અને વળી સહાયતા? એ શબ્દો તેના મુખમાંથી નીકળ્યા? એવા શબ્દો
સાંભળવાનું કાંઇપણ મારા સ્મરણમાં તો નથી. ૫ણ–પણ-પણ તેણે એમ
કહ્યું હતું ખરું કે, આ વેળાએ મહારાજાનો પ્રેમ મારામાં કાયમ રહે,
એટલામાટે મારા પિયરમાંનું કોઈપણ માણસ આવીને અહીં રહે તો વધારે
સારું. નહિ તો મારો દ્વેષ કરનારી મારી સોક્યો મારી વળી પણ શી
દશા કરશે અને શી નહિ, એનો નિયમ નથી. અર્થાત્ મને મારા પક્ષના
કોઇ૫ણ મનુષ્યની અત્યારે ઘણી જ અગત્ય છે. આજ સૂધીતો કોઈ પણ ન
આવ્યું, એ તો ઠીક; પણ હવે આ સુખના દિવસોમાં પણ કોઈ નહિ આવે,
તો પછી આપના તરફના કોઈપણ મનુષ્યનું હું મરણ પર્યન્ત મુખ પણ
જોવાની નથી, એવી મેં પ્રતિજ્ઞા કરેલી છે, એવું કાંઈ તે બોલી'તી ખરી.
બીજુ તો મને કાંઈ સાંભરતું નથી. પછી એમાંથીજ તેં કાંઈ સાંભળ્યું
હોય તો કોણ જાણે ! મને તેણે એવો આગ્રહ કરેલો છે કે, મારી
માતુશ્રી અને મારા ભત્રીજાને ગમેતો ચાર દિવસને માટે પણ અહીં તેડી જ
આવજે. એવો આગ્રહ છતાં પણ જો કોઈ નહિ આવે, તો પછી મારા
મને પિયરિયાં મુઆ જેવાં જ છે તો, એ જ તેની પ્રતિજ્ઞા – બીજું કાંઈપણ
નથી.” ચાણક્યનું એ ઉત્તર સાંભળીને વૃન્દમાલા આશ્ચર્યચકિત થઈ
ગઈ. તે મનમાં જ વિચારવા લાગી, “મને જે સંશય થયો હતો તે શું
સત્ય હતો? મુરાદેવીએ કારાગૃહમાંથી છૂટતાં જ જે પ્રતિજ્ઞા કરી હતી
કોઈ પણ પ્રકારે રાજાનો પ્રેમ પાછો મેળવીને હું તેના મોઢામાં ધૂળ
નાખીશ, સઘળા રાજ્યનું સત્યાનાશ વાળીશ અને રાજવંશને વિધ્વંસ
કરી ને મારા પિયરમાંના કોઈ પણ મનુષ્યને સિંહાસનારૂઢ કરીશ ઇત્યાદિ
તે જે બોલતી હતી, તેને કરી બતાવવાનો જ આ પ્રારંભ થાય છે, એમ
તેને ભાસ્યું હતું, તે શું સર્વથા અસત્ય હતું?” એવા વિચારો તેના
મનમાં આવતાં તે ઘણી જ વિમાસણમાં પડી ગઈ. પરંતુ હવે
ચાણક્યને એ વિશે તેણે વધારે કાંઈ પણ પૂછ્યું નહિ. તેના મનમાંના
વિચારોને તેણે મનમાં જ સંતાડી રાખ્યા.
ચાણક્ય બીજે દિવસે પાટલિપુત્રમાંથી પ્રયાણ કરી ગયો.
માર્ગમાં વિચરતાં નીચે પ્રમાણે તેનો મનો વ્યાપાર ચાલતો જ રહ્યો.
”અહીં સુધીનું બધું કાર્ય તો નિર્વિઘ્ને પાર પડ્યું, પરંતુ હવે આગળ શું? અત્યાર સૂધીના શોધથી આપણા કાર્યને ઇષ્ટ થાય એવી અંતઃરચના મગધમાં છે કે નહિ? એટલો જ નિર્ણય થયો – અને તે મારા જ્ઞાનથી કરી શકાયું. પણ ભવિષ્યમાં હવે શો ઉપાય કરવો? મુરાદેવીને