પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પણ તેને માટે આદર ઉત્પન્ન થયો. વસુભૂતિએ પોતાના શિષ્ય કોઈ પણ શેઠદ્વારા રાજસભામાં તેનો પ્રવેશ કરાવી આપવાનું ચાણક્યને વચન આપ્યું, પરંતુ ચાણક્યે હાલમાં એ પંચાતમાં પડવાની તેને ના પાડી. કારણ કે, એકદમ રાજસભામાં જવાથી કદાચિત કોઈ ઓળખી કાઢે અને જો કોઈ ઓળખી કાઢે તો થવાનું કાર્ય ત્યાં જ રહી જાય અને મહીંથી વળી બીજો જ બૂટ્ટો જાગે; માટે હાલ તો ત્યાં શું થાય છે, તે દૂર દૂરથી જ જોયા કરવાનો અને જ્યાં યોગ્ય લાગે ત્યાં પ્રવેશ કરવાનો ચાણક્યે નિશ્ચય કર્યો. રાજસભામાં પ્રવેશ કરવાની ચાણક્યની ઇચ્છા હતી જ નહિ. રાજસભામાં પ્રવેશ કરી પોતાની વિદ્વત્તાનું દર્શન કરાવીને રાજાશ્રય મેળવવાની તેની મનોભાવના નહોતી; કિન્તુ મુરાદેવીને મળીને તેને પોતાના પક્ષની કરી લેવાનો જ તેનો અંતસ્થ હેતુ હતો. પોતાના પ્રયત્નમાં સફળતા મળવાનો અને પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાનો તેને સંપૂર્ણ રીતે ભાસ થઈ ચૂક્યો હતો અને તેથી હવે પછી શું કરવું? એનો પણ તેણે મનમાં નિશ્ચય કરી રાખ્યો હતો. રાજા અને તેના કુળનું ઉચ્છેદન કરીને તેના સ્થાને ચન્દ્રગુપ્તની યેાજના કરવા માટેના જે જે ઉપાયો હતા, તેમાંનો પ્રથમ ઉપાય એ હતો કે, રાજગૃહમાં ભેદ-કલહ ઉત્પન્ન કરવો અને એ કલહ ઉત્પન્ન કરવા માટે મુરાદેવી જેવું સાધન મળી જવાથી, પોતાનું કાર્ય અવશ્ય સિદ્ધ થશે જ, એવો ચાણક્યનો નિર્ધાર થઈ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, “ત્યારે હવે અમલમાં ઢીલ કરવી ન જોઈએ, પાટલિપુત્રમાં આવતી વેળાએ કેવી રીતે કાર્યનો આરંભ કરવો, એની જે ભીતિ હતી, તે હવે દૂર થઈ ગઈ છે. તૈયાર ભોજનના થાળ પ્રમાણે આ મુરાદેવીનું સાધન અચિન્ત્ય હસ્તગત થએલું છે, માટે જો એ સાધનને યોગ્ય સમયે ઉપયોગ કરવામાં ન આવે, તો તેમાં દોષ કોનો ગણાય? મારો જ.” એવો વિચાર કરીને તેણે મુરાદેવીને મળવા માટે શો ઉપાય કરવો જોઈએ, એ વિશે વિચાર કરવા માંડ્યો, પ્રત્યેક સોમવારે મુરાદેવી કૈલાસનાથનાં દર્શનમાટે આવે છે, ત્યાં કોઈ પણ યુક્તિથી તેનો ભેટો થઈ શકશે; એમ તેને સિદ્ધાર્થકે સૂચવેલું હતું. પરંતુ એવી રીતે મેળાપ કરવાથી લાભની રંચમાત્ર પણ આશા હતી નહિ. ચાણક્ય તેને જુદી રીતે જ મળવા માગતો હતો અને તેમ થાય, તો જ તેને પોતાના કાર્યની સિદ્ધિ થવાની આશા હતી. અન્યથા નહિ. માટે જ તેણે કૈલાસનાથના દેવાલયમાં તેની મુલાકાત કરવાનો પ્રયત્ન કર્યો નહિ; કોઈ બીજા જ માર્ગે તેને મળવાનો તે વિચાર કરવા લાગ્યો.