પાયાની કેળવણી/૧૬. વર્ધા શિક્ષણ પરિષદ

← ૧૫. કેટલીક ટીકાઓ પાયાની કેળવણી
૧૬. વર્ધા શિક્ષણ પરિષદ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૭. એક ડગલું આગળ →


૧૬
વર્ધા શિક્ષણ પરિષદ


[પ્ર. ૧૧માં જેનો નિર્દેશ છે તે પરિષદ તા. ૨૨, ૨૩મી ઑક્ટોબર, ૧૯૩૭, વર્ધામાં મળી હતી. જેને પછી 'વર્ધા શિક્ષણ યોજના', 'પાયાની કેળવની' કે ત્યાર બાદ ' નયી તાલીમ' કહેવામાં આવી, તેનો જન્મ આ પરિષદમાં થયો. 'ઉદ્યોગ વાટે કેળવણી' નો ગાંધીજીનો મૂળ વિચાર આ પરિષદે અપનાવ્યો અને દેશમાં તેનો પ્રયોગ પછી શરૂ થયો હતો. -સં૦]


પ્રમુખ સ્થાનેથી પ્રારંભિક વિવેચન

[ગાંધીજી સૌથી પહેલાં તો નિમંત્રનને માન આપીને આવનારાં ભાઈબહેનોનો આભાર માન્યો, ને ત્યાર પછી જે વિવેચન કર્યું તેનો સાર અહીં આપેલો છે:]

હું અહીં પ્રમુખ હોઉં કે સામાન્ય સભ્ય હોઉં, મેં જે સૂચનાઓ[૧] રજૂ કરી છે, તેને વિષે તમારો અભિપ્રાય અને તમારી સલાહ સાંભળવાને તમને સૌને અહીં બોલાવ્યાં છે. જેમનો એની સામે વિરોધ છે તેમના વિચાર મારે ખાસ કરીને સાંભળવા છે. અહીં છૂટથી વિચારોની આપલે થાય ને સહુ મન મોકળાં કરીને બોલે એમ હું ઇચ્છું છું, કેમ કે મારાથી તબિયતને અકરણે આ મિત્રોને મંડપની બહાર નહીં મળી શકાય.

મારી સૂચનાઓમાં પ્રાથમિક કેળવણી તેમ જ કૉલેજની કેળવણી બંનોનો ઉલ્લેખ કરેલો છે. પણ આપણે મુખ્યત્વે વિચાર પ્રાથમિક કેળવણીનો કરવાનો રહેશે. મેં પ્રાથમિક કેળવણીમાં માધ્યમિક એટલેકે હાઈસ્કૂલની કેળવણીનો પણ સમાવેશ કર્યો છે, કેમ કે આપણાં ગામડાંમાં થોડાક મૂઠીભર લોકોને જો કેળવણી જેવું કંઈક મળતું હોય, તો તે પ્રાથમિક કેળવણી છે. ૧૯૧૫થી માંડીને કરેલાં મારાં અનેક ભ્રમણોમાં મેં સેંકડો ગામડાં જોયાં છે. ગામડાંનાં જે છોકરાછોકરીઓ મોટો ભાગ નિરક્ષર છે તેમની જરૂરિયાતની જ હું વાત કરું છું. કૉલેજની કેળવણીનો મને કશો અનુભવ નથી, જોકે હું સેંકડો કૉલેકિયનોના સંપર્કમાં આવ્યો છું, મેં તેમની સાથે દિલ ખોલીને વાતો કરેલી છે, તેમની સાથે પત્રવ્યવહાર કર્યા છે, એમની હાજતો, ખામીઓ ને તેમનો વ્યાધિ પણ હું જાણું છું. પણ અહીં આપણે કેવળ પ્રાથમિક કેળવણીનો જ વિચાર કરીએ. કેમ કે જે ક્ષણે આ મુખ્ય પ્રશ્નનો નિકાલ આવશે, તે ક્ષણે જ કૉલેજની કેળવણીનો પ્રશ્નનો પણ નિકાલ આવી જશે.

