દાદાજીની વાતો
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
લોકસાહિત્યની નવી દુનિયા →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.



નિવેદન

[પહેલી આવૃત્તિ વેળા]

સલી શૈલીમાં ઊતરી આવેલી આ વાર્તાઓ ગુજરાત વિદ્યાપીઠ, શામળદાસ કૉલેજ તથા દક્ષિણામૂર્તિ ભવનના વિદ્યાર્થી સમુદાય સમક્ષ અને ખાસ કરીને તો જ્યાં આ તમામ લોકસાહિત્યની પ્રથમ અજમાયશ કરવાની તક મળે છે તે ભાવનગરના મહિલા વિદ્યાલયની અંદર કહી બતાવવામાં આવેલી છે. ત્યાંનાં શિક્ષક બંધુ-બહેનોએ તેમજ નાનાં મોટાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ આ વાર્તાઓ સાંભળતાં નિર્મળ તન્મયતા અનુભવેલી છે. તે પરથી પ્રતીતિ થઈ શકી છે કે આ વાર્તા-સમૂહને શિક્ષણની દુનિયા સાથે પણ પ્રાણસંબંધ છે.

બાકી તો આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે, એટલે જ હર્ષભેર પ્રગટ કરીએ છીએ.

રાણપુર : [1927]

[બીજી આવૃત્તિ વેળા]

'દાદાજીની વાતો' લોકસાહિત્યના મેદાનમાં નવા જ સાહસરૂપે ઝુકાવેલી, અને તે સાહસ સફળ બન્યું છે. ઘણા વાચકોએ એને એક જ બેઠકે પૂરી કરી હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે. નાનાં મોટાં બાળકોએ પણ છટાદાર ચારણી જોશ સાથે એ વાતો મોટા અવાજે વાંચી શુદ્ધ બલદાયી કલ્પનાના વિહાર માણ્યા છે.

બીજા ભાગ માટે તો આથી પણ અધિક પ્રેમશૌર્ય ને સાહસ પ્રબોધનારી, ગુર્જર વાણીને સમૃદ્ધ બનાવે તેવી શૈલીવાળી અદ્ભુતની અદ્ભુત છતાં યે વ્યવહારુની વ્યવહારુ વાતો તૈયાર છે, પણ છાપવાને સમય નથી મળતો. પણ મારા નાના દોસ્તો! હવે બહુ વાટ નહિ જોવરાવું.

ભાદરવી અમાસ : સંવત ૧૯૮૩ [સન 1927]

[ચોથી આવૃત્તિ વેળા]

છેલ્લાં બે વર્ષોથી ત્રીજી આવૃત્તિ ખલાસ થયેલી, નવેસર છપાવવામાં આનાકાની એટલા સારુ થતી હતી કે બાલસાહિત્યની અંદર પરીકથાઓ અથવા રૂપકકથાઓનું સ્થાન નવી દૃષ્ટિએ ઉપકારક છે કે કેમ, તે પ્રશ્ન છેડાઈ રહ્યો હતો. પરંતુ એ સવાલનું નિરાકરણ આપણા બાળશિક્ષણકારો હજુ કરી નથી શક્યા. એટલું જ નહિ પણ સર્વમાન્ય બાલસાહિત્યકારો તરફથી પણ આવું સાહિત્ય બહાર પડતું રહ્યું છે.

મારો મુખ્ય દાવો તો આ વાર્તાઓના એક વિશિષ્ટ પ્રકારના નમૂના તરીકે જ સંઘરવાનો હતો - ને છે. એ દૃષ્ટિએ જ પુનઃપ્રકાશન કરાવું છું; બાલસાહિત્ય તરીકે નહિ.

બોટાદ:૧૧-૧૧-'૩૨

[છઠ્ઠી આવૃત્તિ વેળા]

આવી વાર્તાઓનો બીજો ખંડ 'રંગ છે, બારોટ!' એ નામે તાજેતરમાં મેં પ્રસિદ્ધ કર્યો છે; લોકવાર્તાના વિષય પર એક સવિસ્તર પ્રવેશક પણ એમાં મૂકેલ છે. આ રીતે 'દાદાજીની વાતો'નો બીજો ભાગ આપવાનું ઘણાં વર્ષોનું જૂનું વચન પાળ્યું છે. 'દાદાજીની વાતો'ના પ્રેમીઓ 'રંગ છે, બારોટ!'નું વાચન કર્યા વિના ન રહે.

