દ્વિરેફની વાતો – ભાગ બીજો/બે મિત્રોની વાર્તા (૨)

← મેહફિલે ફેસાનેગુયાન : સભા ચોથી દ્વિરેફની વાતો – ભાગ બીજો
બે મિત્રોની વાર્તા
રામનારાયણ પાઠક
શુદ્ધિ →


બે મિત્રોની વાર્તા

મારી વાર્તા આધુનિક સમયની છે એમ બતાવવા વાર્તાનું સ્થળ હું શહેરમાં મૂકું છું. કારણકે ગુજરાતમાં ગામડાંમાં તો અત્યારે જૂની અને નવી બન્ને સંસ્કૃતિનો માત્ર કચરો જ ભેગો થાય છે. ત્યાં સાચી આધુનિક મિત્રતા પાકી શકે નહિ. અને સાચી મિત્રતા જેઓ જીવનમાં ખૂબ ખેલતા હોય તેમનામાં જ હોઈ શકે, પેલી જૂની વાર્તામાં પણ બન્ને જુવાનો લડાયક ક્ષત્રિયો હતા, માટે મારી વાર્તામાં પણ ‘બે મિત્રો’ ગાંધીજીની લડતમાં ભાગ લેનારા જીવનના જંગ ખેલેલા જુવાનો હું કલ્પું છું. અને વાત સાચી જ બની શકે એવી છે એમ બતાવવા તેને તમારી પાસે બનતી જ નિરૂપું છું.

મારી વાતનું પહેલું દૃશ્ય ગુજરાતના, અમદાવાદને પહેલા નંબરનું શહેર ગણો તો તે રીતે ત્રીજા નંબરનું ગણાય તેવા એક શહેરની હોટલમાં આવે છે. અસહકારને લીધે કેટલાંક ગામડાંએ તો ચાની હોટલો પણ બંધ કરાવી હતી પણ મારાં પાત્રો એવાં અત્યાગ્રહી નથી. હોટલમાં પણ શરમાયા વિના બેસે એવાં છે. સાંજ પડવા આવી છે અને હોટલમાં ભીડ સારી એવી છે. અનેક ટેબલોની ફરતી ચચ્ચાર ખુરશીઓ છે અને તે ઘણીખરી રોકાયેલી છે. એક ટેબલ પાસેની બે ખુરશીઓ ઉપર બે માણસો નિરાંતે ખાવા બેઠા છે, અને બાકીની બે ખુરશીઓ ખાલી છે. હોટલમાં નાની ઉંમરથી રહેલા છોકરાઓ, જેમના અવાજો અને મોં બન્ને નાનપણથી બૂમો પાડી પાડીને જરા ઠરડાઈ ગયાં છે, તેમની વાની મગાવવાની બૂમો, તેમને વાની માટે અપાતા હુકમો, અને વાની લાવવાના તાકીદના હુકમો વગેરે ગડબડાટની વચમાં આ બે જણની વાતચીત સંભળાય છે. આ બન્ને મારી વાર્તાનાં મુખ્ય પાત્રો નથી એટલે આ બન્ને કોણ છે તે કરતાં તે શી વાત કરે છે એ જ વધારે પ્રસ્તુત હોવાથી તેમનું વર્ણન લાંબુ કરતો નથી. છતાં એટલું તો પહેલેથી જ કહેવાની જરૂર છે કે બન્ને ખાદીધારી છે કારણ કે નહિતર તેમની વાતચીત સાંભળીને કદાચ કોઈ એમ માની બેસે કે તેઓ અસહકારના વિરોધીઓ હશે. અસહકાર માટે ખરી લાગણી ધરાવનારા પણ ઘણીવાર અસહકારના અને વિશેષ કરીને અસહકારીઓના સારા ટીકાકાર હોઈ શકે. તેમનો સ્વભાવ તો તેમની વાતચીતમાં જરા પણ અછતો રહે તેવો છે જ નહિ, અને હવે હું તે ઉપર જ આવું છું.

૧ લો માણસ : પાસેર ભજિયાં.

૨ જો માણસ : અલ્યા કેટલુંક ખાવું છે?

૧ લો : સવારનો ભૂખ્યો છું. તું બપોરે જમ્યા પછી પણ આટલું ખાય તો મારે આટલું ન જોઈએ ?

૨ જો : તે લોભ જરા ઓછો કરીએ. ખાવા જેટલો વખત કાઢીશ તો વેપારમાં બહુ ખોટ નહિ આવી જાય !

૧ લો : અરે ભાઈ ! અહીં વેપારની ક્યાં વાત કરે છે ! હું તો આજ સવારનો રાજપુરથી નીકળ્યો છું તે અત્યારે ખાધા ભેગો થાઉં છું. અહીં ઊતર્યો અને ઊતરીને તરત દવા લેવા નીકળ્યો. કોઈ દુકાનેથી ન જ મળી. છેવટે દુર્ગાદાસ ડૉક્ટરને વગ લગાડીને તેની પાસે થોડી હતી તે મેળવી.

૨ જો : કેમ નલિનીબહેનની તબિયત હજી સુધરી નથી ? રાજપુરમાં પણ ફાયદો ન થયો ? લોકો તો એ જગાનાં બહુ વખાણ કરે છે !

૧ લો : ફાયદો તો ભગવાન જાણે, પણ એટલું સારું થયું કે ક્ષય નથી એમ દાક્તર કહે છે.

૨ જો : ત્યારે શું છે?

૧ લો : ભાઈ એ વાત જ જવા દેને ! મહાત્માજી કહે છે દાક્તરો નકામા છે એ જ સાચું છે. હવે લોહી તપાસાવવાની, પિશાબ તપાસાવવાની…

આટલેથી વાતચીત હોટલના ઘોંઘાટમાં ડૂબી જાય છે. અને આપણે તેની બહુ જરૂર પણ નથી કારણકે હોટલમાં એક નવો માણસ દાખલ થાય છે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. જગતમાં અકસ્માતો બધા ખરાબ જ બનતા નથી, કેટલાક તો બહુ સારા બને છે, જોકે માણસ અકસ્માતનો અર્થ ખરાબજ કરે છે. તેવા એક અકસ્માતથી આ નવા આગન્તુક હોટલમાં ઘણીખરી જગાઓ રોકાયેલી જોઈ પેલા એ ખાદીધારીઓના ટેબલની એક ખુરશી ઉપર બેસે છે. તેની ઉંમર ત્રીસેક વરસની છે. તેણે સાદો ખાદીનો પોશાક પહેરેલો છે અને તેની મુખમુદ્રા શાન્ત અને વિચારશીલ છે. હોટલનો માણસ દૂરથી ‘શું જોઈએ’ની બૂમ મારે છે તેને તે પાસે બોલાવી બે શાક, પૂરી, ચટણી, દૂધ વગેરે લાવવા કહે છે. પેલા બે માણસની વાતચીત જે અત્યારસુધી હોટલના ઘોંઘાટમાં ડૂબી ગઈ હતી તે સંભળાવા માંડે છે. નલિનીબહેનની વાતચીતમાંથી અસહકારીઓ વિશે વાત શી રીતે થવા માંડી તે જાણવાની આપણે જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ કે વાતચીત હમેશાં સ્વૈરવિહારી હોય છે.

