એમ કહેવું કે, ચન્દ્રગુપ્ત જ તારો ભત્રીજો છે અને ચન્દ્રગુપ્તને રાજપુત્રને છાજે તેવા દોરદમામથી મગધદેશમાં લાવીને પુષ્પપુરમાં અધિષ્ઠત કરવો. એ તે બધું યુક્તિથી કરી શકાય એમ છે. પરંતુ એ સર્વ યુક્તિને અમલમાં કેવી રીતે લાવી શકાય? હું જાતે દરિદ્રી અને ચન્દ્રગુપ્ત પણ ગોવાળિયાને ત્યાં ઉછરેલો. એવી સ્થિતિમાં તેને રાજપુત્રના વેશથી મગધ દેશમાં લઈ જઈને નોકર ચાકરોના ઠાઠમાઠથી રાખવો, એ કાંઈ સહજમાં બની શકે એવી વાત નથી. આપણી પર્ણકુટીમાં તો એક ફૂટી બદામ પણ છે નહિ અને એ વેશધારી રાજકુમારને લઈને મગધદેશમાં વસવાનું છે. અર્થાત્ આપણાં મોહક ભાષણ અને ચાતુર્યથી જ લોભાઈને એક નિષ્ઠાથી કોઈપણ આપણી સેવા કરવાનું નથી. અત્યારસુધી એકલા રહેવાથી હું ગમેતેમ ચલાવી શક્યો; પરંતુ હવે પછી તો એક નહિ પણ અનેક ગુપ્ત દૂતો પણ રાખવા પડશે, ઘણાકોને ઘણીરીતે સંતોષ આપીને પોતાનું કામ કાઢી લેવું પડશે- ઇત્યાદિ કાર્યો કરવાં અને ચાકર નોકર રાખવા, એ બધું ધનની સહાયતા વિના યથાર્થ રીતે થવું અશક્ય છે. પણ ધન ક્યાં છે?”
ચાણક્યને પોતાને તો ખરેખર એક કોડીની પણ જરૂર ન હતી. તેના જેવો નિ:સ્પૃહી અને નિરાકાંક્ષ મનુષ્ય જો કોઈ હોય તો તે પોતે જ હતો, બીજો કોઈ નહોતો, એમ કહીએ તો તે ચાલી શકે તેમ છે. પરંતુ સ્વીકારેલા કાર્યને પાર પાડવા માટે તો ધનની અગત્ય હતી જ, અર્થાત્ ધન ક્યાંથી લાવવું? એની તેને ઘણી જ ચિંતા થઈ પડી. એ ચિંતામાં જ તે ધીમે ધીમે માર્ગમાં ચાલ્યો જતો હતો. પાછા તેના મનમાં બીજા પ્રકારના વિચારો આવવા માંડ્યા, “પાછળ ચન્દ્રગુપ્તે આશ્રમની કેવી વ્યવસ્થા રાખી હશે? ત્યાંના ભિલ્લ, ખાસ, પ્રાચ્ય ગોંડ અને ખાંડ વગેરે લોકોના બાળકોને તેણે સારી રીતે સાચવ્યા હશે, કે તેમનાથી લડી ઝગડીને આશ્રમને ઉદ્ધવસ્ત કરી નાંખ્યું હશે?” એની પણ તેને ચિંતા થવા માંડી. આજ સૂધી આશ્રમને વ્યવસ્થાથી ચલાવવામાં તેને શ્રમ વેઠવો પડતો નહોતો; કારણ કે, કંદ, મૂળ અને ફળો તેના તરુણ શિષ્યો અરણ્યમાંથી લઈ આવતા હતા અને તેઓ પોતે શિકાર કરીતે પોતાનું પેટ ભરતા હતા અને આશ્રમમાં આવી વિદ્યાનો અભ્યાસ કરતા હતા. ઉપરાંત ભિલ્લ કિરાતાદિના રાજા, એ તપોનિષ્ઠ બ્રાહ્મણ પોતાના બાળકોને ભણાવે છે, એવી ધારણાથી પોતાની શક્તિ પ્રમાણે કેટલીક વસ્તુઓ તેને પહોંચાડતા હતા, પણ હવે એટલાથી જ પૂરું થઈ શકે તેમ હતું નહિ. હવે જે કારસ્થાનો કરવાનાં હતાં, તેમાં એના કરતાં ઘણા જ વધારે સાધનોની આવશ્યકતા હતી - એને માટે તો