દ્વિરેફની વાતો – ભાગ બીજો/બે મિત્રોની વાર્તા

← મેહફિલે ફેસાનેગુયાન : સભા પહેલી દ્વિરેફની વાતો – ભાગ બીજો
બે મિત્રોની વાર્તા
રામનારાયણ પાઠક
મેહિફિલે ફેસાનેગુયાન : સભા બીજી →


બે મિત્રોની વારતા

ઉજ્જેણી નગરીમાં શીતલસિંહ અને ચંદનસિંહ બે રજપૂતો રહેતા હતા. બેને એવી ભાઈબંધી કે જાણે ખોળિયાં બે પણ જીવ એક. દી ઊગ્યા વગર રહે તો એ બે મળ્યા વગર રહે. હવે ભગવાનને કરવું તે એક દી શીતલસિંહ પાણીશેરડે જતો હશે અને સામેથી ચંદનસિહની વહુ બેડું ભરીને ચાલી આવે છે. શીતલસિંહ બાઈને જોઈ ગયો. આ બે ભાઈબંધ છે પણ કોઈ દી શીતલસિંહે ચંદનસિંહની બાઈડીને જોઈ નથી, તેમ એકબીજાને ઘેર કોઈ દી ગયા નથી. હમેશ સવાર સાંજ ગામને પાદર ભેગા થઈ ને ફરવા જાય, કે ઊજાણીએ જાય. પણ એક બીજાને ઘેર કોઈ દી ગયેલા નહિ. હવે શીતલસિંહ તો ચંદનસિંહની વહુનું રૂપ જોઈને મોહી પડ્યો છે. ઘણોય મનને વાળે છે પણ મન વળતું નથી. “અરે, ભગવાન ! આ મને શું સૂઝ્યું છે ? નાત ન જાણું જાત ન જાણું, પરણી ન જાણું, કુંવારી ન જાણું, ઓળખાણ નહિ, પિછાણ નહિ, અને આ મને શું થયું ?” મનને ઘણુંય સમજાવે પણ મન માને નહિ. રાતદી એને વિચાર આવે. રાતે ઊંઘ ન આવે તો દિવસે ખાવું ન ભાવે. શીતલસિંહ તો દિવસે દિવસે સુકાતો ગયો.

એક દિવસ ઘોડે ફરતાં ચંદનસિંહે શીતલસિંહને કહ્યું : “ભાઈબંધ કહો ન કહો પણ તમારા મનમાં કંઈક ચિંતા છે. એવું શું છે જે અમારાથી ય છાનું રાખો છો ?” શીતલસિંહે કહ્યું કે એ તો દેહ છે, કોઈ વાર સારી રહે કોઈ વાર દૂબળી થાય. શીતલસિંહ માનતો નથી પણ છેવટે ચંદનસિંહે પોતાના સમ ઘાલ્યા ત્યારે શીતલસિંહે કહ્યું કે આમની વાત આમ છે. ચંદનસિંહે કહ્યું કે એમાં કહેતા શું નહોતા ? કહ્યા વિના કશાનો ઉપાય શી રીતે થાય ? ચંદનસિંહે બાઈનાં નામઠામ પૂછ્યાં પણ શીતલસિંહને તેની ખબર નથી. આવતી કાલ સવારે કાંઈ મિષે પાણીશેરડે ભેગાં થવાનું નક્કી કરી બન્ને ભાઈબંધો પોતપોતાને ઘેર ગયા.

બીજે દિવસે ચંદનસિંહ અને શીતલસિંહ પાણીશેરડે આવ્યા. ગામની પાણિયારીઓ ટોળે વળી વળીને બેડાં લઈને જાય છે. તેમાંથી પેલીને શીતલિસંહે ઓળખાવી. ચંદનસિંહ તરત ઓળખી ગયો અને તેના પેટમાં તો શેરડો પડ્યો. “અરે ભગવાન! આવા સંકટમાં મને ક્યાં મૂક્યો ? એક પા મિત્રધર્મ છે અને બીજી પા કુળની લાજ રાખવાની છે !” એ ઘોડા પર મૂંગો મૂંગો ચાલ્યો જાય છે. છેવટે શીતલસિંહે કહ્યું: “કેમ ભાઈબંધ! કાંઈ વિચારમાં પડી ગયા ?” ચંદનસિહે કહ્યું: “એ તો એ બાઈ ક્યાંની હશે, તેને કેમ કરી મેળવવી તેનો વિચાર કરું છું.”