૧ લો : હવે જાણ્યા તમારા અસહકારીઓ. હજી તો આ લડતને નામે જુવાન સ્ત્રીપુરુષોને જે છૂટ મળી છે તેનું શું પરિણામ આવે છે એ તો જોજો !

૨ જો : તમે નકામા વહેમાઈ જાઓ છો !

૧ લો : પણ નજરે જોઈએ ને ન વહેમાઈએ એ કેમ અને ? સાંભળો. તે દિવસે આપણે સવારમાં ઊઠ્યા ને સામા ઘરમાં પેલી ખાદીધારી બાઈ સુંદર ભજન ગાતી હતી તે યાદ છે?

પેલો ત્રીજો આવેલો માણસ જેને નામ જાણ્યા પહેલાં આપણે આગન્તુક જ કહીશું તે ખાતો ખાતો વાતમાં ધ્યાન આપે છે.

૨ જો : હા, અને ત્યારે પણ તમે જ વહેમાયા હતા,— પેલા રાજપુરના જાગીરદાર તમારે ઘેર આવેલા હતા તેમના કહેવા ઉપરથી, કે આમ નાત નહિ, જાત નહિ, સગું નહિ. સાગવું નહિ, ને એક જુવાન સુંદર સ્ત્રી કોઈ પરાયા પુરુષની સારવાર કરવાને બહાને રહે, તે શું ય હશે !

રાજપુરનું નામ બોલાતાં આગન્તુક અજાણતાં ખાવાનું ધીમું કરી વાતમાં વધારે ધ્યાન આપે છે.

૧ લો : હા. અને તમે કહેલું કે આટલાં સુંદર આશ્રમ–ભજનાવલીમાંથી ભજનો ગાય એ સ્ત્રીના ચારિત્રમાં કંઈ ખોટું હોય એમ હું માની શકું નહિ.

૨ જો : હું હજી પણ એમ જ માનું છું. મને એ બાબતમાં તમારા કરતાં નલિનીબહેનનો અભિપ્રાય વધારે સાચો લાગે છે. સ્ત્રી સ્ત્રીને વધારે ઓળખે.

૧ લો : હા, ભાઈ, હા, પણ આજે જ એ બધી વાત ફૂટીને બહાર આવી. પેલી ધમપછાડા કરતી પેલાને માંદો મૂકીને નાસી જતી હતી, અને પેલો પગે પડીને ન જવાને વીનવતો હતો, ઝેર ખાવાની, દરિયામાં પડીને મરી જવાની વાતો કરતો હતો. અને છેવટે પેલી પેલાને તરછોડી, જોરથી ભડાક દઈ બારણું વાસી, બહારથી આગળિયો દઈ, માથે પોટકું લઈ ચાલતી થઈ ગઈ. આ હું, તે પછી બે મિનિટે મોટરમાં બેસી સ્ટેશને આવ્યો. ત્યાં જરાક સારુ થઈ ને તે બાઈ ટ્રેન ચૂકી, તે મેં જાતે જોયું. વાંસે ગમે… તે થયું હોય ! એ ભાઈ પછી મૂવો હોય કે નહિ, મેં મારા મનમાં કહ્યું ‘ભાઈ તું મરી ચૂકેલો છે.’

૨ જો : નલિનીબહેને શું કહ્યું ?

૧ લો : એ તો અંદર હતી, અને મારે ઉતાવળ હતી. પણ એમાં મારે અભિપ્રાય પૂછવાનું રહ્યું જ નથી ને !

પેલો આગન્તુક જે આ વાતનો છેલ્લો ભાગ ઘણી જ ચિન્તાથી સાંભળતો હતો, તે ઘડિયાળમાં જોતો પૂરું ખાધા વિના ઊભો થયો અને ૧લા માણસ તરફ જોઈ તેણે પૂછ્યું.

આગન્તુક : તમે ૧૯મા બંગલાની વાત કરો છો ને?

અને તે જવાબની રાહ જોયા વિના ચાલવા માંડ્યો.

૧ લો : હા, કાં તમારે શું છે તેનું ? ( આગન્તુક જવા માંડ્યા પછી ) આ વળી તમારા બીજા અસહકારી જોઈ લ્યો ! સુન્દર સ્ત્રીની વાત સાંભળીને ખાવાનું પડતું મૂકીને પાધરાક ઊઠ્યા !

આ આગન્તુક કેમ ઊઠ્યો તે પેલા બે મશ્કરીએ ચડેલા માણસો તો ન સમજ્યા, પણ તમે તો સમજ્યા હશો. ન સમજ્યા હો તોપણ આ આગન્તુક તરફ વહેમ કે તિરસ્કાર ન કરશો કારણકે—પણ આગળ વાંચો.

જ શહેરનું એક નાનું સુઘડ ઘર છે. તેના મેડાના નાના અભ્યાસખંડમાં, અને નીચેથી ઉપર ત્યાં સુધી જવાના ભાગમાં વીજળીના દીવાનો પ્રકાશ છે. બાકી બધે અંધારું છે. એ અભ્યાસખંડમાં નાના ટેબલ પાસે ખુરશી ઉપર ગયા દૃશ્યનો આગન્તુક અત્યન્ત ચિન્તાતુર બેઠો છે. તેણે ટોપી પહેરણ વગેરે પાસેની ખીંટીએ ઉતાર્યું છે અને તેની બેસવાની ઢબ ઉપરથી જણાય છે કે આ તેનું પોતાનું જ ઘર છે. ઘર બધું શાન્ત છે, તે એકલો જ ઘરમાં છે. ચિન્તાતુર ન દેખાવા માટે તે કોઈવાર સામે ઉઘાડી પડેલી ચોપડી વાંચે છે, અને કોઈ કોઈ વાર કંઈ પણ કારણ સિવાય ખડિયામાં કલમ બોળ્યા કરે છે. થોડી વાર પછી નીચેથી માણસ ચડતું હોય તેનો અવાજ સંભળાય છે. પેલો પુરુષ વધારે એકધ્યાન અને ચિન્તાતુર બને છે. થોડી વારે તેના અભ્યાસખંડના બારણાની બહાર ધડ દઈને પોટકું પડતું મેલ્યાનો અવાજ સંભળાય છે અને તે પછી તરત જ જરા આડા રહેલા કમાડને જોરથી ધક્કો મારી એક પચીસેક વરસની સ્ત્રી ઘણી જ આવેશમાં એક વંટોળિયાની માફક દાખલ થાય છે. તે ખરેખર સુંદર અને પ્રભાવશીલ છે. આ બન્ને પતિપત્ની છે એમ તેમની વાતચીત અને રીતભાત ઉપરથી સમજાતાં વાર નહિ લાગે, જો કે બેની વચ્ચે શૃંગારચેષ્ટા થવાની નથી. મારી આખી વાર્તામાં શૃંગાર આવતો જ નથી ! બન્નેનાં નામો આગળ જણાશે, અને ત્યાં સુધી બન્નેને સ્ત્રી અને પુરુષ તરીકે ઓળખવાથી વાર્તામાં કશો વાંધો આવવાનો નથી. સંસ્કૃત નાટકમાં નિયમ છે કે પાત્રનું નામ સૂચવ્યા વિના પાત્રને પ્રવેશ ન કરાવાય. પ્રેક્ષક નામ ન જાણતો હોય ને નાટ્યકાર લેખમાં એ નામ વાપરે તે કેમ ચાલે ? પણ હું એ નિયમને ઉલટાવીને કહું છું, પ્રેક્ષક ન જાણે ત્યાંસુધી હું પોતે જ એ નામ વાપરવાનો નથી. નાટકમાંનું કશું પણ વાંચ્યા વિના નાટક જોવાથી પૂરેપૂરું સમજાય તો જ એ નાટક સાચું.

