એક દિવસે રાત્રે વૃન્દમાલા વસુભૂતિ પાસેથી જરાક વહેલી જ ઊઠી
અને રાજમહાલય પ્રતિ જવાને નીકળી. ચાણક્ય પણ તેની સાથે જ ઊઠ્યો
અને નિત્ય પ્રમાણે શ્રી કૈલાસનાથના મંદિરમાં જવાને બદલે વૃન્દમાલા
સાથે વાતો કરતો કરતો આગળ વધવા લાગ્યો, “મારો પરિચારક સાથે છે,તો પછી
આપ રાત્રે શા માટે શ્રમ લ્યો છો?” એમ વૃન્દમાલાએ વિનયથી તેને કહ્યું.
પરંતુ એનું “કાંઈ ચિન્તા જેવું નથી. મને વહેલી નિદ્રા આવતી નથી અને
તને આજે કાંઈક ગુપ્ત વાત કહેવાની છે, તેથી જ હું તારી સાથે આવું
છું.” એવું ઉત્તર આપીને ચાણક્યે પોતાને ચાલવાનો વ્યાપાર ચાલુ જ
રાખ્યો. “ચાણક્ય એવી તે શી ગુપ્ત વાર્ત્તા કહેવાનો હશે ?” એ વિચારથી
વૃન્દમાલાના મનમાં વિસ્મયતા થવા લાગી.
થોડોક માર્ગ કાપી ગયા પછી ચાણક્ય વૃન્દમાલાને ઉદ્દેશીને બોલવા લાગ્યો કે, “વૃન્દમાલે ! હું કોણ છું અને ક્યાંથી આવેલો છું, ઇત્યાદિ કથા આજ સૂધી મેં તને કહી નહોતી સંભળાવી; પરંતુ આજ તે સંભળાવું છું તે સાંભળ. હું કિરાત રાજા તરફથી અહીં કોઈ કાર્ય માટે આવેલો છું - અથવા આવ્યો હતો, એમ કહીશું તો પણ ચાલશે; કારણ કે, હવે તે કાર્ય કરવાનું બાકી રહ્યું નથી. તથાપિ એકવાર મુરાદેવીને મળીને હું કોણ, શા માટે અહીં આવ્યો હતો અને કિરાત રાજાએ મને શા કારણથી અહીં મોકલ્યો હતો, એ સઘળું જણાવી તેની આજ્ઞા લઈને જવું, એ જ મને યોગ્ય જણાય છે. અર્થાત્ હું તને એક પત્રિકા આપીશ, તે જો તું મુરાદેવીને પહોંચાડીશ, તો ઘણો જ આભાર થશે. વૃન્દમાલે ! પોતાની ભગિનીનું આવું અપમાન થએલું સાંભળીને કિરાત રાજાના મનમાં જે ખેદ થયો હતો, તે ન વર્ણવી શકાય તેવો છે ! પરંતુ રાજા ધનાનન્દ વિશેષ બલવાન્ અને તે પોતે અલ્પ શક્તિમાન હોવાથી પોતાના બનેવી સાથે વિશેષ કલહ કરવાનું તેણે યોગ્ય ધાર્યું નથી. પરંતુ મુરાદેવીની માતા માયાદેવીથી એ સહન ન કરી શકાયું અને તેથી તેણે પોતાના પુત્ર કિરાત રાજાને કહ્યું કે, “આટલાં વર્ષ તો તેં આલસ્યમાં વીતાડ્યાં તે વીતાડ્યાં, પણ હવે તો કોઈપણ ઉપાય યોજીને તારી ભગિનીને એ દુષ્ટ રાજાના કારાગૃહમાંથી મુક્ત કરીને અહીં લઈ આવ. મારી વૃદ્ધાવસ્થા થએલી છે માટે મારી પુત્રીનું મુખદર્શન કર્યા વિના હવે મારાથી રહી નથી શકાતું.” એવી રીતે તેણે પ્રદ્યુમ્નદેવને કહ્યું, એટલે તેણે મને પાટલિપુત્રની સ્થિતિ શી છે અને આપણે મુરાદેવીને બંધનમુક્ત કરવાનો પ્રયત્ન કરીએ, તો તેમાં વિજય મળે ખરો કે નહિ, ઇત્યાદિ માહિતી મેળવવા માટે જ અહીં મોકલેલ છે. સુમાલ્યનો યૌવરાજ્યાભિષેક થવાનો હતો, તે વેળાએ