દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ)

← દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનું આગમન દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
મુસીબતોનું સિંહાવલોકન (નાતાલ)
મોહનદાસ કરમચંદ ગાંધી
મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)(ટ્રાન્સવાલ અને બીજા સંસ્થાનો) →


૪. મુસીબતોનું સિંહાવલોકન
(નાતાલ)

નાતાલના ગોરા માલિકોને કેવળ ગુલામ જોઈતા હતા. જેઓ નોકરી કર્યા બાદ સ્વતંત્ર થઈ શકે અને સહજ અંશે પણ તેમની જોડે હરીફાઈ કરી શકે એવા મજૂરો તેઓને પરવડે એમ ન હતું. આ ગિરમીટિયા જોકે હિંદુસ્તાનમાં પોતાની ખેતી વગેરેમાં બહુ સફળ થયા ન હતા તેથી નાતાલ ગયેલા, છતાં ખેતીનું કંઈ ભાન તેમને ન હોય અથવા તો જમીન કે ખેતીની કિંમત ન સમજી શકે એવા ન હતા. તેઓએ જોયું કે નાતાલમાં જે પોતે ભાજીપાલો પણ વાવે તો સારી નીપજ કરી શકે છે, અને જે એક નાનકડો સરખો જમીનનો ટુકડો પણ લે તો તેમાંથી વળી વધારે કમાણી કરી શકે છે. તેથી ઘણા ગિરમીટિયા જયારે છૂટા થાય ત્યારે કંઈક ને કંઈક નાનોસરખો ધંધો કરવા મંડી ગયા. અાથી એકંદરે તો નાતાલ જેવા મુલકમાં વસ્તીને ફાયદો થયો.. અનેક પ્રકારનો ભાજીપાલો જે યોગ્ય ખેડૂતોની ખામીને લીધે પેદા નહોતો થતો તે થવા લાગ્યો. જે કોઈ જગ્યાએ છૂટોછવાયો પેદા થતો હતો તે હવે મોટે ભાગે મળવા લાગ્યો. આથી ભાજીપાલાના ભાવ એકદમ ઊતર્યા. પણ આ વાત ધનિક ગોરાઓને ન ગમી. તેઓને લાગ્યું કે આજ લગી જેનો પોતાને ઈજારો છે એમ માનતા હતા તેમાં હવે ભાગીદાર પેદા થયા. તેથી આ ગરીબડા ગિરમીટિયાઓની સામે હિલચાલ શરૂ થઈ. વાંચનારને નવાઈ લાગશે કે એક તરફથી તેઓ વધારે ને વધારે મજૂર માગતા હતા, હિંદુસ્તાનથી જેટલા ગિરમીટિયા આવતા હતા તેનો તુરત જ “ઉપાડ” થઈ જતો હતો, અને બીજી તરફથી જેઓ ગિરમીટમુક્ત થતા હતા તેઓની ઉપર અનેક જાતનાં દબાણ મૂકવાની હિલચાલ થતી હતી. અા તેઓની હોશિયારીનો અને તનતોડ મહેનતનો બદલો !

હિલચાલે ઘણાં રૂપ પકડ્યાં. એક પક્ષે એવી માગણી કરી કે ગિરમીટમાંથી છૂટા થતા ગિરમીટિયાઓને પાછા હિંદુસ્તાન મોકલી દેવા જોઈએ, અને તેથી જૂના કરારોને બદલીને નવા કરારમાં નવા આવનાર મજૂરની પાસે એવી શરત લખાવી લેવી કે તેઓ ગિરમીટ ખલાસ થયે કાં તો હિંદુસ્તાન પાછા જશે અથવા તો ફરી પાછા ગિરમીટમાં દાખલ થશે. બીજા પક્ષે એવો વિચાર દર્શાવ્યો કે ગિરમીટમાંથી મુકત થયે તેઓ ફરી પાછા ગિરમીટમાં દાખલ થવા ન માગે તો તેઓની પાસેથી સખત વાર્ષિક માથાવેરો લેવો. આ બંને પક્ષનો હેતુ તો એક જ હતો કે ગમે તેમ કરીને પણ ગિરમીટિયો વર્ગ કોઈ પણ કાળે નાતાલમાં સ્વતંત્રતાએ ન રહી શકે. હોહા એટલી બધી થઈ કે છેવટે નાતાલની સરકારે કમિશન નીમ્યું. બંને પક્ષની માગણી તદ્દન ગેરવાજબી હતી અને