*[] [ પ્રમીલા : પ્રમુખ સાહેબ ! વાર્તાકાર અમને વચમાં બોલવા નથી દેતા તો તેમણે પોતે પણ વચમાં બોલવું ન જોઈએ.

મેં કહ્યું : હું પણ એ જ કહેવા જતો હતો. આ વિષયાંતર થાય છે.

ધનુભાઈ : આ વિષયાંતર નથી અર્થાન્તરન્યાસ છે. કવિતામાં અર્થાન્તર આવી શકે તો વાર્તામાં પણ આવી શકે !

ધીરુબહેન : એ જ્યાંસુધી લખેલું વાંચે છે ત્યાંસુધી વચમાં બોલે છે એમ ન ગણવું.

વાર્તા આગળ ચાલે છે.]

પેલી બાઈ દાખલ થઈ ને તરત પેલા પુરુષની સામે ટેબલને અડીને ઊભી રહી તેના પર લંભાઈ પુરુષ તરફ અત્યંત ક્રોધમાં હાથ કરી બોલે છે.

સ્ત્રી : આ જોયું ?

પુરુષ : કેમ એકદમ જણાવ્યા વિના આવી ?

સ્ત્રી : આ જોયા તમારા દોસ્ત ! એને મારે વિશે એવો વિચાર કરતાં શરમ પણ ન આવી ? આવાને દોસ્ત કરતાં શરમાતા નથી ?

પુરુષ : તારી કંઈ સમજવામાં ભૂલ તો નહિ થતી હોય ?

સ્ત્રી : મારી ભૂલ ! આ તે તમે શું કહો છો ? હું તે કાંઈ નાની કીકલી છું તે આવી ભૂલ કરું?

પુરુષ : એમ નહિ. માણસ માત્રની ભૂલ થાય.

સ્ત્રી : માવડિયા ધણી જેમ માનું તાણતા, તેમ તમે દોસ્તનું તાણતાં શરમાતા નથી ? આ બાળો, જુઓ. મારે હાથે મારી આ શરમ તમને બતાવવી પડે છે. જુઓ આ એની ડાયરીનાં પાનાં ! મારો સ્પર્શ એને અમૃતસમ ને સ્વર્ગીય ને… હું તે શું કહું ? તમારે કહ્યે હું માવજત કરવા ગઈ તે આ માટે ?

પુરુષ : પણ એણે તારી માફી ન માગી ?

સ્ત્રી : માફી ? એમાં માફી શી માગવીતી !

પુરુષ : નહિ, નહિ. એ તો મરી ગયા જેવો થઈ ગયો હશે ને !

સ્ત્રી : ઓ હો હો હો ! તમને હજી એનું જ લાગે છે ! ને કેવા ટાઢા થઈ ને વકીલાત કરતા હો તેમ બોલો છો ! બૈરીની લાજઆબરૂની વાતથી પણ તમારું લોહી ઊકળતું નથી ? તમે તે બધું પુરુષાતન ક્યાં વેચી ખાધું તે સમજાતું નથી !

પુરુષ : ( સાન્ત્વન આપવા જરા પાસે આવી તેને માથે પંપાળવા હાથ લંબાવતાં ) તું જરા સ્વસ્થ…

સ્ત્રી : ખબરદાર જો મને અડ્યા છો તો !

એમ કહેતાં તે સ્ત્રી, પાસે પડેલો ખડિયો લે છે ને ખંડની છો ઉપર તેનો જોરથી ઘા કરે છે. ખડિયો ફૂટી જાય છે તેના છાંટા ચારે બાજુ ઊડે છે, ને કાચની કરચો બધે તડતડ ઊડીને ભીંતે ભટકાઈ પાછી પડે છે. તે સ્ત્રી આવી હતી તેમ જ વંટાળિયાની માફક અભ્યાસખંડ છોડી બહાર જાય છે, ખંડની અડોઅડ થઈ ઉપર જવાના દાદર ઉપર ધમધમ ચડે છે, અને પછી ઉપરના ઓરડાનાં કમાડ ભડાક દઈ ઉઘાડી અંદર બેસે છે. તે બધાના અવાજો આ અભ્યાસખંડમાં સંભળાય છે. પેલો પુરુષ શાન્તિથી અને ચિંતામાં આ અવાજો સાંભળે છે, અને અવાજો બંધ થતાં લાંબો નિસાસો મૂકે છે. પછી ટેબલ પર કોણી મૂકી હાથથી મોઢું ઢાંકે છે. થોડી વારે હાથ લઈ લઈ પેલી ડાયરીનાં પાનાં વાંચવા માંડે છે.

જૂની વાર્તામાં સ્ત્રી પરપુરુષના મિલન માટે તૈયાર થાય છે, અને આ વાર્તામાં સ્ત્રી પરપુરુષની દુર્બુદ્ધિથી આટલી બધી ઉશ્કેરાઈ જાય છે તે બન્નેમાં, સ્ત્રીની પતિ તરફ એકનિષ્ઠા જ કારણ છે, એટલું તો વગરકહ્યે સમજાય એવું છે.

અને પતિ તરફની નિષ્ઠાને લીધે જ પતિના સ્પર્શથી વધારે ઉશ્કેરાય છે તે પણ કામની વામતા જ ! પ્રેમની અવળપ!

થોડીવારે કોઈ માણસ ઉપર ચડવાનો અવાજ આવે છે. આ પુરુષ પેલાં ડાયરીનાં પાનાં સાચવીને ટેબલ ઉપર મૂકે છે. અને કોણ આવે છે તે એક નજરે જોઈ રહે છે. બારણા બહારથી અવાજ આવે છે.

અવાજ : હરિભાઈ છે ?

પુરુષનું નામ હરિભાઈ હતું. ત્યારે હવે તે જ નામ વાપરીશું.

હરિભાઈ : કોણ મધુ ? આવ ભાઈ.