શીતલસિંહે કહ્યું: “અરે એવા વિચાર થાય ? મન તો ઢેઢવાડે જાય પણ તેનું કાંઈ કહ્યું કરાય ? એ વાત એટલેથીજ દાટી દ્યો હવે.” ચંદનસિંહે કહ્યું: “અરે એમ તે થાય હવે? એક વાર એ જોગ બેસારવા મથીશ તો ખરો. પછી કરવું ન કરવું હરિના હાથમાં છે.” શીતલસિંહે કહ્યું: “એ બાઈ કોણ હોય, ક્યાંની હોય, એવું જોખમ ખેડવાની શી જરૂર.” ચંદનસિંહે કહ્યું: “જોખમ વગર કશી વાત દુનિયામાં બનતી નથી. કાલ સાંજ વેળા આ વડલા હેઠ ભેગા થઈશું. ઈશ્વર કરશે તો કાલ નક્કી કરીને જ આવીશ.”

બન્ને છૂટા પડ્યા. ચંદનસિંહ ઘેર ગયો. જમવાનો વખત થયો ત્યારે ઠીક નથી કરી જમવા ન ગયો. સાંજે હંમેશની પેઠે બહાર ઘોડું લઈ ફરવા પણ ન ગયો અને વળી વાળુ પણ ન કર્યું. રાતે તેની સ્ત્રી તેને મળી. તરત કળી ગઈ કે પતિ કંઈક ચિન્તામાં છે. તેણે ન જમવાનું કારણ પૂછ્યું. ચંદનસિંહે કંઈ ખરો ખોટો જવાબ આપ્યો. સ્ત્રીએ છેવટે સમ દઈને પૂછ્યું. ચંદનસિંહે કહ્યું કે વાત કરતાં જીભ ચાલતી નથી, એવી ચીજ મેળવવાની છે. સ્ત્રીએ કહ્યું કે કોની પાસેથી મેળવવાની છે. સામ દામ ભેદ દંડથી જેની પાસેથી મેળવવી હોય તેની પાસેથી મેળવો, તેમાં ચિન્તા શી કરો છો ચંદનસિંહે કહ્યું: “એ ચારેય ઉપાયોથી પણ એ આસામી પાસેથી મેળવાય એમ નથી.” સ્ત્રીએ પૂછ્યું: “એવું કોણ છે?” ચંદનસિહથી કહેતાં શું કહેવાઈ ગયું કે એ બીજું કોઈ નહિ પણ તું પોતે છે. સ્ત્રીએ કહ્યું: “આ દીવાની શાખ્યે કહું છું જે કહેશો તે આપીશ. અને તમે ન માગો તો તમને વહાલાના સમ છે.” ચંદનસિંહ હાં હાં કરતા રહ્યો અને સ્ત્રીએ તો સમ દઈ દીધા. પછી ચંદનસિંહે બધી વાત કહી, અને પૂછ્યું હવે શું કરવું? સ્ત્રીએ કહ્યું: “હું તો તમારી દાસી છું. તમારા વચનને આધીન છું. તમે તમારો મિત્રધર્મ બજાવો. મને સતીમા સુઝાડશે એમ હું કરીશ. તમારું વેણ અને મારી લાજ રાખનાર સતીમા છે.” ચંદનસિંહે કહ્યું: “શાબાશ છે સતી ! અને ભગવાન ગમે તેવા સંકટમાં મૂકશે તો પણ હું તારા સિવાય બીજી સ્ત્રી કરવાનો નથી.”

બીજે દિવસે ચંદનસિંહે શીતલસિંહને કહ્યું કે વાત બની શકશે અને રાતનો વાયદો આપ્યો. રાતે ચંદનસિંહ તેને પોતાના ઘર તરફ લઈ ગયો અને દૂરથી ઘર બતાવી દીધું. “ત્યાં એ જ બાઈ તમારી રાહ જોઈને બેઠી છે. રાતના કૂકડો બોલ્યે પાછા નીકળી આવજો.” એમ કહીને તેણે વગડામાં ઘોડો મારી મૂક્યો.

