દ્વિરેફની વાતો – ભાગ બીજો/મેહફિલે ફેસાનેગુયાન : સભા પહેલી

← સુરદાસ દ્વિરેફની વાતો – ભાગ બીજો
મેહફિલે ફેસાનેગુયાન : સભા પહેલી
રામનારાયણ પાઠક
બે મિત્રોની વાર્તા →



મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

સભા પહેલી

“કે ધનુભાઈ! આજ તો પ્રયોગની રજા પાળી છે કે શું? કરવત, લાકડાં, ખીલા કશું જ નથી?”

ધનવંતરાયના જેવું વિચિત્ર અને વિલક્ષણ કુટુંબ મેં જોયું નથી. રહેણી કરણીમાં તદ્દન સાદા અને છતાં એક પણ રૂઢિથી તેમનું મન બંધાયેલું નથી. અખતરા કરવા એ જ એમને જીવનનું રહસ્ય લાગે છે. હમણાં થોડા દિવસોથી છોકરાં માટે લખવાનું ટેબલ, ચોપડી રાખવાનું કપાટ, અને કપડાં રાખવાની પેટી, સર્વ એક સાથે થાય અને છોકરાં પાછાં તેને ઉપાડીને ફેરવી શકે તેવું રાચ કરવા પાછળ મંડ્યા હતા. પણ આજે કશો સુતારી સામાન ન જોયો એટલે મેં એમ પૂછ્યું.

ધનુભાઈ જવાબ આપે તે પહેલાં તેમનાં પત્ની ધીરજ બહેન બોલી ઊઠ્યાં : અરે ભાઈ જવા દોને વાત. લાકડાં સાથે માથું કૂટતા હતા ત્યારે તો ઠીક હતું. પણ હમણાં તો ખાવાના પ્રયોગો ઉપર ચડ્યા છે, તે મારો તો દમ નીકળી જાય છે. પોતાથી ચૂલો પણ સળગાવાતો નથી અને અનેક જાતના અન્નના અખતરા મારી પાસે કરાવે છે.

મેં કહ્યું: તમે પણ કયાં ઓછાં અખતરાખોર છો? આપણા સંસારમાં ઘણી વાર બની જાય છે તેમ આ પતિ પત્ની બન્ને સરખા સ્વભાવનાં પ્રયાગશૉખી હતાં. ધીરુ બહેન કપડાંના અનેક પ્રયોગો કર્યા કરતાં. તેમણે કહ્યું: મારા પ્રયોગથી હું કોઈ બીજાને તો નથી હેરાન કરતી ને!

ધનુભાઈનાં બહેન પ્રમીલા બહેન બોલી ઊઠ્યાં : પ્રયોગ કરનારથી બીજાં ઉપર આક્રમણ કર્યા વિના રહેવાતું નથી. ચીનુ હજી બિચારો બાળક છે એટલે જે કરો છો તે સાંખી લે છે બાકી તમે તેના પર કરવામાં કશી બાકી નથી રાખી. મોટો થશે ત્યારે તમને એની ખબર પડશે.

ધીરુબહેન: “ચીનુ મોટો થશે ત્યારે એટલો પ્રયોગશૂરો થયો હશે કે ફરિયાદ કરવાને બદલે મને ઊલટો મદદ કરશે. પછી તેને કશું જ નવું કે વિચિત્ર નહિ લાગે.”

ધનુભાઈ ચાલુ વાતમાં ધ્યાન નહોતા આપતા પણ કાંઈ મનમાં જ વિચાર ચલાવતા હતા તે બોલ્યા : જુઓને, આટલાં વરસથી આપણે એવું એક પણ અન્ન નથી શોધ્યું જે ઘણા માણસો માટે એક સાથે સહેલાઈથી થઈ શકે અને સુપચ્ચ હોય. સ્ત્રીઓને છૂટ આપવી હોય, તેને સામાજિક કામમાં ભાગ લેતી કરવી હોય, તો તેનો રાંધવાનો બોજો હલકો થાય તેવાં અન્ન શોધવાં જોઈએ.

એમનું ભાષણ પૂરું થાત જ નહિ પણ ત્યાં ધીરુબહેને તેમનો વાણીપ્રવાહ કાપ્યો: એટલે મને વધારે છૂટ આપવા મારે માટે કામ વધારતા જાય છે. સમજ્યા !

