પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

અને, “આ૫ પત્ર આપશો તો તે હું દેવીને પહોંચાડવાની જ, પરંતુ આપે મોઢેથી કહી સંભળાવેલો આ સઘળો વૃત્તાંત પણ હું તેને જણાવીશ. મુરાદેવી આપને મળશે અને આપના મુખથી માયાદેવી તથા પ્રદ્યુમ્નદેવના વૃત્તાંત સાંભળશે એટલે તેને ઘણો જ આનંદ થશે.” એવી રીતે તેનું કાર્ય કરી આપવાનું આશ્વાસન દીધું. એ સાંભળીને ચાણક્ય મોટેથી હસ્યો, અને વૃન્દમાલાને કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે, તારી જ સ્વામિનીનું કાર્ય હોય અને તે તને જ સોંપવામાં આવે, તો પછી તેની સિદ્ધિ માટે શંકા કરી જ કેમ શકાય ? ખરેખર તારો મુરાદેવી માટેનો પ્રેમ જોઇને મારા હૃદયમાં વિલક્ષણ આનંદની ભાવના થયા કરે છે. પરિચારિકા હોય, તો તારા જેવી જ હોવી જોઇએ. પરમેશ્વર તને ચિરાયુ કરે અને અંતપર્યન્ત તારી સ્વામિનીની સેવા તારા હસ્તે આવી જ રીતે થયા કરે. હવે હું તારી આજ્ઞા ઇચ્છીશ. મારું કાર્ય સિદ્ધ થયું જ, એમ હું ધારું છું. આજ સુધી મારા વિશે તને કાંઈ બીજું જ કથન સંભળાવ્યું હોય, તો તેની ક્ષમા કરજે; કારણ કે, તેમ કરવામાં પણ એક કારણ સમાયલું હતું, અને તેથી હું નિરુપાય હતો. જેને પોતાને ભેદ જણાવવો હેય, તે માણસ જાતે કેવું છે, એ જાણ્યા વિના સાહસ કરવું નહિ, એવો નીતિશાસ્ત્રવેત્તાઓનો ઉપદેશ છે અને હું તે ઉપદેશને અનુસર્યો હતો. હવે હું તને સારી રીતે ઓળખી ગયો છું અને તારી મુરાદેવીમાં કેવી નિષ્ઠા છે એ પણ જાણી ચૂક્યો છું. મારે કાંઈ કાર્ય પણ અવશેષ રહ્યું નથી - તેથી જ આજે તને બધું ખોલીને જણાવી દીધું. માત્ર હવે તું મુરાદેવીની મુલાકાત કરાવી આપે, એટલે મારે છૂટકો થઈ જાય. પોતાનાં બંધુ અને માતાના દૂતને મળવાને કઈ સ્ત્રી ઉત્સુક નથી હોતી? માટે સત્વર જા અને હું પણ જાઉં છું. મેં તને માર્ગમાં ઘણી જ ખોટી કરી રાખી.”

એમ કહીને ચાણક્ય ખરેખર પાછો ફર્યો - પણ થોડેક છેટે જવા પછી પાછી તેણે વૃન્દમાલાને બેાલાવી અને તેને ધીમા સ્વરથી કહ્યું કે:-

“વૃન્દમાલે! મેં કહેલે વૃત્તાંત અને મારો સંદેશો બીજા કોઇના દેખતાં મુરાદેવીને કહીશ નહિ, નહિ તો મુરાદેવીની પ્રતિસ્પર્ધા કરનારાને તેને તેના હાલના સુખશિખર પરથી નીચે ઢોળી પાડવામાં અને તેની પૂર્વ પ્રમાણે સ્થિતિ કરી નાખવામાં ઘણી જ સુલભતા થઇ પડશે. તું ચતુર હોવાથી જો કે તને વધારે શિખામણ આપવાની અગત્યતો નથી જ, છતાં પણ તારામાટે અને દેવીમાટે મને ઘણી કાળજી રહ્યા કરે છે, તેથી કહ્યા વિના રહી નથી શકાતું.”