← શિક્ષણમાં ક્રાંતિકાર બે દેશ દીપક
દીનબંધુ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
વીરોનો પણ વીર →



દીનબંધુ


દેશમાં દુષ્કાળ પડે, રોગચાળો ફાટી નીકળે, જળપ્રલય કે કે ધરતીકમ્પ થાય, ત્યારે તો ખ્રીસ્તી મીશનરીઓની મોસમો ખુલતી, ડુંડાં લણવાની જાણે કે લાણી પડતી. હજારો અનાથ હિન્દી બચ્ચાં પાદરીઓના હાથમાં પડીને ધર્મ અને જાતિનાં અભિમાન ગુમાવતાં, મોટપણે માતૃભૂમિનાં શત્રુ બનતાં, કારણ એ હતું કે ભૂખમરાનાં માર્યા હજારો માબાપો પેટનાં સંતાનોને પણ પાદરીઓના હાથમાં જવા દેતાં અને તે પછી દુષ્કાળ વીત્યે પાદરીઓ એ બચ્ચાંને પાછાં માબાપના કબજામાં સોંપતાં નહિ. એ રીતે રાજપૂતાનાના ફક્ત એક દુષ્કાળમાંથી જ કુલ ૭૦ હજાર હિન્દુ બાળકો ખ્રીસ્તીઓને હાથ પડી ગયાં હતાં. એવે સમયે પંજાબમાં પહેલવહેલી બિનખ્રિસ્તી અનાથસહાયક ઝુંબેશ ઉપાડનાર એક લાજપતરાય જ હતા. ત્રીસ બત્રીસ વર્ષની વય એટલે તો જીંદગીનો ઉંબર લેખાય. દરમ્યાન તો પોતે ફિરોઝપૂર, મીરટ વગેરે સ્થળે અનાથ-આશ્રમો ઉઘાડી નાખ્યાં હતાં. એવે ૧૮૯૯-૧૯૦૦ના અરસામાં મધ્યપ્રાંત, રાજપૂતાના, બંગાળ વગેરે સ્થળોમાં દુષ્કાળ ફાટી નીકળ્યો. એ ચીસ લાહોરમાં લાજપતરાયને કાને પડી. એનું અંતઃકરણ પીગળી ગયું. સહાયસમિતિઓ ગોઠવી, દ્રવ્ય મેળવી, ઠેરઠેર પોતાના ધર્મ દૂતોને એણે મોકલી દીધા. ફિરોઝપુરના સુપ્રસિધ્ધ શ્રીમદ્દદયાનંદ અનાથઆશ્રમની કાર્યવાહી કરવાથી પોતાને અચ્છી તાલીમ મળી ગઈ હતી તેથી પોતે હજારો અનાથ હિન્દુઓને બચાવ્યા. એ દેખીને પાદરીઓની આંખો ફાટી ગઈ. ૧૯૦૧ માં 'દુષ્કાળ કમીશન' બેઠું. સરકારે લાજપતરાયને જુબાની આપવા તેડાવ્યા. જુબાનીમાં એણે ઉઘાડેછોગ જાહેર કર્યું કે ખ્રિસ્તીઓ અમારાં હિન્દી બચ્ચાંને આવાં સંકટોનો ગેરલાભ લઇ ઉઠાવી જાય છે તેની સામે હું ઈલાજ માગું છું : હું માગું છું કે પ્રથમ પહેલાં અનાથ બાળકોને પાછાં શોધી કરીને એનાં પોતપોતાનાં માબાપને હવાલે કરવાં; માબાપો ના પાડે તો આર્યસમાજી આશ્રમોના હાથમાં સુપરદ કરવાં; અને એ ન રાખે તો જ ખ્રિસ્તી મીશનરીઓને ભળાવવાં. સરકારે આ માગણીનો સ્વીકાર કર્યો. ખ્રિસ્તીઓનો ભક્ષ ગયો. હજારો બાળકોને હિન્દુત્વની ગોદમાં પાછાં તેડી લાવનાર લાજપત ઉપર આ મતલબી વિધર્મીઓની વક્રદૃષ્ટિ તે દિવસથી જ રમવા માંડી હતી.