મારો તો દૃઢ અભિપ્રાય છે કે, અત્યારની પ્રાથમિક કેળવણીની પદ્ધતિમાં કેવાળ બગાડ જ નથી પણ એથી ચોખ્ખી હાનિ થાય છે. ઘણાખરા છોકરા માબાપ સાથેનો સંબંધ છોડી દે છે ને માબાપના ધંધાને પણ તિલાંજલિ આપે છે. તેઓ અનેક કુટેવો શીખે છે, શહેરી ઢબે વર્તવા જાય છે, ને કંઈક જેવું તેવું શીખે છે એ બીજું ગમે તે હોય પણ કેળવણી નથી હોતી. મને લાગે છે, આનો ઇલાજ એ છે કે, એમને ઉદ્યોગ કે હાથપગની કેળવણી દ્વારા શિક્ષણ આપવું. મને એનો કંઈક અનુભવ છે, કેમ કે મેં દક્ષિણ અફ્રિકામાં મારા દીકરાને અને બીજાં છોકરાંને ટૉલ્સટૉય ફાર્મમાં એવી કેળવણી આપી છે. એમાં અબ્ધી કોમનાં ને બધા ધર્મનાં છોકરાં હતાં; સારાંનરસાં બંને જાતનાં હતાં. તેમને હું સુતારી કે ચંપલ સીવવા જેવા કંઈક ઉદ્યોગ દ્વારા કેળવણી આપતો. એ ઉદ્યોગ હું કૅલનબૅકની પાસેથી શીખેલો ને તેઓ તે એક ટ્રોપિસ્ટ સંપ્રદાયના ખ્રિસ્તી સાધુઓના મઠમાંથી શીખી લાવેલા. મને એવો વિશ્વાસ છે કે, મારા દીકરાઓને ને એ બાળકોને એથી કશું નુકશાન થયું નહોતું, જોકે મને પોતાને કે એમને સંતોષ થાય એવી કેળવણી હું આપી શક્યો નહોતો; એનું કારણ એ હતું કે, મારી પાસે વખત બહુ ઓછો હતો ને મારી પાસે કામો ઢગલાબંધ આવી પડેલાં હતાં.

હું જે વસ્તુ પર કહસ ભાર મૂકું છું તે ઉદ્યોગ નથી, પણ ઉદ્યોગ દ્વારા કેળવણી છે. અક્ષરજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત વિજ્ઞાન વગેરે બધાનું જ્ઞાન ઉદ્યોગશિક્ષણ વાટે આપવું જોઈએ. કોઈ કદાચ એવો વાંધો ઉઠાવે કે, મધ્ય યુગમાં ઉદ્યોગ સિવાય બીજું કશું શીખવાતું નહોતું. પણ એ વખતે ઉદ્યોગશિક્ષણનો ઉદ્દેશ કંઈ કેળવણી આપવાનો નહોતો. આ જમાનામાં માણસો બાપદાદાના ધંધા ભૂલી ગયા છે, કારકુની કે ગુમાસ્તી કરતા થઈ ગયા છે, ને ગામડાંને એમનો કશો લાભ મળી શકતો નથી. એનું પરિણામ એ આવ્યું કે, તમે ત્યાં જાઓ, પણ સામાન્ય ગામડામાં કુશળ સુતાર કે લુહાર મળવો અશક્ય થઈ ગયો છે; હાથના ઉદ્યોગો લગભગ ભૂંસાઈ ગયા છે; અને રેંટિયાની આપણે ત્યાં ઉપેક્ષા થઈ એટલે તેને લૅંકશાયર લઈ જવામાં આવ્યો, અને ઉદ્યોગો ખીલવવાની અંગ્રેજોની કુશળતાને પ્રતાપે એનો વિકાસ આપણે આજે જોઈએ છીએ એટલો બધો થવા પામ્યો છે. આ કહું છું તેનો યાંત્રિક ઉદ્યોગો વિષેના મારા વિચારો જોડે જરાયે સંબંધ નથી.

