દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/હિંદીઓએ શું કર્યું ?

← મુસીબતોનું સિંહાવલોકન (ચાલુ)(ટ્રાન્સવાલ અને બીજા સંસ્થાનો) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
હિંદીઓએ શું કર્યું ?
મોહનદાસ કરમચંદ ગાંધી
હિંદીઓએ શું કર્યું? (ચાલુ) →


૬. હિંદીઓએ શું કર્યું?

હિંદી પ્રજાની સ્થિતિનો વિચાર કરતાં પાછલાં પ્રકરણોમાં આપણે કંઈક અંશે જોઈ ગયા કે હિંદી પ્રજાએ પોતાની ઉપર થતા હુમલા કેવી રીતે ઝીલ્યા. પણ સત્યાગ્રહની ઉત્પત્તિનો ખ્યાલ સારી રીતે કરવાને સારુ હિંદી પ્રજાના સુરક્ષણને અંગે થયેલા પ્રયત્નોને એક ખાસ પ્રકરણ આપવાની જરૂર છે. ૧૮૯૩ની સાલ સુધી દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રજાને સારુ ઝૂઝી શકે એવા સ્વતંત્ર અને ઠીક કેળવાયેલા ગણી શકાય એવા હિંદી થોડા જ હતા. અંગ્રેજી જાણનાર હિંદીઓમાં મુખ્યત્વે મહેતાવર્ગ. તેઓ પોતાના કામજોગું અંગ્રેજી જાણે, પણ તેઓથી અરજીઓ વગેરે ન જ ઘડી શકાય. વળી તેઓએ પોતાના શેઠને બધો વખત આપવો જોઈએ. આ સિવાય બીજા અંગ્રેજીમાં કેળવાયેલો વર્ગ તે દક્ષિણ આફ્રિકામાં જ પેદા થયેલા હિંદીઓ, એ ઘણે ભાગે તો ગિરમીટિયાની પ્રજા અને તેઓમાંના ઘણાખરા જરાયે કુશળતા મેળવી હોય તો કચેરીઓમાં દુભાષિયાની સરકારી નોકરી કરતા, એટલે તેઓની વધારેમાં વધારે સેવા લાગણી બતાવવા ઉપરાંત બીજી શી હોઈ શકે ? વળી ગિરમીટિયા અને ગિરમીટમુક્ત એ મુખ્ય ભાગે સંયુક્ત પ્રાંત અને મદ્રાસ ઈલાકામાંથી આવેલો વર્ગ હતો સ્વતંત્ર હિંદી એ ગુજરાતના મુસલમાન, તે મુખ્યત્વે કરીને વેપારી; હિંદુ મુખ્યત્વે મહેતા, એ આપણે પાછળ જોઈ ગયા. આ સિવાય થોડા પારસી પણ વેપારી અને મહેતાવર્ગમાં હતા. પણ આખા દક્ષિણ આફ્રિકામાં પારસીઓની વસ્તી ૩૦-૪૦થી વધારે હોવાનો સંભવ નથી. સ્વતંત્ર વેપારીવર્ગમાં એક ચોથો જથ્થો સિંધના વેપારીઓનો. અાખા દક્ષિણ આફ્રિકામાં બસે અથવા તેથી પણ વધારે સિંધીઓ હશે. તેઓનો વેપાર હિંદુસ્તાનની બહાર જ્યાં જયાં તેઓ વસ્યા છે ત્યાં ત્યાં એક જ પ્રકારનો હોય છે એમ કહી શકાય. તેઓ 'ફેન્સી ગુડ્ઝ'ના વેપારી તરીકે ઓળખાય છે. 'ફેન્સી ગુડ્ઝ' એટલે રેશમ, જરી વગેરેનો સામાન, કોતરકામવાળાં મુંબઈનાં સીસમનાં, સુખડનાં, દાંતનાં અનેક પ્રકારનાં પેટી વગેરે રાચરચીલાં અને એવી જાતનો સામાન તેઓ મુખ્યત્વે વેચતા હોય છે. તેઓના ઘરાકો ઘણે ભાગે ગોરા જ હોય છે.