હરિભાઈ મધુને સામે લેવા જાય છે. બારણામાં પેસતાં જ મધુ રડી દે છે. હરિભાઈ તેને બાથમાં લઈ અંદર લઈ જઈ કોચ પર બેસાડી તેની સાથે બેસે છે. મધુ સોળસત્તર વરસનો સુંદર દેખાવનો કિશોર છે.

મધુનો અવાજ સાંભળી, થોડીવાર પહેલાં ઉપર ગયેલી સ્ત્રી ધીમે પગલે દાદર ઊતરી અભ્યાસખંડમાં થતી વાત સાંભળવા બહાર સંતાઈને ઊભી રહે છે. હવે તેનો ક્રોધ શમી ગયો દેખાય છે.

હરિભાઈ રાજપુરની હકીકત ગુપ્ત રાખવા માટે બીજી જ વાત ઉપાડે છે.

હરિભાઈ : કેમ ! તારાં ભાભીની તબિયત સારી છે ને?

મધુ : હા.

હરિભાઈ : અને છોકરો સારો છે ને ? આજે કેટલા વાસા થયા ?

મધુ : કાલે દસ દહાડા થયા.

હરિભાઈ : ત્યારે ગભરાય છે શા સારુ ? દીપુભાઈના કાંઈ સમાચાર છે ?

મધુ વધારે રડે છે અને ‘હા’ કહી હરિભાઈના હાથમાં તાર મૂકે છે. તાર વાંચીને

હરિભાઈ : પણ હવે આમાં કાંઈ ફિકર કરવા જેવું નથી. દાક્તર લખે છે કે તેમને સારું થઈ ગયું છે. ભૂલથી ચોપડવાની દવા પીવાઈ ગઈ હશે ને ઝેર ચડ્યું હશે. પણ હવે તદ્દન સારું છે. અને દાક્તર નજીક રહે છે. એટલે કશી ફિકર નથી, હું કાલે સવારની ત્રણ વાગ્યાની ગાડીમાં જઈશ અને વેળાસર પહોંચી જઈશ. તારી પરીક્ષા ક્યારે છે ?

મધુ : પરમ દહાડે.

હરિભાઈ : તે તારે કશી ચિંતા કરવાની જરૂર નથી. કાલ જઈ ને તરત તને ખુશખબરનો તાર કરીશ. તું તારે પરીક્ષાની જ તૈયારી કરજે. અને. . .તારાં ભાભીને તો આ તારના ખબર કહ્યા નથી ને ?

મધુ : ના. પણ તેમને ચિંતા ઘણી થાય છે.

હરિભાઈ : તેમને ચિંતા કરવા દઈશ નહિ. કહેજે કે ફંડનાં નાણાંની વ્યવસ્થા કરવા મને બોલાવેલો છે. હોં કે ! દાક્તરે તેમના મનને જરા પણ આઘાત ન પહોંચવા દેવા કહ્યું છે તે યાદ છે ને !

મધુ : હા.

હરિભાઈ : અને ચિંતા ન કરતો હોં કે ! લે જા !

મધુ જરા જતાં પાછો અચકાઈને મધુ : અને . .તારમાં શાન્તાબહેનના કશા જ સમાચાર નથી.

હરિભાઈ : તેનું કાંઈ નહિ. એ પણ ગભરાઈ ગઈ હશે બીજું શું ! અને તારમાં મુખ્ય કહેવું હોય તેટલું જ કહે ને : લે જા હવે, પાછાં ગિરિજાબહેન ચિંતા કરશે.

હરિભાઈનાં પત્ની શાન્તા, જે અત્યારસુધી આ વાત સાંભળતાં હતાં તે ધીમે દાદરો ચડી પાછાં જાય છે. મધુ ઓરડો છોડી જાય છે તેને હરિભાઈ નીચે સુધી મૂકવા જાય છે.

રાજપુરમાં ૧૯મા નંબરના બંગલામાં એક દરદી પથારીમાં પડખાભેર સૂતો છે. તેની સામે ખુરશી ઉપર હરિભાઈ બેઠેલા છે. ખાટલાના ઓશિકા તરફ ઓરડામાં વિભાગ કરવા એક પડદો રાખેલો છે. દરદી તંદ્રાવસ્થામાંથી ધીમે ધીમે જાગતો જાય છે. હરિભાઈ તેના માથા પર ધીમેથી હાથ ફેરવે છે. દરદીની આંખો ખૂલતાં

હરિભાઈ : દીપુભાઈ ! આ શું કર્યું?

દીપકરાય : મેં બરાબર જ કર્યું હતું. જે દવા લગાડાવતાં મને દુષ્ટબુદ્ધિ થઈ તે દવા પીને અંત આણવો એ જ ખરો ન્યાય હતો.

હરિભાઈ : દીપુભાઈ ! હવે એ વાત જવા દો. મારે એ સંબંધમાં લાંબી વાત કરવાની છે. પણ તમે હાલ તો ઘણા જ નબળા છો માટે પ્રથમ ખાઈ લો. પછી વાતો કરીશું.

દીપક : હરિભાઈ ! ખાવાની કે પીવાની વાત જ ન કરશો. તમારી આ ઉદારતા જોતા જાઉં છું તેમ તેમ મને મારો અપરાધ વધારે મોટો લાગે છે. અમુક નીચતા કર્યા પછી માણસ માટે એક જ સજા છે.

હરિભાઈ : તમને શ્રમ લાગશે છતાં હવે છૂટકો નથી માટે કહું છું. ગુનાથી ઘણી મોટી સજા પોતાની મેળે ખમી લેવી એ સામા માણસ સામે ત્રાગું કર્યા બરાબર નથી ? એથી સામો માણસ સમાજમાં તો ખરો જ, પણ પોતાના મનમાં પણ કેટલો હીણો પડી જાય ? એ તો મારા સ્વભાવમાં નથી, નહિતર તમારા આવા મૃત્યુ પછી મારે પણ મરવું જ પડે.

દીપક : પણ આ ગુના માટે કોઈ સજા ઓછી નથી.

હરિભાઈ : સ્ત્રીના સ્પર્શથી મન આકર્ષાય એ બહુ વિરલ દાખલો છે એમ ? કોઈ પણ પુરુષ સ્ત્રીના સ્પર્શના આકર્ષણથી કેવળ ઊર્ધ્વ હોય એમ તમે માનો છો ?

દીપક : હા. ઘણાય હોય. દાખલા તરીકે તમને મારા જેવી નિર્બળતા આવે એમ હું નથી કલ્પી શકતો.

હરિભાઈ : તમે મારો દાખલો ટાંકો છો ત્યારે હું મારો જ દાખલો આપું છું. એક બાઈ સાથે હું ટેનિસ રમતો હતો. બાઈનું નામ નથી દેતો. ટેનિસ રમતાં તેને ઘણીવાર બૉલ આપતો. આપતાં આપતાં એકવાર મારો હાથ તેના હાથને અડ્યો. એ સ્પર્શે મને અસર કરી, અને હું માનું છું તેને પણ કરી, તે છતાં અમે રમ્યા કર્યું. એકાદ અઠવાડિયા પછી તે બાઈ મારે ઘેર આવી મને કહે ‘ચાલો હરિભાઈ, ફરવા આવવું હોય તો.’ મારું મન આકર્ષાયું. તે વખતે શાન્તા પાસે જ ઊભી હતી, તે તરફ નજર જતાં મને ભાન થયું, અને મેં એ બાઈને ચોખ્ખી ના પાડી દીધી. ત્યારથી મને સમજાયું કે મારામાં આ નિર્બળતા છે. હવે મારા કરતાં તમારો ગુનો શી રીતે વધારે મોટો ? બોલો !