ગિરમીટિયાઓની હસ્તી આર્થિક દૃષ્ટિએ સમસ્ત પ્રજાને સારુ કેવળ લાભદાયી હતી તેથી કમિશનની પાસે જે સ્વતંત્ર પુરાવો પડ્યો તે બધો ઉપલા બંને પક્ષની વિરુદ્ધ હતો. તેથી તાત્કાલિક પરિણામ તો વિરુદ્ધ પક્ષની દૃષ્ટિએ કંઈ જ ન આવ્યું. પણ જેમ અગ્નિ હોલાયા પછી કંઈક નિશાની મૂકતો જ જાય છે તેમ આ હિલચાલે પણ તેની છાપ નાતાલની સરકાર પર પાડી, પડ્યા વિના કેમ રહે ? નાતાલની સરકાર એટલે મુખ્યપણે ધનિકવર્ગના હિમાયતી. હિંદી સરકારની સાથે પત્રવ્યવહાર શરૂ થયો અને બંને પક્ષની સૂચનાઓ હિંદી સરકાર પાસે થઈ. પણ હિંદી સરકાર એકાએક એવી સૂચના કેમ કબૂલ કરી શકે કે જેથી ગિરમીટિયાઓ હંમેશને સારુ ગુલામગીરીમાં રહે ? ગિરમીટમાં હિંદીઓને એટલે દૂર મોકલવાનું એક કારણ અથવા તો બહાનું એ હતું કે ગિરમીટિયાઓ ગિરમીટ પૂરી થયે સ્વતંત્ર થઈ પોતાની શક્તિ પૂરેપૂરી કેળવી તે પ્રમાણે આર્થિક સ્થિતિ સુધારી શકશે. આ વેળાએ નાતાલ ક્રાઉન કૉલોની હતું એટલે કૉલોનિયલ અૉફિસ પણ ક્રાઉન કૉલોનીના વહીવટ સારુ પૂરી જવાબદાર ગણાવાથી ત્યાંથીયે નાતાલને પોતાની અન્યાયી ઈચ્છા પૂરી પાડવામાં મદદ ન મળી શકે, એથી અને એવા પ્રકારનાં બીજાં કારણોથી નાતાલમાં જવાબદાર રાજ્યાધિકાર મેળવવાની હિલચાલ શરૂ થઈ. આ સત્તા ૧૮૯૩-'૯૪માં મળી. હવે નાતાલને જોર આવ્યું. કૉલોનિયલ અૉફિસને પણ ગમે તેવી નાતાલની માગણીઓ હોય તેનો સ્વીકાર કરવામાં બહુ મુશ્કેલી ન આવે. નાતાલની અા નવી એટલે જવાબદાર સરકાર તરફથી હિંદુસ્તાનની સરકાર સાથે મસલત કરવા એલચીઓ આવ્યા. તેઓની માગણી પચીસ પાઉંડ એટલે રૂ.૩૭પનો વાર્ષિક માથાવેરો ગિરમીટમુક્ત દરેક હિંદી પર નાખવાની હતી. એનો અર્થ જ એ થયો કે એ કર કોઈ પણ હિંદી મજૂર ભરી શકે નહીં અને તેથી તેનાથી સ્વતંત્ર રીતે નાતાલમાં રહી શકાય નહીં. તે વખતના વાઈસરોય લોર્ડ એલ્ગિનને આ સૂચના બહુ ભારે પડતી લાગી અને છેવટે તેમણે ત્રણ પાઉંડનો વાર્ષિક માથાવેરો કબૂલ રાખ્યો.[૧] આ માથાવેરો માત્ર મજૂર ઉપર જ નહીં પણ એ, તેની સ્ત્રી, અને તેર વર્ષ કે તેથી ઉપરની છોકરી અને સોળ વર્ષ કે તેથી ઉપરના છોકરાએ પણ આપવો જોઈએ ! ભાગ્યે જ કોઈ મજૂર એવો હોય કે જેને સ્ત્રી અને બે છોકરાં ન હોય. એટલે સામાન્ય રીતે દરેક મજૂરે બાર પાઉંડનો વાર્ષિક કર ભરવો જોઈએ. આ વેરો કેટલો ત્રાસદાયક થઈ પડ્યો એનું વર્ણન થઈ ન શકે. એનું દુ:ખ અનુભવી જ જાણે અથવા એ નજરે જોયું હોય એ કાંઈક સમજી શકે. નાતાલ સરકારના આ પગલાની સામે હિંદી કોમ ખૂબ ઝૂઝી હતી. વડી (બ્રિટિશ) સરકારને અને હિંદી સરકારને અરજીઓ ગઈ. પણ એનું પરિણામ આ પચીસના ત્રણ પાઉંડ થવા ઉપરાંત કંઈ જ ન આવ્યું. ગિરમીટિયા પોતે તો એ બાબત શું કરી શકે કે શું સમજી શકે ? હિલચાલ તો કેવળ હિંદી વેપારીવર્ગ દેશદાઝથી કહો કે પરમાર્થદષ્ટિથી કરેલી.

