પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૧૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જેમ મારા ઘાતના પણ પ્રયત્નો પણ કરવા માંડ્યા છે; તેવી જ રીતે સોળ સત્તર વર્ષ પહેલાં પણ બિચારીએ નિર્દોષ નારીનો દ્વેષ કરીને મારા મનમાં અસત્ય શંકા ઉત્પન્ન કરી હતી અને એ વ્યર્થશંકાને સ્વાધીન થઈ મેં મૂર્ખે એના પુત્રની હત્યા કરાવી અને એને કારાગૃહવાસિની બનાવી. હશે - જે બનવાનું હતું તે બની ગયું - પણ હવે જ્યારે હું એનું ખરું મૂલ્ય જાણી શક્યો છું, ત્યારે હવે પછી તો એને પૂર્ણ રીતે સુખનો ઉપભેાગ આપવો જ જોઈએ.” એવો તેણે પોતાના મનમાં જ નિર્ધાર કરી રાખ્યો. બીજી રાણીઓને પોતાના જીવને જોખમ લગાડવાનો વિચાર છે, એ વાર્તા જ્યારે તેના સાંભળવામાં આવી, ત્યારે પ્રથમ તો તેનો તે સર્વનો નાશ કરવા માટેનો જ નિશ્ચય થઈ ગયો. પરંતુ મુરાદેવીએ તેના એ નિશ્ચયનો નિષેધ કર્યો અને રાજાને ઘણી જ આર્જવતાથી કહ્યું કે, “ મહારાજ ! દાસીએ સાધારણ રીતે સાંભળેલી વાતો આવીને મને કહી, તે અક્ષરે અક્ષર સત્ય કેમ માની શકાય વારુ ? કદાચિત્ એ બધી જ વાતો ખોટી હોય તો ? અથવા તો દાસીએ સાંભળ્યું હોય એક અને આવીને કહ્યું હોય બીજું તો? જો કે મારી સુમતિકાની મને ખાત્રી છે કે, તે કાંઈપણ બનાવટ કરીને કહે તેવી તો નથી જ; પરંતુ તેના સમજવામાં જ કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ? મહારાજ ! એકવાર મારા સંબંધમાં આપે વિચાર કર્યો, તેટલો બસ છે; હવે કોઈને પણ વિના કારણ શિક્ષા હું તો જાણી જોઈને ન જ કરવા દેવાની. આપે જે વાતો સાંભળી છે, તેમની સત્યતાનો જો કાંઈ પ્રત્યક્ષ પૂરાવો મળી આવે, તો પછી આપ જેમ ઇચ્છો, તેમ કરવા સમર્થ છો.”

મુરાદેવીએ જ્યારે એ સંભાષણ કર્યું, ત્યારે તેના હાવભાવો નેત્રકટાક્ષો પણ એવા જ પ્રકારના થતા હતા કે, જોનારને એવો જ ભાવ થાય કે, મુરાદેવી નિષ્પક્ષપાતતા અને દયાશીલતાની જાણે એક મૂર્તિ જ છે. રાજાને તેનું એ બોલવું એટલું બધું કપટરહિત અને સરળ ભાસ્યું કે, તેણે તેની સરળતા અને ભોળાપણા માટે ઘણી જ પ્રશંશા કરી અને કહ્યું કે, “ તારા કહેવાથી જ હું હમણાં શાંત થઈને બેસીસ નહિ તો જેમણે અનેક સાચી ખોટી વાતો કરીને તારા વિશે મારા મનમાં શંકાઓ ઉપજાવી હતી, તે જ તું મારી પ્રેમપાત્રા થએલી છે, પોતાના પહેલાંના કાળાં કારસ્થાનો ઉઘાડાં પડી જશે, એવા ભયમાં શું કરશે અને શું નહિ, એનો નિયમ નથી. માટે એમને શિક્ષા કરવી જોઈએ, એવો મારો વિચાર હતો. પરંતુ એવો કોઈ પૂરાવો મળતા સુધી તું થોભવાનું કહે છે, તો હું માત્ર તારા શબ્દને માન આપી