દીપક : તમે મારા મિત્ર, એ રીતે વધારે મોટો. (થોડીવાર વિચાર કરી) અરે રે, પણ આ તો તમે મને સમજાવવા બનાવટી વાત ઊભી કરો છો. શાન્તાબહેન અહીં હોય તો એમને કેટલું માઠું લાગે!

ત્યાં ઓચિંતી પછવાડેના પડદામાંથી શાન્તા આવે છે. તેને જોઈને બન્ને આભા બની જાય છે. શાન્તા ઉશ્કેરાયેલી પણ બહારથી શાન્ત દેખાય છે.

શાન્તા : દીપુભાઈ ! આ વાર્તા બનાવટી નથી. અક્ષરેઅક્ષર સાચી છે. વસુમતીબહેનને—અરે મારાથી નામ તો બોલાઈ ગયું—એમણે તોછડાઈથી ના પાડી ત્યારે મેં એમને ઠપકો આપ્યો. ત્યારે એમણે બધી વાત મને કહી. પણ મારો એક પ્રશ્ન છે. તમે બન્ને વાતો કરો છો તેમાં જાણે તમે તમારા બેની જ વાતો કરો છો ! હું પૂછું છું, તમે ગુનો કર્યો હોય તો કોનો કર્યો છે ? એમનો કે મારો ?

દીપકને વધારે શરમ આવે છે. હરિભાઈ હવે શું થશે તે નહિ સમજાતાં વધારે ચિંતાતુર બને છે.

દીપક : બન્નેનો.

શાન્તા : પ્રથમ દરજ્જે કોનો?

દીપક : અલબત તમારો.

શાન્તા : ત્યારે સજા કોણ ફરમાવે ?

દીપક : તમે. અને ત્યારે જ મને ખરું સાન્ત્વન વળશે.

શાન્તા : ત્યારે મારી સજા એ છે કે તમારે આ વાત ગિરિજાબહેનને કે બીજા કોઈને કરવી નહિ ને તરત સાજાં થવું.

દીપક : તમે બન્ને તો મને આભાર નીચે દાબીને તદ્દન પામર કરી નાંખવા માગો છો કે શું ?

શાન્તા : ( જરા ક્રોધથી ) હું કહું છું કે તમે બન્ને, પુરુષો, માત્ર તમારો જ વિચાર કરશો કે બીજા કોઈનો કરશો? તમે પોતે એમની સામેના ગુના માટે આપઘાત કરવા માગો છો ! અને એ એમની લાગણીની ખાતર તેમ કરવા ના કહે છે. કોઈ મારો વિચાર કરો છો ? (બોલતાં બોલતાં વધારે ગુસ્સે થતી જાય છે.) સારું થયું તમને દાક્તરે સારા કર્યા. નહિતર તમને કંઈક થયું હોત તો હું ગિરિજાબહેન પાસે શું મોઢું બતાવત તેનો કાંઈ ખ્યાલ આવે છે? તમે ગઈ લડતમાં વચમાં પડીને એમને લાઠીમારમાંથી બચાવ્યા; અને હવે મારી ખાતર ગિરિજાબહેનનું સૌભાગ્ય. . .મારી જીભે એ બોલાતું પણ નથી ! (શાન્તાની મોટી આંખમાં પાણી ધીમે ધીમે ઉભરાતું જાય છે. પણ તે સંયમ રાખતી જાય છે, પાણીને પડવા દેતી નથી, અને બોલે છે.) હું એમને શું મોઢું બતાવું ! મારે તો પછી મરવું જ બાકી રહ્યું. (અસહ્ય આવેશમાં એકદમ ડૂસ્કું આવે છે અને તેનાથી આગળ બોલાતું નથી.)

દીપક : (એકદમ બેઠા થઈ હાથ જોડી) માફ કરો બહેન, મારી ભૂલ થઈ. તમે કહો તેમ કરવા તૈયાર છું. મારાથી તમારી આ સ્થિતિ જોવાતી નથી.

શાન્તા : તો ત્યારે છાનામાના ખાવા માંડો. કાલના ભૂખ્યા છો. દાક્તર કહે છે. તમારે તો ખવાય તેટલી વાર ખાવું જોઈએ.

હરિભાઈ : પણ ખાધાનું લાવ ત્યારે ને !

શાન્તા : હું સ્ટેશનેથી રોટી માખણ અને ચા લેતી આવી છું. દીપકભાઈને આ સ્ટેશનની ચા ભાવે છે. અને મુરબ્બો પણ કાઢી રાખ્યો છે.

શાન્તા ખાવાની સામગ્રી લઈ આવે છે–ગોઠવે છે. તે દરમિયાન હરિભાઈ દીપકરાયને તકિયા વગેરે નાંખી બેસારે છે. શાન્તા બન્નેને પીરસતી જાય છે ને વાતચીત આગળ ચાલે છે.

હરિભાઈ : (શાન્તાને) હવે મને એક વાત કહેવી છે ? તું આવી ક્યારે ?

શાન્તા : તમારી સાથે જ, એ જ ટ્રેઇનમાં.

હરિભાઈ : ત્યારે મારી સાથે જ કેમ ન આવી ?

શાન્તા : તમારે લઈ જવી હોત તો તો નીકળતી વખતે મને કહેત નહિ ?

હરિભાઈ : મને શી ખબર તું આવવાની હોઈશ.

શાન્તા : કેમ તમને આવવાનો નિશ્ચય કરતાં આવડે ને મને ન આવડે?

હરિભાઈ : પણ મેં તો મધુ સાથે વાત કરીને તાર વાંચીને બરાબર નક્કી કર્યું.

દીપક : તાર શેનો ?

હરિભાઈ : એ તો આપણા દાક્તરે તમારા વિશે તાર કરેલો. તે રાતના મધુ મને બતાવવા આવેલો, તે ઉપરથી જ મેં અહીં આવવાનો નિશ્ચય કર્યો.

શાન્તા : ત્યારે મેં પણ એ વાત સાંભળીને અને તમારા ગયા પછી તાર અને તમારી મારા પરની ચિઠ્ઠી વાંચીને જ અહીં આવવાનો નિશ્ચય કર્યો. પણ હવે તમે પૂછી રહ્યા હો તો મારે એક પૂછવું છે.

હરિભાઈ : પૂછો..

શાન્તા : સાચું કહેજો. હું રાતના આવી ત્યારે હું આવવાની છું એવી તમને પહેલેથી ખબર પડી ગયેલી હોવી જોઈએ એમ મને લાગે છે. બોલો એ ખરું કે નહિ?

