પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એવી ઇચ્છા થઈ, એટલે પર્વતેશ્વરને જોઇએ તેટલી સહાયતા આપીને તેના હસ્તે હું નંદરાજાનું મારી ઇચ્છા પ્રમાણે નિકંદન કઢાવીશ. પરંતુ એવી રીતે નંદરાજાનો પરાજય કરીને પર્વતેશ્વરે મગધમાં પ્રવેશ કર્યો, એટલે સિંહાસનપર તો પોતાનો અધિકાર બતાવવાનો, અને તે જો સિંહાસનારૂઢ થયો, તો પાછા તેને પદભ્રષ્ટ કરતાં ઘણો જ શ્રમ પડવાનો, કિંબહુના, એ કાર્ય અશક્ય જ થઈ પડવાનું. જો એમ થાય તો શું કરવું? જોઈ લઈશું. પ્રથમ તો નંદરાજાની હયાતીમાં જ નિશ્ચય પ્રમાણે સુમાલ્યનો વધ કરાવવો, અને એ વધ થયો, એટલે પર્વતેશ્વર મગધદેશ પર આક્રમણ કરીને જેટલા નંદ હશે, તે સર્વેનો ઘાત કરશે. નંદનો નાશ થતાં જ ચન્દ્રગુપ્તનો ભેદ ખુલ્લો કરી નાંખવો – એટલે નંદના પ્રથમ પુત્ર અને નંદના વંશમાંથી એ એક જ બચેલા રાજકુમાર તરીકે લોકોને એનામાં પૂજ્ય ભાવ થાય અને લોકો પર્વતેશ્વરથી પ્રતિકૂલ થઈ જાય, એવા ઉપાયો યોજવા. જો એમ ન બની શકે, તો વિશ્વાસધાતથી પર્વતેશ્વરનો ઘાત પણ કરવો. પર્વતેશ્વરનો પુત્ર મલયકેતુ હજી નાનો છે, એટલે લોકો તેના પક્ષમાં બહુધા જશે નહિ, તેને બને તો પટાવી ફોસલાવી લેવો અથવા તો તેને ત્યાંથી કાઢી મૂકીને ત્યાં પણ ચન્દ્રગુપ્તના નામની દોહાઈ ફેરવી દેવી. તેના પિતાને – પર્વતેશ્વરનો ઘાત, જો અગત્ય હોય, તો આપણે કરવો, અને તેનો દોષ ચતુરતાથી નંદરાજાના પક્ષપાતી રાક્ષસ આદિને શિરે ઢોળી દેવો. જો કે એકંદર રીતે આ કાર્ય ઘણું જ વિકટ છે, વ્યૂહ ઘણી જ કુશળતાથી રચવો જોઈએ - પરંતુ બધી વાતોની અત્યારથી જ ગોઠવણ કરી રાખવાથી કાંઈ પણ લાભ થવાનો નથી. હાલ તો માત્ર ત્રણ બાબતો જ હાથમાં લેવાની છે. એક તો સુમાલ્યનો વધ, ભાગુરાયણ સેનાપતિનો સ્નેહ મેળવવો, અને પર્વતેશ્વરના પ્રતિનિધિ મૃત્યુંજયને મળીને તેની પરીક્ષા કરવી. સુમાલ્યના મરણનું કાર્ય જે રીતે સાધવાનો સંકલ્પ કરેલો છે, તે યુક્તિ જો પાર પડી, તો તેના વધની કોઈને પણ જાણ થશે નહિ, પરંતુ કદાચિત્ પ્રથમના પ્રયત્ને એ કાર્ય સિદ્ધ ન થયું, તો બીજીવારના પ્રયત્નમાં તો અવશ્ય સિદ્ધિ મળવાની જ. હાલમાં જો પોતાના પ્રતિપક્ષીઓ માટે રાજાના મનમાં શંકા પણ ઉપજશે, તો એ પણ એક મહાન કાર્ય થએલું સમજવાનું છે. ભાગુરાયણ સાથે સ્નેહસબંધ સાંધવામાં વધારે મહેનત પડવાની નથી, મારા શેાધ પછી મને એમ જ જણાયું છે કે, સેનાપતિ ભાગુરાયણનું મન રાજા પ્રતિ સર્વથા શુદ્ધ તો નથી જ. વૃષલકન્યાને ક્ષત્રિયકન્યાના રૂપમાં રાજાને અર્પણ કરવા માટે અને તે વૃષલીના ઉદરથી અવતરેલા પુત્રને નંદના પવિત્ર સિંહાસને બેસાડવાનો પ્રયત્ન કરવા