ઈ. સ. ૧૯૦૫ માં કાંગડા જીલ્લો ધરતીકંપનો ભેાગ થઈ પડ્યો. એ પ્રચંડ ભૂકંપને લીધે હજારો મકાનો જમીંદોસ્ત થયાં, હજારો ગરીબો ઘરબાર વિનાનાં બન્યાં. તેઓની વહારે પણ લાજપતરાય જ ધસી આવ્યા. દ્રવ્ય ભેળું કરી, સ્વયંસેવકોનાં દળ ઊભાં કરી, અનાથઆશ્રમ ઉઘાડી એ પીડિતોના ઉગાર માટે મથ્યા. પંજાબ જેવા સ્થિતિચૂસ્ત પ્રાંતમાં અંત્યજોની સાર કોઈ હિન્દુએ લીધી નહોતી. એ 'અછૂતો' માનવજાતને મળેલા તમામ જન્મસિધ્ધ હક્કોથી બાતલ હતા. એને નહોતી શાળાઓ કે નહોતાં નવાણો. એની વહારે પણ જોશીલો લાજપત જ ચડ્યો હતો. પંજાબભરમાં એ અછૂતોદ્ધારનો મંત્ર ગુંજતા ગુંજતા ઘૂમતા. અને એના અંતરમાં અછૂતો પ્રતિની કેવી જ્વાળાઓ ઊઠી હતી તેની સાખ તો સાઈમન કમીશનના બહિષ્કાર પર પોતે વરિષ્ઠ ધારાસભામાં જે અભયભરપુર વ્યાખ્યાન દીધું તેમાંથી જડે છે: એ બેાલ્યા છે કે–

'સાહેબો, આ અણિશુદ્ધ ગોરા કમીશનની નિમણુક કરવાના બચાવમાં અમીર બર્કનહેડે એક કયો મુદ્દો આગળ ધર્યો છે, જાણો છો ? એ છે સરકારની અસ્પૃશ્યો પ્રતિની દયાનો મુદ્દો ! અસ્પૃશ્યોની હસ્તી તમે ક્યારથી સ્વીકારી ભલા ? આ દલિત વર્ગના અસ્તિત્વનું જ્ઞાન બ્રિટિશ સરકારને કયે દિવસે થયું સાહેબો ? લાગે છે કે ઈ. સ. ૧૯૧૭ થી.'

એક સભ્ય–શી રીતે ?

'શી રીતે તે હું એક ક્ષણમાં જ આપને સમજાવું છું, સાહેબ ! ઈ. સ. ૧૯૧૭ના ઓગસ્ટમાં સરકારે મહાન ઢંઢેરો પિટાવ્યો કે બ્રીટીશ રાજનીતિનું ધ્યેય હિન્દને બ્રીટીશ સામ્રાજ્યની અંદરના એક અંગ તરીકે તૈયાર કરવાનું છે. આ ઢંઢેરો હિન્દને વિષે રહેતી સમસ્ત અંગ્રેજ જનતાને, અમલદાર તેમજ બીનઅમલદાર તમામને કડવો લાગ્યો. એટલે પછી પોતાની આખી કારકીર્દિમાં પ્રથમ પહેલીવાર ૧૯૧૭-૧૮ માંજ શિક્ષણ-પ્રગતિના અહેવાલમાં અસ્પૃશ્યોની હયાતીની નોંધ લેવાણી. તે અગાઉ અંગ્રેજ સરકારની દૃષ્ટિએ આ અસ્પૃશ્યો જીવતા જ નહોતા. એણે શું કર્યું ? એણે અસ્પૃશ્યોની વસતી-ગણના કરાવી. શા માટે ? અસ્પૃશ્યોની કેળવણીની પ્રગતિ શી રીતે થઈ શકે અને એનું હિત શી રીતે સુધારી શકાય તે જાણવાના દંભી બહાના તળે પછી ? પહેલી વારના વસતી-પત્રકે અસ્પૃશ્યોની સંખ્યા ૩ કરોડની બતાવી. એ સંખ્યાને ઈ. સ. ૧૯૨૧ ની વસતી-ગણનામાં સેન્સસ કમીશનરે છલંગ મારીને સવાપાંચ કરોડની કરી નાખી. અને એણે કહ્યું કે ઘણું કરીને અસ્પૃશ્યોનો અાંકડો સાડાપાંચ ને છ કરોડની વચ્ચે હોવો જોઈએ. પછી.મી. કોટમેને કલમને એક જ ઝટકે એને નિશ્ચયપૂર્વક છ કરોડ કરી નાખી; અને આજે જે છ કરોડ અસ્પૃશ્યોની વાત સરકાર વારંવાર કરી રહી છે તે આ રીતના છ કરોડ છે ! હું પૂછું છું કે બ્રીટીશ સરકારે દોઢસો વર્ષના અમલ દરમ્યાન અસ્પૃશ્યોને માટે શું ભલું કર્યું ?'