હરિભાઇ : ખરું.

શાન્તા : તમે એ કેમ જાણ્યું ?

હરિભાઇ : હું હૉટલમાં સાંઝે જમવા ગયેલા. ત્યાં બે માણસો વાતો કરતા હતા. તેમાંનો એક તે—આ બંગલાની સામે કોઈ નલિનીબહેન રહે છે?

શાન્તા : હા

હરિભાઈ : તેમના પતિ. તેમણે તને ગુસ્સામાં જતી જોઈ તેની વાત તેઓ પોતાના એક મિત્રને ખાતાખાતા કરતા હતા.

દીપક : કોણ જાણે જગત આ મારી ભૂલ માટે તમને શુંય કહેશે ?

શાન્તા : અરે એમની તો વાત જ જવા દો ને ! એ તો એવા ભડભડિયા છે ! પણ નલિનીબહેન બહુ જ ડાહ્યાં છે. મારાં બહેનપણી છે. એ એક વાત કહેશે એટલે ગરીબ ગાય જેવા થઈ જવાના !

હરિભાઈ : અરે આમ તો બહુ જબરા દેખાય છે ને !

શાન્તા : તોય એ તો ! હું આવી જબરી દેખાઉં છું તો ય તમારી પાસે કેવી ગરીબ થઈ જાઉં છું. એમ કોઈના ઘરમાં એમ હાય, ને કોઈના ઘરમાં આમ !

એમ કહીને સ્ત્રી જ જે વ્યંજના જાણે છે તે વ્યંજનાથી શાન્તાએ હરિભાઈની માફી માગી લીધી. એમાં માફી માગવા જેવું કશું નથી એમ બતાવવા

હરિભાઈ : બધું તારું ધાર્યું કરે છે, ને વળી મને લેતી પડે છે !

શાન્તા : મારે તો કશું મારું ધાર્યું છે કે નહિ એ જ મને સમજાતું નથી. પણ એ વાત જવા દો. મને કહો તો ખરા એ નલિનીબહેનના વરે શું કહ્યું ?

હરિભાઈ : સાચું કહું ?

શાન્તા : ત્યારે સાચું નહિ ત્યારે જૂઠું ?

હરિભાઈ : કોઈ કોઈ માણસ ગમે તેટલું સાચું બોલે તો ય તેનું ખોટું જ લાગે. કોઈ માણસ ગમે તેટલું ખરું કહે તો ય તેની મશ્કરી જ લાગે ! મારે તારી સાથે એવી લેણાદેણી છે.

શાન્તા : પણ કહો તો ખરા !

હરિભાઈ : એ કહે “લ્યો આ એક બીજા અસહકારી કોઈ સુંદર ગાનારી સુંદર બાઈની વાત સાંભળીને ખાવાનું પડતું મેલીને આ નાઠા !” અને બોલો એ વાત કાંઈ ખોટી હતી ?

શાન્તા : હવે આવું બોલતાં શરમાતા નથી ! પણ ત્યારે તો તમે સાંઝના ભૂખ્યા હશો. લ્યો હવે બરાબર ખાઓ. વાતો ન કરો. આજ સુધી દીપુભાઈ વિના ભાવતું નહિ હોય તે આજે ભેગા બેસીને બરાબર બેઉ જમો.

હરિભાઈ : મને પણ હવે એક નવું સત્ય સમજાય છે.

શાન્તા : શું વળી ?

હરિભાઈ : એ સત્ય એ છે કે શાન્તા કદાચ કાલની ભૂખી હશે.

દીપક : અર્ ર્ ર્ ર્. એટલું મને પણ સૂઝ્યું નહિ. બહેન, તમે પણ અમારી સાથે જ ખાવા માંડો. પૂરતું આણ્યું છે કે નહિ !

શાન્તા : હું મને તો ઓછી જ ભૂલી જવાની હતી !

દીપક : ત્યારે બેસો.

શાન્તા : આ બેઠાં. અમારે કે દાડે ના છે? ચાલો, પણ હું ખાઉં એટલો વખત તમારે પણ સાથે ખાવું પડશે.

દીપક : ભલે !

શાન્તા : અને તમે દીપકભાઈ સમજ્યા ?—એમની ફિલસૂફી શેના પર આધાર રાખે છે તે ! જૂના સમયમાં માણસો તપ અને ઉપવાસ કરીને સત્ય શોધતા. એમને જ્યારે પેટમાં પડે છે ત્યારે જ સત્યો સૂઝે છે.

દીપક અને હરિભાઈ બન્ને હસે છે.

ધનુભાઈ એ વાંચી રહીને કહ્યું : લ્યો હવે આના પર ટીકા કરો.

પછી પીણું પિરસાવા માંડે છે. સૌ પીવા માંડે છે.

ધીરુબહેન : વસન્તભાઈ, લ્યો હવે તમે ટીકા કરો.

મેં કહ્યું : મારે તો બહુ કામ છે. આ પીણા ઉપર પણ મારે જ અભિપ્રાય આપવાનો છે, તે જાણો છો ને !

ધીરુબહેન : નહિ. આ પીણું તો મેં બનાવ્યું છે. અને મારા પીણા ઉપર અભિપ્રાય આપવાનો આપણે વદાડ નથી. એટલે આજે તમારી સર્વ શક્તિ માત્ર વાર્તા ઉપર ટીકા કરવામાં વાપરો.

ધનુભાઈ : હા ખુશીથી. અને હું પ્રતિજ્ઞા કરું છું કે મારી વાર્તાનો હું મરણિયો થઈને બચાવ કરીશ.

પ્રમીલા : પણ આના ઉપર ટીકા કરવામાં બહુ વિચાર કરવો પડે એવું છે જ નહિ. આ બે મિત્રોની વાર્તા જ નથી. ચાર મિત્રોની છે.

ધનુભાઈ : ચાર મિત્રોની નથી. એ બે મિત્રોની બે જોડીઓ છે.

ધીરુબહેન : પણ આમાં એ પુરુષમિત્રો તો કશું જ કરતા નથી. બધું શાન્તા એકલી જ કરે છે.

ધનુભાઈ : એ તો પેલી વાર્તામાં પણ સ્ત્રીએ પતિના મિત્રને મળવાની હા પાડી ત્યારે જ વાર્તા આગળ ચાલી ને ! અને બીજું એ કે મારી વાર્તામાં જૂની વાર્તા કરતાં જે જે ફરક પડે છે તે નવા જમાનાની આવશ્યકતાને લીધે જ. નવા જમાનામાં જ્યાં સ્ત્રીનું અપમાન થયું હોય ત્યાં એ સ્ત્રીએ જ તેની માફી આપવી જોઈએ, અને સ્ત્રીએ જ પોતાના મનનું સમાધાન થયાની પ્રતીતિ આપીને મિત્રોની મૈત્રી અખંડ રાખવી જોઈએ.