મેં કહ્યું: નરસિંહ મહેતા કહી ગયા છે કે ‘વાત પકવાનથી ભૂખ ન ભાગે.’ પકવાનની વાતો નકામી છે. જો કાંઈ ખવરાવતાં હો, છેવટ ચા પણ પાતાં હો તો તમારી વાતો સાંભળુ, નહિતર, અત્યારથી આ વાત કરો બંધ કાંઈ બીજી વાત કાઢો.

ધનુભાઈ : ના અત્યારે જ એક નવું પીણું થવાનું છે તે અમારી સાથે લેજો. ધમલા ! લાવ તો બધું.

ધમલો નોકર વસ્તુઓ ગોઠવતો જતો હતો અને વાત આગળ ચાલતી જતી હતી.

ધીરુબહેન : અરે તમે ક્યાં એમના અખતરાના ભોગ બનો છો?

મેં કહ્યું : ધનુભાઈ ખાવાના એવા શૉખીન છે, અને તમારો હાથ એટલો કલાવાળો છે કે ખરાબ ખાવાનું કદી બનવાનું જ નથી. અને પીણું એટલે ગળ્યું તો હશે જ. આપણે એટલું જ જોઈએ. ગળ્યું તે ગળ્યું, ને બાકી બધું બળ્યું.

પ્રમીલા : ભાઈ, ઠીક પહેલેથી સારો અભિપ્રાય આપનાર શોધી લીધા.

ધનુભાઈ : નહિ એ નહિ ચાલે. અભિપ્રાય સાચો જ આપવો પડશે. અને ખાવાનો અભિપ્રાય વાણીથી ખોટો આપે તોપણ મોઢું ચાડી ખાધા વગર ન જ રહેને!

ધીરુબહેન ! બહુ પાછા સાચો અભિપ્રાય સહન કરી શકો એવા ખરા ના!

પ્રમીલા : તે દિવસે વારતાનો અખતરો કર્યો, છપાવી, કોઈ એ ટીકા કરી ત્યારે કેવા ચિડાયા હતા ?

ધનુભાઈ : હું વિજ્ઞાનની દૃષ્ટિએ જ તે દિવસે ચિડાયો હતો. હું વાર્તાનો કલાકાર નહિ હોઉં પણ વાર્તાકલાનો શાસ્ત્રજ્ઞ અને રસજ્ઞ તો છું જ. હવે જુઓ એ ટીકાકારે કહ્યું કે મેં ચેખૉવની વાર્તાનું અનુકરણ કરેલું છે. તમે સર્વ જાણો છો કે મેં ચેખૉવ વાંચ્યો નથી. એથી અંગત મહિતીના જ્ઞાન કે અજ્ઞાન વિના તેની ટીકાના ગુણદોષો તપાસવા જોઈએ.

પ્રમીલા : પણ એ ટીકાકાર ઓછો જ જાણે છે કે તમે નથી વાંચ્યો !

ધનુભાઈ : ખરું. હવે મારી વાર્તામાં મુખ્ય વાત શું હતી તે વિચારો. એક શેઠના એકના એક દિકરાની આંખમાં ચાકરડીએ ભૂલથી ઍસિડનાં ટીપાં નાંખ્યાં. છતાં શેઠ તેના તરફ ઉદાર રહ્યો. આ મારી વાર્તાનો મુખ્ય ભાવ, હવે ચેખૉવની વાર્તા લો. તેમાં એક ઘણી જ નાની ઉંમરની છોકરી ચાકર રહેલી છે. તેને ઊંધ આવે છે છતાં તેને શેઠનું છોકરું રાત્રે રાખવું પડે છે.

પ્રમીલા : હીંચોળવું પડે છે કહેવું જોઈએ.