ગિરમીટિયાને ગોરાઓ 'કુલી'ને નામે જ પોકારે, કુલી એટલે હેલકરી. એ નામ એટલે સુધી પ્રચલિત થઈ ગયું કે ગિરમીટિયા પોતે પણ પોતાને કુલી નામે ઓળખાવતાં અચકાય નહીં ! એ નામ પછી તો હિંદીમાત્રને લાગુ પડયું એટલે હિંદી વકીલ, હિંદી વેપારીને અનુક્રમે કુલી વકીલ અને કુલી વેપારી તરીકે સેંકડો ગોરાઓ ઓળખે ! એ વિશેષણ વાપરવામાં દૂષણ છે એમ કેટલાક ગોરા માને કે સમજે પણ નહીં, અને ઘણા તો તિરસ્કાર બતાવવાની ખાતર જ કુલી શબ્દનો ઉપયોગ કરે. તેથી સ્વતંત્ર હિંદી પોતાને ગિરમીટિયાથી અલગ ઓળખાવવાનો પ્રયત્ન કરે. આવાં અને હિંદુસ્તાનમાંથી જ અાપણી સાથે લઈ જઈએ છીએ એવાં કારણોથી સ્વતંત્ર હિંદી વર્ગ અને આ ગિરમીટિયા અને ગિરમીટમુક્ત વર્ગ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં ભેદ થઈ રહ્યો હતો.

આ દુ:ખદરિયાની સામે આડા હાથ દેવાનું કામ સ્વતંત્ર હિંદી વર્ગ અને મુખ્યત્વે મુસલમાન વેપારીઓએ હાથ ધર્યું, પણ ગિરમીટિયા અથવા ગિરમીટમુક્તને ઈરાદાપૂર્વક હાથમાં લેવાનો પ્રયાસ ન કર્યો, કરવાનું તે વખતે સૂઝે પણ નહીં; સૂઝે તો તેમને ભેળવવાથી કામ બગાડવાનો પણ ભય રહે, અને મુખ્ય આપત્તિ તો સ્વતંત્ર વેપારીવર્ગ ઉપર જ છે એમ મનાયેલું, તેથી સુરક્ષણના પ્રયત્ને આવું સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. આવી મુસીબતો છતાં, અંગ્રેજી ભાષાના જ્ઞાનનો અભાવ છતાં, જાહેર કામોનો હિંદુસ્તાનમાં અનુભવ ન હોવા છતાં, આ સ્વતંત્ર વર્ગ સરસ રીતે દુ:ખની સામે ઝૂઝ્યો એમ કહી શકાય. તેઓએ ગોરા વકીલોની મદદ લીધી, અરજીઓ ઘડાવી, કોઈ કોઈ વખતે ડેપ્યુટેશન લઈ ગયા અને જ્યાં જ્યાં બની શકે અને સૂઝે ત્યાં ત્યાં આડા હાથ ધર્યા. આ સ્થિતિ ૧૮૯૩ સુધીની.