મેં કહ્યું : પણ આમાં એવી પ્રતીતિ અપાય છે ખરી ? બધાં ભેગાં ખાવા બેઠાં એટલે બરાબર પહેલાં જેવો આનંદ થઈ ગયો એમ ?

ધીરુબહેન : એમની વાતમાં ખાવાનું ન આવે તો બીજા કોની વાતમાં આવે.

ધનુભાઈ : જૂની વાર્તામાં સુખાન્ત વર્ણવવાની એ જ રીત ‘ખાધા પીધાં ને રાજ કર્યાં !’ અહીં પણ બધાંએ ખાધું એ તો તમે જોયું, ચા હતી એટલે પીધું અથવા પીશે એ પણ નક્કી છે, અને રાજ્ય કરવું એને હું સુખ ગણતો નથી એટલે એ ન લખ્યું ?

મેં કહ્યું : મૂળ વાર્તા ધમલાની છે એટલે એને પૂછો કે આ તારા જેવી વાર્તા તને લાગે છે? કેમ ધમલા ?

ધમલા : શા’બ. વાર્તા તો ઠીક, પણ પેલી વાતમાં ત્રણેએ મરીને જેવો નોક રાખ્યો, એવું તો આમાં નહિ જ ને !

ધનુભાઈ : જેમ વ્યવહારમાં આવેશથી મરી જવું સહેલું છે, પણ સહન કરીને– જીવીને ફતેહ મેળવવી અઘરી છે, જેમ લડાઈમાં ઊકળતા લોહીએ મારવું કે મરવું સહેલું છે પણ મહાત્માજીના બેઠા બળવામાં લડવું અઘરું છે, તેમ જ વાર્તામાં પાત્રને મારીને વાર્તાનું ધ્યેય સિદ્ધ કરવું સહેલું છે, પાત્રોને જીવતાં રાખીને કરવું અઘરું છે. વળી ગયા જમાનામાં અને હાલના જમાનામાં મુખ્ય ફરક જ એ છે કે જૂના જમાનામાં પ્રાણ લઈને કે દઈ ને જ્યાં સમાધાન થતાં ત્યાં અત્યારે જીવતાં રહીને મનનું સમાધાન કરવાનું આવે છે. ધમલો જૂના સંસ્કારવાળો છે એટલે એને જૂની વાર્તાનો અંત જ વધારે ગમે; અને તમને પણ એ જ વધારે ગમતો હોય તો એટલે અંશે તમારામાં પણ નવા સંસ્કારો ઓછા !

પ્રમીલા : ભાઈ, એમ જ કહી દો ને કે જેને તમારી વાર્તા આખી દુનિયામાં સૌથી ઉત્તમ ન લાગે તેને વાર્તા અને સંસ્કૃતિ સમજતાં જ નથી આવડતી !

ધનુભાઈ : એ તો મેં કહેવા ખાતર કહ્યું પણ મારો મૂળ મુદ્દો સાચો છે.

મેં કહ્યું : એમ નહિ. જેમ દોરી એકવાર તૂટે પછી સાંધીએ તોપણ અંદર ગાંઠ રહી જાય તેમ કેટલાક વિક્ષેપ એવા છે કે તે એકવાર બન્યા પછી મૂળ સંબંધો પહેલાં જેવા થઈ શકતા નથી. મિત્રની પત્ની તરફ એકવાર દુર્બુદ્ધિ થયા પછી ભૂલ કરનાર મિત્ર તે ખાતર મરે, તો તેના તરફ સર્વાત્મથી જેવી લાગણી થાય તેવી લાગણી તે જીવતો રહ્યો હોય તો ન થાય. અને આ, શાન્તા અને હરિભાઈ બન્નેને માટે ખરું છે. બન્નેને જાણે તેમની અને દીપકની વચ્ચે કંઈક બની ગયું છે એમ લાગે જ.

ધનુભાઈ : માટે જ મેં ફ્રી સમાધાન થવાને માટે મજબૂતમાં મજબૂત કારણો મૂક્યાં છે. બન્ને મિત્રો લડાઈમાં ભેગા હતા. દીપકે પોતે લાઠીમારમાં આડાં પડીને હરિભાઈને બચાવ્યો હતો. આભારની લાગણીથી જ હરિભાઈ–શાન્તા તેને માફ કરવા પ્રેરાય એ સ્વાભાવિક છે. તે ઉપરાંત શાન્તાને ગિરિજા માટે પણ લાગણી હતી. એટલે જેને વધારે આઘાત લાગ્યો છે તેને સમાધાન કરવાને માટે વધારે કારણો પણ છે.

મેં કહ્યું : પણ મારો એક સવાલ છે. શાન્તા તમે કહો છો એવી નવા જમાનાની હોય તો તેને પહેલાં આવો આવેશ આવે નહિ. અને જૂના જમાનાની હોય તો આવો આવેશ આવ્યા પછી તેના મનનું પૂરું સમાધાન થાય જ નહિ.

ધનુભાઈ : બહુ સુંદર શોધી કાઢ્યું ! પણ પ્રમુખસાહેબ નવા જમાનાનાં છે તો તેમને જ પૂછીએ કે તેમને આવો આઘાત પહેલાં તો લાગે ખરો કે નહિ?

ધીરુબહેન : તમારી વાર્તા ખાતર મારે એવી કલ્પના નથી કરવી. આપણે વાર્તા ઉપર અખતરો કરવા ભેગાં થયાં છીએ, વાર્તા ખાતર માણસ ઉપર નહિ !

ધનુભાઈ : એનો એ જ અર્થ કે આઘાત લાગે જ. પણ એ આઘાતનું સમાધાન કરી તેની સાચા દિલથી ક્ષમા આપવી એ નવા જમાનાની ઉદારતા. અને શાન્તા એટલા પ્રબળ અને વેગીલા મનની છે કે તે જેમ એકદમ આઘાતથી ઉશ્કેરાય છે તેમ જ બીજી બાજુ ગિરિજાનું સૌભાગ્ય સાચવવા ક્ષમા આપવા તત્પર થાય છે. અને ભેગાં જમવા બેસવું એ ખરી ક્ષમા આપી જૂનો સંબંધ ચાલુ કર્યાનું મોટામાં મોટું પ્રતીક છે. જરા પણ મનમાં ગાંઠ રહી ગઈ હોય તો ત્રણેય એમ બેસે નહિ.

પ્રમીલા : ગાંઠ રહી ગઈ છે કે નહિ તે માત્ર દેખાવનો સવાલ નથી. મનના વલણોનો સવાલ છે.

ધનુભાઈ : માણસનું સમાધાન બે રીતે થાય છે : એક બુદ્ધિથી અને બીજું લાગણીથી. વસુમતીના દાખલાથી બુદ્ધિનું સમાધાન ત્રણેયનું થવું જોઈએ. પણ બુદ્ધિનું સમાધાન વસન્તભાઈએ કહ્યું તેવું તૂટેલી દોરીની ગાંઠ વાળવા જેવું છે. લાગણીનું સમાધાન ધાતુને રેણવા જેવું છે, અને તે પણ વીજળીથી રેણવા જેવું છે. એવું સમાધાન અહીં શાન્તા-ગિરિજાના પ્રેમથી અને દીપકે પૂર્વે કરેલ શાન્તા-હરિભાઈ ઉપરના ઉપકારથી થાય છે.