આનો ઇલાજ એ છે કે, કોઈપન હાથ ઉદ્યોગની આખી કળા ને તેનું આખું શાસ્ત્ર વ્યવહરુ શિક્ષણ દ્વારા શીખવવાં, અને એ ઉદ્યોગ વાટે કેળવણી આપવી. દાખલા તરીકે, તકલી પર કાંતતા શીખવવું હોય તો તેને અંગે રૂના અનેક પ્રકારો, હિંદુસ્તાનના જુદા જુદા પ્રાંતોની જમીનના ભિન્ન ભિન્ન પ્રકારો, આ ઉદ્યોગોના નાશનો ઇતિહાસ, એનાં રાજકીય કારાણો (જેમાં હુંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યનો ઇતિહાસ આવે), ગણિત વગેરેનું જ્ઞાન આપવું આવશ્યક થઈ પડે. આ અખતરો હું મારા પૌત્ર પર અજમાવી રહ્યો છું. એ બાળકને ભાગ્યેજ ખબર પડે છે કે એને શિક્ષણ અપાય છે, કેમ કે એ તો આખો વખત રમે કૂદે છે, હસે છે ને ગાય છે.

તકલીનું નામ હું એટલા સારુ દઉં છું કે, તમે મને એને વિષે સવાલો પૂછો. તકલી વિષે મને ઘણી ખબર છે; એની શક્તિ ને એમાં રહેલું કાવ્ય મેં નિહાળ્યાં છે. વળી વસ્ત્ર બનાવવાનો હાથ ઉદ્યોગ એવો છે જે બધે શીખવી શકાય. વળી તકલીમાં ખરચ કશું કરવું પડતું નથી. એની કિંમત સિદ્ધ થઈ ચૂકેલી છે. રચનાત્મક કાર્યક્રમનો જેટલો અમલ થયો તેને લીધે સાત પ્રાંતોમાં મહાસભાનાં પ્રધાનમંડળો રચાયા છે, અને જેટલે અંશે આ કાર્યક્રમનો અમલ થશે તેટલે અંશે એ પ્રધાનમંડળોને સફળતા મળવાની છે.

મેં સાત વરસનો અભ્યાસક્રમ કલ્પેલો છે. એટલામાં તકલીનું શિક્ષણ વધતાં વધતાં વણાટનું વહેવારુ જ્ઞાન સુધી (રંગાટા, ભાત પાડવી વગેરે સહિત) પહોંચ્યું હોય. આપણે જેટલું કાપડ પેદા કરીએ એટલાને માટે ઘરાકી તો તૈયાર જ પડેલી છે.

શિક્ષકનો ખરચ તેના વિદ્યાર્થીઓના ઉદ્યોગના ફળમાંથી નીકળે એ વસ્તુનો મને ઘણો આગ્રહ છે એનું કારણ એ છે કે, આપણાં કરોડો બાળકો સુધી કેળવણી પહોંચાડવા માટે બીજો રસ્તો નથી. આપણને એટાલી આવક મળી રહે, વાઈસરૉય લશ્કરી ખરચ ઘટાડે, વગેરે વસ્તુઓ બને, ત્યાં સુધી રાહ જોતાં બેસવું આપણને પાલવે નહીં. એટલું યાદ રાખવાનું છે કે, આ પ્રાથમિક કેળવણીમાં ઘર, આંગણાં ને રસ્તાની તેમ જ શરીર સફાઈ, શરીરનું આહાર દ્વારા પોષન વગેરેનાં મૂળતત્ત્વો, પોતાનું કામ જાતે કરી લેવાની ટેવ, ઘેર માબાપને મદદ કરવાની ટેવ, વગેરેનો સમાવેશ થશે. આજના જમાનાના છોકરાઓને સ્વચ્છતા કે સ્વાશ્રયનું ભાન નથી હોતું ને તેમનાં શરીર નમાલાં હોય છે. એટલે હું તો બાળકોને સંગીતમય કવાયત વગેરે ફરજિયાત શારીરિક કેળવણી આપું.