ધનુભાઈ: હવે હીંચોળવું પડે છે; તે અકળાય છે, ભાન ભૂલે છે, અને બેભાનમાં, અર્ધધેલછામાં એ છેકરાને મારી નાંખે છે, ત્યાં વાત પૂરી થાય છે. ચેખૉવની વાર્તામાં ચાકરડીના માનસનું આબેહૂબ ચિત્ર છે. એ વર્ગના મનમાં શું ચાલે છે, તેના માનસ તરફ બેપરવા રહેલા શેઠો ચાકરોને અરધા ગાંડા કરી મૂકે છે, ચાકરોના ઘણાખરા ગુના પાપબુદ્ધિથી નહિ પણ અકળામણની ઘેલછાથી કરેલા હાય છે, એ તેને બતાવવું હોય છે. મારી વાર્તામાં માત્ર એક શેઠની ઉદારતાનું વર્ણન છે. મારી વાર્તા રહસ્યદૃષ્ટિએ ચેખૉવના કરતાં ઉતરતી છે, જો કે આપણા એ લાગણીધેલા ટીકાકારે તેને ચેખૉવના કરતાં ઉન્નત અને દિવ્ય સંદેશ આપનારી કહી, અને ચેખૉવમાંથી લીધેલી કહીને પાછી ઉતારી પાડી. તેણે રહસ્યદૃષ્ટિએ ઊતરતી કહી હોત તો મને ગમત પણ ચેખૉવથાંથી સૂચિત થયેલી કહી છે તે ખોટી ટીકા ઉપર હું ચિડાતો હતો. હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે એ ટીકાકાર પોતાનું ડહાપણ, પોતાનું વાચનજ્ઞાન, તુલના કરવાની શક્તિ, વખાણ સાથે નિંદા કરવાની કળા, અને સૌથી વધારે તો સખ્ત ટીકા કરવાની બહાદુરી બતાવવા આમ લખતો હતો. તે તેની પામરતાથી હું વધારે ચિડાતો હતો.

પ્રમીલા : પણ તમે જગતના મહાન હેતુશાસ્ત્રી આનું કારણ કેમ શોધી કાઢતા નથી. ધનુભાઈ : કારણ સ્પષ્ટ છે. લોકોમાં વાર્તાની માગ વધી છે. એટલે લેખકો પોતામાં શક્તિ છે કે નહિ તે વિચાર્યા વિના, અને શક્તિની શ્રદ્ધા વિના, પરભારી પરદેશી વાર્તાનાં અનુકરણો કરવા માંડે છે. અને ટીકાકાર પણ પછી આવાં આવાં અનુકરણો શોધી કાઢવાં એ એક જ ટીકાની દૃષ્ટિ હોઈ શકે એમ માને છે. જેમ વેપારમાં આપણા લોકા સાચો વેપાર નથી કરતા પણ માત્ર પરદેશી વેપારની દલાલી કરે છે, તેમ આપણા વાર્તાલેખકો સાહિત્ય ન લખતાં સાહિત્યના અનુવાદો કરે છે. વેપારમાં તો પરદેશી માલ પણ ઘરાકોને મળે છે પણ સાહિત્યમાં તેટલું પણ નથી મળતું. એટલે પરદેશી માલ કરતાં આ પરદેશી અનુવાદો વધારે ખરાબ છે.

ધીરુબહેન : જેમ મહાત્માજીએ ખાદી પ્રવૃત્તિ શરૂ કરી તેમ તમે પણ એક શુદ્ધ ગુજરાતી વાર્તા ઉત્પાદક મંડળી કાઢો.

પ્રમીલા : હા, હા, ભાઈ! જરૂર કાઢો.

મેં કહ્યું : એ મશ્કરી ભલે કરતાં પણ હું ગંભીર છું, જરૂર એક ક્લબ કાઢો.

ધનુભાઈ : પણ આપણી વાર્તાઓ વાંચશે કોણ ?

ધીરુબહેન : મહાત્માજી કહે છે. દરેક ધરે ખાદી ઉત્પન્ન કરી પોતાની ખાદી પાતે પહેરવી જોઈએ. આપણી વાર્તાઓ આપણે વાંચીશું.

ધનુભાઈ : ખરેખર ક્લબ કાઢીશ હોં ! પછી મારી વારતા સાંભળવી પડશે. અત્યારે મારી સૌથી વખણાયેલી વાર્તા પણ નથી વાંચતાં તે નહિ ચાલે. તેનો અભિપ્રાય આપવો પડશે, વખાણવી પડશે.

