પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
સંભાષણ શું થયું?

આવિર્ભાવ કર્યો, તે પણ તિસ્કારપૂર્ણ જ હતો; પરંતુ પત્રને વાંચતાં જ એ સર્વ સ્થિતિ બદલાઈ ગઈ - તેની ચર્યામાંથી તિરસ્કારનો લોપ થતાં તેનું સ્થાન પ્રફુલ્લતાએ લીધું અને તેમાં એક પ્રકારનું ઔત્સુક્ય પણ મિશ્રિત થએલું દેખાયું, અર્થાત્ ચાણક્યે એ પત્રમાં એવું તે શું લખ્યું હશે, એના વિચારથી વૃન્દમાલા મુરાદેવી પ્રતિ સાશંક દૃષ્ટિથી તાકી તાકીને જોવા લાગી, અને બોલી કે, “તેને અહીં લઈ આવવાની આજ્ઞા તો આપી, પરંતુ ક્યારે અને કયા સ્થાને લઈ આવું; એ આપે જણાવ્યું નહિ.” મુરાએ તે પત્ર પાછું એકવાર વાંચ્યું, અને પુનઃ વૃન્દમાલાને કહ્યું કે, “વૃન્દમાલે ! આ પત્ર લખનારો બ્રાહ્મણ તને કેવી રીતે અને ક્યાં મળ્યો? તેણે તને મારી સખી તરીકે શી રીતે એાળખી? તેણે તને શું કહ્યું? તે હાલમાં ક્યાં છે ? તે પાટલિપુત્રમાં ક્યારે આવ્યો?..........."

વૃન્દમાલા જાણી ગઈ કે, મુરાદેવીના એ પ્રશ્નોનો કદાપિ અંત આવનાર જ નથી. તેમ જ એ પ્રશ્નોથી તે એવું અનુમાન પણ કરી શકી, કે મુરા એ બ્રાહ્મણને મળવા માટે ઘણી જ ઉત્સુક થએલી છે; માટે એના પ્રશ્નો બધા પૂરા થાય ત્યાં સુધી ન થોભતાં ઝટ ઝટ ઉત્તરો આપી દેવા, એવો નિશ્ચય કરીને તે બોલી કે,”એ બ્રાહ્મણ મને મારા ગુરુને ત્યાં મળ્યો. એ કૈલાસનાથના મંદિરમાં ઉતરેલો છે. મારી તમારામાં પૂર્ણ નિષ્ઠા છે, એમ જોઇને મારાપર તમારો વિશ્વાસ હોવો જોઈએ, એવો તેણે સહજ તર્ક કર્યો અને મને એક સ્થળે એકાંતમાં મળીને આ પત્રિકા તમને આપવાની ઇચ્છા દર્શાવી. તે કોણ છે, ક્યાંનો છે અને અહીં શામાટે આવ્યો છે, ઇત્યાદિ વૃત્તાંત તેણે મને પ્રથમથી જ જણાવેલો હોવાથી કાંઈ પણ આનાકાની વિના મેં એ કાર્ય કરવાનું માથે લીધું.” એ ઉત્તરો સાંભળીને મુરાદેવીના મનનું કાંઈક સમાધાન થયું હોય, એમ દેખાયું - તે મ્લાન મુદ્રાથી વૃન્દમાલાને કહેવા લાગી, “એ બ્રાહ્મણને મળવું તો જરૂર જોઇએ જ. પણ તેને અહીં ક્યારે અને કેવી રીતે બોલાવવો, એને માટે વિચાર કરવાનો છે. અહીં મહારાજ તો મને પોતા પાસેથી ક્ષણ માત્ર પણ દૂર થવા દેતા નથી.“ એમ કહીને મુરાદેવી ઘણા જ વિચારમાં પડી ગઈ. તેને વૃન્દમાલાએ આશ્વાસન આપીને કહ્યું કે, “શું તેને મહાલયમાં લાવવાની એક પણ યુક્તિ થઈ શકે તેમ નથી?” મુરાદેવીએ એનું તત્કાળ ઉત્તર આપ્યું, “તેને તું અહીં જ રહેવા માટે લઈ આવ. તે અહીં આવીને યજ્ઞશાળામાં રહેશે, એટલે કોઈ પણ વેળાએ સંધિ આવ્યો કે મળીને વાતચિત કરી શકાશે મહારાજા નિદ્રાવશ થશે, એ વેળા સાધીને હું ત્યાં આવીશ. બ્રાહ્મણ જો અહીં પાસે જ હોય, તો પછી સમય ઠરાવવાની કાંઇપણ અગત્ય નથી.