← વાર્તા ઉર્ફે ચબરખી વાણી દ્વિરેફની વાતો – ભાગ બીજો
કુલાંગાર
રામનારાયણ પાઠક
મેહફિલે ફેસાનેગુયાન : સભા ત્રીજી →







કુલાંગાર

એક કિસ્સો: પાંચ દૃશ્યોમાં


દૃશ્ય પહેલું

સમચ, સવારના સાતેકનો; સ્થળ કાઠિયાવાડમાં સ્ટેશનથી ચાર પાંચ માઈલ દૂર એક ગામડું. સાધારણ ખડકીબંધ હવડ ઘરની છૂટી ઓશરીમાં સામાનના એકબે કોથળા ને એકાદ બે ટ્રંકો પડી છે. લગનસરા ચાલે છે અને વરરાજા અનન્તરાય પીતાંબર ભટ્ટ કંઈક નવા વિચારનો હોવાથી રિવાજ પ્રમાણે પોતાના ગામથી જાન ન લાવતાં મુંબઈથી માત્ર તેની બહેન લલિતા સાથે રાતનો અહીં આવેલો છે. તેનાં બીજાં સગાં, જેમના અહીં આવ્યા પછી જાનનું સામૈયું થવાનું છે, તે હજી આવેલાં નથી. અનન્તરાય વીસેક વરસની ઉંમરનો, શરીરે મજબૂત, કદાવર, દૃઢ મનનો અને તેજસ્વી છે. તેની બહેન લલિતા પણ તેવી જ તેજસ્વી છે, માત્ર એટલું કે સ્ત્રીસુલભ કુનેહ અને સૌકુમાર્યથી તેની દૃઢતા અનન્ત૦ જેટલી બીજાને પરાભવ કરનારી લાગતી નથી. નાતરીત પ્રમાણે અત્યાર પહેલાં હાથે મીઢળ બંધાવેલું હોવું જોઈએ તે અનન્તે હજી નથી બધાવ્યું એટલે વેળાસર મીઢળનો દેખાવ કરવા લલિતા અનન્ત૦ને મીઢળ બાંધવા પ્રયત્ન કરતી હોય છે, ત્યાં પડદો ઊપડે છે.

લલિતા : લ્યો હવે માની જાઓ. એકવાર કબૂલ કરીને ના શેની પાડો છો ?

અનન્ત૦ : પરણવાની કબૂલાત આપી છે, મીઢળની નહિ !

લલિતા : તમે તો કહેશો પરણવાની કબૂલાત આપી છે, પણ પાટલે બેસવાની નહિ, હસ્તમેળાપની નહિ, સપ્તપદીની નહિ, તે કાંઈ ચાલે?

અનન્ત૦ : પણ પરણવામાં આની શી જરૂર છે?

લલિતા : તમારા ભાઈબંધો જેમ જરા પણ ઉપયોગ વિના કાંડે ઘડિયાળ બાંધે છે, તેમ પરણવામાં જરા પણ ઉપયોગ વિના આ બાંધવાની જરૂર હોય છે. તમે કબૂલ કર્યું છે કે ઘેર પાછાં જઈએ ત્યાંસુધી મારું બધું કહ્યું કરવું, અત્યાર સુધી મેં મારી સત્તાનો ઉપયોગ નથી કર્યો. અત્યારે મારી સત્તાથી કહું છું, આ બાંધવા દો.

અનન્ત૦ : ત્યારે એમ જ કહે ને ! નકામી દલીલ શા સારુ કરે છે?

લલિતા અનન્ત૦ને મીઢળ બાંધે છે. ત્યાં ખડકીમાંથી “કાં વરરાજા ? ક્યારે પહોંચાડ્યાં ?” એવો ટહુકો સંભળાય છે અને તે પછી તરત જ તે ટહુકો કરનાર પરશોતમ ભટ્ટ પાંચેક વરસના છોકરાને આંગળીએ ઝાલી દોરતા પ્રવેશ કરે છે. પરશોતમ ભટ્ટની ઉંમર પંચાવનેક વરસની છે. તેમણે નાની પોતડી પહેરી છે, અને બાકી અંગે ઉઘાડા છે. તેમને વાત કરતાં વાતના અર્થ પ્રમાણે ધીમો ઉતાવળો અવાજ કરવાની ટેવ છે. સાથેના છોકરાને એક ધોતિયાની ગાતડી વાળી છે, અને તેની આંખમાં આંજણના લપેડા છે.

પરશો૦ : ( ફરીથી ) કાં વરરાજા. ક્યારે પહોંચાડ્યાં?

અનન્ત૦ : આવો, આ રાતના આવીને ગોઠવાઈ ગયા છીએ.

પરશો૦ : કેમ બહેન ! ખુશીમાં તો ખરી ? મને ઓળખછ ? હું શું થાઉં ?

લલિતા : હંકંમ્ ! ઓળખું કેમ નહિ, વળી માસા થાઓ. (અનન્ત૦ને) ભાઈ, આપણી બાને મામાની દીકરી બહેન હતાં—એક ગંગામાસી.

પરશો૦ : એ ને તારી બાય પાછાં સગાં મામાફઈનાં નહિ હોં ! એ હતાં ઓરમાયાં ! પણ આપણી નાત જેવી સગપણ સાચવવામાં બીજી નાત નહિ હોય ! (વરરાજા સામું જોઈને એકદમ અવાજ બદલાવી) લ્યો હૌં ! શું માણસો છે ને ! તમારી સાથે અમારા ગામના પહાડસિંગજી ઊતર્યા હશે. તે કે તમારી નાત તે કેવી ? – વરરાજાને હાથે મીઢળે ય નહિ ! એણે તો જઈ ને જટાશંકર પંડ્યાને, ને દયા ડોશી ને, ને જોશીફળીનાં પાનબાને વાત સૉત કરી નાંખી ! (અગત્ય બતાવવા સાદ ધીમો કરી) તે હું તો સવારે ઊઠીને તમને કહેવા આવ્યો કે આપણી નાત તો છે ઢેઢ જેવી ! પેટમાં વાત જ ન રહે ! તમારે માબાપ નથી, તે ગમે તેમ તોય તમે ઉઘાડાં પડી ગયાં કહેવાઓ. તે કશી છોકરમત કરશો માં. (છોકરો વારંવાર આંગળી ઝાલી ‘બાપા’ ‘બાપા’ કર્યા કરે છે.) એક તો આ લલિતાને આટલી મોટી થવા દીધી છે, ને તેમાં વળી આવી બેવકૂફ઼ાઈ કરો ! આ જુઓ, (જરા ઊપડતે સાદે) હું તો તમારો સગો, એટલે મારી આંતરડી બળે એટલી કોઈની ન બળે. (છોકરો ‘બાપા ’ ‘બાપા’ કરે છે તેને છણકો કરી ) સાંભળ્યને ! બે ઘડી વાતે ય કરવા નથી દેતો ! (પાછું સાધારણ અવાજે અનન્ત૦ને.) મેં તો આ લલિતા માટે ય વિચાર કરી રાખ્યો છે. કશી ફિકર ન રાખશો, (વીરરસના અવાજથી ) હું તમારી પડખે વાઘ જેવો ઊભો છું.

અનન્ત૦ : ( વાત બદલાવવા ) માસા, છોકરો કેમ આમ રંજાડે છે ?

પરશો૦ : હોય, એ તો છોકરાં છે.

છોકરો : બાપા, કહેતા’તાને ચા પિવડાવીશ !

પરશો૦ : જો, એ તો તમારી ચિંંતામાં ને ચિંંતામાં ચા પીધા વિના આવ્યો છું. કેમ હજી તમે ચાની કશી ય તૈયારી નથી કરી ? કે અત્યારમાં પીને બેઠાં ?

અનન્ત૦ : ના માસા, અમે તો ચા પીતાં જ નથી.

લલિતા : ભાઈ ઘણીવાર મુંબઇથી જતાં આવતાં ગાંધીજીના આશ્રમમાં થોડું રહેતા. અને ત્યારથી ચાકૉફી બધું ય છોડી દીધું છે.

પરશો૦ : હા, તેમાં શું ખોટું કર્યું? હું યે નહોતો પીતો, પણ આ દમનો વ્યાધિ થયો ત્યારથી પીવા માંડ્યો છું, કાંઈ ટેવ નથી પડી, પણ સવારે પીઉં ખરો. પણ જુઓ ! ગાંધીની બીજી વાત કશી ન કરશો હોં! હોય એ તો પ્રતિષ્ઠાની ખાતર બધું ય કરવું પડે. આપણા તનમનશંકર દવે સાહેબલોકોને ત્યાં જાય આવે, પણ બધું ત્યાં. અહીં આવે ત્યારે અહીં જેવા! કોટ પાટલુન પહેરે, પણ અંદર ધોતિયું રાખે. આ એમ બધું સમજવાનું છે. તમે ગાંધીમાં ભળો તેની ના નથી, પણ આપણી મુદ્દાની વાત ન ભૂલવી.

લલિતા : ( અનન્ત૦ને ન બોલવા દેવા માટે ) ના રે, માસા! એવું તે હોય? જેવો દેશ એવો વેશ.

પરશો૦ : સો વરસની થા મારી બાઈ! એ ઢેઢ ભંગિયાંને ધંધા માટે અડવું પડે તો અડવું, પણ નાતમાં નાત જેવાં થઈ ને રહેવું!

ખડકીમાંથી “કાં વરરાજા, ખુશીમાં તો ખરાને ?” એવા અવાજ સાથે જયંતીલાલ, મુકુટરામ, મનહરરામ, છોટાલાલ એ ચારે ગામના જુવાનો દાખલ થાય છે. બધાને માથે ચોટલી છે પણ છોટાલાલે ચોટલી આસપાસ ઘારી રખાવી છે, મુકુટરામે કપાળ કોરાવીને ચહેરો કઢાવ્યો છે ને જયંતીલાલ અને મનહરરામ બાબરી બરાબર ઓળીને સેંથી પાડીને આવ્યા છે. બધાએ માત્ર પોતડી પહેરી છે, તેમાં છોટાલાલે જાડા પાણકોરાની, અને બીજાઓએ ઓછીવત્તી જાડી પાતળી અને જુદી જુદી જાતની કોરની. બધાની પોતડીઓ રાતની પહેરેલી એટલે કલોચડીવાળી છે. બધા જુવાનો વારંવાર લલિતા સામું જો જો કરે છે.

જયંતી૦ : કાં પશાકાકા ! અત્યારમાં આવી પહોંચ્યા છો કાંઈ ?

પરશો૦ : ( પડેલ મોઢે અને સાદે ) એ તો મારો દીનુ કહે વરરાજાને જોવા છે તે હું અહીં લઈ આવ્યો.

દીનુ : ના હું તો ચા પીવા આવ્યો છું.

મુકુટ૦ : કેમ પશાકાકા ! એકલા એકલા ચા પીવા ચાલ્યા આવ્યા ! જજમાનને ઘેર દક્ષિણા ઓછી થાય, કાંઈ ચાનો પ્યાલો ઓછો ન થાત !