મેં કહ્યું : પણ એક શરત. વાર્તા ક્લબ અહીં ભરાવી જોઈએ, અને... હું શુષ્ક ક્લબોને નથી માનતો, તેમાં પીણાં જોઈએ !

ધનુભાઈ : કબૂલ, મારે પીણાના પ્રયોગો કરવા છે, એટલે ઠીક પડશે.

મેં કહ્યું : આપણે બધામાં અભિપ્રાય આપવાના. પીણાનો પણ અભિપ્રાય અને વાર્તાનો પણ અભિપ્રાય.

ધનુભાઈ : એ નહિ ચાલે. વાર્તા કહે તે જ મેંબર થાય.

મેં કહ્યું : મારું નામ લખો. ગમે તેવી વાર્તા કહીશ પણ પીણું નહિ જવા દઉં.

ધીરુબહેનઃ બીજું મારું નામ લખો. તમે બધા વાતો કરો અને અમે રસોડામાં બેઠાં બેઠાં તમારાં પીણાં બનાવ્યા કરીએ તે નહિ ચાલે. તમારી સાથે બેસીશ અને પીણાં બનાવતી જઈશ.

ધનુભાઈ : પણ વાર્તા વિના દાખલ નહિ કરીએ. મને સૌની વાર્તાની નિંંદા કરવાની તક મળવી જોઈએ.

ધીરુબહેન : ચીનુ માટે મેં વાર્તાઓ બનાવી છે તેટલી તમે બધાએ મળીને હજુ બનાવી નહિ હોય.

ધનુભાઈ : ત્યારે આપણે ત્રણે મેંબરો થયાં. હું, તું અને વસંતભાઈ.

પ્રમીલા : હું કેમ નહિ ?

ધનુભાઈ : “પણ તું કંઈ અહીં હંમેશ રહેવાની નથી ! તું શી રીતે મેમ્બર તરીકે હાજર રહી શકીશ ?”

પ્રમીલા : કેમ ! મારે સાસરેથી વાર્તા લખી મોકલીશ.

ધનુભાઈ : લ્યો ત્યારે રહી ગયો એક ધમલો.

મેં કહ્યું : તેને પણ કરો. આપણે એવો નિયમ કરો કે જૂની વાર્તાઓ કરી શકે તે પણ મેંબર બની શકે. કેમ ધમલા ?

ધમલો : હા શાબ. તમારા જેવી નહિ પણ અમે ગામડાના લોકો કહીએ એવી કહીશ. મેં બહુ સાંભળી છે.

મેં કહ્યું : થયું ત્યારે નિયમો કરો.

ધનુભાઈ : બે જ નિયમો. કોઈ પણ માણસ—

પ્રમીલા : સ્ત્રી અથવા પુરુષ.

ધનુભાઈ : હા, કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ નવી વાત લખીને અથવા કહીને, અથવા આપણે નહિ સાંભળેલી જૂની વાર્તા કહીને, વાર્તા ક્લબનો સભ્ય થઈ શકશે. ક્લબમાં વાર્તા લખેલી વાંચી શકાશે અથવા મોઢેથી કહી પણ શકાશે, અને તેની ટીકા થશે. હાલ તેના પાંચ કાચા સભ્યો તે વાર્તા કહેતા જશે તેમ તેમ તેના સભ્ય થતા જશે.

મેં કહ્યું : હવે ત્યારે કોઈને પ્રમુખ નીમો.

પ્રમીલા : નીમો.

મેં કહ્યું : ધનુભાઈ.

પ્રમીલા : ધીરુ બહેન.

ધનુભાઈ : ત્યારે મત લો.

મતની ચીઠ્ઠીઓ લેતાં જણાયું કે હું અને ધનુભાઈ બન્નેએ ધનુભાઈને મત આપેલ, અને ધીરુબહેન પ્રમીલાબહેન બન્નેએ ધીરુબહેનને મત આપેલ.

મેં કહ્યું : ધીરુબહેન ! પોતે પોતાને મત ન આપવા જેટલું સૌજન્ય તો બતાવવું હતું !

ધીરુબહેન : તમે મને એકલીને જ કેમ કહો છો? તમારા મિત્રને કેમ નથી કહેતા ?

મેં કહ્યું : કેમ તમે ધનુભાઈને પ્રમુખને લાયક નથી માનતાં ?