હું અક્ષરજ્ઞાનનો વિરોધી છું એવો આરોપ મારા પર મૂકવામાં આવ્યો છે. મારે તો ફક્ત અક્ષરજ્ઞાન કેમ અપાય એનોરસ્તો બતાવવો છે. મારી સૂચનામાં સ્વાવલંબન વિષેના ભાગની સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એ આક્ષેપ કરનારા કહે છે કે, આપણે ખરું જોતાં કરોડો રૂપિયા પ્રાથમિક કેળવણી પાછળ ખરચવા જોઈએ તેને બદલે આપણે તો બાળકોનું શોષણ કરવા માગીએ છીએ. પાર વિનાનો બગાડ થશે એવી પણ બીક કેટલાકને છે. એ બીક અનુભવે ખોટી ઠરેલી છે. બાળકોનું શોષણ કરવાનીકે તેમના પર બોજો નાખવાની વાત વિષે તો હું કહું કે, બાળકોને આફતમાંથી બચાવવું એનો અર્થ તેના પર બોજો નાખ્યો એવો થાય ખરો કે? તકલી એ તો એક રમકડું છે. એ ઉત્પાદ્ક રમકડું છે એટલા માટે કંઈ રમકડું મટી નથી જતું. આજે પણ બા।અલો તેમનાં માબાપને અમુક અંશે તો મદદ કરે જ છે. સેગાંવના બાળકો ખેતીની વિગતો મારા કરતાં વધારે જાણે છે, કેમ કે તેઓ તેમનાં માબાપની જોડે ખેતરોમાં કામ કરે છે. બાળકને આપણે કાંતવાનું ને માબાપને ખેતીના કામમાં મદદ કરવાનું ઉત્તેજન આપીશું તેની સાથે તેમનામાં એવી ભાવના પણ પેદા કરીશું કે, તે કેવળ એનાં માબાપનો જ નથી, પણ ગામનો અને દેશનો પણ છે, અને તેમને એણે કંઈક વળતર આપવું જ જોઈએ. પ્રધાનોને હું કહું કે, તેઓ બાળકોને કેળવણીની ભીખ આપશે તો તેમને અપંગ બનાવી મૂકશે. તેઓ પોતાની કેળવણીનું ખરચ જાતમહેનતથી આપે એવી ગોઠવણ કરીને પ્રધાનો એ બાળકોને આત્મશ્રદ્ધાવાળાં ને બહાદુર બનાવશે.

આ પદ્ધતિ હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી સૌને એકસરખી લાગુ પડશે. મને એક જણે પૂછ્યું કે, તમે ધાર્મિક શિક્ષન કેમ દાખલ કરતા નથી? એટલા માટે કે, હું બાળકોને વ્યવહારુ ધર્મ - સ્વાવલંબનનો ધર્મ શીખવું છું.

આ રીતે શિક્ષણ પામેલા સર્વ વિદ્યાર્થીઓને નોકરીની જરૂર હોય તો તે આપવાને રાજ્ય બંધાયેલું છે. શિક્ષકો મેળવવા માટે અધ્યાપક શાહે ફરજિયાત સેવા લેવાનું સૂચવ્યું છે. ઇટલી અને બીજા દેશોના દાખલા ટાંકીને એમણે એ પદ્ધતિની ઉપયોગિતા સિદ્ધ કરી છે. મુસોલિની જો ઇટલીના જુવાનોને એના દેશની સેવા માટે ફરજિયાત ભરતી કરી શકે, તો આપણે કેમ ન કરી શકીએ? આપણા જુવાનો શિક્ષન લીધા પછી ધંધો શરૂ કરે તે પહેલાં એમની પાસેથી એક કે વધારે વરસ ફરજિયાત સેવા લેવી એને ગુલામી એ નામ આપવું ઉચિત છે ખરું? જુવાનોએ ગયાં સત્તર વરસમાં સ્વાતંત્ર્યની હિલચાલને સફળ કરવામાં મોટો ફાળો આપ્યો છે, અને હું તો એમને જિંદગીનું એક વરસ રાષ્ટ્રની સેવામાં આપવાની વિનંતી જરૂર કરું. આ બાબતમાં કાયદો કરવાની જરૂર પડે તો તે બળાત્કાર નહીં ગણાય, કેમ કે એ આપણા પ્રતિનિધિઓના મોટા ભાગની સંમતિ વિના પસાર નહીં કરી શકાય.

એટલે હું તમને પૂછું છું કે, ઉદ્યોગ દ્વારા શિક્ષણ આપવાની કલ્પના તમને ગમે છે કે નહીં ? હું તો એ સ્વાવલંબી થાય એને એની સફળતાની કસોટી ગણું. સાત વરસની આખરે બાળકો પોતાની કેળવણીનો ખરચ આપતાં ને કંઈક કમાણી કરતાં થવા જોઈએ.