લલિતા અંદર ચાલી જાય છે.
 

પરશો૦: પણ વરરાજા તો સુધરેલા છે. એમને ···

મુકુટ૦ : હવે સુધરેલું તો કોણ નથી ? જુઓ આ આપણા ગામમાં જ જુઓ. અપટુ ડેટ કીટલીમાં નાંખીને ચા પીનારા ( મનહરને બતાવીને ) આ આપણા મનહરકાકા. સાહેબ લોકને પણ એમના જેવો ચાનો શૉખ નહિ હોય ! ઘાંયજાનો લાગો બંધ કરીને હાથે હજામત કરનારા આપણા ગોવિંદરામ. ને ઠેઠ ગવર્નરની લેવીમાં બેસનાર મિસ્ટર તનમનશંકર પણ આપણા જ ગામના. હવે સુધારામાં શું બાકી રહ્યું છે?

પરશો૦ : પણ આ તો ગાંધીનો સુધારો છે.

છોટા૦ : તે ગાંધીના સુધારામાં ય આપણા દૈવજ્ઞો પહેલા આવવાના. ગાંધીએ સ્વદેશી માલ પહેરવાનો કહ્યો પણ મેં કોઈ દિવસ પાણકોરા વિના બીજું કશું પહેર્યું નથી.

અનન્ત૦: પણ ગાંધી તો ઢેઢને અડવાનું કહે છે!

મુકુટ૦ : તે આપણા પશાકાકા હમેશાં ઢઢવાડે જાય છે. પૂછો એમને. ઢેઢમાં એમણે દોઢ હજારની ધીરધાર કરી છે.

ને ગામમાં જેટલો ઓળો ઢેઢ ચોરીને પાડે, તેનો અડધો અડધ ઓળો પશાકાકાના ઘરમાં આવવાનો. આખું વરસ નવીકાકી છોકરાંઓને ઓળો આપવાનાં.

પરશો૦: જા માળા સાળા ! તારો બાપ ઢેઢને અડવા કરી કરીને મરી ગયો ને તું વળી મારી ટીકા કરવા આવ્યો. ધીરધાર તો ગમે ત્યાં કરીએ. પૈસા ઓછા અભડાય છે! ને તારી પેઠે આશાપુરીમાં તો ઢેઢને નથી ઘાલ્યાં ને !

મનહર૦: આશાપુરીમાં ઘાલીને એ એકલો તો નથી કમાઈ ગયો ને! તમારા વારામાં ય ઢેઢ નાળિયેર લાવે છે ત્યારે કેવા હળવે રહીને ઘેર લઈ જાઓ છો ?

અનન્ત૦: માસા આ શી વાત છે આશાપુરીની ?

પરશો૦: જો આશાપુરી આપણાં ઇષ્ટ દેવી છે. આપણા યજમાનો એમની માનતા માને છે.

છોટા૦: મારા ફૂઆ શિવરામ પંડ્યા મુંબઈમાં રહ્યા, એમણે એક ભાટિયાને છોકરું નહોતું થતું, તે આશાપુરીની માનતા આપી. અને છોકરું થયું, ત્યારથી માતાની માનતા ખૂબ થવા લાગી છે. ને આપણા દૈવજ્ઞોને માતાની આવક પણ સારી થાય છે.

જયંતી૦ : તમે વરરાજા ખૂબ ભણવા માંડ્યા છો તે નાતનું આવી રીતે કંઈક સારું કરો તો તમારી નામના રહી જાય.

અનન્ત૦: માતાનો કાંઈ ઇતિહાસ છે ખરો ?

પરશો૦: ( ઉત્સાહમાં આવી ) હા, હા ! મારે નવીના ભાઈ હીરાએ માતાજીનું નવું પુરાણ રચ્યું છે. તેમાં બધો ઇતિહાસ આવે છે. ( ખૂબ ગંભીર અવાજે )

एकदा भगवान् प्रीतो महात्मा वृषभध्वज: ।
सहोमयाऽक्षमीरेमे भक्तानां वांद्दितप्रद: ॥*[]

હીરો તો તમારે જોવા જેવો છે. એ તો આપણી નાત એવી નગુણી છે, તે હજી કુંવારો રહી ગયો છે.

મનહર૦: ( ખડખડાટ હસીને ) જોવા જેવો તે કેવો જો ! ( અભિનય સાથે ) આ...મ ત્રાંસી આંખો કરીને ઊભો રહે ત્યારે અર્જુન બાણાવળી જેવો લાગે.

જયંતી૦ : વરરાજા ! અમારે પશાકાકાને વરદાન છે. કોઈ વાતમાં હીરાની સગાઈની વાત આવ્યા વિના ન રહે. અમારે જેમ ગામના બધા રસ્તા તરભેટે ભેગા થાય છે, એમ એમની બધી વાતોમાં હીરાની સગાઈની વાત આવવાની.

અનન્ત૦ : પણ માતાનો ને આપણો સંબંધ શો છે તે તો કહો.

મુકુટ૦ : વાણિયા, જેમ વેપાર પેઢી દર પેઢી ચલાવે, એમ આપણા ઘૈડિયાને કાંઈ મૂડી તો આપવાની નહિ, પણ બે ધંધા એવા શોધી કાઢ્યા કે યાવચંદ્રદિવાકરૌ ચાલ્યા કરે. એક આ આશાપુરી માતા, ને બીજો જ્યોતિષનો. બે પૈસાનું ટીપણું લીધું, કે આ ચાલ્યો.

છોટા૦ : અરે બે પૈસાનું ય નહિ ! ચૈત્રી પડવે એ ય દાનમાં મળે.

અનન્ત૦ : પણ આ ઢેઢોની શી વાત છે?

મુકુટ૦ : વાત શી હોય ? એ તો પશાકાકા અમથા ચીકણાઈ કરે છે. મેં સૌથી પહેલાં ઢેઢોને માનતા કરતા કર્યા. પણ એ કાંઈ મંદિરમાં નથી આવતા ! મંદિરથી છેટે પાળિયા છે ત્યાં ઊભા રહી દીવાનાં દર્શન કરે છે. અને પશાકાકાને બીક લાગે છે કે ક્યાંક એમનાં ઘરાક હું લઈ લઈશ. બાકી નાતમાં કોઈ એ વાંધો લીધો નથી.

જયંતી૦ : વિદ્વાનમાં વિદ્વાન ત્રિભુવનકાકાએ પણ નાકનું ટેરવું રાતું કરીને છાંટીને નાળિયેર લઈ લીધું’તું.

મનહર૦ : હવે તો નાળિયેરના ય બે આના થયા છે કોને કડવા લાગે ?

અનન્ત૦: ત્યારે આ માતાજી તો જોવાં પડશે. અહીંથી કેટલેક થાય ?

પરશો૦ : હવે એ તો એની મેળે જોવાશે. આપણે દૈવજ્ઞોની છેડાછેડી ત્યાં છૂટે છે.

અનન્ત૦: તે વખતે નીરાંતે ન જોવાય. મારે બધું ફરીને જોવું છે. તો અત્યારે ચાલીએ.

પરશો૦: હવે હમણાં માનપુરથી તારાં મોસાળિયાં આવશે. ને અમરાપરથી તારાં કટંબી આવશે. પછી સામૈયું થશે. પછી જાનીવાસામાંથી તો વરરાજાથી ખસાય જ નહિ.

જયંતી૦ : હવે ન શું ખસાય? એ તો બધું ય થાય. હવે તો સુધારાનો જમાનો આવ્યો છે. પણ વરરાજા, તમારે ચા ન પીવી હોય તો ન પીઓ, પણ અમને તો પાવી પડશે. અમારા ગામને ટીંબે એ રિવાજ છે. તમારી પાસે સાધન ન હોય તો આ મનહરકાકાને ત્યાં બધી સોઈ છે. દૂધનો એક આનો ને ચા ખાંડનો એક આનો. બસ, આ કયું શહેર છે? એ તો મારી ગા નથી દૂઝતી, તે પૈસાનું કહેવું પડે છે.

અનન્ત૦: લલિતા ! આ મનહરભાઈ ને બે આના આપ તો.

લલિતા ઓરડામાંથી આવી ટ્રંક ઉઘાડી બે આના આપે છે. ચારે ય જુવાનો જવા ઊપડે છે. તેમને

અનન્ત૦ : પણ માતાએ જવાનું નક્કી છે હોં !

છોટા૦: અમારે આજે ચંડીપાઠ કરવાનો છે. ત્યાં જ હઈશું. આવજો. બધું બતાવીશું.

જયંતી૦ : ગાઉએક છે. ચાલી તો શકશો ને!

અનન્ત૦ : તમે મારી સાથે ચાલી શકો તો સાચા.

મનહર૦ : ચા અહીં લાવીએ કે વરરાજા? તમે પીતા નથી માટે પૂછું છું.

અનન્ત૦ : કશી જરૂર નથી. લલિતા પણ નથી પીતી.

જુવાનો જાચ છે.
 

પરશો૦ : વરરાજા ! અહીંં જ મગાવવી’તી ને! તમે ન પીઓ તેમાં શું થઈ ગયું ? બે ઘડી બધા તમારે ત્યાં બેસીને પીએ, તે સારું દેખાય ને !

અનન્ત૦ : અલ્યા પણ એક ભૂલ થઈ ગઈ. અમે નથી પીતાં પણ તમે તો પીઓ છો ! એમ કરો. મનહરને બીજો એક આનો આપો. ને તમારી પણ ચા કરાવો.

લલિતા : ને જુઓ, મારાં માશીને પણ લેતા આવજો. એ બીચારાં એકલાં પોતા સારુ ક્યાં કરશે !

લલિતા એક આનો આપે છે.
 

પરશો૦: તે ધીરુને ય લેતો આવીશ. ને બધાને અહીં ચા લાવીને પીવાનું કહીશ. એ જ સારું દેખાય. લ્યો હવે ઝટ જાઉં. એ તો પાછા કહેશે વહેલું ક્યમ ન કહ્યું !

જાય છે. પડદો પડે છે.
દૃશ્ય બીજું

સમય તે જ દિવસ સાંઝનો, સ્થળ આશાપુરીનું મંદિર. જૂની ઢબના સાદા મંદિરને રંગરોગાનથી નવું કર્યા જેવું જણાય છે. મંદિર નાનું છે. તેનો રંગમંડપ નાનો છે. અને ગર્ભદ્વારના અંધારામાં ગોખલામાં ચૂંદડી ઓઢેલ આશાપુરી માતાની મૂર્તિ ઘીના દીવાથી ઝાંખી દેખાય છે. ગર્ભદ્વારમાં હાથમાં પાનાં રાખી છોટાલાલ એક ધાબળી પહેરી ચંડીપાઠ કરે છે. મનહરરામ વારંવાર આળસ મરડે છે, બગાસાં ખાય છે, ને ગણગણતો આચમની વતી પાણી નાંખતો જાય છે. જયંતીલાલ ઘડીમાં પાનાં ઝાલી ગણગણે છે, ઘડીમાં બહાર આંટો મારી આવે છે, સામે અરીસો જોઈ ઘડીમાં વાળ ઓળે છે ને ઘડીમાં સરખા કરે છે. દૂર જરા જરા વાદળાં છે.

