં પહેલાં એ હંમેશાં એક શર્ત કરતો કે પિતાએ સ્ત્રીને બાળક સહિત એના પિયરમાં મોકલી દેવી, નહિ તો નહિ આવી શકાય. પિત પોતે ભણેલા ગણેલા એટલે પુત્રનો ભય સમજી ગયા હતા. સમજીને પુત્રની ઇચ્છાને અનુસરતા, બેશક વીરસુત પોતાની પત્ની પાસે સાસરે એકાદ આંટો જઈ આવતો. જૂની રૂઢિનાં સાસરાં જમાઈ-દીકરીને જુદું શયનગૃહ ન દઈ શકતાં એ પણ વીરસુતને માટે સલામતીની વાત હતી. વીરસુતની આ પહેલી પત્ની એટલે આપણા દેવેન્દ્ર-દેવ-ની બા. ગામડાંની હાડલોહી લઈને આવેલી એવી નવયૌવનભરી સ્ત્રી ત્રણજ વર્ષોમાં કેમ મરી ગઈ તેનું એક કારણ દેવેન્દ્રના દાદાજીના મોંમાંથી સહેજ સરી પડેલું આપણે સાંભળ્યું છે. વ્રતો ઉપવાસો પર એ જુવાન પુત્રવધૂ અતિશય ચાલી ગઈ હતી. આટલાં વ્રતો ઉપવાસો કરીને કંચન સરીખી કાયા ઘસતી એ દેરાણી ફક્ત એક ભદ્રાની પાસે જ એક દિવસ માંડ માંડ મોં ખોલી શકી હતી: એણે કહ્યું હતું કે'જરાક વધુ ખવાઈ જાય છે, જરીક પેટ ભરાઈ જાય છે કે તુરત મને, ભાભીજી, કોણ જાણે શાથી શરીરે અતિશય લોહી ચડવા લાગે છે : ને પછી તમારા દેર રાત ને દા'ડો એવા યાદ આવ્યા કરે છે, કે ક્યાંય ગોઠતું નથી. ઊંઘું છું તો સ્વપ્નાંનો પાર રહેતો નથી. સ્વપ્નાં તો ભાભીજી, સારાં ય હોય ને માઠાંય હોય. તમારા દેર પણ, ભાભીજી મને મુઈને પીલપાડા જેવી જોઈ ઝાંખાઝપટ થઈ ગયા'તા. એમણે તો કોણ જાણે કાંઈ સમજાય નહિ એ રીતે મને કહ્યું ય હતું કે હું ભણું છું ત્યાં સુધી તો શરીર કાબૂમાં રાખ ! આ તે દા'ડાથી મને મુઈને વ્રત રહેવાં બહુ જ ગમી ગયાં છે.'

આમ ભૂખી રહેવાનું બહાનું ઊભું કરીને દેવની બા વીરસુતને વળતી જ વેકેશનમાં પોતાના શરીર પરનો કાબુ બતાવી ચિંતામુક્ત કરી શકેલી. તે પછીની વેકેશનમાં તો વીરસુતે એનાં વધુ ગળી ગયેલાં ગાત્રો તરફ જોઈ પોતે કોલેજમાં વિક્રમોર્વશીય નાટક ભણતો હતો તેમાંથી પુરૂરવા રાજાની તપસ્વિની પત્નીવાળો શ્લોક પણ સંભળાવ્યો. ચોથી વેકેશને એ જાણે પેલી હૃષ્ટપુષ્ટ ગામડિયણ પત્નીનો દેહ જ ન રહ્યો; ને કોલેજ-કાળ પૂરો થવાને વાર નહોતી ત્યાંજ દેવની બાના એ ક્ષીણ શરીરનો કાળ પૂરો થઈ ચૂક્યો.