વાંચનારે કેટલીક મુખ્ય તારીખો આ પુસ્તક સમજવાને સારુ યાદ રાખવી પડશે. પુસ્તકને છેડે તારીખવાર મુખ્ય બીનાઓનું પરિશિષ્ટ આપ્યું છે એ વખતોવખત જોઈ જશે તો લડતનું રહસ્ય ને રૂપ સમજવામાં મદદ મળશે. સન ૧૮૯૩ની સાલ સુધીમાં ફ્રી સ્ટેટમાંથી આપણી હસ્તી નાબૂદ થઈ ચૂકી હતી. ટ્રાન્સવાલમાં ૧૮૮પનો કાયદો અમલમાં હતો અને નાતાલની અંદર કેવળ ગિરમીટિયા હિંદી જ રહી શકે અને બીજાનો પગ કેમ કાઢી શકાય તેના વિચાર ચાલતા હતા, અને તે અર્થે જવાબદાર રાજસત્તા લેવાઈ ચૂકી હતી. ૧૮૯૩ના એપ્રિલ માસમાં દક્ષિણ આફ્રિકા જવા સારુ મેં હિંદુસ્તાન છોડયું. મને ત્યાંના ઈતિહાસનું કંઈ ભાન ન હતું. હું કેવળ સ્વાર્થબુદ્ધિથી ગયેલો. પોરબંદરના મેમણોની દાદા અબ્દુલ્લા નામની એક પ્રખ્યાત પેઢી ડરબનમાં હતી, તેટલી જ પ્રખ્યાત પેઢી તેમના હરીફ અને પોરબંદરના મેમણ તૈયબ હાજી ખાનમહમદની પ્રિટોરિયામાં હતી. દુર્ભાગ્યે બે હરીફો વચ્ચે એક મોટો કેસ ચાલતો હતો. તેમાં દાદા અબ્દુલ્લાના ભાગીદાર જે પોરબંદરમાં હતા. તેમણે વિચાર્યું કે મારા જેવો નવો તોપણ બેરિસ્ટર ત્યાં જાય તો તેમને કંઈક વધારે સગવડ મળે. હું કેવળ અજાણ્યો અને મૂઢ વકીલ તેમનું કામ બગાડું એવો કંઈ તેમને ભય નહોતો. કેમ કે મારે કંઈ અદાલતમાં જઈ કામ કરવાનું નહીં હતું. મારે તો તેમણે રાખેલા ધુરંધર વકીલ બેરિસ્ટરોને સમજાવવાનું એટલે દુભાષિયાનું કામ કરવાનું હતું. મને નવા અનુભવનો શોખ હતો. મુસાફરી ગમતી હતી. બેરિસ્ટર તરીકે કમિશન આપવું એ એક ઝેર સમાન હતું. કાઠિયાવાડની ખટપટ મને અકળાવનારી વસ્તુ હતી. એક જ વરસની બંધણીથી મારે જવાનું હતું. મેં વિચાર્યું કે અા સાટામાં મને કંઈ પણ અડચણ જેવું નથી. ખોવાનું તો છે જ નહીં. કેમ કે મારા જવા આવવાનો અને રહેવાનો ખર્ચ દાદા અબ્દુલ્લા જ આપવાના હતા અને તે ઉપરાંત ૧૦૫ પાઉન્ડ. મારા મરહૂમ ભાઈની મારફત આ બધી વાત થઈ હતી. મને તો એ પિતા સમાન જ હતા. એમની અનુકૂળતા એ મારી અનુકૂળતા હતી. એમને દક્ષિણ આફ્રિકા જવાની વાત રુચી. અને હું ૧૮૯૩ના મે માસમાં ડરબન જઈ પહોંચ્યો.

બેરિસ્ટર એટલે પૂછવું તો શું હોય ? હું માનતો હતો તે પ્રમાણે ફ્રૉક-કોટ ઈત્યાદિ સરંજામ પહેરી રોફથી ઊતર્યો. પણ ઊતરતાં જ મારી અાંખ કંઈ ખૂલી. દાદા અબદુલ્લાના જે ભાગીદાર સાથે વાત થઈ હતી તેમણે જે વર્ણન આપ્યું હતું તે વર્ણન હું તો ઊલટું જ જોઈ શકયો. એ કંઈ તેમનો દોષ ન હતો. એ તેમનું ભોળપણ, તેમની સાદાઈ, તેમનું પરિસ્થિતિનું અજ્ઞાન, નાતાલમાં પડતી બધી તકલીફોનું તેમને ભાન ન હતું. અને જેમાં તીવ્ર અપમાનો હતાં એવી વર્તણૂક તેમને મન અપમાનવાળી નહોતી જણાઈ. પહેલે જ દહાડે હું જોઈ શકયો કે ગોરાઓનું વર્તન આપણા લોકોની તરફ ઘણું તોછડું હતું. નાતાલમાં ઊતર્યા પછી પંદર દિવસની અંદર જ કોરટોમાં થયેલો મારો કડવો અનુભવ, ટ્રેનની અંદર પડતી મુશ્કેલીઓ, રસ્તામાં ખાધેલા માર, હોટેલોમાં રહેવાની મુસીબત – લગભગ અશકયતા– વગેરેના વર્ણનમાં હું નહીં ઊતરું, પણ એટલું જ કહીશ કે આ બધા અનુભવો મારા હાડમાં પેસી ગયા. હું તો માત્ર એક જ કેસને અર્થે ગયેલો, સ્વાર્થ અને કુતૂહલની દૃષ્ટિથી. એટલે એ વર્ષ દરમિયાન તો હું કેવળ આવાં દુઃખોનો સાક્ષી અને અનુભવનાર રહ્યો. મારા ધર્મનો અમલ ત્યાંથી જ શરૂ થયો. મેં જોયું કે સ્વાર્થદૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા મારે સારુ નકામો મુલક હતો. જ્યાં અપમાન થાય ત્યાં પૈસા કમાવાનો કે મુસાફરી કરવાનો મને જરાયે લોભ ન હતો, એટલું જ નહીં પણ અત્યંત અણગમો હતો. મારી સામે ધર્મસંકટ આવ્યું. એક તરફથી હું નહોતો જાણી શકતો એવી સ્થિતિ જાણવાથી શેઠ દાદા અબ્દુલ્લા સાથે કરેલા કરારમાંથી મુક્તિ મેળવી નાસી છૂટવું અને બીજી તરફથી ગમે તે સંકટો સહન કરીને પણ લીધેલું કામ પાર પાડવું. કડકડતી ટાઢમાં મૅરિત્સબર્ગ સ્ટેશન પર રેલવે પોલીસના ધકકા ખાઈ મુસાફરી અટકાવી રેલવેમાંથી ઊતરી વેઈટિંગ રૂમમાં બેઠો હતો. મારો સામાન ક્યાં છે એની મને ખબર ન હતી. કોઈને પૂછવાની હિંમત ન હતી. રખેને વળી અપમાન થશે તો ? માર ખાવો પડશે તો ? આવી સ્થિતિમાં ટાઢથી ધ્રૂજતાં ઊંઘ તો શાની જ આવે ! મન ચગડોળે ચડયું મોડી રાત્રે નિશ્ચય કર્યો કે "નાસી છૂટવું એ નામર્દાઈ છે, લીધેલું કામ પાર પાડવું જોઈએ. જાતીય અપમાન સહન કરી, માર ખાવા પડે તો ખાઈને પ્રિટોરિયા પહોંચવું જ." પ્રિટોરિયા એ મારે મારું કેન્દ્રસ્થાન હતું, કેસ ત્યાં લડાતો હતો. મારું કામ કરતાં કંઈ ઈલાજો મારાથી લઈ શકાય તો લેવા. આ નિશ્ચય કર્યા પછી કંઈક શાંતિ થઈ, કંઈક જોર પણ આવ્યું, પણ હું સૂઈ તો ન જ શક્યો.