બોટાદ:દેવદિવાળી:૨૦૦૨
ઝવેરચંદ મેઘાણી

[આઠમી આવૃત્તિ વેળા]

આજથી બત્રીસ વર્ષ પૂર્વે ૧૯૨૨માં મારા પિતાશ્રી 'સૌરાષ્ટ્ર' કાર્યાલયમાં જોડાવા રાણપુર ગયા ત્યારે 'ડોશીમાની વાતો'નું લખાણ પોતાની સાથે લઈ ગયા હતા. એમના લેખક-જીવનની વહેલી પરોઢનું એ સર્જન ૧૯૪૬માં સાતમી આવૃત્તિમાં પ્રવેશતું હતું ત્યારે 'ડોશીમાની વાતો'ની મોટા ભાગની વાર્તાઓની અંદર રહેલી કરુણતાના અતિ ઘેરા રંગો તરફ એમનું ધ્યાન મેં દોરેલું; કિશોરાવસ્થામાં ને પછીથી એ ચોપડી જ્યારે જ્યારે વાંચી ત્યારે એના જે ભીષણ ઓછાયા મારા મન ઉપર છવાઈ ગયેલા તેનો સ્વાનુભવ કહેલો અને આ જાતની વેદનાભરપૂર વાર્તાઓનું વાંચન બાળકો-કિશોરો માટે કેટલે અંશે ઉપકારક હશે તેવો પ્રશ્ન કરી એ ચોપડીને હવે રદ કરવાનું સૂચન એમની પાસે ધરેલું.

પોતાની ઉત્તમમાં ઉત્તમ કૃતિઓને વિશેના અદનામાં અદના વાચકના અભિપ્રાયોને પણ સદા આદરથી સત્કારનારા એ લેખકને આ ફરિયાદ વાજબી લાગી અને એ સાતમી આવૃત્તિ ખતમ થાય તેની સાથે જ પુસ્તકને નામશેષ બનાવવાનું એમણે સ્વીકાર્યું. એમની એ સૂચના મુજબ જ, વર્ષોથી એ અપ્રાપ્ય હોવા છતાં ને બજારમાં એની માંગ ઊભી જ હોવા છતાં, 'ડોશીમાની વાતો'નું પુનમુદ્રણ અમે આપી શક્યા નથી.

હમણા 'દાદાજીની વાતો'ની આ નવી આવૃત્તિ વેળા, મારા પિતાશ્રીનાં નેવું જેટલાં પુસ્તકોમાંથી ઉપરની રીતે બાતલ કરાયેલી 'ડોશીમાની વાતો'ની પંદર વાર્તાઓ હું ફરી ફરીને જોઈ ગયો. એના કારુણ્યની નિષ્કારણ રેલમછેલ અને ચમત્કારોની પ્રયોજનહીન પરંપરા વચ્ચેથી પાંચેક વાર્તાઓ ઉગારવા જેવી લાગી, અને તે અહીં 'દાદાજીની વાતો'ની આ નવી આવૃત્તિમાં સામેલ કરી દીધી છે. 'ડોશીમાની વાતો' સ્વતંત્ર ચોપડીરૂપે હવે લુપ્ત થાય છે.

૯ એપ્રિલ ૧૯૫૪
મહેન્દ્ર મેઘાણી


[સમગ્ર મેઘાણી સાહિત્યનો ગ્રંથ લોકકથા સંચય'].

‘ડોશીમાની વાતો’ની સાતમી આવૃત્તિ 1946માં બહાર પડેલી. તેમાં પંદર વાર્તાઓ હતી. એ વાર્તાઓ કરુણતાના ઘેરા રંગોવાળી હોવાથી બાલ-કિશોરોને માટે ઉપકારક ન હોવાને કારણે લેખકના અવસાન (1947) પછી પુસ્તકનું પુનર્મુદ્રણ નહોતું થયેલું. પણ એ પંદરમાંથી પાંચ વાર્તાઓ ‘દાદાજીની વાતો’માં તેની આઠમી આવૃત્તિ (1954)થી લેવામાં આવેલી; ‘ડોશીમાની વાતો’ સ્વતંત્ર પુસ્તક રૂપે રદ થયેલું. સંપાદકીય સ્તરે આમ બનેલું.

લેખકના અવસાન પછી થયેલા પુસ્તકના રદ્દીકરણનો આ મુદ્દો સમગ્ર મેઘાણી સાહિત્યના આ સંસ્કરણ વખતે ઊપસી આવ્યો. ‘દાદાજીની વાતો’ની ચોથી આવૃત્તિ (1932)ના નિવેદનમાં લેખકે નોંધ્યું છે : “મારો મુખ્ય દાવો તો આ વાર્તાઓના એક વિશિષ્ટ પ્રકારના નમૂના તરીકે જ સંઘરવાનો હતો – ને છે. એ દૃષ્ટિએ જ પુન: પ્રકાશન કરાવું છું, બાલસાહિત્ય તરીકે નહીં” લેખકના આ દૃષ્ટિબિંદુને અનુસરીને ‘ડોશીમાની વાતો’ને મૂળ સ્વરૂપે આ ગ્રંથમાં સાચવવામાં ઔચિત્ય જોયું છે.

2013
જયંત મેઘાણી