જેમ ગિરમીટિયાઓનું તેમ જ સ્વતંત્ર હિંદીઓનું થયું. તેઓની સામે પણ મુખ્ય ભાગે એવાં જ કારણોથી નાતાલના ગોરા વેપારીઓએ હિલચાલ શરૂ કરેલી. હિંદી વેપારીઓ સારી રીતે જામ્યા. તેઓએ સારા સારા લત્તાઓમાં જમીનો ખરીદ કરી. ગિરમીટમુક્ત થયેલા હિંદીઓની વસ્તી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેઓને જોઈતી ચીજોનો ઉપાડ સારો થવા લાગ્યો, હજારો બસતા ચાવલ હિંદુસ્તાનથી આવે અને તેમાંથી સારો નફો મળે. આ વેપાર મોટે ભાગે અને સ્વાભાવિક રીતે હિંદી વેપારીના કબજામાં રહ્યો. વળી હબસીઓની સાથેના વેપારમાં પણ તેઓ ઠીક ભાગ લેવા લાગ્યા. આ નાના ગોરા વેપારીઓથી સહન ન થતું. વળી આ વેપારીઓને કોઈ અંગ્રેજોએ જ બતાવ્યું કે તેઓને પણ કાયદા પ્રમાણે નાતાલની ધારાસભામાં સભાસદ થવાનો અને સભાસદ ચૂંટવાનો હક છે. કેટલાંક નામ પણ મતદારોમાં નોંધાયાં. આ સ્થિતિ નાતાલના રાજદ્વારી ગોરાઓ સાંખી ન શકચા; કેમ કે જો આમ હિંદીની હાલત નાતાલમાં મજબૂત થાય, તેની પ્રતિષ્ઠા વધે તો તેઓની હરીફાઈમાં ગોરાઓ કેમ ટકી શકે એ તેઓને ચિંતા થઈ પડી. અાથી સ્વતંત્ર હિંદીની બાબતમાં જવાબદાર સરકારનું પહેલું પગલું એ હતું કે એક પણ નવો હિંદી મતદાર ન થઈ શકે એવો કાયદો કરવો. સને ૧૮૯૪માં આ વિશેનું પહેલું બિલ નાતાલની ધારાસભામાં આવ્યું. એ બિલ પ્રમાણે હિંદીને હિંદી તરીકે જ મત આપવાના હકમાંથી બાતલ રાખવાનું ધોરણ હતું. નાતાલમાં રંગભેદ ઉપર હિંદીઓને વિશે ઘડાયેલો આ પહેલો કાયદો હતો. હિંદી પ્રજા સામે થઈ એક રાતની અંદર અરજી તૈયાર થઈ. ચારસો માણસોની સહીઓ લેવાઈ. એ અરજી જતાં ધારાસભા ચમકી. પણ કાયદો તો પાસ થયો. તે વખતે લોર્ડ રિપન સંસ્થાઓના પ્રધાન હતા. તેમની પાસે અરજી ગઈ. તેમાં દસ હજાર સહીઓ હતી. દસ હજાર સહી એટલે નાતાલની લગભગ કુલ સ્વતંત્ર હિંદી વસ્તી. લૉર્ડ રિપને બિલ નામંજૂર રાખ્યું અને જણાવ્યું કે બ્રિટિશ સલ્તનત કાયદામાં રંગભેદને કબૂલ ન કરી શકે. આ જીત કેટલી મહત્ત્વની હતી એ આગળ ચાલતાં વધારે જણાશે. આના જવાબમાં નાતાલની સરકારે નવું બિલ રજૂ કર્યું. તેમાંથી રંગભેદ ગયો, પણ આડકતરી રીતે તેમાંયે હુમલો તો હિંદીઓ ઉપર જ હતો. હિંદી કોમે તેની સામે પણ લડત તો ચલાવી છતાં તે નિષ્ફળ ગઈ. એ કાયદો દ્વિઅર્થી હતો. તેનો અર્થ ચોકકસ કરાવવાને સારુ કોમ છેવટની અદાલત સુધી એટલે પ્રિવી કાઉન્સિલ સુધી લડ શકત; પણ લડવાનું દુરસ્ત ન ધાર્યું ન લડવું યોગ્ય જ હતું એમ હજી સુધી મને લાગે છે. મૂળ વસ્તુ કબૂલ થઈ એ જ અનુગ્રહ હતો. પણ એટલેથી નાતાલના ગોરાઓને અથવા તો નાતાલની સરકારને સંતોષ થાય એમ ન હતું. હિંદીઓની રાજદ્વારી સત્તા જામતી અટકાવવી એ તો એક આવશ્યક પગલું હતું, પણ તેઓની નજર ખરેખરી તો હિંદી