દરમિયાન તો વીરસુતની છાત્રાલયની ઓરડીમાં ભાસ્કરભાઈની આવજા ચાલુ થઈ ચૂકી હતી. વીરસુતની આંતરવેદનાના જાણભેદુ ભાસ્કરે જ વીરસુતને ભવિષ્યના Future Complications-ના નવા ગૂંચવાડા ન ઉમેરવા માટે માટે બ્રહ્મચર્ય પાળવાની ગાંઠ બંધાવેલી. ભાસ્કરે વીરસુતને ચેતાવી પણ રાખેલો, કે "ભાઈ, તારો 'કરીઅર'-તારી ઉજ્જવલ કારકીર્દી જો ચૂંથી ન નાખવી હોય તો આ જૂંનાં ઢીંગલાં ઢીંગલીનાં લગ્નને તારે કોઈક દિવસ- જેમ બને તેમ જલદી- તિલાંજલિ આપવી જ જોશે; હું સમજું છું કે તારે હ્રદયને વજ્રનું કરવું પડશે. તારાથી જો બની શકે તો તારી ગ્રામ્ય પત્નીને પણ પોતાના મનફાવતા અન્ય સ્થાને પરણવા તૈયાર કરવી પડશે. અને એ કામ તો પાછું સૌથી વધુ કઠિન છે. જૂના સંસ્કારની સ્ત્રીઓ, તેમાં પણ પાછી વાણિયા બ્રાહ્મણની પરજીવી-પરાશ્રયી-પોતે ન રળી શકતી પત્નીઓ એટલી બધી તો ગુલામ લાગણીવાળી બની ગઈ હોય છે, કે પતિ નવી સ્ત્રી લાવશે તેય સહી નહિ શકે, પતિ ઘરનો આશરો પણ છોડી નહિ શકે, નહિ પતિ સામે અદાલતમાં તકરાર કરી જીવાઈ મેળવી શકે, અને છેલ્લામાં છેલ્લું, નહિ પોતાના બાળકથી છૂટી પડી શકે. બીજી બાજુ એ આપઘાત સાવ સહેલાઈથી કરી શકશે, ને તું એને ફરી પરણવાની વાત કરીશ તો તો વાઘણ બની ઘૂરકશે- પણ ગામડાંમાં છૂપા સંબંધો રાખતાં નહિ અચકાય.'

ભણી ઊતરવા આવેલા વીરસુતને ભાસ્કરનો આ એકેએક શબ્દ સચોટ કલેજે ચોંટેલો. પોતે પત્નીના મદમસ્ત શરીર પર ટકોર કરેલી તે પણ આ છેલ્લી શંકાને લીધે જ. ને એણે પત્ની પાસે જઈ આ તમામ ચોખવટ કરી નાખવા બીસ્તર પણ બાંધી રાખેલું. મનમાં કડીબંધ દલીલો પણ ગોઠવી રાખેલી. સ્ત્રીએ શા માટે પોતાનો બગડેલો ભવ સુધારી લેવા પુરૂષના જેટલી જ સ્વતંત્ર, નવી લગ્ન-પસંદગી કરવી, એ મુદ્દા પર પત્નીને એકાએક આઘાત ન લાગે તેવી સિફ્તથી સમજાવવા પોતે સુસજ્જ બનેલો. ત્યાં તો એને સ્ત્રીના અવસાનના ખબર મળ્યા, ને તેને તે બાપડીના સદ્ગુણો યાદ આવ્યા. ગામડિયણ છતાં કહ્યું માનનારી હતી એ વાત એણે સ્નેહી મંડળમાં વારંવાર કહી. બ્રહ્મચર્ય પાળવાના મુદ્દા પર એણે જે સંસ્કાર બતાવ્યો તે તો ક્રાંતિકારી હતો એમ પણ એણે જે જેને કહી શકાય તેમને કહ્યું, અને એકદમ ખરખરો પતાવીને જેને વળતી જ ટ્રેનમાં પાછા ચાલ્યા જવું હોય તેવા માણસની માફક એણે ટૂંક સમયમાં જ સ્ત્રીના ગુણોનું સ્મરણ પતાવી દઈ નવા સંસ્કારી લગ્નસંસારની વાટ મોકળી નિહાળી હતી.

