નળાખ્યાન/કડવું ૪૬
← કડવું ૪૫ | નળાખ્યાન કડવું ૪૬ પ્રેમાનંદ |
કડવું ૪૭ → |
રાગ દેશાખ. |
કડવું ૪૬ – રાગ દેશાખ.
બૃહદશ્વજી કહે કથારે, સુણો ધર્મ ભૂપાળ;
સુદેવ સાંચર્યોરે, લેઇને તે બંને બાળ.
માધવી કેશવીરે, સખી દમયંતીની જેહ;
શોભે સાહેલડીરે, જેમ પ્રાણ વહોણી દેહ.
કુંદનપુર આવિયારે, ઋષિ સખી ને સૂત;
દેખીને દોહેલારે, ભીમકે જાણ્યું થયું અકૃત.
છોરુ છેહ પામીયારે, રાયે હૃદયાસું લીધાં;
માબાપે મૂકીયારે, દીસે દામણાં બીધાં.
સુદેવ શોકે ભર્યોરે, દુઃખે દાધી દાસીની જોડી;
મીટે મીટ મળીરે, મોટે સ્વર રુદન મૂક્યાં છોડી.
જાતાં જામાત્રનેરે, જાણ્યું જોગી થઇને જાવું;
સજન સાંભર્યું રે,માડ્યું નળના ગુણનું ગાવું.
પૂછે વજ્રાવતીરે, બોલો સૂત સાહેલી;
દીકરી ક્યાં ગઇરે, બે બાળકડાંને મેલી.
નાથ નૈષધતણોરે, ગયો માયા ઉતારી;
સુદેવે વાર્તારે, ભૂપને કરી વિસ્તારી.
વિલપે વિદર્ભપતીરે,નિઃશ્વાસે સાગર સૂકે;
ભીમકની ભામિનીરે, બાળક હૃદેથી નવ મૂકે.
કુટુંબ ટોળે મળીરે, ભૂમિ સ્વયંવરની નીરખે;
દમયંતીએ ય્હાં નળ વર્યોરે, હીડ્યાંનાં પગલાં પરખે.
રાણી કહે રાયજીરે, ફરી શોધ પૂજ્યની કીજે;
જમાઇજી નવ જડેરે, તો આપણ જોગવટો લીજે.
શોધી કહાડો સર્વથારે, જો મારું જીવવું જાણો;
દીકરી મળ્યા વિનારે, મુખે નવ મૂકું જળ દાણો.
ભીમકે મોકલ્યારે, સેવક સહસ્ત્ર એક;
ખપ કરી ખોળજોરે, કહાડજો ક્ષિતિ કેરો છેક.
ઉડતી વાર્તારે, ભીમકે સાંભળી કાન;
દમયંતી એકલીરે, નળે રોતી મૂકી રાન.
વણજારે કહ્યુંરે,અમે દીઠી સરિતાને તીર;
રુપ ઘણું હતુંરે, જાણ્યું શક્તિનું શરીર.
કેશ છૂટા હતારે, વસ્ત્ર તે અડધું અંગ જાણ;
વાત ખરી મળીરે, વદતી હતી નળ નળ વાણ.
માતા વિલપે ઘણુંરે,દુઃખે દાધું અંતઃકર્ણ;
મેળાવો ક્યાં હશેરે, દીકરી રવડી પામશે મર્ણ.
વજ્રાવતી માતનેરે, નીર આવે નેણુ અષાડ;
પુત્રીને શોધવારે, સુદેવને ચહડાવ્યો પાડ.
વલણ.
પાડ ચહડાવ્યો સુદેવને, કહે રાણીને રાયરે;
ગુરુજી તમ વિના અર્થ ન સરે, એમ કહી લાગ્યાં પાયરે.