હવે શીતલસિંહ તો ચંદનસિંહના ઘરમાં જાય છે. અને ચંદનસિંહની પત્ની તેને સામી તેડવા આવે છે. તેને શયનભુવનમાં લઈ જઈ ને પલંગ પર બેસાડે છે. શીતલસિંહ તેને પાસે બેસવાનું કહે છે. ત્યારે તે કહે છે કે મેં છત્રીસ જાતનાં ભોજન કર્યાં છે તે એક વાર આરોગો પછી બેસીશ. પછી બાઈ તો થાળ લેવા નીચે જાય છે. અહીં બાઈ ગઈ એટલે શીતલસિંહને થયું કે બાઈ તો સારા ઘરનું માણસ લાગે છે. આ ઘર કોનું અને આ નાર કુંવારી છે કે પરણી છે? શીતલસિંહ તો ઊભો થઈને ચારે બાજુ જોવા લાગે છે. હવે આ ઓરડામાં ભૂલથી ચંદનસિંહની કટાર રહી ગઈ છે. એ કટાર જોઈ ને શીતલસિંહને થયું કે આ ઘર તો ચંદનસિંહનું અને આ પદમણી નાર બીજા કોઈની નહિ પણ ભાઈબંધ ચંદનસિંહની જ. શીતલસિંહને તો એકદમ પશ્ચાત્તાપ થવા માંડ્યો. શરીરે પરસેવાના ઝેબેઝેબ વળી ગયા. “અરે ભગવાન મને આ શું સૂઝ્યું ? મેં તળશીક્યારો જ અભડાવ્યો ! હે જોગમાયા હવે મારે શું કરવું? હું શું મોઢું હવે ભાઈબંધને બતાવીશ !” તેણે તો ઊભાં થતાંકને એ જ કટારી લઈ પેટમાં હુલાવી દીધી અને નીચે પડતાં ભેગા તેના પ્રાણ ચાલ્યા ગયા !

હવે થોડી વાર થઈ ત્યાં ચંદનસિંહની પત્ની થાળ લઈ ને આવી. તે જુએ છે તો શીતલસિંહ પેટમાં પોતાના ધણીની કટારી ખાઈને જમીન પર પડ્યો છે. નીચે લોહીનું ખાબડું ભરાયું છે. અને એનો હંસલો આ દુનિયા છોડીને ઊડી ગયો છે. બાઈ સમજી ગઈ કે ભૂંડી થઈ. આ કટારીએ સત્યાનાશ વાળ્યું. આ માણસે ભોંઠપમાં આ કામ કર્યું. પણ તેને થયું કે હવે હું મારા ધણીને શું કહીશ. ધણીનું વેણ પણ ગયું અને લાખ રૂપિયાનો ભાઈબંધ પણ ગયો. બાઈ એ કટારી કાઢી પોતાની છાતીમાં ભોંકી ને તે પણ ત્યાં પડી.

સવારે કૂકડો બોલવા થયો ત્યારે ચન્દનસિંહ ઘરભણી આવ્યો. ઉપર દીવા એમને એમ બળતા હતા. પણ ભાઈબંધને આવતો ન દીઠો, તેમ કાંઈ કોઈનો સંચળ પણ ન સંભળાયો. કમાડ ખખડાવ્યું પણ કોઈ એ ઉઘાડ્યું નહિ, તેમ કોઈએ જવાબ પણ ન આપ્યો. કાંઈક ભૂંડું થયું હશે એમ ધારી તે બારીએથી ઉપર ચડ્યો. અને જુએ છે તો થાળ ખાધા વિનાનો પડ્યો છે અને બન્ને જણાં એક જ કટારી ખાઈને પડ્યાં છે. ચન્દનસિંહ બધી વાત સમજી ગયો. તેને સમજાયું કે આ કટારીએ ભૂંડું કર્યું. ભાઈ જેવો ભાઈ ને સ્ત્રી જેવી સ્ત્રી ગઈ. હવે આ જીવતરને શું કરવું છે? હે ભગવાન! આવતો ભવ પણ ભાઈબંધ આપે તો આ જ આપજે અને સ્ત્રી આપે તો આ જ આપજે, એમ કહીને એ પણ કટારી ખાઈને મૂઓ. આમ ભગવાને ત્રણેયની લાજ રાખી. પણ ત્રણેયને મરવું પડ્યું. એમની લાજ રહી એવી સૌની રહેજો, અને એમને ભાઈબંધ મળ્યા એવા સૌને મળજો.