જયંતી૦ : અલ્યા હજી વરરાજા ન આવ્યા!

મનહર૦ઃ હવે આવ્યા સમજો. સાંઝે ફરવા જવાની ટેવ એટલે સાંઝ પડ્યે બહાર નીકળે.

જયંતી૦ : મને નહિ ખબર અલ્યા હોં ! કે લલિતા આવડી મોટી થઈ હશે. બે છોકરાંની મા જેવડી છે.

છોટા૦ : તેમાં તને શેની આટલી બધી સગવગ થાય છે? કાંઈ તને નથી પરણાવવાનો !

જયંતી૦ : ભલે ને, મને નહિ પરણાવે પણ નાત બહાર ઓછું જવાય એવું છે ! નાતમાં વરમાં વર તો એક તનમનશંકર છે, તે બીજવર, ને ઘેર એને વેચી આવે એવડા મોટા છોકરા છે. બીજા આપણા અર્જુન બાણાવળી હીરાભાઈ.

છોટા૦ : ને પેલા પાર્વતીશંકર નહિ કે?

જયંતી૦ : એના છ ભાઈ કુંવારા મરી ગયા, ને હવે એને કોઈ પરણાવે ? એના બાપનો વંશ રહ્યો એ ઘણું છે.

ત્યાં દૂરથી કોઈ આવતું જણાય છે. બધા પાનામાં મોઢું ઘાલીને ગણગણવા માંડે છે અને પેલો માણસ નજીક આવતો જાય છે તેમ ગણગણાટ મોટો થતો જાય છે. એ કણબી છે. દર્શન કરી પૈસા નાંખી ગર્ભદ્વારમાં ડોકિયું કરી કહે છે.

કણબી૦ : મહારાજ પાઠ કરવા આવ્યા છો કે?

જયંતી૦ માથું ધુણાવી હા કહે છે. એ ચાલ્યો જાય છે એમ ખાત્રી થતાં

જયંતી૦ : તે એ મોટી કરીને કરશે શું?

છોટા: ‘કરશે શું’ શું ? મુંબઈમાં રહે છે તે કોઈ સાહેબ લોકને પરણાવશે.

જયંતી૦ : અલ્યા સાંભળો. આ નાતમાં એવું થવું જોઈએ, કે અંતુને કહેવું જોઈએ, કે તારી બહેનને કોઈ સાથે પરણાવ. (વાતમાં રસ આવતો જાય છે તેમ તેમ બધા હાથમાં પાનાં રાખીને પાસે પાસે આવતા જાય છે.) શું નાતમાં વરનો દુકાળ પડ્યો છે? એની મરજીમાં આવે એને પરણાવે. નહિતર બહેનને સંન્યાસી કરવાની અત્યારથી નાતના પંચ આગળ કબૂલત આપે. તે એમ ન કરે તો એનો વિવાહ તોડી નાંખવો.

ત્રિભુવન ભટ્ટ દૂરથી આવતા હોય છે. તે તરફ કોઈનું ધ્યાન નથી.

મનહર૦ : હા. જો આ પંડ્યાની છોડી એને ન પરણાવે તો બીજાને પરણવા થાય ને !

જયંતી૦ : ત્યારે આવું કંઈક તરત કરવું જોઈએ.

ત્રિભુ૦ : ( ગર્ભદ્વારમાં ડોકિયું કરી ) તમારો તે દી ઊઠ્યો છે કે શું તે મને સમજાતું નથી. ચંડીપાઠના પૈસા લ્યો છો, તે અહીં આવીને તડાકા મારો છો. આ ખાવા પીવા ટળવાના છો ખાવા પીવા !

વાદળાં જરા ઘેરાતાં જાય છે.
 

જયંતી૦ : પણ એનું તમારે શું? તમારે ઘેર ખાવાનું માગવા આવીએ ત્યારે ન આપશો.

ત્રિભુ૦ : હું તો તમા

રા સારા સારુ કહું છું. શ્રદ્ધા રાખીને પાઠ કરશો તો જજમાનનું સારું થશે; ને જજમાનનું સારું થશે, તો તમારું સારું થશે.

છોટા૦ : એ તો જજમાનનું સારું જ થવાનું,—બ્રાહ્મણને દાન આપે એટલે.

ત્રિભુ૦ : તમે માતાનો અનાદર કરો છે એ સારું નથી કરતા હોં !

મનહર૦ : છોરુ કછોરુ થાય પણ માતા કમાતા ન થાય.

જયંતી૦ : કાકા એમ શું ચીડાઓ છો ! જુએ આ વાદળાં ચડે છે એટલે અંદર થતું હતું અંધારુ. અમે બહાર આવવાનું કરતા હતા, ત્યાં તમે આવ્યા. અમે પાછા પાઠ કરવા બેસીએ છીએ. ( ત્રણેય બહાર આવવા માંડે છે. )

મનહર૦ : ત્રણ વરસ ઉપર બરાબર આ જ મહિનામાં કરા પડ્યા’તા ને ઘમીરશીંહની ભેંશ મરી ગઇ’તી એ યાદ છે?

ત્રિભુ૦ : હા માળું ! લ્યો ત્યારે હું તો જાઉં છું. મારે હજી મહાદેવે જવું છે. તમે સાચવીને આવજો. (જાય છે. સામે જ અનંતરાય મળે છે. તેને) અરે વરરાજા, આવામાં ક્યાં નીકળ્યા?

અનન્ત૦ : મારે ફરવા નીકળવું’તું તે કહ્યું ભેગો ભેગો આશાપુરીની જગા જોતો જાઉં.

ત્રિભુ૦ : જાય છે: અનન્ત૦ નજીક આવે છે.
 
જયંતી૦:
મનહર૦:
છોટા૦:
(એક સાથે) આવો આવો વરરાજા! અમે તમારી જ રાહ જોતા હતા.

અનન્ત૦ : હા લ્યો, આ આવ્યો. હવે બતાવો તમારી જગા. (ઊંચે જોતાં) આ મંદિર તો પ્રાચીન દેખાય છે. પણ તમે રંગના લપેડા કરીને એને બગાડ્યું છે. એની જૂની કારીગીરી રહેવા દીધી હોત તો સારું દેખાત. આ તો રંગથી બધુંય છંદાઈ ગયું છે.

જયંતી૦ : પેલા ભાટિયાએ માનતા માની હતી. તેની પાસે જીર્ણોદ્ધાર કરાવતી વખતે આ રંગ દેવરાવેલો.

અનન્ત૦ : લ્યો ચાલો ત્યારે હવે ફરીએ. આસપાસની જગા જોઈએ. અહીંથી નદી કેટલે થાય ?

છોટા૦ : હજી અમારે તો પાઠ અધૂરો છે. થોડીવાર લાગશે.

અનન્ત૦ : (સૌના હાથ ઝાલીને) લ્યો ચાલો ચાલો હવે. ઘરડા તો જાણે માને, પણ તમે જુવાનો ય આવા પાઠબાઠની વાતો કરો છો !

જયંતી૦ : હું તો કશું યે નથી માનતો. પણ આ ત્રિભુવન કાકા જેવા આવે ત્યારે જરાક કરવું પડે.

અનન્ત૦ : ( મશ્કરીમાં ) જો કરવું જ પડતું હોય તો હું એક રસ્તો બતાવું. આખો ચંડીપાઠ ફોનોગ્રાફની પ્લેટમાં ઉતારી નાંખવો, ને પછી જ્યારે પાઠ કરવો હોય ત્યારે પ્લેટો એક પછી એક ચડાવી દેવી.

છોટા૦: (મશ્કરી સમજવા છતાં એ કલ્પનાના આકર્ષણના ઉત્સાહમાં) હા, હોં, અલ્યા ! તો મજા બહુ પડે; પ્લેટ મૂકીને પછી ફાસ્ટ મારી મૂકવી. જેટલી વાર પાઠ કરવા હોય તેટલી વાર કરી નંખાય.

મનહર૦ : બસ. અને પાંચ સાત ફોનોગ્રાફો હોય તો એકજ માણસ એક સાથે ઘણા પાઠ કરી શકે. એક ફોનોગ્રાફની શી કિંમત બેસે ?

અનન્ત૦ : હમણાં તો ત્રીસ ત્રીસનાં હલકાં મળી શકે છે.

છોટા૦ : એ તો બહુ ભારે કહેવાય.

અનન્ત૦: (હજી મશ્કરીમાં) કોઈ ભાટિયા જજમાનને ઊભો કરો.

જયંતી૦ : અલ્યા, પણ પછી જજમાન જ ફોનોગ્રાફ રાખીને પાઠ કરાવી લે, તો આપણો કોઈ ભાવ ન પૂછે હોં ! વરરાજા, તમે હિકમત તો સારી બતાવી પણ બકરું કાઢતાં ઊંટ પેસે એવું થયું.

અનન્ત૦ : (હજી પણ મશ્કરીમાં) તો એક બીજી હિકમત બતાવું.

છોટા૦ : શી?

અનન્ત૦ : અમારે પરીક્ષાના દિવસો ચાલતા હોય ત્યારે પુસ્તકો વાંચતાં જે ભાગ આવડતો હોય તે અક્ષરે અક્ષર ન વાંચીએ, તેના ઉપર માત્ર આંખ ફેરવી જઈએ. તેમ તમારે પણ પાનાં ઉપર આંખ ફેરવી જવી. શબ્દે શબ્દ ન વાંચવો.

મનહર૦ : એમાં તો વરરાજા, તમારા કરતાં અમારી પાસે વધારે સારી યુક્તિ છે. પાનાં ઉપર આંખ પણ અમે નથી ફેરવતા, માત્ર પાનું જ ફેરવીએ છીએ.

અનન્ત૦ : હાસ્તો, કારણકે એ પાનામાં ચંડીપાઠ છે એટલું તો તમે જાણતા જ હો છો, ને એથી વધારે જાણવાની તમારે જરૂર નથી. એટલે મારા કરતાં તમે જરૂર વધારે ઝડપથી પાનાં ફેરવી શકો.

વીજળી અને ગડગડાટ થાય છે. વરસાદ પડવા માંડે છે.
 

મનહર૦: લ્યો વરરાજા ! હવે થઈ રહ્યું. તમારાથી ફરવા નહિ જવાય. વાતે ચડ્યા, ત્યારે તો હવે અહીં જ બેસો ને આ જગા જુઓ.

અનન્ત૦ સામી નજર કરી જુએ છે. વરસાદ જરા જરા વધતો જાય છે. પચાસેક ડગલાં દૂર પાંચ સાત નાના પાળિયા છે, ત્યાં બે ૮-૧૦ વરસના છોકરા દેખાય છે. બન્ને ત્યાં રહ્યા રહ્યા પગે લાગે છે. નાળિયેર મૂકી તે લઈ જવા “જયંતી મહારાજ” એવી બૂમ મારે છે.

છોટા૦ : જયંતી, લે પેલાં તારાં ઘરાકો આવ્યાં. નાળિયેર લઈ આવ.