સવાર પડી કે તુરત દાદા અબ્દુલ્લાની પેઢી પર તેમ જ રેલવેના જનરલ મેનેજર પર તાર કર્યા. બંને ઠેકાણેથી જવાબ ફરી વળ્યા. દાદા અબ્દુલ્લાએ તથા તેમના તે વખતે નાતાલમાં રહેતા ભાગીદાર શેઠ અબ્દુલ્લા હાજી આદમ ઝવેરીએ ચાંપતા ઉપાયો લીધેલા. મારી સંભાળ લેવા બાબત તેમના હિંદી આડતિયાઓને જુદે જુદે ઠેકાણે તાર કર્યો.. જનરલ મેનેજરને પણ તેઓ મળ્યા. આડતિયાને કરેલા તારને પરિણામે મેરિત્સબર્ગના હિંદી વેપારીઓ મને મળ્યા. તેઓએ મને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મારા જેવા કડવા અનુભવ તેમને બધાને થયેલા. પણ તેઓ ટેવાઈ ગયેલા એટલે ગણકારતા નહીં હતા. વેપાર કરવો અને નાજુક મન રાખવું એ કેમ બની શકે ? એટલે પૈસાની સાથે અપમાન થાય તે પણ પેટીમાં સંઘરવાનો કાયદો કબૂલ કરી લીધો હતો ! એ જ સ્ટેશન ઉપર મુખ્ય દરવાજેથી હિંદીઓને આવવાની મનાઈ, ટિકિટો મળવામાં થતી મુશ્કેલી વગેરેનું વર્ણન પણ તેઓએ મને આપ્યું. તે રાત્રે જે ટ્રેન આવી તેમાં હું રવાના થયો. મારો નિશ્ચય બરોબર છે કે નહીં તેની પરીક્ષા અંતર્યામીએ સંપૂર્ણ કરી. પ્રિટોરિયા પહોંચતાં પહેલાં વધારે અપમાનો અને માર સહન કરવાં પડયાં. પણ તે બધાંની મારા મન ઉપર મારા નિશ્ચયમાં મને દઢ રાખવાની જ અસર થઈ.