વાર્તા કહેવાઈ રહ્યા પછી થોડી વાર તો સૌ શાન્ત રહ્યાં. છેવટે ધીરુબહેન બોલ્યાં : હવે વાર્તા ઉપર ટીકા કરો.

મેં કહ્યું : જૂની વાર્તાને આપણે બધા વખાણીએ છીએ પણ આધુનિક અવલોકન દૃષ્ટિએ તેની ટીકા કરીએ તો ભૂલો ઘણી નીકળે.

ધનુભાઈ : લ્યો ત્યારે ભૂલો કાઢો.

પ્રમીલા : મને તો આ વાર્તા જ ખરાબ લાગે છે. મિત્રની ખાતર પત્નીનું આટલું અપમાન!

ધનુભાઈ : અત્યારની આપણી સ્ત્રીભાવનાથી આનો વિચાર ન કરો. તે સમયે સ્ત્રી ઉપર પતિની સર્વતોમુખી સત્તા હતી. અને પુરુષો જુગારમાં સ્ત્રીઓને હોડમાં મૂકતા તે કરતાં આ વધારે ખરાબ નથી. વળી પુરુષનો પત્ની સાથેનો સંબંધ વાતનું મુખ્ય રહસ્ય નથી, તેનો મિત્રભાવ એ મુખ્ય છે. અને એ મુખ્ય પ્રયોજન પાર પડ્યું છે કે નહિ એ જોવું જોઈએ. તે સમયની ભાવના, તે સમયના વિચારો, સમાજસ્થિતિ, એમાં કલ્પનાથી મુકાઈને આપણે ટીકા કરવી જોઈએ.

મેં કહ્યું : કબૂલ. હું તેને દોષ કહેતો નથી, પણ વિચારો. બે મિત્રો હોય અને એકબીજાની પત્નીને ન ઓળખતા હોય એવું તે બને?

ધીરુભાઈ : બન્નેને પત્ની હતી એમ વાર્તામાં કહ્યું નથી.

મેં કહ્યું : ભલે પણ એકની પત્નીને બીજો ઓળખતો ન હોય એમ ન બને.

ધનુભાઈ : ઓઝલના રિવાજવાળી કોમમાં એમ બને પણ ખરું.

પ્રમીલા : ઓઝલ હોય તો પાણી ભરવા ન જાય, જાય તો પણ તેનું મોં કોઈ જોઈ શકે નહિ.

ધનુભાઈ : એ ખરું. પણ વાર્તામાં દરેક ગૌણ બાબત વિશિષ્ટ રીતે કહેવી જ જોઈએ એવું નથી. કલ્પનાથી કેટલીક કડીઓ પોતે મેળવી લેવી અથવા વાર્તાની ખાતર એ બરાબર છે, એમ માની લેવી જોઈએ. વાર્તાને અમુક ભૂમિકા હોય છે. એ ભૂમિકા ઉપર કવિ વાર્તા રચે છે. તે રચના સુસંગત અને સુસંબદ્ધ જોઈએ, પણ મૂળ ભૂમિકા કાંઈ તથ્યની જ હોવી જોઈએ એમ કહેવાય નહિ. વાર્તાની રચનામાં જેમ રસ વધારે તેમ ભૂમિકાનાં ગાબડાં ઠેકી જવાની કલ્પનાની શક્તિ વધારે. રસહીન વાર્તામાં ગમે તેટલું ટૂંકું અંતર પણ ઠેકવાને નારાજ હોઈએ છીએ. એક ડગલું ભરવાને પણ નારાજ હોઈએ છીએ. પણ આ વાર્તામાં આટલું ઠેકવું પડે તે વધારે પડતું નથી. વાર્તા એટલી રસિક છે કે કલ્પના આટલું ખુશીથી ધારી લે.