મી. અહમદ – તમે શું કર્યું ?

લજપતરાય – મેં શું કર્યું ? કહું છું. સાંભળો. છેલ્લાં પચીસ કરતાં વધુ વર્ષોથી - ધારાસભામાં એ લોકોના પ્રતિનિધિને બેસવા દેવાનો ઇસારો સરખો થયો તેની પણ પૂર્વે ઘણાં વર્ષોથી હું અસ્પૃશ્યો માટે મારૂં કર્તવ્ય કરતો આવું છું. હું સરકાર પક્ષના દરેક સભાસદને પડકાર કરીને પૂછું છું કે બોલો, તમે છેલ્લાં પચીસ વર્ષો દરમ્યાન અસ્પૃશ્યોદ્ધાર માટે શું કર્યું છે ? અરે અત્યારે પણ – આ નવા વહીવટમાં પણ અસ્પૃશ્યોની કેળવણી અને આબાદાની ધપાવવાના અમારા નાના શા પ્રયાસો પરત્વે પણ સરકાર સામી પડે છે. અમે જ્યારે જ્યારે પંજાબમાં આ લોકો માટે કૂવા ઉઘાડવાનું કહીએ છીએ, ત્યારે એ ના પાડે છે. અમે એના બાળકો માટે ખાસ શિષ્યવૃત્તિઓ કાઢવા સૂચવીએ છીએ, તો એ પ્રસ્તાવ પર પણ નનૈયો ભણે છે. જ્યારે એક સભાસદે અસ્પૃશ્યોના શિક્ષણ માટે રૂા. નવ લાખની મંજૂરીનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે પણ સરકારે મક્કમ 'ના' સંભળાવી. અમે માગ્યું કે લશ્કરમાં અને ત્યાં નહિ તો છેવટ પોલીસ ખાતામાં તેઓની ભરતી કરો, તો સરકારનો જવાબ છે કે 'ના; અત્યારના સંજોગોમાં નહિ; કેમકે બીજા હિન્દુઓ વિરોધ કરશે.' તો પછી આ અસ્પૃશ્યો માટે ઉભરાતું હેત શાનું ? એ છે દંભી બરાડો. હું તો આંહીં બેઠેલ અંત્યજ પ્રતિનિધિ ખુદ મી. રાજાને જ આહ્‌વાન આપીને પૂછું છું કે બતાવો, સરકારે છેલ્લાં ૨૫ વર્ષોમાં તમારે માટે શું ઉકાળ્યું ? એ તો કેવળ આંખમાં ધૂળ નાખવાની વાત છે. બાકી તો શુદ્ધ વિશ્વબંધુત્વની દૃષ્ટિએ અને સદંતર નિઃસ્વાર્થભાવે એ લોકોની ઝુમ્બેશ પરત્વે પહેલ કરનારા અમે જ છીએ. અમે એ લોકોને અમારાં જ સગાં ગણ્યાં અને અમારી નમ્ર રીતિએ અમે એને છેલ્લાં પચાસ વર્ષોથી ઊંચા લેવા મથીએ છીએ. મેં પોતે પણ મારા સમયનો મોટો ભાગ અને મારી બચતની મોટી રકમો અસ્પૃશ્યો માટે જ અર્પણ કરી છે. હું પૂછું છું કે એની સામે જમા કરવા જેવું આ સરકારે અને આ ગોરા સભ્ય સાહેબોએ કશું કર્યું છે ?'