કૉલેજની કેળવણી એ મોટે ભાગે શહેરનો પશ્ન છે. એ કેળવણી પ્રાથમિક કેળવણીની પેઠે સર્વથા નિષ્ફળ ગઈ છે એમ હું ન કહું, જો કે એનાં પરિણામ ઠીક ઠીક નિરાશાજનક ગણાય. એક પણ ગ્તૅજ્યુએટ બેકાર શા સારુ હોવો જોઈએ?

તકલીનો દાખલો મેં આપ્યો છે તે એટલા માટે કે, વિનોબાને એનો સૌથી વધારે વહેવારુ અનુભવ છે, ને એની સામે કંઈ વાંધા ઊઠશે તો તેનો જવાબ આપવાને વિનોબા અહીં બેઠેલા છે. કાકા સાહેબ પણ ત્મને કંઈક કહી શકશે, જોકે એમનો અનુભવ વ્યવહારિક કરતાં તાત્ત્વિક વધારે ગણાય. કાકાસાહેબે જનરલ આર્મસ્ટ્રૉંગના પુસ્તક 'એજ્યુકેશન ફૉર લાઈફ' (જીવનની કેળવણી) તરફ, ખાસ કરીને એમનાં 'હાથની કેળવણી' વિષેના પ્રકરન તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું. સ્વ.મધુસૂદન દાસ વકીલ હતા, પણ એમને ખાતરી થઈ ગઈ હતી કે, આપણા હાથપગના વાપર વિના આપણાં મગજ જડ થઈ જવાનાં છે, અને કામ કરશે તોયે તે સેતાનના વાસ બની જવાનાં છે. ટૉલ્સટૉયે એની અનેક વાર્તાઓ દ્વારા એ જ પાઠ શીખવ્યો છે.

[સ્વાવલંબી પ્રાથમિક કેળવણીની પોતાની યોજનાના પાયામાં રહેલું મૂળભૂત તત્ત્વ સમજાવતાં ગાંધીજીએ કહ્યું:]

આપણે ત્યાં કોમ કોમના ઝઘડા થાય છે - આપણે ત્યાં જ થાય છે ને બીજે નથી થતાં એવું અન્થી. ઇંગ્લંડમાં પણ 'ગુલાબોનાં યુદ્ધ' થયેલાં, અને આજે બ્રિટિશ સામ્રાજ્યવાદ જગતનો શત્રુ છે. આપને કોમી વિખવાદ અને આંતરરાષ્ટ્રીય વિખવાદની જડ કાધવી હોય, તો મેં બતાવી છે એવી કેળવણી પર નવી પેઢીને ઊછેરીને શુદ્ધ ને સબળ પાયાથી જ શરૂઆત કરવી જોઇએ. એ યોજનાનો ઊગમ અહિંસામાંથી છે. મેં એ રાષ્ટ્રના સંપૂર્ન દારૂબંદી કરવાના નિર્ધારને અંગે સૂચવેલી, પણ હું તમને કહેવા ઇચ્છું છું કે, આવકની ખોટ જવાની ન હોત ને આપણી તિજોરી ભ્રપૂર હોત તોપણ, જો આપણે આપણા છોકરાઓનેશહેરી ન બનાવી દેવા હોય તો, આ કેળવણી અતિ આવશ્યક છે. આપણે એમને આપણા સંસ્કારના, આપની સંસ્કૃતિના, આપણા રાષ્ટ્રના સાચા પ્રાણના પ્રતિનિધિ બનાવવા છે. એ આપણને એમને સ્વાવલંબી પ્રથમિક કેળવણી આપ્યા વિના ન કરી શકીએ. યુરોપનો દાખલો આપણે માટે નથી. એ એના કાર્યક્રમો હિંસાની દૃષ્ટિએ ગોઠવે છે, કેમ કે એને હિંસા પર વિશ્વાસ છે. રશિયાએ જે સિદ્ધિ મેળવી છે તેને હું તો ઉતારી પાડું, પણ એ આખું મંડાણ બળજબરી ને હિંસા પર રચાયેલું છે. જો હિંદુસ્તાને હિંસાનો ત્યાગ કરવાનો નિર્ધાર કર્યો હોય, તો આ શિક્ષણ-પદ્ધતિ એ તેને માટેની સાધનાનું એક આવશ્યક અંગ છે. આપણને કહેવામાં આવે છે કે, ઇંગ્લંડ કેળવણીની પાછળ કરોડો રૂપિયા ખરચે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે, એ બધી દોલત બીજાઓને લૂંટીને મેળવવામાં આવે છે. એ લોકોએ શોષણની કળાનું એક સંપૂર્ણ શાસ્ત્ર બનાવી મૂક્યું છે, એટલે એમને એમના છોકરાઓને એવી ખરચાળ કેળવણી આપવી પોસાય. આપણે બીજાને ચૂસવાનો વિચાર કરી શકવાના નથી, કરવાના નથી, એટલે આપણી પાસે અહિંસા પર રચાયેલી આ શિક્ષણપદ્ધતિ સિવાય બીજો રસ્તો જ નથી.