ત્યાં વરસાદ સાથે કરા પડવા માંડે છે. દૂર છોકરા બેબાકળા બની આમતેમ જુએ છે. માથે હાથ ધરે છે.

જયંતી૦ : કરા પડે છે ત્યાં ક્યાં જાઉં ! બંધ પડશે એટલે નાળિયેર લઈ આવીશ.

દરમિયાન કરા મોટા મોટા પડવા માંડે છે.
 

અનન્ત૦ : ( મોટે સાદે ) અલ્યા એ ! અહીં આવતા રહો અહીં, નહિતો મરી જશો. કરા તો મોટા મોટા પડવા માંડ્યા. અહીં દોડી આવો.

બન્ને છોકરા રડવા માંડે છે.
 

મનહર૦ : વરરાજા ! બીચારાની મશ્કરી શા સારુ કરતા હશો ?

અનન્ત૦ : મશ્કરી શેની ? જોતા નથી કેવડા કરા પડે છે તે ! બીચારા મરી જશે. તમે લઈ આવો નહિતર હું લઈ આવું છું.

જયંતી૦ : પણ એને લઈ શી રીતે લાવવા ?

ત્યાં એક છોકરાનું કરો વાગવાથી માથું ફૂટે છે. નજીકમાં એક મોટો કરો પડીને ભાંગે છે તેના કકડા ચોતરફ ઊડે છે. અનન્ત૦ તેમના તરફ દોડતો જાય છે. છોકરાને પકડવા જતાં બન્ને રડે છે અને પાળિયામાં નાસભાગ કરે છે, “નહિ માબાપ” “નહિ માબાપ”ની બૂમો પાડે છે, હાથથી અનન્ત૦ને વારે છે. અનન્ત૦ બન્નેને તરફડિયાં મારતા પકડીને મંદિર તરફ દોડતો આવે છે. અનન્ત૦ ને પણ માથામાં એક કરો વાગે છે ને ઢીમણું થાય છે. આ બધું મનહર૦ જયંતી૦ અને છોટા૦ કંઈક ન સમજાતું હોય તેમ જડ જેવા જોઈ રહે છે. અનન્ત૦ પગથિયાં ચડવા જાય છે એટલે ત્રણે ય ઘાંઘા થઈ સામા થાય છે, પાનાંવાળા હાથ ઉગામે છે, એક જણ ઘંટને પકડવા જાય છે, એક જણ નગારાનો દાંડિયો ફેંકે છે. અનન્ત૦ જોરથી “ખબરદાર” એવી બૂમ પાડે છે એટલે ત્રણે ય ડરીને પગથિયાં આગળ મારગ દઈ દે છે, અને ભય અને લાચારીથી લાંબા હાથ કરી કરીને ડોળા કાઢતા “ચાંડાલ બ્રહ્મરાક્ષસ, પાપી, વર્ણસંકર, આ શું કરવા બેઠો છે? નાતને બોળવા બેઠો છે, કુલાંગાર” વગેરે ગાળો અને શાપો બોલે છે, અને ઢેઢના છોકરાને મારવા તડે છે; ઢેઢના છોકરા બીજી બાજુ “વૉય બાપલિયારે ! માબાપ અમે શું કરીએ!” એવી બૂમો પાડે છે.

અનન્ત૦ : ( નાતીલાઓને ) ખબરદાર એમને જો કાંઈ કર્યું છે તો ! ( ત્રણે ય ડરીને દબાઈ જાય છે: બીજી બાજુ ઢેઢના છોકરાને) જો ચસક્યા છો તો !

થોડી વારે કરા બંધ પડે છે. હજી ઢેઢનાં છોકરાં “ઊં ઊં” “માબાપ” “માબાપ” કરે છે.

જયંતી૦:
છોટા૦:
મનહર૦:
(નાસતાં નાસતાં: એક સાથે) હત્ તારું સત્યાનાશ જાય તારું. માતાને અભડાવ્યાં ? જોઈ રાખજે, ચાંડાલ, નાતમાં તારું શું થાય છે !
ત્રણે ય દોડીને નાસે છે.
 

અનન્ત૦ : ( ઢેઢના છોકરાને પંપાળતો ) હવે શા માટે બૂમો પાડો છો ને રુઓ છો ? એ તો ગયા. હવે માતાના મંદિરમાં આવ્યા ન આવ્યા થવાના છો ?

હવે પછીની વાતચીતમાં ઢેઢના છોકરા ક્યાંક એક જ બોલે છે, ક્યાંક બન્ને બોલે છે.

છોકરા : માબાપ હવે જવા દો. અમારો કૂટરડો કાઢી નાંખશે.

અનન્ત૦ : (ફોસલાવી બીક મટાડવા માટે મશ્કરીમાં) તમને અડી જ શકવાના નથી ને ! અડ્યા વગર મારશે શી રીતે?

છોકરા : માબાપ ! અમને હીમખીમ જવા દો.

અનન્ત૦ : જો, હું તારે માથે પાટો બાંધું, પછી બેઈ જણા જાઓ, હોં !

છોકરા ડરમાં બેસી રહે છે. અનન્ત૦ પોતાના ધોતિયામાંથી ચીરા ફાડી પાટો બાંધતો જાય છે અને સાન્ત્વન આપવા પૂછતો જાય છે.

અનન્ત૦ : અલ્યા તમારે માબાપ છે કે?

છોકરા : હા, માબાપ !

અનન્ત૦ : શો ધંધો કરે છે?

છોકરા : ખેતીનો.

અનન્ત૦ : તે આ શેની માનતા માની’તી ?

મોટો છોકરો : અમારી બહેન ટેટલી માંદી હતી તે જયંતી મારાજે આજ માનતા કરવાની કહી’તી, માબાપ !

અનન્ત૦ : પણ એમાં માબાપ માબાપ શું કરો છો?

છોકરા : હા, માબાપ !

અનન્ત૦ : ( હસીને ) જો પાછા ! તમારાં માબાપ તો તમારે ઘેર છે. મને શા સારુ માબાપ કહો છો ! હવે ન કહેતા હોં !

છોકરા : હવે નહિ કહીએ, માબાપ !

અનન્ત૦ : ( હસીને ) ઠીક લ્યો ત્યારે જાઓ. પેલું નાળિયેર ખાવું હોય તો ખાઓ. કહો તો વધેરી આપું !

છોકરા : ના માબાપ ! માતાને ધરાવેલું ક્યમ કરીને ખવાય ?

અનન્ત૦ : ( હસીને ) ઠીક ત્યારે, જાઓ માબાપ !

છોકરા : ( જતાં જતાં જરા અચકાતા અચકાતા ) માબાપ ! નાવું હોય તો પેલું તળાવ ત્યાં રહ્યું, માબાપ !

જાય છે.
 

અનન્ત૦ જવાબમાં ડોકું ધુણાવે છે, તેમને જતા જોઈ રહે છે. થોડીવાર ઊંડા વિચારમાં ઊભો રહે છે ને પડદો પડે છે.

દૃશ્ય ત્રીજું

સમય એ જ રાતનો. છૂટી ઓશરી ને પછવાડે બે ઓરડા, એવા જાનીવાસામાં લલિતા એકલી જ છે. માણસ ઊંડા વિચારમાં ઝીણે સૂરે ગાય તેમ સોહનીના સૂરોમાં ગાય છે. તેમાં કોઈ કોઈ જગાએ “મન રામ ભજ રામ” શબ્દો વેરાયેલા મળી આવે છે. ગાતી ગાતી સામાન સરખો કરતી જાય છે, અને કોઈ વાર ઓશરીની થાંભલીને અઢેલીને ઊભી ઊભી એ જ સૂરો કાઢ્યા કરે છે. ત્યાં ખડકી બહારથી પરશોતમનો ધીમો અવાજ આવે છે.

અવાજ : એ... ! વરરાજા છે કે.. ?

લલિતા : એ ના...ઓ... !

અવાજ : હજી નથી આવ્યા ?

લલિતા : ના માસા ! હજી નથી આવ્યા.

ફરી શાન્તિ પથરાય છે. લલિતા નીચે બેસી એના એ શબ્દો ગાતી સોહનીમાંથી જોગીમાં સરી પડે છે ને ફાનસની વાટ નીચી ઊંચી કરતી જાણે વાટ સાથે રમે છે. ત્યાં બહારથી અનન્ત૦નો અવાજ આવે છે.

અવાજ : લલિતા, ઉઘાડ.

લલિતા : આવ્યા ભાઈ, લ્યો ઉઘાડું.

ઉઘાડે છે. અનન્ત૦ અંદર આવે છે. ધ્યાનપૂર્વક જાનીવાસો જુએ છે. લલિતા ફાનસની વાટ મોટી કરે છે.

અનન્ત૦ : મામા, મામી, સુભદ્ર, દીપુ બધાં ક્યાં ગયાં કેમ કોઈ દેખાતું નથી ?

લલિતા : ક્યાં ગયાં ? તમે ઢેઢના છોકરાને આશાપુરીમાં આણ્યા એ વાત અહીં પહોંચતાં જ બધાં કંઈ કંઈ બહાનું કાઢીને, ને કેટલાંક તો બહાનું કાઢ્યા વિના જ, પોતપોતાનો સામાન લઈ લાગતાં વળગતાં સગાંમાં ચાલતાં થયાં !

અનન્ત૦ : મેં તો જાણ્યું કે પેલા પૂજારીઓ જ એકલા ભડકણ હશે. આ તો સૌ સરખાં નીકળ્યાં !

લલિતા : સરખાં કેમ ન નીકળે ? ન અભડાવાથી નીચું થઈ જવાતું હોય, ત્યાં કોણ ન અભડાય ?

અનન્ત૦ : એ તો ઠીક, પણ તું તો નથી ભડકી ને ! મને વાટ બધી એ એક જ વિચાર આવતો’તો, કે તને વચન આપેલું કે આટલા દિવસ તું કહીશ એમ ચાલીશ, એ વચન આવી રીતે તૂટ્યું એમ તો હું નથી કહેતો, પણ એક બાજુ રહી ગયું !

લલિતા : હું ક્યારની એ વિચાર કરું છું, કે તમારે આમે ય પરણવું નહોતું, એક ફક્ત માબાપ કરી ગયાં છે તે ખાતર, ને મારા આગ્રહની ખાતર, કબૂલ્યું હતું, તે ક્યાંક તમારું ધાર્યું ન થઈ જાય !

અનન્ત૦ : તને નણંદ થવાના કોડ અધૂરા રહી જશે એમ કેમ નથી કહેતી ?

બહારથી પરશોતમનો ધીમો અવાજ આવે છે.
 

અવાજ : કેમ વરરાજા આવ્યા ?

લલિતા : હા, આવો માસા, ઉઘાડું છું. ( ઉઘાડવા જતાં જતાં ધીમે અવાજે ) અત્યાર સુધીમાં ત્રણ વાર આવી ગયા !