'હવે પતી ગયા પછી મને તાર કરીને તેડાવવાની શી જરૂર હતી?' આવો પ્રશ્ન વીરસુતે પોતાની પત્નીના અવસાન બાદ ઘેર પહોંચીને પિતાને કર્યો હતો.

'બીજું તો શું, આપણે સૌ સાથે હોઈએ તો દુઃખ વીસરીએ, તને અણધાર્યો આઘાત ન લાગે; ને આ દેવ નજર સામે રમતો હોય તો તારા મનને ખાલી ખાલી ન લાગે, તેટલા ખાતર.' માસ્તર સાહેબે માળાનો બેરખો ફેરવતે ફેરવતે સામે રમતાં પાંચ-છ વર્ષના દેવુની ઓશિયાળી આકૃતિ બતાવીને જવાબ દીધો હતો. પણ વીરસુત તો દેવુને પોતાની પ્રેમહીન, વ્યભિચારરૂપી લગ્નનું પાપ-ફળ માનતો એટલે એની સામે ય જોયું નહિ.

થોડે જ દિવસે અમદાવાદથી ભાસ્કરનો તાર આવ્યો હતો : 'ફસાઈ જતાં પહેલાં અહીં ચાલ્યો આવ.'

પણ પિતાએ વીરસુતને છોડ્યો નહિ. 'હું એકલો પડીશ તો મારું દિલ મુંઝાશે' એમ કહીને રોક્યો હતો. પછી બારમો દિવસ થયો ત્યારે પિતાએ વીરસુતને પાસે બેસારી એકાંતે વાત કરી : 'જો ભાઈ, વહુ ગઈ તેનું દુઃખ તને ય હશે, મને ય છે. મારૂં તો સ્વાર્થનું દુઃખ છે કેમ કે એ મારા ઘરની લાજાઆબરૂ સાચવતી હતી, સુલક્ષણી હતી, પણ તારૂં તો અંતઃકરણ જ સુનકાર થયું હશે એ હું સમજું છું. હવે એ સ્થિતિ કાંઇ કાયમ તો રાખી શકાવાની નથી. વહેલો કે મોડો એનો નિવેડો તો લાવવો જ પડશે.'

'એમ કેમ માની લ્યો છો તમે?' વીરસુત વચ્ચે બોલી પડ્યો હતો.

'નથી રહી શકાતું એ હું અનુભવે કહું છું. ભાન ભૂલી જવાય છે, કામકાજ સૂઝતાં નથી. પુરૂષની એ પામરમાં પામર સ્થિતિ છે. માટે ગયેલાંને યાદ કરવા ખરાં, પણ તેની વળગણ મનમાં રાખી મૂકી પુરૂષાર્થને હણાવી ન નાખવો બેટા ! વહેલું ને મોડું...'

'હજી એની ચિતા ઠરી નથી ત્યાં જ તમે એ તજવીજ કરવા લાગ્યા બાપુ?'

વીરસુત આ બોલ્યો ત્યારે એને યાદ જ હતું કે અમદાવાદના છાત્રાલયમાં કેટલીએક કુમારીઓ સાથે પોતે તો પત્ની જીવતી હતી ત્યારથી જ તજવીજમાં પડ્યો હતો.

'મુશ્કેલી એ છે ભાઇ !' પિતાએ માળા ફેરવતે જ કહ્યું, 'કે સારી કન્યાઓનાં માવતર આપણી રાહ જોઈને ક્યાં સુધી ટટળે? ને વિવાહમાં તો સહેજ ટાણું ચૂક્યા પછી હંમેશને માટે પત્તો જ લાગવો મુશ્કેલ પડે છે. રહી જાય તે રહી જાય છે. આપણે સૌ મધ્યમ વર્ગના છીએ. ધંધાર્થીઓ છીએ, વ્યવસાયપરાયણ છીએ. માટે ભાઈ, જીવનની બાજી જેમ બને તેમ જલદી ગોઠવીને આગળ ચાલવા વગર આરોવારો નથી. બીજું તો પછી ગમે ત્યારે થાય, તું ફક્ત ઠેકાણાં નજરે જોઈ રાખ.'