આમ ૧૮૯૩ના વર્ષમાં મને અનાયાસે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો બરાબર અનુભવ મળ્યો. પ્રસંગોપાત્ત પ્રિટોરિયાના હિંદીઓને તે વિશે હું વાતચીત કરતો, સમજાવતો પણ તે ઉપરાંત મેં કંઈ ન કર્યું. દાદા અબ્દુલ્લાના કેસનું રક્ષણ કરવું અને દક્ષિણ આફ્રિકાના હિંદીઓના દુ:ખમાં માથું મારવું એ ન ભળી શકે એવું મને લાગ્યું. બંને કરવા જતાં બંને બગડે એ હું જોઈ શકયો. એમ કરતાં ૧૮૯૪ની સાલ આવી, કેસ પણ પૂરો થયો. હું ડરબન પાછો વળ્યો. જવાની તૈયારીઓ કરી. દાદા અબ્દુલ્લાએ મારે સારુ વિદાયગીરીની એક મિજલસ પણ કરી. ત્યાં કોઈએ ડરબનનું “મર્ક્યુરી” છાપું મારા હાથમાં મૂકયું. તેમાં ધારાસભાના કારભારના વિગતવાર હવાલમાં થોડી લીટીઓ હિંદી મતાધિકાર – “ઈન્ડિયન ફ્રેંચાઈઝ” – એ મથાળા નીચે મેં વાંચી. તેમાંથી મેં જોયું કે હિંદીના બધા હકો છીનવી લેવાનો આ પાયો છે. ભાષણોમાં જ એ ઈરાદો સ્પષ્ટ હતો. મિજલસમાં આવેલા શેઠિયાઓ વગેરેને મેં આ વસ્તુ વંચાવી, સમજાવી શકું તે પ્રમાણે સમજાવી બધી હકીકત તો હું જાણતો ન હતો. મેં સૂચવ્યું કે હિંદીઓએ આ હુમલાની સામે સખત લડત લેવી જોઈએ. તેઓએ પણ માન્યું પણ એવી લડત લડવાની પોતાની અશક્તિ જાહેર કરી, અને મને રહી જવાનો આગ્રહ કર્યો. એ લડત લડી લેવા પૂરતું એટલે મહિનોમાસ રહેવાનું મેં કબૂલ કર્યું. તે જ રાત્રે ધારાસભામાં મોકલવાની અરજી ઘડી. બિલની વધારે વંચામણી મુલતવી રાખવા તાર કર્યો. તરત એક કમિટી નિમાઈ. કમિટીના પ્રમુખ શેઠ અબ્દુલ્લા હાજી આદમ થયા. તેમને નામે તાર કર્યો. બિલ બે દિવસને સારુ મુલતવી રહ્યું, અને દક્ષિણ આફ્રિકાની ધારાસભાઓમાંની આ નાતાલની ધારાસભામાં હિંદીઓની પહેલી અરજી ગઈ. અસર તો ઠીક થઈ. પણ બિલ પાસ થયું તેનું છેવટે શું આવ્યું એ તો પ્રકરણ ચોથામાં હું કહી ગયો છું. આ પ્રમાણે લડવાનો ત્યાં પહેલો અનુભવ હતો, તેથી હિંદીઓમાં ઉત્સાહ ખૂબ જામ્યો. હમેશાં સભાઓ થાય, માણસો વધારે ને વધારે આવતાં જાય. આ કામને સારુ જોઈતા હતા તે કરતાં વધારે પૈસા એકઠા થયા. નકલો કરવા, સહીઓ લેવા વગેરેના કામમાં મદદ કરવાને સારુ ઘણા સ્વયંસેવકો વગર પૈસે અને પોતાને પૈસે પણ કામ કરનારા મળ્યા. તેમાં ગિરમીટમુક્ત હિંદીઓની પ્રજા પણ ઉત્સાહપૂર્વક ભળી. આ બધા અંગ્રેજી જાણનારા અને સુંદર અક્ષર લખનારા જુવાનિયા હતા. તેઓએ નકલો કરવા વગેરેનું કામ રાતદહાડો ન ગણકારીને ઘણી હોંશથી કર્યું. મહિનાની અંદર તો લૉર્ડ રિપન પર ૧૦,૦૦૦ સહીની અરજી રવાના થઈ. અને મારું તાત્કાલિક કામ પૂરું થયું.