લાજપતરાયનો શબ્દેશબ્દ સત્યના પાયા પર ઉભેલ છે. એમાંનો એક પણ હરફ જૂઠો પાડવા ત્યાં કોઈ સભાસદની પાસે સાધન નહોતું; અને અસ્પૃશ્યો માટે તો જ્યારે એણે એક કરોડ રૂપિયા અંદાજપત્રમાં અલાયદા મૂકવાનો પ્રસ્તાવ વરિષ્ઠ ધારાસભામાં પેશ કર્યો હતો, ત્યારે સ્વરાજ પક્ષના પ્રતિનિધિઓ જો પ્રસ્તાવના પક્ષમાં મત આપત તો અસ્પૃશ્યોનું કામ પાકી જાત. પરંતુ બરાબર એ જ પ્રસ્તાવને સમયે, 'સદંતર વિરોધ'ની પોતાની નીતિને કારણે સ્વરાજપક્ષીઓને ધારાસભામાંથી બહાર નીકળી જવું પડેલું. તેઓ બધા બહાર પરસાળમાં જ ઊભા હતા. દૂર પણ નહોતા ગયા. સ્વમાનને પોતાનો પ્રાણ લેખનાર લાજપતરાય તે વખતે બહાર નીકળ્યા. હાથ જોડીને, પગે પડીને એણે વિનવણી કરી કે 'કોઈ પધારો ! અસ્પૃશ્યોનું ભલું થશે. ભલા થઈને અંદર પધારો !' પણ સ્વરાજવાદી સભ્યો લાઈલાજ હતા. લાજપતરાય પોતાનું સમસ્ત સ્વાભિમાન અળગું મેલીને હાથ જોડી ઊભા હતા એ અંત્યજોને માટે. છેલ્લાં ત્રણ વરસથી તો હિન્દુવટનાં પાપ ધોવાની અદમ્ય ધગશને વશ બની લાલાજી દાનવીર શેઠ બીરલાની દ્રવ્ય-સહાયથી પંજાબભરમાં અછૂતોદ્ધારને જ કામે લાગી પડ્યા હતા.

અમેરિકામાં પોતે દેશપારી ભોગવતા હતા; પેટગુજારા માટે જાતમહેનત કરી મથવું પડતું; ઘણી વાર ઘેરથી સરકારની ડખલને લીધે ખરચી આવવામાં મોડું થતું; પોતે મુંઝાઈને રડતા હોય; તે ટાણે પણ કોઈ હિન્દી વિદ્યાર્થી એની સહાય વિના એની કનેથી પાછો ન વળતો. વિદ્યાર્થીની કથની સાંભળી પોતે એટલા બધા પીગળી જતા, કે તેજ ઘડીએ ગજવામાં હાથ નાખી જે કાંઈ છેલ્લી મૂડી હોય તે રાજી થઈને આપી દેતા અને પોતે તો પૈસાને અભાવે પુત્ર પ્યારેલાલનાં ટૂંકા કપડાં પહેરીને યુરોપમાં પ્રવાસો કરતા. કોઈ કહે કે 'લાલાજી, આ ઠીક નથી લાગતાં.' પોતે હસીને જવાબ દેતા કે 'કાંઈ નહિ યાર ! એ તો ટૂંકી મુસાફરીમાં ચાલ્યું જાય.'


વીરોનો પણ વીર


ઈ. સ. ૧૯૦૭ નો મે મહિનો ચાલતો હતો. દમનદોર ચારે દિશામાં દેશને ચગદતો હતો. અને એ ઘર્ષણમાંથી અસંતોષનો અગ્નિ ફાટતો હતો; બંગાળામાં બંગભંગની સામે બિપીનચંદ્ર પાલે અાંદોલન મચાવ્યું અને બંગ-યુવકોએ