પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
ચાણક્યની સ્વગત વિચારણા.

પગ દબાવ્યો છે, એમજ સમજજે! તે કાલસર્પ હવે તને તો શું, પણ તારા સઘળા કુળને અને સઘળા પરિવારને દંશીને સર્વનો સંપૂર્ણ રીતે નાશ કરશે, ત્યારે જ જંપીને બેસશે ! આ વિષ્ણુશર્મા નથી પણ ચાણક્ય છે ! પરંતુ આ વિષ્ણુશર્મા નામ હવે અત્યારે મુખમાં શામાટે આવે છે? મને થએલા અપમાનનું જ્યારે આ ધનાનન્દના શોણિતથી ૫રિમાર્જન થશે, ત્યારે જ આ દેહ પુનઃ તે નામનો સ્વીકાર કરશે ! તેથી પહેલાં એ નામનો ઉલ્લેખ થવાનો નથી!” એવા અને એ જ અર્થના બીજા અનેક ઉદ્દગારો મોટે સાદે તેના મુખમાંથી બહાર પડ્યા. એ વેળાનો પોતાનો જ ધ્વનિ સાંભળીને અને પોતે ઉતાવળો ચાલતો હતો, એટલે પોતાનાં જ ભારી પગલાંનો અવાજ સાંભળીને તે પોતે જ અચકાઈ ગયો અને કાંઈક શુદ્ધિમાં આવ્યો. હવે તેના મનમાં બીજી જ ચિન્તા થવા માંડી, “હું જે કાંઈ બબડ્યો તે મારા શિષ્યોમાંથી કોઈએ સાંભળ્યું તો નહિ હોય ! જો સાંભળ્યું હશે, તો તેઓ શું કહેશે? તેઓ એમ જ કહેવાના કે, આપણા ગુરુજીનું માથું ફરી ગયું છે અને તેઓ ગાંડા થઈ ગયા છે; અથવા તો પોતાના મનની કોઈ ઇચ્છા પૂરી ન થવાથી એમને સંતાપવાયુ તો નહિ થયો હોય, એમ તેઓ ધારશે. ત્યારે હવે સ્વસ્થ પડી રહીને મારે અત્યારે તો નિદ્રા લેવી જોઈએ.” એવો ચાણક્યે વિચાર કર્યો. પરંતુ મનમાં આટલો બધો ક્ષોભ થએલો હોય, એટલે નિદ્રા તો ક્યાંથી આવે ? અરુણોદય થતાં સુધી પણ નિદ્રાદેવીએ તેનાપર કૃપા કરી નહિ. એથી તેનાં નેત્રો એવાં તો લાલ થઈ ગયાં કે, જાણે પ્રાતઃકાલીન સૂર્ય પોતાના રક્તવર્ણ તેજનો એનાં નેત્રોમાં જ પ્રતિબિંબ રૂપે નિવાસ કરાવ્યો હોયની ! એવો ભાસ થવા લાગ્યો. એમાં ભેદ માત્ર એટલો જ હતો કે, પ્રાત:કાલીન પ્રભાકર સૌમ્ય હોય છે અને ચાણક્યનાં નેત્રો રૌદ્ર હતાં.

—₪₪₪₪—



પ્રકરણ ૧૩ મું.
સુવર્ણ કરંડમાંનો અપૂપ.

ન્દ્રગુપ્ત જ્યારથી મુરાદેવીના મહાલયમાં વસવા લાગ્યો, ત્યારથી મુરાદેવીના અંત:કરણની સ્થિતિ કાંઈક ચમત્કારિક થઈ ગઈ હતી; તેનું પ્રથમ દર્શન કર્યું ત્યારથી જ તેનું ચિત્ત કાંઈક આનંદિત અને કાંઈક ખિન્ન થઈ ગયું હતું. પોતાના બંધુનો પુત્ર આવો મદનસુંદર, શૂર અને ગુણી નીકળ્યો છે, એ જોઈને તેને ઘણો જ આનંદ થયો અને આજે જો મારો પુત્ર જીવતો હોત, તો તે પણ આવડો જ અને એના જેવો જ સુંદર, શૂર