ગત પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે એક રાજપુત્રને લઈને ચાણક્ય પુનઃ પાટલિપુત્રમાં આવી પહોંચ્યો. આ વેળાએ ક્યાં જવું અને શું ; કરવું, એની ચાણક્યના મનમાં ચિંતા હતી નહિ. તે તો તત્કાળ મુરાદેવીના મહાલયમાં જ ચાલ્યો ગયો અને ચન્દ્રગુપ્તને તેની સમક્ષ ઊભો કરીને કહેવા લાગ્યો કે, “તારા બંધુ પ્રદ્યુમ્નદેવ અને તારી માતા માયાદેવીએ આશીર્વાદપૂર્વક તારા કુશલ સમાચાર પૂછાવ્યા છે અને કહેલું છે કે, તારા આમંત્રણ પ્રમાણે તારા ભત્રીજાને ચાણક્ય સંગે તારે ત્યાં મોકલ્યો છે, તેને ચાર દિવસ તારી ઇચ્છા અનુસાર ત્યાં રાખજે. અમારાથી આવી શકાય તેમ ન હોવાથી જો કે ઘણો જ ખેદ થાય છે; પરંતુ એ ખેદને ટાળવાનો કોઈ ઉપાય નથી. તારા ભત્રીજાને જ અમારા તુલ્ય માની લેજે. જો કે એને અને તારે પૂર્વનો પરિચય નથી, તો પણ તારા આમંત્રણને માન આપીને એને અમે મોકલ્યો છે, માટે એની સારી સંભાળ રાખજે. જો એને અહીંનું સ્મરણ થશે નહિ, તો એ ઘણો જ આનંદમાં રહેશે. અમારું સ્મરણ એને ન થવા દેવાનો માત્ર એક જ ઉપાય છે અને તે એ કે, અમારા વિશે કદાપિ એને કાંઈપણ પૂછવું નહિ. તેણે તને આપવા માટે એક પત્ર પણ મને લખી આપ્યું છે.” એમ કહીને ચાણક્યે તે પત્ર મુરાદેવીના કરકમળમાં મૂક્યું.
ચન્દ્રગુપ્તને જોતાં જ મુરાદેવીની મુખમુદ્રામાં એક પ્રકારનું વિચિત્ર પરિવર્તન થઈ ગયું - પરંતુ તે કાંઈપણ બોલી નહિ. ઘણીવાર સૂધી તે સ્તબ્ધ બની બેસી રહી. પછી તેણે તે પત્ર વાંચ્યું અને ચાણક્યને કહ્યું કે, “આર્ય ચાણક્ય ! આ બાળકને જોઈને મને ઘણો જ સંતોષ થાય છે. હવે હું એને મહારાજાની મુલાકાત કરાવીશ. આપ પણ મહારાજાના દર્શન માટે પધારો.”
મુરાદેવીનું એ આમંત્રણ સાંભળતાં જ ચાણક્યના મનમાં ભયનો અચાનક નિવાસ થયો, પણ તેનું કોઈપણ ચિન્હ પ્રકટ ન થવા દેતાં તે હસિત મુદ્રાથી કહેવા લાગ્યો કે, “મારા જેવા એક સર્વથા નિઃસ્પૃહી બ્રાહ્મણને રાજાનું દર્શન કરીને શું કરવાનું છે? હાલ તો તું મને જવા દે, જ્યાં સૂધી ચન્દ્રગુપ્ત અહીં છે, ત્યાં સુધી તો હું પણ પાટલિપુત્રમાં રહેવાનો જ છું. અહીં ચાર દિવસ રહીને પાછા ફરવાને પ્રદ્યુમ્નદેવ અને માયાદેવીએ મને ઘણો જ આગ્રહ કરેલો છે. હવે હું મારા સ્થાને જઈશ.”