વેપાર અને સ્વતંત્ર હિંદીના આગમન ઉપર હતી. ત્રીસ કરોડની વસ્તીવાળું હિંદુસ્તાન જો નાતાલ તરફ ઊલટે તો નાતાલના ગોરાનું શું થાય, એ તો સમુદ્રમાં તણાઈ જાય, એ ધાસ્તીથી તેઓ બેચેન થઈ ગયા હતા. નાતાલમાં ૪ લાખ હબસી, ૪૦ હજાર ગોરા, તે વખતે ૬૦ હજાર ગિરમીટિયા, ૧૦ હજાર ગિરમીટમુક્ત અને ૧૦ હજાર સ્વતંત્ર હિંદી, અામ લગભગ પ્રમાણ હતું. ગોરાઓની ધાસ્તીને સારુ સજજડ કારણ તો ન જ હતું, પણ ડરેલા માણસને દાખલાદલીલથી સમજાવી શકાય જ નહીં. હિંદુસ્તાનની લાચાર સ્થિતિનું ને હિંદુસ્તાનના રીતરિવાજનું તેઓનું અજ્ઞાન, અને તેથી તેઓના મનમાં એક જાતનો આભાસ કે જેવા સાહસિક અને શક્તિમાન તેઓ છે તેવા જ હિંદીઓ હોવા જોઈએ; અને તેથી તેઓએ કેવળ ત્રિરાશી ગણી કાઢી. તેમાં તેઓનો દોષ કેમ કાઢી શકાય ? ગમે તેમ હો, પણ પરિણામ એ આવ્યું કે નાતાલની ધારાસભાએ બીજા બે કાયદા પસાર કર્યા તેમાં પણ મત વિશેની લડતની જીતને પરિણામે રંગભેદને દૂર રાખવો પડ્યો; અને તેથી ગર્ભિત ભાષા વડે કામ લેવું પડ્યું. અને તેને પ્રતાપે સ્થિતિ કંઈક જળવાઈ શકી.. હિંદી કોમ આ વખતે પણ ખૂબ ઝૂઝી છતાં કાયદા તો પસાર થયા જ. એક કાયદાથી હિંદી વેપાર પર સખત અંકુશ મુકાયો અને બીજા વડે હિંદી પ્રવેશ પર કાયદાની રૂએ નિમાયેલા અમલદારની રજા વિના કોઈને પણ વેપારનો પરવાનો ન મળી શકે એ મતલબ પહેલા કાયદાની. વ્યવહારમાં ગમે તે ગોરો જાય ને રજાચિઠ્ઠી મેળવી શકે અને હિંદીને મહામુસીબતે મળે; તેમાં વકીલ વગેરેનું ખરચ તો ખરું જ. એટલે કાચાપોચા તો સહેજે વેપારના પરવાના વિના જ રહે. બીજા કાયદાની મુખ્ય શરત એ કે જે હિંદી કોઈ પણ યુરોપની ભાષામાં દાખલ થવાની અરજી લખી શકે તે જ દાખલ થઈ શકે. એટલે કરોડો હિંદીની સામે તો નાતાલનો દરવાજો તદ્દન બંધ થયો. જાણ્યેઅજાણ્યે મારાથી નાતાલને અન્યાય થઈ જાય તેથી મારે જણાવવું જોઈએ કે જે હિંદી એ કાયદો થતાં પહેલાં નાતાલમાં ઘર કરીને રહેલો હોય તે જો નાતાલ છોડીને હિંદુસ્તાન અથવા બીજી જગ્યાએ જાય અને પાછો ફરે તો તેની પોતાની સ્ત્રી અને સગીર ઉંમરનાં બાળક સહિત યુરોપની ભાષા જાણ્યા સિવાય દાખલ થઈ શકે. આ ઉપરાંત નાતાલમાં ગિરમીટિયા અને સ્વતંત્ર હિંદી ઉપરાંત બીજી કાયદાની અને કાયદા બહારની કેટલીક આપત્તિઓ હતી અન હાલ છે, જેમાં વાંચનારને ઉતારવાની જરૂર હું નથી જોતો. જેટલી હકીકત આ પુસ્તકનો વિષય સમજવાને જરૂરની લાગે છે તેટલી જ આપવા ધારું છું. દક્ષિણ આફ્રિકાના દરેક સંસ્થાનમાંના હિંદીની હાલતનો ઈતિહાસ બહુ વિસ્તીર્ણ હોવો જોઈએ એમ દરેક વાંચનાર જાણી શકે, પણ એવો ઈતિહાસ આપવાનો આ પુસ્તકનો મુદ્દલ આશય નથી.

  1. ગિરમીટિયાની કમાણીને ધોરણે, આ ત્રણ પાઉંડનો કર તેની ૬ માસની કમાણી બરોબર થયો !