પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
ચાણક્યની સ્વગત વિચારણા.


“તમારા સ્થાને? પાટલિપુત્રમાં તે વળી તમારું સ્થાન kયાં આવેલું છે? જો કોઈ સ્થાનના શોધમાટે જ આપ જતા હો, તો વ્યર્થ તેવો શ્રમ લેશો નહિ. અમારી યજ્ઞશાળામાં આપ સુખેથી રહો. આપની તપશ્ચર્યા અથવા તો અન્ય ધર્મ કર્મોમાં ત્યાં કોઈ પણ પ્રત્યવાય આવશે નહિ. આ મારો ભત્રીજો અને હું એક બીજાને સારીરીતે ઓળખીએ ત્યાં સૂધી આપ જો પાસે જ રહેશો, તો વધારે સારું થશે. અમારી યજ્ઞશાળા આપના જેવા પવિત્ર બ્રાહ્મણોની ત૫શ્ચર્યાથી પુનિત થાય, એવાં તે અમારાં ભાગ્ય ક્યાંથી ? બહાર આપ ક્યાં રહેશો વારુ?” મુરાદેવીએ પાછો આગ્રહ કર્યો.

“મુરાદેવિ !” ચાણક્ય તત્કાળ તેને કહેવા લાગ્યો. “તારા મનમાં મારા માટે આટલા બધા સારા ભાવો છે, તે જોઇને મને ઘણો જ આનંદ થાય છે; પરંતુ મારાથી અહીં રહી શકાય તેમ નથી. પાટલિપુત્રના બહારના ભાગમાં ગંગા નદીના તીરે મેં એક નાની પર્ણકુટી બંધાવી છે – આજથી ચાર દિવસ પહેલાં જ મારા શિષ્યોએ અહીં આવીને એ સઘળી તૈયારીઓ કરી રાખેલી છે. દેવિ ! હું સર્વથા નિરિચ્છ અને નિઃસ્પૃહી દીન બ્રાહ્મણ છું, મારે આ તારા રાજમંદિરનાં સુખોને શું કરવાનાં છે? પ્રદ્યુમ્નદેવે તે વારે ઘણો જ આગ્રહ કરીને વિનતિ કરી કે, તમારે કુમાર ચન્દ્રગુપ્ત સાથે જવું જ જોઇએ, તેથી અને કુમાર ચન્દ્રગુપ્તમાં પણ, એને બાલ્યાવસ્થાથી મેં જ ઉછેરીને મોટો કરેલો હોવાથી, મારે ઘણો જ સ્નેહ બંધાઈ ગયો છે અને બે દિવસ જો એને હું નથી જોતો તો મને ચેન નથી પડતું – એટલે મેં પણ તેની વિનતિનો સ્વીકાર કર્યો અને હું અહીં આવ્યો. દેવિ ! કુમાર ચન્દ્રગુપ્તના ગુણોનો જેમ જેમ તને વધારે અને વધારે પરિચય થતો જશે, તેમ તેમ તું એને વધારે અને વધારે વાત્સલ્યની દૃષ્ટિથી જોતી જઈશ. વળી હું તને ગુપ્ત રીતે કહી રાખું છું કે, એની હસ્તરેષામાં ચક્રવર્તિ થવાનાં બધાં ચિન્હો સ્પષ્ટ છે. ભગવાન્ કૈલાસનાથ માત્ર એને ચિરાયુ કરે, એટલી જ મારી પ્રાર્થના છે. વત્સ ચન્દ્રગુપ્ત, ત્યારે હવે હું જઈશ.- આ તારી ફોઈ મુરાદેવી તારી સારી સંભાળ રાખશે. હું એક બે દિવસના અન્તરે અને બની શકશે તો દરરોજ તને મળવાને આવીશ. તું કોઇ પણ જાતિની ચિંતા ફિકર કરીશ નહિ.”

એમ કહીને ચાણક્ય તો ચાલતો જ થયો. મુરાદેવીના આગ્રહનો કાંઈપણ ઉપયોગ થયો નહિ. ચાણક્યે ખરેખર રાજમહાલયમાંથી જવા પહેલાં ગંગાતીરે એક શાંત, સ્થિર અને રમણીય સ્થાનમાં પોતામાટે એક પર્ણકુટી બંધાવાની સર્વ વ્યવસ્થા કરી રાખી હતી અને પેાતાને જોઇતી સર્વ સામગ્રીઓની તૈયારી માટે તેણે સિદ્ધાર્થકને કહી રાખ્યું હતું.