[ઠરાવ પર થયેલી ચર્ચામાં કેટલીક ટીકાઓના ગાંધીજીએ જવાબ આપ્યા, તેમાં કહ્યું : ]

તકલી એ એક જ ઉદ્યોગ નથી, પન એ એક જ એવી છે ખરી જે બધે દાખલ કરી શકાય. કઈ નિશાળને કયો ઉદ્યોગ અનુકૂળ આવે છે એ જોવાનું કામ પ્રધાનોનું રહેશે. જેમને યંત્રોનો મોહ છે તેમને હું ચેતવણી આપવા ઇચ્છું છું કે, યંત્રો પર ભાર દેવાથી માણસોનાં યંત્રો બની જવાનું પૂરેપૂરું જોખમ રહેલું છે. જેઓ યંત્રયુગમાં વસવા માગતા હોય તેમને માટે મારી યોજના નકામી થશે, પણ એમને હું એટલું પણ કહું કે, ગામડાંની પ્રજાને યંત્રો વડે જીવતી રાખવી અશક્ય છે. જ્યાં ત્રીસ કરોડ જીવતાં યંત્રો પડ્યાં છે ત્યાં નવાં જડ યંત્રો લાવવાની વાત કરવી નિરથક છે, ડૉ ઝાકીર હુસેને કહ્યું કે, આદર્શની ભૂમિકા ગમે તેવી હોય તોયે આ યોજના કેળવણીની દૃષ્ટિએ સંગીન છે. એમનું એ કહેવું બરાબર નથી. એક બહેન થોડા દિવસ પર મને મળવાં આવ્યાં હતાં, તેમણે મને કહ્યું કે, અમેરિકાની 'પ્રોજેક્ટ' પદ્ધતિ અને મારી પદ્ધતિ વચ્ચે ઘણો જ મોટો ભેદ છે. પણ તમારે ગળે મારી યોજના ઊતરે તોયે એ સ્વીકારો એવું હું નહીં કહું. જો આપણા પોતાના માણસો ન્યાયથી વર્તે, તો આ નિશાળોમાંથી ગુલામો નહીં પણ સંપૂર્ન કારીગરો પેદા થાય. બાળકો પાસેથી લીધેલી કોઈ પણ પ્રકારની મહેનતની કિંમત કલાકે બે પૈસા જેટલી તો થવી જ જોઈએ. પણ તમે મારા પ્રત્યેના આદરને લીધે કશું પણ ન સ્વીકારશો. હું મૃત્યુને દ્વારે બેઠેલો છું, અને કંઈ પન વસ્તુ જળજબરીથી લોકો પાસે કબૂલ કરાવવાનો મને સ્વપ્ને પન વિચાર ન આવે. આ યોજના પૂરા ને પાકા વિચાર પછી જ સ્વીકારવા જોઈએ, જેથી એ થોડા વખતમાં છોડી દેવી ન પડે. હું અદ્યાપક શાહે અખેલી વાતમાં સંમત છું કે, જે રાજ્ય તેનાં બેકારોને માટે જોગવાઈ ન કરી શકે તેની કશી કિંમત નથી. પણ એમને ભીખનો ટુકડો આપવો એ કંઈ બેકારીનો ઇલાજ નથી. હું તો એમાંના દરેક જનને કામ આપું ને એમને પૈસા નહીં તો ખોરાક આપું. ઈશ્વરે આપણને સરજ્યા છે તે ખાઈપીને મોજ કરવા સારુ નહીં, પણ પરસેવો પાડીને આજીવિકા કમાવા સારુ.