લલિતા ખડકી ઉઘાડે છે. પરશોતમ સવારના પહેરવેશ ઉપરાંત હાથમાં લાકડી ને ઓઢેલી પછેડી સાથે દાખલ થાય છે. દાખલ થતાં જ બહુ જ લાગણી અને મમત્વના અવાજથી—

પરશો૦ : ભૂંડા ! તેં આ શું કર્યું ? એક પરણવા આવ્યો’તો એટલા દાડા તો સાચવી લેવું’તું ?

લલિતા : પણ માસા ! એમાં ભાઈનો વાંક નથી. નહિ તો બીચારા મરી જાત.

પરશો૦ : તું સૉત પાછી એમ બોલે છે ? આપણી નાતને ઓળખ છ ?

લલિતા : ઓળખીને પણ શું થાય માસા !

પરશો૦ : તોરણેથી પાછો કાઢે એવી—ઢેઢ જેવી છે. જાણ છ, ઓલ્યા તનમનશંકર ને જયંતીલાલ ટાંપી રહ્યા છે. મેં અત્યાર સુધી તાણી ઝાલ્યું છે. કેટલી વાર પંડ્યાની દાઢીમાં હાથ ઘાલ્યો છે ત્યારે તમારી આ પરણવા સુધી વાત આવી છે. બધા ઉપર પાણી ફેરવવા ઊભાં થયાં છો !

લલિતા : હશે માસા, થવાનું થઈ ગયું તેમાં શું કરીએ !

પરશો૦ : તમે હાથે કરીને દુઃખી થાઓ એવાં છો. નાતમાં તો જેનું જૂથ હોય તે જીતે. જુઓ મારે અરધી નાતમાં સંબંધ છે. ગણ્ય, મારે ત્રણ ફઈઓ, પાંચ બહેનો, ચાર દીકરીઓ, ને હું ત્રણ વાર પરણ્યો. એટલાનો જ હિસાબ કર્ય, તો અરધી નાત થઈ જાય. તમે સમજો એવાં નથી, તે ચોખું ફૂલ કરીને કહેવું પડે છે. તારી બહેનને આવડી મોટી થવા દીધી, એ તો ભલે ને જાણે પરણાવવા જેવડી થઈ, ને પાછી વળી, ને એટલામાં તમારાં માબાપ મરી ગયાં, ને તે વખતે રહી ગયું. પણ પછી બેસી રહ્યાં, તેના કરતાં બે વરસ પહેલાં પરણાવી દીધી હોત, તો એનાં સગાં અત્યારે કામ આવત ને!

અનન્ત૦ : માસા, તમે ચોખ્ખું કહ્યું ત્યારે હું ય કહું છું. તમે જ કહેતા’તા કે જયંતિયો ને તનમનિયો, ઘરે ય સારું નહિ, ને વરે ય સારા નહિ. ને હું મારી બહેનને કુવામાં નાંખું, એ તો સમજશો જ નહિ. તેના કરતાં ભલે એ ય કુંવારી રહે, ને હુંય કુંવારો રહું. તેની મને કશી ચિંતા નથી.

પરશો૦ : પણ શા સારુ તારે ય કુંવારા રહેવું, ને એને ય કુંવારી રાખવી ? તમે નાતનાં અજાણ્યાં છો, હું અજાણ્યો નથી.

લલિતા : હા, તમે અમારી પડખે ઊભા છો, પછી અમારે શી બીક છે ?

પરશો૦ : ( અવાજ ઢાળીને ) મારું એ જ કહેવું છે. હું તમારી પડખે જ ઊભો છું. પણ મારે ય વહેવાર સાચવવાનો છે બાપલા ! હું કોઈના વેણમાં ઊભો રહ્યો હોઈશ, ત્યારે આજ મારા વેણમાં કોઈ ઊભા રહે છે ના ? એ તો રાખે એવી રખાપત છે. માટે કાલ ડાહ્યા થઈને વરતજો. નાતનું પંચ કાલ બોલાવવાના છે. સવારમાં ગોર ફરશે. તમે બેઈ વિચાર કરીને નક્કી કરીને મળી જજો. હું આપણો પક્ષ ભેગો કરીશ. ને હું કહું એમ કરશો તો ( અનન્ત૦ને ) તું ય સુખી થઈશ, ને ( લલિતાને ) તું ય સુખી થઈશ. મૂંઝાઇને નાસી જશો, તો બાપનું નાક કપાવશો. હું તમારા પક્ષનો છું, માટે કહું છું. લ્યો બેસો, ભાઈબહેન ! હું જાઉં છું.

પરશો૦ જાય છે. લલિતા ઊઠીને ખડકી વાસે છે. પાછી આવી પરથાર પર બેસે છે. થોડીવાર બન્ને ભાઈબહેન ચૂપ રહે છે.

અનન્ત૦ : આ માણસ શી પક્ષની વાતો કરે છે ને !

લલિતા : સ્વાર્થી માણસને માત્ર એક જ પક્ષ હોય છે— પોતાનો. બાકી જ્યાં સ્વાર્થ સધાય ત્યાં એનો પક્ષ. ( જરા અટકીને ) તમે એની વાત તો સમજ્યા ને ?

અનન્ત૦ : કેમ નહિ ? મને તો વચમાં વચમાં એવું થઈ જતું’તું, કે તારે વિશે કાંઈ ખોટું સૂચન કરે તો એક લપડાક ચોડી દઉં. પણ માળો એવો પક્કો, ઠેઠ સુધી ક્યાંઈ સ્પષ્ટ બોલ્યો નહિ.

લલિતા : તમે કહો છો ને આપણા લોકો પોલિટિકલ નથી !

બારણામાં એક ટકોરો થાય છે. ભાઈબહેન શાંત રહી સાંભળે છે. ફરી એક ટકોરો થાય છે.

અનન્ત૦ : કોણ ?

બહાર ધીમે સાદે અવાજ આવે છે.
 

અવાજ : ઉઘાડો.

અનન્ત૦ લલિતા સામું જોઈ જઈને ઉઘાડે છે. તનમનશંકર પ્રવેશ કરે છે. તેણે માથામાં સુગન્ધી તેલ નાંખ્યું છે. આગળ બાબરી આળેલી છે, અને ચોટલી પણ ઓળીને ગાંઠ વાળેલી છે. પાટલી ચીપીને ધોતિયું પહેરેલું છે. ઝીણા સફેદ ફલાલીનના પહેરણ ઉપર સાચી જરીની શાલ ઓઢેલી છે. તે આવતાં જ—

અનન્ત૦ : આવો તનમનશંકરભાઈ ! બેસો.

તનમન૦ : ( બેસતાં, બેસતાં ઊંડા દુઃખના અવાજથી ) આપણી નાત જેવી કોઈ નિર્ભાગી નાત નથી.

અનન્ત૦ : એમ કેમ ?

તનમન૦ : આ જુઓને. તમારા જેવા પુરુષાર્થ કરીને આગળ પડે તેવા આશાજનક યુવાન સામે કેટલો બધો વિરોધ કરે છે?

અનન્ત૦ : હોય એ તો, તેમાં શું કરીએ ?

તનમન૦ : તમે તમારી ઉદારતાથી એમ કહો, પણ મારાથી કેમ સંખાય ? અને તમારું તો ઠીક. તમારાં બહેન માટે પણ ખરાબ બોલે છે ! કોઈ પણ માણસાઈવાળો માણસ સહન ન કરી શકે.

અનન્ત૦ : કેમ શું બોલે છે? નાતનો ગુનો કર્યો હોય તો મેં કર્યો છે, તેમાં મારી બહેનને શું છે?

તનમન૦ : એવી વાતો કરે છે કે કોઈ પણ બાઈના સાંભળતાં તો શું, પણ પુરુષોના પણ સુધરેલા સમાજમાં ન બોલી શકાય.

લલિતા : પણ તેમાં આપણને શું? દરેક માણસ પોતાની કલ્પનાથી અને પોતાની વાણીથી પોતાની જ કિંમત કરાવે છે.

તનમન૦ : નિષ્ક્રિય પડી રહેવું એ અમારો સિદ્ધાન્ત નથી. આપણે નાતને સુધારવાને પ્રયત્નો કરવા જોઈએ. આપણી વાત સાચી હોય તો આપણે શા માટે સત્ય ઉપર ઊભા રહી, વિરોધ કરી, સત્યનો જય ન મેળવી શકીએ ?

અનન્ત૦ : હા, તેવો કોઈ ઉપાય હોય તો જરૂર કરીએ. પણ તમે માનતા જણાઓ છે તેવો કોઈ તાત્કાલિક ઉપાય મને જણાતો નથી.

તનમન૦ : આપણે જેમ રાજ્યપ્રકરણમાં આપણા મતના માણસો એકઠા કરીને લડીએ છીએ તેમ નાતમાં પણ આપણે પક્ષ કરીએ, તો જીતીએ. નાતમાં એક વિશેષ ફાયદો છે કે આ નવી પદ્ધતિ ઘણાખરા માણસો જાણતા નથી.

અનન્ત૦ : મને એવો કોઈ માર્ગ જણાતો નથી.

તનમન૦ : આ એક નીતિ નક્કી કરવાનો પ્રશ્ન છે, તેને માટે મંત્રણા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે षट़्कर्णो भिद्यते मऩ्त्र।[] આપણે અંદર એકાન્તમાં ચાલો. છૂટથી વાત થઈ શકે.

અનન્ત૦ : ( તનમન૦ સાથે ઊઠીને જતાં જતાં કટાક્ષમાં) લલિતા ! તનમનશંકરભાઈની સાથે મંત્રણા કરવા હું ઓરડામાં જાઉં છું. તું બહાર બેસી રહેજે, એટલી વાર.

લલિતા : ભાઈ, જાળવજો હોં. ઉશ્કેરાઈ ને કશી વાત ન કરશો.

અનન્ત૦ : ફિકર નહિ.

બન્ને ઓરડામાં જાય છે, થોડી ગુસપુસ વાત કરે છે. ત્યાં ધડ દઈને માર્યાનો અવાજ થાય છે. તનમન૦ ઓરડામાંથી દોડતો આવી ખડકી ઉઘાડી નાસે છે. પાછળ અનન્ત૦ દોડતો આવે છે.

અનન્ત૦ : હત્! કમબખ્ત લુચ્ચા ! બાયલા !

અનન્ત૦ પાછળ જવાનું કરે છે તેને લલિતા પકડી રાખે છે, ને ખડકી બંધ કરી આવે છે. બન્ને બેસે છે. થોડીવાર પછી–

લલિતા : ( ધીમા ઠપકાને આવજે ) મેં ના પાડી’તી તોય ન રહેવાયું ?

અનન્ત૦: પણ તને શી ખબર, એ શું બોલ્યો તારા વિશે ?

લલિતા: મને ખબર વિના મેં તમને ન ઉશ્કેરાવાનું કહ્યું હશે ?

અનન્ત૦: ( હજી ઉશ્કેરાયેલો ) બસ જ્યાં ત્યાં પક્ષ કરવો ને પરણવું બીજી વાત નથી ! પરણ્યા સિવાય પક્ષ થતો જ નથી !