મેં વિદાયગીરી માગી. પણ પ્રજાને રસ એટલો બધો આવેલો કે હવે તો મને જવા જ ન દે. તેઓએ કહ્યું: "તમે જ સમજાવો છો કે આપણને જડમૂળથી કાઢવાનું આ પહેલું પગલું છે. વિલાયતથી શું જવાબ આવશે એ તો કોણ જાણે ? અમારો ઉત્સાહ તમે જોયો. અમે કામ કરવા તૈયાર છીએ, – ઈચ્છીએ પણ છીએ. અમારી પાસે પૈસો પણ છે. પણ દોરનાર નહીં હોય તો આટલું કરેલું પણ નકામું થશે. તેથી રહેવાનો તમારો ધર્મ છે એમ અમે માનીએ છીએ." મને પણ લાગ્યું કે કંઈક સ્થાયી સંસ્થા થાય તો સારું. પણ રહેવું કયાં ને કઈ રીતે ? તેઓએ મને પગાર આપવાનું સૂચવેલું પણ મેં પગાર લેવાની સાફ ના પાડી. જાહેર કામ મોટા પગાર લઈને ન થઈ શકે તેમાંયે વળી હું પાયો નાખનાર રહ્યો. તે વખતના મારા વિચારો પ્રમાણે બૅરિસ્ટરીને છાજે અને કોમને પણ શોભાવે એવા દમામથી મારે રહેવું જોઈએ, એટલે ખરચ પણ મોટું, લોકોની પાસેથી દાબીને પૈસો કઢાવવો, પ્રવૃત્તિઓ વધારવી, એની સાથે જો મારી આજીવિકા ભળે તો બે વિરોધી વસ્તુઓનો સંગમ થયો ગણાય. એથી મારી પોતાની કામ કરવાની શક્તિ પણ ઓછી થાય. એવા પ્રકારનાં અનેક કારણોથી જાહેર સેવાને સારુ મેં પૈસો લેવાની ચોખ્ખી ના પાડી. પણ મેં સૂચવ્યું, "જો તમારામાંના મુખ્ય વેપારીઓ મને તમારી વકીલાત આપો અને તેને અર્થે મને અગાઉથી રટિનર આપો તો હું રહવા તૈયાર છું. એક વરસનાં રટિનર તમારે આપવાં જોઈએ. વરસનો અનુભવ અરસપરસ આપણે લઈએ, આપણા કામનું સરવૈયું આપણે કાઢીએ અને પછી યોગ્ય લાગે તો આગળ કામ ચલાવીએ." આ સૂચના બધાએ વધાવી લીધી. મેં વકીલાતની સનદની અરજી કરી. ત્યાંની લૉ સોસાયટી એટલે વકીલ મંડળ મારી અરજીની સામે થયું. તેમની દલીલ એક જ હતી કે નાતાલના કાયદાના રહસ્ય પ્રમાણે કાળા કે ઘઉંવર્ણા લોકોને વકીલાતની સનદ ન જ આપી શકાય. મારી અરજીની હિમાયત ત્યાંના પ્રખ્યાત વકીલ મરહૂમ મિ. એસ્કંબે[૧] કરેલી. સામાન્ય રીતે લાંબા વખતથી એવો રિવાજ ચાલ્યો આવતો હતો કે વકીલાતની સનદની અરજી કાયદાશાસ્ત્રીઓમાંથી જે આગેવાન હોય તે જ વગર ફીએ કોરટની પાસે રજૂ કરે. એ રિવાજની રૂએ મિ. એસ્કંબે મારી વકીલાત સ્વીકારેલી. તેઓ દાદા અબ્દુલ્લાના મોટા વકીલ પણ હતા. વકીલમંડળની દલીલ વડી અદાલતે રદ કરી. મારી અરજી કબૂલ રાખી. અામ અનિચ્છાએ વકીલમંડળનો વિરોધ એ બીજી પ્રખ્યાતિનું કારણ થઈ પડયું. દક્ષિણ આફ્રિકાનાં અખબારોએ વકીલમંડળની હાંસી કરી અને કેટલાકે મને મુબારકબાદી પણ અાપી. જે ચાલચલાઉ કમિટી કરવામાં આવી હતી તેને સ્થાયી રૂપ અપાયું, મેં કોંગ્રેસની એકે સભા જોયેલી તો ન હતી પણ કોંગ્રેસ વિશે વાંચ્યું હતું, હિંદના દાદાનાં દર્શન કર્યા હતાં. તેમને હું પૂજતો હતો. એટલે કોંગ્રેસનો ભક્ત હોઉં જ. કોંગ્રેસનું નામ લોકપ્રિય કરવું એ પણ વૃત્તિ. નવો જુવાનિયો નવું નામ શું શોધે ! ભૂલ કરવાની પણ ભારે ભીતિ, એટલે કમિટીને નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ એ નામ ધારણ કરવાની મેં સલાહ આપી. કોંગ્રેસ વિશેનું મારું અધૂરું જ્ઞાન મેં અધૂરી રીતે લોકોને સમજાવ્યું, પણ ૧૮૯૪ના મે કે જૂન મહિનામાં કોંગ્રેસ સ્થપાઈ. હિંદી સંસ્થામાં અને આ સંસ્થામાં એટલો તફાવત હતો કે નાતાલની કોંગ્રેસ એ હમેશાં મળનારી સંસ્થા રહી. અને તેમાં વર્ષમાં ઓછામાં ઓછા ૩ પાઉડ આપી શકે તે જ સભાસદ થાય. વધારેમાં વધારે તો જે આપે તે લેવું. વધારે લેવાનો આગ્રહ પણ ખૂબ રાખ્યો. પાંચસાત સભાસદ વરસના ર૪ પાઉંડ અાપનાર પણ નીકળ્યા. ૧ર પાઉંડ આપનારની સંખ્યા તો ઠીક હતી. એક મહિનાની અંદર ત્રણસેંક સભાસદ નોંધાઈ ગયા. તેમાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી એમ બધા ધર્મ, અને બધા પ્રાંતના – એટલે જે જે પ્રાંતના હિંદી ત્યાં હતા તેમાંના – દાખલ થયા. પહેલું આખું વર્ષ ઘણા જોસથી કામ ચાલ્યું. શેઠિયાઓ પોતાનાં વાહન લઈને દૂર દૂર ગામડાંઓમાં નવા સભાસદો કરવા અને લવાજમ મંડાવવા નીકળી પડે. માગો કે તુરત સૌ આપી ન દે. તેમને સમજાવવા જોઈએ. આમ સમજાવવામાં એક પ્રકારના રાજપ્રકરણી તાલીમ મળતી હતી અને લોકો પરિસ્થિતિથી વાકેફ થતા હતા. વળી દર મહિને એક વખત તો કોંગ્રેસની સભા ભરાય જ. તેમાં એ મહિનાનો પાઈએ પાઈનો હિસાબ સંભળાવવામાં આવ અને તે પાસ થાય. એ મહિનાની અંદર બનેલી બધી હકીકતો પણ સંભળાવવામાં આવે, અને તે મિનિટ બુકમાં દાખલ થાય. સભાસદો જુદા જુદા સવાલો પૂછે. નવાં કારાની મસલત થાય. આ બધું કરતાં જેઓ કદી આવી સભામાં બોલતા ન હોય તે બોલતા થઈ જાય. ભાષણો પણ વિવેકસર જ કરવાં જોઈએ. આ બધો નવો અનુભવ. લોકોએ ઘણો રસ લીધો. દરમ્યાન નાતાલનું બિલ લૉર્ડ રિપને નામંજૂર કર્યાની ખબર આવી એટલે લોકોનો હર્ષ અને વિશ્વાસ બંને વધ્યા. જેમ બાહ્ય કામ થતું હતું તેમ કોમની અંદર કામ કરવાની હિલચાલ પણ થતી હતી. આપણી રહેણી વિશે આખા દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ ખૂબ હિલચાલ કરતા હતા. હિંદીઓ બહુ ગંદા છે, કંજૂસ છે, જે મકાનમાં વેપાર કરે તેમાં જ રહે, ઘર ઘોલકાં જેવાં, પોતાની સુખાકારીને સારુ પણ પૈસા વાપરે નહીં - આવા કંજૂસ મેલા માણસોની સાથે વેપારમાં ચોખ્ખા. ઘણી હાજતવાળા અને ઉદાર ગોરા કેમ હરીફાઈ કરી શકે ! એ તેઓની હમેશની દલીલ હતી. તેથી ઘરની ચોખ્ખાઈ વિશે, ઘર અને દુકાન નોખી રાખવા વિશે, કપડાં સાફ રાખવા વિશે, મોટી કમાણી કરનારા વેપારીને છાજે એ પ્રમાણે રહેણી રાખવા વિશે વિવેચનો, વિવાદો અને સૂચનાઓ પણ કોંગ્રેસની સભામાં થાય, કામ બધું માતૃભાષામાં જ ચાલે.