[ગાંધીજીની સૂચના પર ચર્ચા થઈ ને આખરે પરિષદમાં કરવામાં આવ્યા તે ઠરાવો આ પ્રમાણે હતા:]

"૧. આ પરિષદનો અભિપ્રાય એવો છે કે, સાત વરસ લગીની મફત અને ફરજિયાત કેળવણી રાષ્ટ્રવ્યાપી પાયા પર અપાવી જોઈએ.

૨. કેળવણી જન્મભાષા દ્વારા અપાવી જોઈએ.

૩. આ આખા સમય દરમ્યાન કેળવણીનું મધ્યબિંદુ કોઈ પ્રકારનું શારીરિક અને ઉત્પાદક કામ હોવું જોઈએ, અને બાળકનું વાતાવરણ લક્ષમં રાખીને પસંદ કરેલા મધ્યવર્તી હાથૌદ્યોગની જોડે બને ત્યાં સુધી અનુસંધાન રહે એવી રીતે, તેની અબ્ધી શક્તિઓનો વિકાસ થવો જોઈએ કે શિક્ષણ અપાવું જોઈએ.

૪. આ પરિષદ અપેક્ષા રાખે છે કે, આ શિક્ષન પદ્ધતિમાંથી ધીરે ધીરે શિક્ષકોનો પગર નીકળી રહેશે."

આ પછી, આ ઠરાવોને ધોરને અભ્યાસક્રમની યોજના [૨] પ્રાંતોના પ્રધાનો પરિષદના ઠરાવોનો અમલ કરી શકે એવી ઢબની, તૈયાર કરવાને અને પરિષદના પ્રમુખની આગળ એક મહિનાની અંદર હેવાલ રજૂ કરવાને નીચેના સજ્જનોની એક સમિતિ નિમાઈ :

ડૉ. ઝાકિર હુસેન (પ્રમુખ)
શ્રી આર્યનાયકમ્ (મંત્રી)
શ્રી ખ્વાજા ગુલામ સૈયફુદ્દીન
શ્રી વિનોબા ભાવે
શ્રી કાકાસાહેબ કાલેલકર
શ્રી કિશોરલાલ મશરૂવાળા
શ્રી જે. સી. કુમારપ્પા
શ્રીકૃષ્ણદાસ જાજૂ
શ્રી અધ્યાપક ખુશાલ શાહ
શ્રીમતી આશાદેવી

બીજાં નામો ઉમેરવાની સત્તા સાથે.


[પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ પરિષદનો ઉપસંહાર કરતાં કહ્યું :]

તમે સૌ ભાઈબહેનો અહીં આવ્યાં ને મને આ કામમાં સાથ આપ્યો તેને સારુ હું તમારો આભારી છું. તમારી પાસે હજુ વધારે સહકારની આશા હું રાખીશ, કેમ કે આ પરિષદ તો અહ્જુ પહેલી છે ને એવી તો ઘણી પરિષદો આપણે ભરવી પડશે. માલવીયજી મહારાજે મને ચેતવનીનો તાર મોકલ્યો છે, પણ એમને તો હું આશ્વાસન આપી ચૂક્યો છું કે, આ પરિષદમાં અંતિમ નિર્ણયો થવાના નથી, એ શોધકોની પરિષદ છે, અને દરેક જણને સૂચના અને ટીકા આપવાને નિમંત્રણ અપાયું છે. કોઈ પણ ચીજ ઝપાટાભેર પરાણે કરાવી નાખવાનો મારો જરા પણ વિચાર નથી. રાષ્ટ્રીય શિક્ષણ અને દારૂબંધીની કલ્પનાઓ અસહકારના જેટલી જૂની છે. પણ એ ચીજ એના અત્યારના રૂપમાં તો મને દેશના બદલાયેલા સમ્જોગોમાં સૂઝેલી છે.

ह० बं० ૩૧-૧૦-'૩૭

  1. આ સૂચનાઓ જુઓ 'રાષ્ટ્રીય કેળવણીકારોને' પ્ર૦ ૧૧ માં આપી છે
  2. (આ યોજના હવે પુસ્તકાકારે બહાર પડી છે. તેમ જ हरिजनबंधू ના ૧૨-૧૨-'૩૭ના અંકમાંથી તેમાં પણ અપાઈ છે.)