લલિતા : તેમાં તમને નવાઈ ન લાગવી જોઈએ. તમે જ તે દિવસે કહેતા હતા ને, કે નાત બીજું કાંઈ નથી, પણ પરણવાની સોસાયટી છે. તો નાતના પક્ષો પણ પરણીને જ થાય ને !

અનન્ત૦ : ( જરા જરા ઉશ્કેરણી ઊતરતી જાય છે) અરરરર્! આવી નાત !

લલિતા : ભાઈ, તમે શા સારુ ચિડાઓ છો? તમારે તો ગમતું થાય છે. આમે ય પરણવાને માટે તમે કેટલા ઉદાસીન હતા ! હવે થયું. જાઓ, ગામમાં જઈ ગાડું કરી આવો તો રાતની રાત ચાલતાં થઈએ. નાત રહી નાતને ઠેકાણે.

અનન્ત૦: ( વિચારીને. ઉશ્કેરણી હવે લગભગ શમી જઈ ને પછવાડે દૃઢતા અને ભારે અવાજ મૂકતી ગઈ છે. દરેક વાક્ય પૂરું થતાં જરા જરા અટકીને )ના, હવે હું એમ નહિ જાઉં. વિવાહ તોડશે તેમાં મને તો કંઈ લાગવાનું જ નથી ! ( લલિતાના મોં પર જરા નકારનો ભાવ દેખતાં, જરા વધારે ભારથી ) એમને એમ ચાલ્યો જાઉં તો એ લોકો મને બીકણ ગણે. (વધારે સખ્ત બોલાઈ ગયું એવું ભાન આવતાં, એ જ દૃઢતાથી પણ જરા મશ્કરીમાં ) તું કહેતી હતી કે ચાલો નાત જોવાશે. તો હવે નાત પૂરેપૂરી જોઈને જ જઈએ ! માત્ર જોવી જ નથી, ( પડેલ ટ્રંક ઉપર આંગળી પછાડતાં ) તેમની સાથે ઠેઠ સુધી દલીલ કરવી છે.

લલિતા : ત્યારે એક વાત કબૂલ કરો તો કાલ નાતના પંચમાં જવા દઉં.

અનન્ત૦ : શી !

લલિતા : ગમે તેમ થાય તો પણ કાલ તમારે ઉશ્કેરાવું નહિ, ઉશ્કેરાઓ તો પણ કોઈને મારવું નહિ. બહુ થાય તો ત્યાંથી ચાલી નીકળવું. કબૂલ?

અનન્ત૦ : હા કબૂલ ! જો એક તારી ખાતર કબૂલ, નહિ તો—

લલિતા: મારી ખાતર શા સારુ ? ગાંધીજી પણ હંમેશાં અહિંસક રહેવાનું જ કહે છે.

અનન્ત૦: મેં ક્યારે કહ્યું કે હું ગાંધીજીનો અનુયાયી છું. તું જ્યાં હોય ત્યાં કહેતી ફરે છે !

લલિતા : ( કૃત્રિમ ક્રોધથી) ઠીક લો, પાછા મારા પર ચિડાઓ ના ! સૂઈ જાઓ.

અનન્ત૦ : ( તદ્દન સ્વસ્થ થઈ ) તું સુઈ જા. મને એકદમ ઊંઘ નહિ આવે. થોડી વાર વાંચી ને સૂઈશ.

લલિતા : ( પાસે દીવો મૂકતાં ) લ્યો વાંચો, એટલી વાર પથારીઓ કરું.

લલિતા પથારીઓ કરવા ઊભી થાય છે. પડદો પડે છે.

દૃશ્ય ચોથું

સમય: બીજા દિવસના ત્રણેક વાગ્યાનો. પડદો ઊપડતાં નાતની વાડીમાં નાતનાં માણસો ભેગાં થયાં છે. લાંબી પડાળીમાં બૂંગણ પાથર્યાં છે ને તેમાં જાત જાતનાં વસ્ત્રો પહેરી જાત જાતની બેઠકોમાં માણસો આડા અવળા બેઠાં છે. એક બાજુ તનમન૦ લટકતા તોરાવાળી રેશમી ચકરી, દક્ષિણી, લાલ પાઘડી પહેરીને અને જરીવાળી શાલ ઓઢીને ભીંતને અઢેલીને બેઠો છે. એક જગાએ ત્રિભુવન ભટ્ટ માત્ર ધોતિયું પહેરેલા, ખભે એક ધોતિયું ગડ વાળેલું મૂકી, એક ફાળિયું ઢીંચણે બાંધી તેની આરામ ખુરશી કરી, કોઈક પ્રમુખના જેવી જગાએ બેઠા છે. બીજા ઘણા મોટી ઉંમરના એ જ રીતે ફાળિયાની આરામ ખુરશી કરી બેઠેલા છે. યુવાનો જુદી જુદી રીતે આડા અવળા બેઠેલા છે. પ્રમુખની સામે, પ્રતિપ્રમુખ હોય તેમ, પાર્વતીશંકર કરીને પચીસેક વરસનો જુવાન બેઠેલો છે. તેણે પોતાની સામે ઊભી, ડંડા જેવી લાકડી જમીન ઉપર સૂતી મૂકી છે. તેણે પંચકેશ રખાવ્યા છે, ને કપાળમાં બહુ જ ભયંકર દેખાય તેવું ટીલું ને આડ કરેલાં છે. તેની આસપાસ છોટાલાલ, મનહરરામ, મુકુટરામ, જયંતીલાલ બેઠેલા છે. અનન્તરાય ત્રિભુવનની એક બાજુ પાર્વતી૦ થી બહુ દૂર નહિ એમ કંઈક તેના સામે મોંએ બેઠેલો છે. હજી પંચમાં કોઈ કોઈ માણસ આવે છે. પડદો ઊપડતી વખતે અંદર અંદર વાતો થયા કરતી હોય છે.

ત્રિભુ૦ : કેમ બધા આવી ગયા ?

ગોર : હવે કોઈ રહ્યું તો લાગતું નથી.

કોઈ વૃદ્ધ : બસ, હવે તો નાત જ ક્યાં રહી છે ? શંકરાચાર્યને પાંત્રીસ વરસ ઉપર સામૈયું કર્યું, ત્યારે આ પડાળીમાં નાત માતી નહોતી.

કોઈ વૃદ્ધ : એટલી લાંબી વાત શીદ કરી છો ? દસ વરસ ઉપર મારી મંછાનાં લગન લીધાં, ત્યારે ઉપર ધારે ઘીએ એકી કલમે સાત મણનું ચૂરમું નાતે ખાધું’તું. અત્યારે પૂરું અઢી મણે ય વરતું નથી.

કોઈ વૃદ્ધ : એ ખાનારા ય ગયા ને એ ખવરાવનારા ય ગયા ! કેમ કેશાકાકા ?

કેશવરામ પચાસેક વરસનો વૃદ્ધ છે. તે પોતાને ઘણો જ ડાહ્યો માને છે અને એમ માની માનીને તેણે પોતાનો અવાજ કૃત્રિમ ધીમો અને મોઢું બહુ જ ડાહ્યું કરી નાંખ્યું છે. તે બોલતાં ભાગ્યે જ કહેવતો વિના બોલે છે.

કેશવ૦ : સાપ ગયા ને લિસોટા રહ્યા.

કોઈ વૃદ્ધ : માણસે ય આપણી નાત બહુ ઘસાઈ ગઈ. જુઓ ને કેટલાં નિર્વંશ ગયાં ?

પાર્વતી૦ : ( ગોઠણભર થઈ તે ) કેટલાં ગયાં એ જુઓ છો, પણ જાય છે એ જુઓ છો ? જુઓ, અમે સાત ભાઈઓ, છ ભાઈઓ મારા એમ ને એમ કુંવારા ને કુંવારા મરી ગયા. લીલ*[] પરણાવતી વખતે બધા ખાવા આવો છો, પણ કોઈ ને વિચાર થાય છે, કે આના કપાળમાં ચાંદલો કરીએ ? નાત કેમ આનો કાંઈ બંદોબસ્ત નથી કરતી ? નાતનાં માણસને નાત નહિ પરણાવે તો કોણ પરણાવશે? ગામનાં છોકરાં કાંઈ પરગામ રમવા જશે ? અને અમે શા ખોટા છીએ ? શું અમે લૂલા છીએ, અપંગ છીએ, આંધળા છીએ, બહેરા છીએ, મૂંગા છીએ ? શું અમારું કુળ હલકું છે? અમારા કુળમાં નાતો થઈ છે એવી કોણે કરી છે? હા, અત્યારે પૈસે ટકે ઘસાઈ ગયા હઈશું, પણ એમ દશાવીશી સહુની ચાલતી આવી છે ! નાતમાં સૌ સરખું. એ મારા ભાઈ મરી ગયા એની આંતરડી નહિ કચવાઈ હોય ! હજી તો જુઓ શું થવાનું છે તે ! બે વરસથી મેં ઉપાસના માંડી છે. પંચકેશ રખાવ્યા છે. નાતનું નિકંદન ન કાઢી નાખું તો થઈ રહ્યું છે.

ત્રિભુ૦: લે રાખ રાખ ! ક્યાંક ઉપાસનામાં भार्यां रक्षतु भैरवः ને બદલે भार्यां भक्षतु भैरवः થઈ જશે, તો તારું જ નિકંદન નીકળી જશે. તને તો ચંડીપાઠે ય પૂરો નથી આવડતો.

પાર્વતી૦: આ જોને મોટો વિદ્વાનની પૂંછડી થઈ બેઠો છે ! બધા મને કહેવા આવો છો. પણ તમારી માતાનું સત જ માંડ્યું છે જવા, એની વાત નથી કરતા. જે માણસો ઢેઢનાં છોકરાં માતાના મંદિરમાં ઘાલે એવાને કન્યા આપો છો ને અમને પાઠની વાતો કરવા આવો છો !

કોઈ વૃદ્ધ: પણ ઉતાવળો કાં થા ? હજી વાત ક્યાં થઈ ગઈ છે? હજી નાત ક્યાં કશું જાણે છે ? જાણશે ત્યારે સૌ થઈ રહેશે. કોઈએ ઢેઢનાં છોકરાં મંદિરમાં ઘાલ્યાં હશે તો નાત એને પૂછશે, નાત સમરથ છે, કેમ હેં ભાઈ !

અનન્ત૦: (ઊભો થઈ તે) એમ આડી વાત શા સારુ કરો છો ? મને સીધું પૂછો. હું સાચી જ વાત કહેવાનો છું. મેં ઢેઢનાં છોકરાં માતાની જગામાં આણ્યાં એ સાચું. (આખી સભામાં ‘અરરરરરરર’ ‘જય અંબા’ ‘જય આશાપુરી’ ‘માતાજી રક્ષા કરો’ ‘ગજબ થયો’ ‘અબ્રહ્મણ્યમ્’, વગેરે અવાજો.) એ સંબંધી નિર્ણય કરો તે પહેલાં શા માટે અંદર આણ્યાં એ સાંભળો.
“સાંભળો, ભાઈ, સાંભળો”ના કટાક્ષમય અવાજો.
 