મેં કહ્યું : પણ આટલી કડી વાર્તાકાર ન મેળવી શકે એટલી ક્ષતિ તો ખરીને.

ધનુભાઈ : જો કલ્પના આના ખુલાસા સિવાય આગળ ચાલી જ ન શકે તો ક્ષતિ ખરી. પણ મને એવું લાગતું નથી. ઊલટો, હું તો આવી કડી સારી રીતે મેળવી પણ શકું. એટલું જ નહિ મારા હાથમાં વારતા કહેવાનું હોય તો હું તો એ કડી મેળવીને વારતા કહું.

પ્રમીલા : તો મેળવીને કહો ત્યારે.

ધીરુબહેન : હા કહો, પણ એ તમારી સ્વતંત્ર વાર્તા નહિ ગણાય.

ધનુભાઈ : શીતલસિંહ અને ચંદનસિંહ બન્ને નાનપણનાં ગોઠિયા હતા. બન્ને એક જ નિશાળમાં ભણવા જતા. ત્યારથી બંનેને દોસ્તી થઈ. શીતલસિંહ શહેરમાં રહેતો અને ચંદનસિંહ પાસેના નાના ગામમાં રહેતો અને હમેશાં ચાલીને નિશાળે આવતો.

પ્રમીલા: એટલે ઘર નહોતાં જોયાં એમ કે? ઠીક ગોઠવ્યું ભાઈ !

ધનુભાઈ : જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમની દોસ્તી વધતી ગઈ. હવે નિશાળેથી ઊઠવાનો વખત આવ્યો. તે વખત ગામમાં એક ડાહ્યો માણસ આવ્યો, તે જે માગે તેને પૈસા લેઈ ડહાપણ વેચતો. આ બંને ભાઈબંધો તેની ખ્યાતિ સાંભળી તેની પાસે ગયા. અને પૂછ્યું કે અમારા બેની દોસ્તી મરતાં લગી ન તૂટે એવું ડહાપણ આપો. પેલાએ લખી આપ્યું.

જો ચાહે દૃઢ મૈત્રી તો ત્રણ તજ રાખી ખાંત
વિવાદ, ધનની આપલે, પત્ની સાથે એકાંત.

પ્રમીલા : લ્યો પોતે સુભાષિતના શ્લોકનો[] દોહરો બનાવી મોટું ડહાપણુ વેચ્યું.

ધનુભાઈ : જોયું ! આપણા આખા સાહિત્યમાં ચોરી પકડવા સિવાય બીજી કોઈ વૃત્તિ જ નથી ! કહેવાતી લોકવાર્તામાં કેટલાક દૂહા પંચતંત્રના શ્લોકોનાં ભાષાંતર છે, એમ કહો તો અનેક દાખલાથી બતાવું. મારો દૂહો પ્રાચીન સુભાષિત હોય તો વાર્તામાં વધારે ઉચિત છે. જૂની વાર્તામાં જ એ સંભવિત છે.

ધીરુબહેન : પ્રમીલા બહેન, એમને ક્યાં વાતે વળગાડો છો ! એ તો ભાષણ ચાલશે તો અંત જ નહિ આવે. હવે પીણું તૈયાર થઈ ગયું છે. વાત ટૂંકી કરો.

ધનુભાઈ : આ બંને ભાઈબંધોએ નિશ્ચય કર્યો કે એક બીજાને ઘેર જ ન જવું. વળી ઘેર જઈએ તો સ્ત્રી સાથે કોઈ વાર એકાંતનો પ્રસંગ આવે ને !

મેં કહ્યું : આ વિચિત્રતા તો જુઓ ! જૂના સમયમાં જે નિષિદ્ધ હતું તે બધું જ અત્યારે તો આવશ્યક મનાય છે. અને મિત્રની ખાતર ચંદનસિંહ જે પત્નીનો ભોગ આપે છે તે અત્યારે નિષિદ્ધ મનાય !

ધનુભાઈ : છતાં આ સમયની અને આને મળતી વાત આવા જ મૈત્રી ભાવના દૃષ્ટાન્ત રૂપે બતાવી શકાય.

