પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

વસુભૂતિ ભિક્ષુકના વિહારમાં ચાણક્ય અને સિદ્ધાર્થકને સારો મેળ મળી ગયો હતો અને તેથી પહેલાં જ તેણે ચાણક્યને પોતાથી બનતી સઘળી સહાયતા કરવાનું વચન આપેલું હતું. તે પ્રમાણે ચાર દિવસ પહેલાં ચાણક્યના શિષ્યો આવ્યા, તેમને પર્ણકુટી બાંધવા અને જોઇતી વસ્તુઓ લાવી આપવાના કાર્યમાં તેણે ઘણી જ સહાયતા આપી હતી.

પોતે આટલો બધો આગ્રહ કરવા છતાં પણ એ નિરિચ્છ અને નિ:સ્પૃહી બ્રાહ્મણ કશાપણ આદરાતિથ્યને સ્વીકાર કરતો નથી, એવા વિચારથી પ્રથમ તો મુરાદેવીના મનમાં કોપનો કિંચિદ્ ભાવ થયો; પરંતુ ત્વરિત જ રાજાની પ્રેમભાગિની રાણી આટલો આગ્રહ કરે અને તેનો જે સ્વીકાર ન કરે, તે બ્રાહ્મણ ખરેખરો જ નિર્લોભ અને નિઃસ્પૃહ હોવો જોઇએ, એવો તેનો નિશ્ચય થતાં ચાણક્ય માટે તેના મનમાં વધારે માનની લાગણી થવા લાગી.

ચાણક્ય ત્યાંથી નીકળ્યો. તે સીધો ગંગાતીરે આવેલી પોતાની નવીન પર્ણકુટીમાં ગયો. ત્યાં પોતાની ઇચ્છા અનુસાર સર્વ વ્યવસ્થા થએલી જોઇને તેને ઘણો જ હર્ષ થયો. તે શાંતિથી બેસીને પોતાના સદાના સ્વભાવ પ્રમાણે અનેક પ્રકારના વિચારો કરવા લાગ્યો. “મેં જે પ્રતિજ્ઞા કરેલી છે, તેનું હવે જેવું જોઇએ તેવું પરિણામ લાવવામાં કોઇપણ પ્રકારનો બાધ આવવાનો નથી. હવે મારા ચાતુર્યના પ્રયોગો કરીને જૂદા જૂદા પ્રસંગોથી નંદરાજાના વિધ્વંસનો આરંભ કરવો જોઇએ.” એવી પોતાના મનમાં યેાજના કરી. જે દિવસે ચન્દ્રગુપ્તને મુરાદેવીના સ્વાધીનમાં આપ્યો, તે જ દિવસે રાત્રે સર્વ શિષ્યો નિદ્રાવશ થએલા હોવાથી પર્ણકુટીમાં શાંતિ વ્યાપેલી હતી, એટલે ચાણક્ય પોતાના મન સાથે જ હવે પછી શું શું કરવું અને અત્યાર સૂધીમાં જે જે કાર્યો થએલાં છે, તેમાંથી કયું કાર્ય વિશેષ ઉપયોગી થઈ શકવાનો સંભવ છે, એ વિશે વિચાર કરતો બેઠો. “મારી પ્રતિજ્ઞા એ છે કે, નવ નંદોનો ઉચ્છેદ કરીને મારા હાથે જ મહત્તા પામેલા કોઈ પુરુષને તેના સિંહાસનનો અધિકારી બનાવવો. અત્યાર સુધી મારા ચાતુર્યથી નહિ, કિન્તુ દૈવની ગતિથી જ મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાનાં અનેક સાધનો સ્વાભાવિક રીતે જ મને પ્રાપ્ત થએલાં છે. નંદરાજાએ મારું અપમાન કરવાથી ખિન્ન અને સંતપ્ત થઇને તેની સભામાં જ તેના નાશની પ્રતિજ્ઞા કરી, હું પાટલિપુત્રમાંથી બહાર નીકળ્યો કે, તરત જ મહાન પદને યોગ્ય અને ચક્રવર્ત્તીનાં ચિન્હોવાળો બાળક મારા જોવામાં આવ્યો, અને તે થોડા જ પ્રયત્ને મારા તાબામાં પણ સોંપાયો. તેને ક્ષત્રિયોને જોઇએ તેવી વિદ્યા અને કળાનું શિક્ષણ પણ મેં