એ છોકરાં મેં અંદર ન આણ્યાં હોત, તો એવડા કરા પડતા’તા, કે મરી જ જાત.

એક અવાજ: મરી જતા હશે એમ ! એ જાત તે મરતી હશે ?

અનન્ત૦: (ભાષણ ચાલુ રાખતાં) પણ મેં સાંભળ્યું છે કે બે કે ત્રણ વરસ ઉપર તમારા જ ગામની એક ભેંશ મરી ગઈ’તી. આ વખતે પણ એક ગાય મરી ગઈ તે તમે જાણો છો.

બીજો અવાજ: મરી જાત તો એમાં કયો બ્રહ્માનો વંશ નીકળી જવાનો હતો જે ! એ તો એમ ને એમ માણસો મરે ને જન્મે પાછાં, તેમાં આપણે શું કરીએ ?

જયંતી૦ : ઢેઢનાં છોકરાં સારુ થઈ ને નાતનો રોટલો ટાળ્યો ?

અનન્ત૦ : પણ માતાજી એમ અભડાય જ નહિ. તમે પોતે જ માનો છો, કે એ માતાજીએ માનતાને લીધે એની બહેનને સારી કરી. તે કાંઈ અડ્યા વિના સારી કરી હશે ? જો માતાજી પોતે એને સારી કરે છે, તો હું એને માતાજીના મંદિરમાં લાવીને બચાવું એમાં શું ખોટું કરું છું. તમે તેને (ગડબડાટ વધતો જાય છે) માનતા આપીને બચાવો છો, મેં તેમને મંદિરમાં આણીને બચાવ્યા, તેમાં ફેર શો ?

બેસી જાય છે.
 

એક અવાજ: એ મુગટરામનાં વઢાયાં’તાં ! ઢેઢને માનતાને રવાડે ચડાવ્યાં એ જ ખોટું કર્યું છે. ઉપજ કશી નહિ, ને નકામો ફજેતો !

કેશવ૦: આમ બોલાબોલીમાં કશો ફાયદો નથી. કોઠી ધોયે કાદવ નીકળે. આવી વાત બહાર પડશે તો બીજી નાતોમાં આપણો ફજેતો થશે. અને લોકો માનતા કરતા બંધ થશે. માટે બાંધી મૂઠી લાખની. ન બોલ્યામાં નવ ગુણ. જાણે કાંઈ બન્યું જ નથી. એક નન્નો સો રોગ હરે. હાથે કરીને શા સારુ છાણે વીંછી ચડાવવો ? માટે બધા માની જાઓ. પહેલાં બધા જેમ ભેગા બેસીને જમતા, નાતો કરતા, તેમ કરો. મીંદડી મીંદડીનું ઢાંકે તેમાં કાંઈ કોઈને પાડ નથી. કેમ પરશોતમ ભટ બોલતા નથી ?

પરશો૦: હા, એમાં શું ખોટું છે? નાતને ઠીક લાગે, ને બધાને ઠીક લાગે તેમ કરો.

પાર્વતી૦: (વાક્યને જોર આપવા વચમાં વચમાં લાકડી પછાડીને) પણ અમે શા સારુ થઈ ને એવું કરીએ ? નાતે અમને શો ફાયદો કર્યો છે, તે અમે નાતનું કામ કરીએ ? નાતે અમારું શું સારું કર્યું છે તે અમે નાતનું સારું કરીએ ? હું તો ઘરના પૈસા ખરચીને ય મુંબઈ જઈશ, ને ત્યાં બધાયને કહી આવીશ, ને તમારા ભાટિયાને, ને તમારા લુવાણાને, ને તમારા કપોળોને કહીશ કે ત્યાં તે ઢેઢવાડો ભેગો થયો છે. એક ખેતર વેચી ખાઈશ. આમેય પંડ સુધી પથારો છે. જાણે તીરથ કરવા ગયા’તા !

તનમન૦: તમે બધા વાત કરો છો પણ જરા અનન્તરાયને જ પૂછો ને કે એમને કોઈ પૂછશે તો શું કહેશે ? એમ તો ગાંધીના શિષ્ય છે !

એક અવાજ : હવે જોયા જોયા ગાંધીના શિષ્યો.

જયંતી૦ : પણ ક્યાં આઘે છે ? પૂછો ને ! કેમ અનન્તરાય, તમે શું કહેશો ?

અનન્ત૦ : મારાથી જૂઠ્ઠું તો કેમ કહેવાય ?

પાર્વતી૦ : (અનન્ત૦નો જવાબ પોતાના લાભનો છે એ સમજ્યા વિના) ઢેઢને મંદિરમાં ઘાલ્યાં, ને પાછું (ચાળા પાડ્યા પેઠે) જૂઠું કેમ કહેવાય ?

ત્રિભુ૦ : પણ જૂઠું બોલાય તો ય કાંઈ સ્પર્શદોષ નિવારણ કર્યા વિના ચાલવાનું છે ? એટલે બીજી બધી વાતો મૂકી દઈને એક યજ્ઞ કરી નાંખો. એટલે બધા ય દોષોમાંથી મુક્ત થવાય. ઘણાં વરસથી સહસ્ત્રચંડી નથી કરી. તે કરી નાંખો, કેમ પંડ્યાજી ?

પંડ્યા૦: હું તો નાત કહે તેમ કરવા ખુશી છું. નાત મોટી વાત છે.

પરશો૦ : (અનન્ત૦ ના પાડશે એવી આશાથી) કેમ અનન્તરાય ! લખચંડી થાય તેમાં તમારે કાંઈ વાંધો નથી ને !

અનન્ત૦ : સૌને પોતપોતાની માન્યતા પ્રમાણે કરવાની છૂટ છે. લખચંડી થાય તેમાં મારે શો વાંધો હોઈ શકે?

પાર્વતી૦ : એટલે શું નાત આવા આખી નાતને બોળનારાને નાતમાં રાખશે, એમને પરણાવશે, ને એમનાં છોકરાં પાછાં નાતમાં ગણાશે ? લખચંડી કરવી હોય તે કરે, પણ આ કુલાંગારને એક વાર નાતબહાર મૂકો. એ આખી નાતનું ભૂડું કરવાનો છે. એકવાર એનું સગપણ તોડી નાંખો.

જયંતી૦ કોઈક બોલવા જાય છે તેને તનમન૦ એક તરફ કહે છે:

તનમન૦ : હજી તું ઉતાવળો થા મા. એ અન્તુ પોતે જ હમણાં બધું ઊંધું વાળવાનો છે. એણે સમજ્યા વિના હા પાડી છે.

કેશવ૦: બસ હવે કજિયાનું મોં કાળું. એ તો ઘીના ગાડવામાં ઘી જ ભરાશે. લખચંડી કરી નાંખો, ને વાજતે ગાજતે જમાડો ને જાન ઉઘલાવો. આપણી નાત જેવી કોઈ સમજણી નાત નથી.

કોઈ વૃદ્ધ : આપણી નાત જેવી કોઈ પવિત્ર નાત નથી !

જયંતી૦ તનમન૦ સામું જુએ છે.
 

તનમન૦ : (પરશો૦ને) તમે કોઈની પાસે લખચંડીના ખરચનો આંકડો નક્કી કરાવો.

કોઈ વૃદ્ધ : બધા બ્રાહ્મણોમાં આપણે શ્રેષ્ઠ છીએ.

પરશો૦ : આપણી નાત જેવી કોઈ નાત થવી નથી. ત્યારે ત્રિભુવન ભટ્ટ, લખચંડીનો આંકડો નક્કી કરો.

ત્રિભુ૦ : લખચંડી નહિ સહસ્રચંડી મેં તો કહી છે. ને એનો આંકડો—એમાં શો કરવો’તો? પાંચ વરસ ઉપર મેં કરાવી’તી ત્યારે હજાર રૂપિયા થયા’તા. આ વરસ કંઈક મોંઘારત છે, એટલે બસો વધારે થાય, એટલું.

પરશો૦ : ત્યારે હવે રૂપિયાનું કરો, ને કાલથી શરૂ કરો.

ત્રિભુ૦ : કેમ અનન્તરાય, એટલા રૂપિયા રોકડા કાઢશો, કે જોગ કરતાં કાંઈ વાર લાગશે ?

અનન્ત૦ : રૂપિયા મારે કાઢવાના ? સમજફેર થાય છે. મેં એમ કહ્યું નથી !

અવાજો : હેં ! ત્યારે બીજું કોણ આપે ? લ્યો સાંભળો ! ત્યારે કોણ નાત આપવાની હતી ? અલ્યા, અભડાવ્ય તું ને સહસ્ત્રચંડી કોક કરે ? લે માળો ફરી ગયો !

અનન્ત૦ : મારા મત પ્રમાણે તો મેં સ્થાનકને અભડાવ્યું જ નથી. છતાં તમે એમ માનતા હો, ને તમારે શુદ્ધિ કરવી હોય તો કરો. એટલું જ મારું કહેવું હતું.

પાર્વતી૦ : (લાકડી પછાડીને) ત્યારે નાતને મફત અભડાવાશે એમ ! નાતને ઓળખો છો ? નહિ ઓળખતા હો–નાતમાં રહ્યા નથી તે. (લાકડીવતી જમીન પર લીટા દોરતાં) નાત તો સગાઈ તોડશે, મીઢળવાળે હાથે પાછાં જવું પડશે, ફરી કોઈ ચાંલ્લો નહિ કરે, ને એ...ન તે આટલેથી (પોતાના નાકપર છરીની પેઠે આંગળી ફેરવતાં) નાક વઢાઈ જશે.

અનન્ત૦ : મારી એક વાત સાંભળો. તમે મને નાત બહાર મૂકવો હોય તો મૂકો. પણ એક ન્યાયની દૃષ્ટિથી વિચાર કરો. તમે મારી પાસે હજાર રૂપિયા ખરચાવીને સહસ્ત્રચંડી કરાવો છો, તે સ્પર્શદોષ ટાળવા માટે. હવે હું જો પૈસા ન આપું, તો તમે એટલા ખરચીને સ્પર્શદોષ ટાળવાનો છો ?

કોઈ વૃધ્ધ : અમે શા સારુ ખરચ કરીએ ? જેણે પાપ કર્યું હશે એને પાશ્ચત લાગશે. તેમાં અમારે શું ?

અનન્ત૦ : ત્યારે માતાનો કોપ માથે વહોરી લેવા હું તૈયાર છું. મારી પાસે શા માટે સહસ્રચંડી કરાવો છો ? તમે પોતે સહસ્રચંડી વિના પણ માતામાં તમારા વ્યવહાર ચલાવી શકવાના છો !

જયંતી૦ : પણ નાત કહે છે કે તમારે સહસ્રચંડી કરાવવી.

અનન્ત૦ : પણ તમે માનો, તે ન કરો, ને હું ન માનું, તેની પાસે કરાવવી, એનો અર્થ શો?

ત્રિભુ૦: ( પહેલી જ વાર ક્રોધે ભરાઈને ) તમે ધર્મની બાબતમાં તર્ક ન કરો. તમે જાણો છો ? તર્ક કરવાથી ઇંદ્રને પણ શિયાળ થવું પડ્યું હતું !