મેં કહ્યું : ત્યારે આવતે વખતે તમે બે મિત્રોની જ એક વારતા આધુનિક સમયની લખી લાવજો,—આવતી સભાને માટે.

ધીરુબહેન : હું પ્રમુખસ્થાનેથી દરખાસ્ત કરૂં છું, કે હવે આ પીણું પીતા પીતા બાકીની ચર્ચા કરો.

ધનુભાઈ : કબૂલ.

ધીરુબહેન : શું કબૂલ ? પીણું પીવાનું કે વાર્તા કહેવાનું?

ધનુભાઇ : બન્ને.

ધીરુબહેન : ત્યારે હવે સભાનું કામ પૂરું થાય છે. કોઈ ને કાંઈ કહેવાનું બાકી હોય તો કહી દો.

ધનુભાઈ : અરે ! અરે ! હજી પીણાનો અભિપ્રાય તો બાકી રહ્યો ને ! એ પણ સભાનું કામ જ છે ને !

મેં કહ્યું : હા, હા. એક કહેવત છે:—

રોઝ ન ગાય ન ઊંટ, જરખ વાઘ નહિ કૂતરું;
ચીભડ કવળ ન ઘૂંટ, પાવઇ નર નહિ પ્રેમદા.

અર્થ સમજો છો ને!

પ્રમીલા : આ ને આ દૂહો કંઈ નહિ તો તમે વીસમી વાર આ ઘરમાં બોલ્યા હશો.

મેં કહ્યું : બસ ત્યારે. ચીભડું જેમ કોળિયો પણ નથી, અને ઘૂંટડો પણ નથી, તેમ આ તમારુ પીણું પ્રવાહી પણ નથી અને ઘન પણ નથી.

ધનુભાઈ : પણ સ્વાદિષ્ટ તો છેને?

મેં કહ્યું : હા ગળ્યું છે એટલે સ્વાદિષ્ટ ન હોય ને ક્યાં જાય ! પણ એનું માન ધીરુબહેનને છે. પણ ધનુભાઇ મિત્રભાવનાના તમારા અભિપ્રાય પ્રમાણે મિત્રની પત્નીનાં વખાણ કરવાં એ નિષિદ્ધ તો નથી ને?

ધીરુબહેન : હું તમારી મિત્ર જ છું, મિત્રની વહુ નથી.

પ્રમીલા : પુરુષને સ્ત્રી મિત્ર હોય એ પણ, આપણે મિત્રાચારીનો વિચાર કરીએ છીએ માટે કહું છું, કે આધુનિક જમાનાનું જ લક્ષણ ગણાવું જોઈએ.

ધીરુબહેન : ના સંસ્કૃતમાં મિત્ર શબ્દ નાન્યતર જાતિનો છે, તે સ્ત્રી પુરુષ બન્ને માટે કામ આવે માટે હશે. મને શ્લોક, કે આમની પેઠે દોહરો બનાવતાં આવડતો હોત તો કહેત કે :

મિત્રાચારીમાં न च लिगं न च वय:[]

પ્રમીલા : ભાભી તમે પણ ક્યાં ઓછાબોલાં છો ? હવે સભા પૂરી કરો. ફરવા જવાનો વખત થયો.

ધીરુબહેન : આવતા વખતની બે મિત્રોની વાર્તા તમારે માથે છે.

ધનુભાઈ : હા.

ધીરુબહેન : સભાનું કામ—

મેં કહ્યું પ્રમુખનો આભાર—

ધીરુબહેન : હું આખા વરસની પ્રમુખ છું. આજનું કામ બંધ કરું છું.


  1. ૧. यदिच्छेद्विपुलां मैत्रीं त्रीणि तत्र न कारयेत् । वाग्विवादोऽर्थदानं च परोक्षे दारदर्शनम् ॥
  2. ૧ મૂળ ભવભૂતિની પંક્તિ: गुणाः पूजास्थानं गुणिषु न च लिंग न च वयः। અર્થાત્: ગુણીજનોમાં ગુણ એ જ પૂજાનો વિષય છે. તેમની વય કે તે સ્ત્રી છે કે પુરુષ એ પ્રશ્ન હોતો નથી.