પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૧૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પણ રીતે ચાણક્યના આગમનના સમાચાર મુરાદેવીને પહોંચાડી દીધા હતા, તેથી તે પણ એ દ્વિજને મળવા માટે ઉત્સુક થઈ રહી હતી. રાજા ધનાનન્દ નિદ્રાવશ થતાં જ મધ્ય રાત્રિને સમયે મુરાદેવી યજ્ઞશાળામાં આવી અને ચાણક્યનાં દર્શન કર્યા. “આપણું જે સંભાષણ થાય, તે એકાંતમાં જ થવું જોઈએ, બીજાના દેખતાં થઈ શકે તેમ નથી.” એ પ્રમાણે ચાણક્યે પોતાની ઇચ્છા દર્શાવવાથી મુરાદેવી તેને એક એકાંત સ્થળમાં લઈ ગઈ અને ત્યાં ઉભયનું ઘણીક વાર સુધી ભાષણ ચાલતું રહ્યું. એ સંભાષણમાં તેમણે પરસ્પર શા શા વિચારો જણાવ્યા અને જાણ્યા, તે વિશે અમે કશું પણ જાણતા નથી; પરંતુ બન્નેનું સંભાષણ સંપૂર્ણ થતાં મુરાદેવી જતાં જતાં ચાણક્યને કહેવા લાગી, “જો આવી સહાયતા મને મળે તો તો વધારે સારું, પણ જો એવી સહાયતા ન પણ મળે, તોપણ મારી પ્રતિજ્ઞા પ્રમાણે સમસ્ત કાર્યનું સુખદ પરિણામ લાવવાની મેં તો બધી તૈયારીઓ કરી જ રાખેલી છે. મારા કાર્યનું મંગળાચરણ તો થઈ પણ ચૂક્યું છે. હવે થોડા જ દિવસમાં એનું પ્રથમ ફળ જોવામાં આવશે. આપ કહો છો, તે કાર્ય જો સિદ્ધ થાય, તો પછી બીજું તો શું જોઈએ? પરંતુ આવતી કાલે રાત્રે હું પાછી અહીં આવી જ શકીશ, એનો નિશ્ચય નથી. છતાં પણ મોડીવેલી તો હું આવીશ જ. હવે મારે જવું જોઈએ. કાલે આપ અહીં આવજો – આપણે પાછાં મળીને એ વિશે વિચાર કરીશું.” એટલું કહીને તે ત્યાંથી વાયુવેગે મહાલયમાં ચાલી ગઈ એ અંતિમ ભાષણનો કેટલોક ભાગ - તે પણ પ્રારંભનો ભાગ – વૃન્દમાલાએ સ્પષ્ટ સાંભળ્યો, અને તેનાં નેત્રોમાં એકાએક સ્ફુરણ થવા માંડ્યું. મહારાજ ધનાનન્દે મુરાદેવીમાં પાછી પૂર્વવત્ પ્રેમની ભાવના રાખવાથી તે પોતાનો બધો ક્રોધ ભૂલી ગઈ હશે અને થોડા જ દિવસમાં તે પાછી વિનોદી સ્વભાવની થઈ જશે, એમ વૃન્દમાલાનું ધારવું હતું; પરંતુ હમણા જ સાંભળેલા મુરાદેવીના ભાષણથી એ સધળો પોતાનો ભ્રમ જ હતો, એમ તેને જણાયું. “મારા કાર્યનું મંગળાચરણ તો થઈ પણ ચૂક્યું છે - હવે થોડા જ દિવસમાં એનું પ્રથમ ફળ જોવામાં આવશે,” એ તેના બોલવાનો ભાવાર્થ શો હશે ? એવો વૃન્દમાલાના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો અને તે ગંભીર વિચારમાં નિમગ્ન થઈ ગઈ. વૃન્દમાલા ઘણી જ પાપભીરુ, અધર્મથી ડરનારી અને ભોળી હતી. મુરાદેવી એના એ સ્વભાવને સારી રીતે જાણતી હતી, તેથી હમણાં હમણાં પોતાનાં કારસ્થાનોમાં તે એની કાંઈ પણ સહાયતા લેતી નહોતી. જે કાર્યો સર્વથા સાત્ત્વિક વૃત્તિનાં જ હોય અથવા તો જે કાર્યમાં પોતાના ગુપ્ત હેતુનું કાંઈ પણ દર્શન થતું ન હોય, તેવાં જ કાર્યો તે વૃન્દમાલાને બતાવતી હતી અને બીજાં