'મારી વાતમાં તમે ચોળાચોળ કરશો નહિ!'

એમ કહીને વીરસુતે પોતાને માટે આવતાં બે પાંચ બહુ સારી કન્યાઓનાં કહેણ તરછોડ્યાં હતાં, ને પોતે અમદાવાદ ચાલ્યો ગયો હતો. ત્યાં એને જે આશ્વાસન જોતું હતું તે મળ્યું હતું. ત્યાં એણે હોસ્ટેલમાંથી નીકળી જઈ એમ. એ. નો અભ્યાસ જુદું મકાન રાખીને જ કરવા માંડ્યો. અભ્યાસમાં સોબત આપવા માટે બે ચાર યુવતીઓ અવારનવાર આવી જતી, પોતે પણ તેમના છાત્રાલયમાં અથવા જેઓ ગામમાં જ રહેતાં તેમનાં માતાપિતાને ઘેર જતો આવતો થયો હતો. કોઇ કુમારી તેને પોતાની ન્યાતનાં સ્ત્રીમંડળોમાં ભાષણ દેવા નોતરી જતી તો કોઈ વળી મજૂર-લતામાં પોતે જે બાળવર્ગ ચલાવતી તેમાં ઇનામ વહેંચવા લઇ જતી.

તે સૌમાં કંચનનું સુવર્ણ વધુ ઝગારા મારતું. કંચનતો હરિજનવાસનાં બૈરાંને ભણવવાનો વર્ગ ચલાવતી. કંચનને આ સેવા જીવનમાં લગાવનાર ભાસ્કરભાઇ હતા. કંચનના માબાપ આફ્રિકાના જંગબારમાં રહેતાં અને દીકરીને અહીં રાખી ભણાવતાં રહેતાં. એનું વેવિશાળ તો નાનપણથી થયું હતું. પણએનાં માબાપ નવા વિચારમાં ભળ્યાં, દીકરીને એમણે ભણાવવા માંડી, સાસરિયાંને એ ગમ્યું નહિ. ઉપરાઉપરી કહેવરાવ્યું કે પરણ્યા પછી ભલે ફાવે તેટલું ભણે, અત્યારે નહિ ભણવા દઈએ. પણ માવતરે હિંમત કરીને કંચનને મેટ્રીક કરાવી પછી અમદાવાદ ભણવા બેધડક મોકલી દીધી હતી. આને પરિણામે જૂનું સગપણ તૂટ્યું હતું. દરમ્યાન માબાપનું ત્યાં જંગબારમાં મૃત્યુ થયું એટલે કંચન સ્વતંત્ર બની હતી.

સગપણ તોડાવવામાં ભાસ્કરભાઈનો મોટો પાડ હતો. એણે કંચનની તેજસ્વી બુદ્ધિશક્તિ પારખી લીધી હતી. તે પછી એક વાર બસ-ખટારાના સ્ટેન્ડ પર ઊભાં ઊભાં બેઉ જણને ઠીક ઠીક એકાંત મળી ગયેલ. વાતનો પહેલો તાંતનો ખેંચતાં તો ભાસ્કરભાઇને સરસ આવડતું હતું. ને તાંતણો ખેંચ્યા પછી મુસાફરી પણ બેઉએ સાથે કરવા માંડી. પછી તો એજ મોટર-બસ જ્યાં જ્યાં લઇ ગઈ ત્યાં ત્યાં બેઉ જોડે જ ગયેલાં ને આખી વાત જાણ્યા પછી ભાસ્કરે એનાં મા બાપ સાથે તેમ જ સાસરિયાં સાથે પત્રવ્યવહાર માંડી દીધો હતો. છ જ મહિનામાં વેવિશાળ ફોક થયું હતું.