વાંચનાર વિચારી શકશે તે અામાં લોકોને સહેજે કેટલી બધી વ્યવહારુ કેળવણી અને કેટલો બધો રાજપ્રકરણી અનુભવ મળતો હતો. કોંગ્રેસને જ અંગે ગિરમીટમુક્ત હિંદીઓની પ્રજા એટલે અંગ્રેજી બોલનારા નાતાલમાં જ જન્મેલા હિંદી નવજુવાનોની સગવડને સારુ એ કેળવણી મંડળ પણ ખોલ્યું. તેમાં નજીવી ફી રાખવામાં આવી. મુખ્ય ઉદ્દેશ આ નવજુવાનોને એકઠા કરવાનો, તેઓનામાં હિંદુસ્તાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવવાનો અને હિંદુસ્તાનનું સામાન્ય જ્ઞાન આપવાનો હતો. ઉપરાંત સ્વતંત્ર હિંદી વેપારી તેઓને પોતાના જ ગણે છે એવું બતાવવાનો અને વેપારીઓમાં પણ તેઓને વિશે આદર ઉત્પન્ન કરવાનો હેતુ પણ હતો. કોંગ્રેસની પાસે પોતાનું ખર્ચ ચલાવતા છતાં એક મોટી થાપણ જમા થઈ હતી. તેની જમીન લેવાઈ અને આ જમીનની આવક અાજ લગી મળ્યા જ કરે છે.