ધીરુબહેન : પણ વસન્તભાઈ, અત્યાર સુધી તમે કેમ કાંઈ બોલતા નથી. એમની વાર્તા ટીકાથી પર છે એમ તમે સ્વીકારવા માગો છો?

મેં કહ્યું : એક જૂનો દૂહો છે:

પ્રમીલા : એને એ કહેવો હોય તો અમને આવડે છે. તમે આ વીસમી વખત બોલતા હશો.

મેં કહ્યું : તમે ગયે વખતે વીસ કહેલ. હવે તે એકવીસમી વાર થાય. પણ મારે એ જ કહેવો છે:

રોઝ ન ગાય ન ઊંટ, જરખ વાધ નહિ કૂતરું;
ચીભડ કવળ ન ઘૂંટ, પાવઈ નર નહિ પ્રેમદા.

જેમ એમાં વસ્તુઓ આ પણ નથી અને તે પણ નથી, તેમ આ વાર્તા નાટક પણ નથી અને વાર્તા પણ નથી.

ધનુભાઈ : આ વાર્તા નાટક પણ છે અને વાર્તા પણ છે.

આ બેની વચ્ચે વાતો ચાલે છે તે દરમિયાન પ્રમીલા ને ધીરુબહેન કંઈક ખાનગી સંતલસ કરી લે છે.

મેં કહ્યું : જુઓ નાટક તો ભજવવાને માટે જ હોય !

ધનુભાઈ : આગળ બોલો.

મેં કહ્યું : તો જે ભાગ ભજવવાને માટે બિલકુલ જરૂરના નથી, એ આ નાટકમાં વધારાના છે.

ધનુભાઈ : દાખલા તરીકે ?

મેં કહ્યું : આ વાર્તાની જૂની વાર્તા સાથે સ્થળે સ્થળે તમે સરખામણી કરતા હતા તે નાટકમાં વિક્ષેપરૂપ છે.

ધનુભાઈ : તમે એક વાર જેમ્સ બેરીનાં નાટકો વાંચતાં કહેલું તે યાદ છે? તમે કહેલું કે નાટક ભજવાય ત્યારે એક કલા છે અને વંચાય ત્યારે બીજી કલા છે. વંચાતી વખતે તેમાં પાત્રોની સ્થિતિ, તેમનું માનસ અને તેમની ઉક્તિ વિશે કટાક્ષો અને ટીકા કરી શકાય.

મેં કહ્યું : અસ્તુ, ધારો કે કરાય. પણ અહીં તો તમે નાટકમાં આવતી ઉક્તિ વિશે બોલવાને બદલે તમારી વાર્તાની આગલી વાર્તા સાથે સરખામણી કરતા ગયા છો.

ધનુભાઈ : બર્નાર્ડ શૉ જેવા, નાટકની વચ્ચે લગ્નપ્રેમ કે અર્થશાસ્ત્રની પોતાની માન્યતા વિશે નાનો સરખો નિબંધ લખી શકે, તો હું આપણી મેહફિલમાં પ્રસ્તુત હોવાથી બે વાર્તાની સરખામણી કેમ ન કરું ?

પ્રમીલા : લો ભાઈ એ જવા દો. એ તો વસન્તભાઈ નક્કામા સમજ્યા વિના સોર્ય સોર્ય કરે છે. પણ તમે સાચા વિવેચક હો તો તમારી મેળે જ તમારા નાટકની ભૂલ બતાવો, લો.

ધનુલાઈ : જરૂર બતાવું—જો સમજવા જેટલી તમારામાં ધીરજ અને અક્કલ હોય તો.

ધીરુબહેન : હું તો તમારી સાથે સાક્ષાત્ ધીરજ તરીકે જ રહું છું ! અને બીજી રીતે રહી શકાય જ નહિ એ પૂરેપૂરું જાણું છું.

ધીરુબહેન, હું અને પ્રમીલા હસીએ છીએ, પણ ધનુભાઈ એમના તાનમાં આગળ ચલાવે છે.

ધનુભાઈ : મેં આ દૃશ્યકૃતિ આ શૈલીમાં લખી શા માટે તે સમજાવું. નાટકકાર વચમાં વચમાં બોલે તે શૈલીનાં દોષસ્થાનો કે ભયસ્થાનો મારે બતાવવાં હતાં. એટલું દોષસ્થાન તો તમે પણ સમજ્યાં કારણકે મેં બે વાર્તાઓને સરખાવી તે તમને ન ગમ્યું. પણ તેથી વધારે મારે બતાવવું હતું. ઘણી વાર વચમાં વચમાં જાતે બોલવાનું રાખવાથી નાટકકાર, એ વસ્તુ દૃશ્યમાં આવે છે કે નહિ, આવી શકશે કે નહિ તે તરફ બેદરકાર બનતો જાય છે. તમે બહુ વખાણેલી જેમ્સ બેરીની ‘ડિયર બ્રૂટસ' (Dear Brutus)ની કૃતિ લો. તેમાં એક પુરુષને પહેલાં લંગડી સ્ત્રી હતી અને તેના પગ નીચે તે હમેશાં ટેકણ મૂકતો. હવે તે સ્ત્રી મરી ગયા પછી બીજી સ્ત્રી પરણ્યો, તેને એવા ટેકણની જરૂર નહોતી, છતાં તે આગલી ટેવથી તેના પગ નીચે ટેકણ મૂકતો એમ કર્તા પોતે પોતાની નોંધમાં જણાવે છે. નાટકમાં તો માત્ર, પુરુષ નવી સ્ત્રીના પગ નીચે ટેકણ મૂકે છે. એટલું જ આવે છે. ઉક્તિઓમાં ક્યાંઈ વિશેષ સૂચન નથી ! હવે માત્ર આટલી ક્રિયાથી એ ટેવ જૂની સ્ત્રીમાંથી પડેલી હતી એમ શી રીતે સમજાય ? આવી એક ભૂલ મારે કરી દેખાડવી હતી, પણ તે કરી શક્યો નથી એટલી આમાં ક્ષતિ છે.

પ્રમીલા અને ધીરુબહેન બન્ને તાળીઓ પાડે છે.

મેં કહ્યું : લ્યો હૌં ! તમારી જીભે જ તમે તમારી ભૂલ કબૂલ કરી ને !

ધનુભાઈ : (થયેલી મશ્કરી સમજી જઈને) પણ તેનું કારણ તો એ છે કે હું એટલો સારો વાર્તાકાર અને નાટકકાર છું કે મારી કૃતિમાં હું કંઈ ભૂલ કરવા ધારું તો પણ ન કરી શકું!

બધાં હસે છે.


  1. * આવા કૌંસમાં મૂકેલી વાતચીત મેહફિલનાં સભ્યો વચ્ચે થાય છે એવો સંકેત રાખેલો છે.