પછી કંચનને માટે ભાસ્કરે ત્રણ ચાર જુવાનોને ચકાસ્યા હતા. એક પછી એક એ ત્રણે સાથે કંચન ઘાટા ઘાટા સંબંધમાં આવી ગઇ હતી, એક પછી એક એ ત્રણેની સાથે કંચનને વિચ્છેદ પણ ભાસ્કરે જ પડાવ્યો હતો. મનના ઠીક ઠીક મેળ મળી ગયા પછી આ ઉપરાઉપરી ત્રણ ઠેકાણેથી કંચનને હ્રદય ઊતરડવું પડ્યું હતું કારણકે ભાસ્કરે એ પ્રત્યેક સંબંધ તોડ્યાનાં જોરદાર કારણો આપ્યાં હતાં-

'સુમન તને બેવફા છે, એ પેલી મનોરમા પાછળ દોડે છે.'

'જયંતિ તારા ને મારા સંબંધની ઇર્ષ્યા કરે છે કંચન ! એ તો એક ઠેકાણે એટલે સુધી બોલી ગયો છે કે પરણી લીધા પછી જોઇ લઇશ, કે કેમ સંબંધ રાખે છે: ઘરમાં પૂરીને મારીશ !'

મઝમુદાર વિષે પણ કશીક એવી જ વાત કરેલી : 'એ છોકરો દારૂડિયો નીવડશે તો હું નવાઇ નહિ પામું કંચન.'

આ ત્રણેક સંબંધો ચૂંથાઈ રહ્યાં, ત્યાં વીરસુત પણ વિજ્ઞાનમાં પહેલો વર્ગ મેળાવીને અમદાવાદની કોલેજમાં પ્રોફેસર નિમાઈ ચૂક્યો. એટલે ભાસ્કરે કંચનના તોપખાનાને એ દિશામાં નિશાન લેવરાવ્યું. ને એ નિશાન પડતાં ઝાઝી વાર ન લાગી.

લગ્નની સાંજે ભાસ્કર વીરસુતને દૂર દૂર ફરવા તેડી ગયો હતો. કાંકરીઆ તળાવની પાળે બેઉ ફરી ફરી એક ઠેકાણે બેઠા હતા. ભાસ્કરે કહ્યું હતું 'તું જાણે છે વીરસુત, કે મારા જીવનમાં હું કેવો વિનાશ કરીને તારા જીવનનો ફૂલબાગ રોપાવું છું? તું કેમ કરીને જાણી શકીશ ? બીજું તો શું ભાઈ ! પણ એને જતન કરીને જાળવજે. કોઇકના જ તકદીરમાં તેજ લખાયું હોય છે. સમજી લેજે કે તારા સંસારમાં એક શક્તિ પ્રવેશ કરે છે.'

વીરસુત કશું બોલી શક્યો નહોતો, એણે તો ભાસ્કરના પગ જ પકડી લીધા હતા.

જેનાં જેનાં લગ્ન-ચોગઠાં ભાસ્કરે ઘડી દીધાં હતાં, તે પ્રત્યેક પાસે લગ્નને ટાંકણે ભાસ્કર કાંઈક આજ ભાવનું બોલેલ. એવું બોલવામાં એ જુઠો પણ નહોતો. પોતે પર સાથે પરણાવેલી પ્રત્યેક કન્યાને પોતાના માટે જ વારંવાર ઝંખેલી. પોતાની સહચારી રૂપે કલ્પેલી, પણ પોતાની ઉમર પ્રમાણમાં મોટી થઈ ગઈ હતી એ કારણે એણે એ કન્યાઓ સાથે બાંધવા માંડેલો સ્નેહ પ્રણયનું રૂપ પામી શકતો નહોતો. છોકરીઓ એને વડીલ તરીકે સન્માનતી ખરી, પ્રેમી તરીકે કલ્પી ન શકતી; એટલું સમજી લઇ એ બીજા જુવાનોને લાભ અપાવતો. એટલે પોતે પ્રત્યેક જુવાનને જે કહેલું તે જુઠું નહોતું. પોતાનું જીવન વેરાન બનાવીને જ એ બીજાના સંસારમાં ફૂલબાગ રોપતો હતો.