આટલી વિગતમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. સત્યાગ્રહ કેમ કુદરતી રીતે ઉત્પન્ન થયો અને કેવી રીતે કોમ તૈયાર થઈ એ વસ્તુ ઉપલી વિગતો જાણ્યા વિના વાંચનાર પૂરી રીતે ન સમજી શકે, કોંગ્રેસની ઉપર આપત્તિઓ આવી, સરકારી અમલદારો તરફથી હુમલા થયા, તેમાંથી કેમ બચી ગયા, એ અને એવો બીજો જાણવાલાયક ઈતિહાસ મારે છોડવો પડે છે. પણ એક વાત જણાવવી અગત્યની છે. અતિશયોક્તિથી પ્રજા હમેશાં બચતી રહેતી હતી. પોતાની ખામી પ્રજાને જોવડાવવાનો હમેશાં પ્રયત્ન રહેતો. ગોરાઓની દલીલમાં જેટલું વજૂદ હોય એ તરત સ્વીકારવામાં આવતું, અને ગોરાઓની સાથે સ્વતંત્રતા અને સ્વમાન જાળવી શકાય એવો હરેક પ્રસંગ વધાવી લેવામાં આવતો. હિંદી હિલચાલનું જેટલું ત્યાંનાં અખબારો લઈ શકે તેટલું તેમાં આપવામાં આવતું, અને અખબારોમાં હિંદીઓ ઉપર અયોગ્ય હુમલા થતા તેના જવાબ દેવામાં પણ આવતા.

આ પ્રમાણે જેમ નાતાલમાં નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ' હતી તેમ તેવી પ્રવૃત્તિ ટ્રાન્સવાલમાં પણ હતી. ટ્રાન્સવાલની સંસ્થા નાતાલથી તદ્દન સ્વતંત્ર હતી. તેના બંધારણમાં પણ કંઈક તફાવત હતો. તેમાં હું વાંચનારને નથી ઉતારતો. એવા પ્રકારની સંસ્થા કેપટાઉનમાં પણ હતી. ત્યાંનું બંધારણ નાતાલ અને ટ્રાન્સવાલની સંસ્થાઓથી પણ નોખા પ્રકારનું હતું. છતાં ત્રણેની પ્રવૃત્તિ લગભગ એક જ જાતની ગણી શકાય.

૧૮૯૪ની સાલ પૂરી થઈ. કોંગ્રેસનું વર્ષ પણ '૯પના મધ્યમાં પૂરું થયું. મારું વકીલાતનું કામ પણ અસીલોને પસંદ પડયું. મારું રહેવાનું લંબાયું. '૯૬ની સાલમાં કોમની રજા લઈને છ મહિનાને સારુ હું હિંદુસ્તાન આવ્યો. પૂરા છ મહિના તો રહી નહીં શકયો તેટલામાં નાતાલથી તાર મળવાથી તુરત પાછું જવું પડયું. ૧૮૯૬-૯૭નો હેવાલ આપણે બીજા પ્રકરણમાં તપાસીશું.

  1. મિ. એસ્કબ એટનીં-જનરલ હતા ને પાછળથી નાતાલના વડા પ્રધાન થયેલા.