ધીરુ બહેન : માનું છું અને મને પણ લાયક માનું છું.

મેં કહ્યું : ત્યારે તેમને મત કેમ ન આપ્યો?

ધીરુબહેન : તમને મારી લાયકાત છે એમ બતાવવાની તક મેળવવા.

મેં કહ્યું : એમ ! ઠીક ત્યારે હવે ધમલો મત આપે.

ધમલો : હું શું મત આપું. મારે બન્ને સરખાં. ચિઠ્ઠી નાંખીને નક્કી કરો.

ધનુભાઈ : મારો ચિઠ્ઠી સામે વિરોધ છે. હું એવી વહેમી રીત માનતો નથી.

ધમલો : હું મારી મેળે ચિઠ્ઠી નાંખીને ઉપાડીશ અને જેનું નામ આવશે તે કહીશ.

ધમલાએ ચિઠ્ઠી નાંખીને ઉપાડી. ધીરુબહેનનું નામ નીકળ્યું.

મેં કહ્યું : લ્યો ત્યારે તમારી લાયકાત સાબીત કરો. કામ શરૂ કરો નહિતર આજના તમારા કામમાં મીંડું મુકાશે.

ધીરુબહેન : હા. તે કરીશ જ. પણ કામ શરૂ કરતા પહેલાં એકબે બાબત નક્કી કરવાની રહી જાય છે. એક તો ક્લબનું નામ શું પાડવું તે નક્કી કરો.

મેં કહ્યું : વાર્તા પરિષદ્.

પ્રમીલા : એ નામ ગુજરાતી ભાષામાં અપશુકનિયાળ છે. કંઈક બીજું રાખો.

ધનુભા : મજલિસે વાર્તા કહેતાન.

ધીરુબહેન: હિંદુમુસ્લિમ ઇત્તેફાક. પણ સાંભળો. વસંતભાઈ ફારસી જાણે છે. ફારસી નામો શોધનારી કમિટીના એક અદ્વિતીય સભ્ય તરીકે તેઓ આપણને આને મળતાં નામો આપે. કહો વસંતભાઈ !

મેં કહ્યું : મજલિસે હાકિયાન.

ધનુભાઈ: કર્ણકટુ લાગે છે.

મેં ફરી કહ્યું : હવે છેલ્લું કહું છું. નવું નહિ કહું. મજલિસે ફેસાનેગુયાન.

પ્રમીલા : કબૂલ
ધનુભાઈ:

ધીરુબહેન : પણ પ્રમુખ તરીકે હું થોડો ફેરફાર કરવા માગું છું. મજલિસો હવે ગુજરાતમાં બહુ થઈ ગઈ. આનું નામ ‘મેહિફિલે ફેસાનેગુયાન' અને હિંદુમુસ્લિમ ઇત્તેફાકની ખાતર ઉમેરવું કે ‘ઉર્ફે વાર્તાવિનોદમંડળ.’ હવે એ વિષય બંધ કરું છું અને આ મેહફિલના મંત્રી ભાઈશ્રી વસંતરાય.

મેં કહ્યું : પ્રમુખ તરીકે ઠીક સત્તા બજાવવા માંડ્યા છો!

ધીરુબહેન : નહિ. હજી મારે કામ બતાવી આપવું છે.

મેં કહ્યું : કામ તો શું બતાવવાનાં હતાં ? વાર્તા તો ઓછી જ આજે ચાલી શકશે !

ધીરુબહેન : ધમલા ! તે દિવસે રસિકાબહેન કહેતાં હતાં કે તેં બે મિત્રોની વાત બહુ સારી કહી હતી. તે વાત કહે. બોલો કોઈએ એ વાત સાંભળી છે ? (કોઈ બોલતું નથી.) કોઇને વાંધો નથી. બોલ ધમલા. તું તારે નિરાંતે વાત કર. નકામો સંકોચ રાખતો નહિ.

મેં કહ્યું : મેઘાણીની પેઠે શૂરાતન ચડે એવી રીતે કહે.

ધીરુબહેન: નહિ ધમલા ! તને ફાવે તેવી રીતે કહે. આમાંથી કોઈ લડાઈમાં જાય એવા નથી.