અનન્ત૦ : (જરા હસીને) પણ હું શિયાળ નથી થઈ ગયો એ જ બતાવે છે કે હું ખોટો તર્ક નથી કરતો.

વૃદ્ધો : અરે દુષ્ટ ! નાતનું અપમાન ! તારી સાત પેઢી નરકમાં જશે, કુલાંગાર ! તનમનશંકર, તમે કેમ કાંઈ બોલતા નથી ?

તનમન૦: (જરા શાલ ખભા પર સરખી નાખતાં, ખોંખારીને) જુઓ, સાંભળો, અનન્તરાય ! મારે તમારી સામે કાંઈ દ્વેષ નથી. પણ તમે જાણે એકલા જ સમજતા હો એમ નાતની સામે બોલો છો ત્યારે હું કહું છું. રાજ્ય પણ બહુમતીથી ચાલે છે. પાર્લમેન્ટમાં પણ બહુમતી પ્રમાણે કરવું પડે છે. તો તમારે પણ નાતની બહુમતી કહે તે પ્રમાણે કરવું જોઈએ. ન કરો, તો નાત તમને શિક્ષા કરવા હકદાર થાય છે.

અનન્ત૦ : (દૃઢતાથી) રાજ્ય અને નાત બે સરખાં નથી. અને કોઈ માણસ અન્યાય સ્વીકારી લેવાને બંધાયો નથી. ખોટું કરવું પડે. તે કરતાં ન્યાયથી વર્તતાં સહન કરવું પડે તે કરી લેવું હું પસંદ કરું છું.

પાર્વતી૦ : (લાકડી ઉગામીને) સહન ન કરો ને જાઓ ક્યાં ?

અનન્ત : ( સ્થિરતાથી સામે જોતાં) નાત તો ગમે તે કરશે, પણ તમે મારી સામે લાકડી ઉગામી, તો નક્કી જાણજો કે એ પહેલી તમારા વાંસા પર પડશે.

પાર્વતી૦ ચૂપ થઈ નીચો નમી જાય છે. તનમન૦ ત્રિભુવન૦ બધા સ્તબ્ધ થઈ જાય છે. કોઈકથી “અરે નાત સામે” ઉદ્‌ગાર નીકળી જાય છે.

તનમન૦ : ( ત્રિભુવન૦ પાસે જઈને એક તરફ ) આ મામલો બગડશે હોં ! એને કોઈ પહોંચી નહિ શકો. એને તમારી પણ આમન્યા નથી. તરત ફેંસલો કરી એની સગાઈ તોડી, વિદાય કરી દો.

ત્રિભુવન૦ : ત્યારે થયું. કેમ પંડ્યા ! નાતની વિરુદ્ધ થઈને એને તમે શી રીતે પરણાવોશો ? એને મોઢે જ માગી લે છે ત્યાં બીજું શું થાય ?

પંડ્યા : નાત મોટી છે. નાત કરે તે મારે કબૂલ છે.

જયંતી૦:
પાર્વતી૦:
મનહર૦:
( એક સાથે ) લ્યો ત્યારે જાઓ વરરાજા. આવ્યા એવા. ધોયેલ મૂળા જેવા!

અનન્ત૦ ધીરે પગલે આખી સભા સામું જોતો ચાલ્યો જાય છે. બધાં બધાં જુદાં જુદાં ઘચૂંમલાંમાં ઊઠવા માડે છે.

ત્રિભુ૦: ( પંડ્યાને ) આજે તનમનશંકરે નાતનું નાક રાખ્યું છે હોં !

જયંતી૦ : જુઓને એના મોં પર જરા ય શોક દેખાય છે ?

પાર્વતી૦ : આ વંશ જવા બેઠો છે તોય રોફ છોડે છે?

મનહર૦ : એવાનો વંશ શેનો જાય ? ક્યાંક મુંબઈમાં પરણવાનું પહેલેથી નક્કી કરીને જ આવ્યા હશે. નહિતર મીઢળબંધા પાછા જવાનું કબૂલ કરે ?

પાર્વતી૦: ભલેને ! મુંબઈમાં પરણશે ને છોકરાં થશે, પણ એવા વર્ણશંકરથી વંશ રહેવાનો હતો ?

તનમન૦: કેમ ત્રિભુવન ભટ્ટ ક્યાં જશો? બે ઘડી મારે ત્યાં બેસો ને ! કેમ પંડ્યા !

એ ત્રણનું ઘચૂંમલું ભેગું ગુસપુસ વાતો કરતું જાય છે.
 

વૃદ્ધો : ( જતા જતા ) કુલાંગાર ! કોણ જાણે ક્યાંથી નાતમાં આવો પાક્યો !

બધા જાય છે: પડદો પડે છે.
દૃશ્ય પાંચમું

સમય : ત્રીજા દિવસનો સવારનો પહોર. જાનીવાસાની ખડકીની બહાર રસ્તા ઉપર કોથળા અને ટ્ર્ંક અને થોડો પરચુરણ સામાન પડેલો છે. ત્યાં જયંતી૦ ઊભો ઊભો દાતણ કરતો હોય છે. વચમાં વચમાં પગથી સામાન થોડો આડો અવળો ખસેડે છે. દૂરથી પાર્વતી૦ને આવતો દેખી બૂમ મારે છે. પાર્વતી૦ ઇશારાથી ક્યાં છે એમ પૂછે છે.

જયંતી૦ : અહીં આવો તો બતાવું. હાલ્યા આવો ! બીઓ માં. વરરાજા ભલા છે. કોઈ ને મારે એવા નથી.

પાર્વતી૦ : ( પાસે જાય છે ) ક્યાં ગયા અત્યારમાં?

જયંતી૦: ક્યાં શું સ્ટેશન ભેગા, અત્યારમાં કન્યા સાથે હસ્તમેળાપ કરવાને બદલે ગાડીના હૅંડલનો હસ્તમેળાપ કરશે.

પાર્વતી૦ : સામાન કેમ મૂકતાં ગયાં ?

એટલામાં પરશો૦ મનહર૦ છોટા૦ અને નાતના બીજા માણસો આવે છે, ને સામાન જોવા માંડે છે. સામાનની ફરતા ફરે છે.

જયંતી૦ : ત્યારે શું કરે માથે ઉપાડીને જાય?

પાર્વતી૦ : અલ્યા તાળી ! ગામમાં કોઈ ગાડું ય ન મળ્યું ના ?

મનહર૦: શેનું મળે ? હું ગામ આખામાં કહી આવ્યો’તો. કોઈ એવાને તે ગાડું આપે ?

પરશો૦: અરે એનાથી તો ઢેઢ ય સારા, ઢેઢ ! જેઠિયો સવારે મારે ઘેર આવ્યો’તો, તે કહતો’તો, કે ઓલ્યા છોકરાના બાપ ગોવલા પાસે ગાડું ભાડે કરવા ગયો’તો, તે એણે સૉત ના પાડી !

મનહર૦: ( તાળી દેતાં ) અલ્યા રંગ રહી ગયો, રંગ !

કેટલાક ખડકીની અંદર પણ જઈ આવે છે તેમાંથી એક જણ કહે છે.

એક જણ : પણ સામાન આમ રસ્તામાં કેમ નાંખ્યો હશે?

છોટા૦ : મેરુભા મારું ઘરાગ, તે મેં સીતકાર્યો, તે કે (મેરુભાના ચાળા પાડતાં) ‘અમારે ઢોરની કડબ ભરવી સે, તે મારાજ ખાલી કરી આપો.’

મનહર૦ : ત્યારે સૂઈ ક્યાં રહ્યાં હશે ?

પાર્વતી૦ : અહીં કોથળામાં જ કૂતર્યાં પેઠે સૂઈ રહ્યાં હશે.

એક જુવાન : કે ઢેઢના વાસમાં આથડ્યાં હશે.

જયંતી૦ : અલ્યા તનમનશંકરને બોલાવો. કેમ ફરકતા ય નથી?

પરશો૦ : શેના ફરકે ? એ તો પીઠી ચોળાવતો હશે. પંડ્યાની છોકરી તાતે લગને પરણવાનો !

પાર્વતી૦:
જયંતી૦:
હેં જો માળો !
ફાવી ગયો હોં!

કેટલાક : ઉપર ધારે વરોઠી થવાની.

એક જુવાન : અલ્યા આ બધું ત્યારે પડ્યું છે. તે ચાલો ઘેર લઈ જઈએ.

છોટા૦: અલ્યા બેવકૂફ થયા ? ઢેઢને અડેલું ઘેર લઈ જશો ને ત્રિભુવન ભટ્ટને ખબર પડશે તો દમ કાઢી નાંખશે.

જયંતી૦: ત્યારે ઢેઢને જ વેચી નાંખો, અને પૈસા આવે તેનાં ચાપાણી ઉડાવો.

મનહર૦ : પેલો પાછો આવશે, ને ચોરીની ફરિયાદ કરશે તો હેરાન હેરાન થઈ જશો.

પરશો૦: અલ્યા હજી ઢેઢથી ધરાયા નથી ? નાનિયા, જા મારી ગાને હાંકી લાવ્ય. ખવરાવી દે આ. પછી ભલે ગાય ઉપર કેસ ચલાવે. કાં રસ્તામાં મૂકીને જાય ?

જયંતી૦ : હેં પશાકાકા ! આમ કોઈની સગાઈ તૂટેલી ખરી પહેલાં ?

પરશો૦ : આપણી નાત થપાઈ ત્યારથી કોઈ દી આવું બન્યું નથી. તે આ અન્તુએ પહેલ કરી. પીતાંબર ભટનો ઓધવારો જ ગાંડો !

પાર્વતી૦ : ઢેઢનાં છોકરાં સારુ થઈને કન્યા ખોઈ, તે જરૂર એ બ્રાહ્મણના નહિ પણ ઢેઢના......

વાક્ય પૂરું થાય તે પહેલાં જ બધા ય આ સુંદર કલ્પનાથી હર્ષ અને ઉત્સાહમાં આવી જાય છે અને કોઈ પગ ઉલાળતો, કોઈ તાળી દેતો, કોઈ મરડાતો એમ બધા મહાન હર્ષનિનાદ કરે છે, તેમાં બાકીનું વાક્ય ડૂબી જાય છે.

પડદો પડે છે.
 

  1. * એકવાર ભક્તોને વાંછિત આપનારા પ્રસન્ન થયેલા ભગવાન મહાત્મા વૃષભધ્વજ ઉમયાની સાથે પાસાથી રમતા હતા.
  2. ❋ મન્ત્રણા છ કાને જાય તો ફૂટી જાય.
  3. * નીલોદ્વાહ, ગાય પરણાવવાની ક્રિયા, જે ખાસ કરીને મોટી ઉંમરે પરણ્યા વિના ગુજરી ગયેલ બ્રાહ્મણ પાછળ કરવાનો કેટલીક નાતોમાં ચાલ છે. પરણેલા પછવાડે પણ થઈ શકે છે.