પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

વીર અને સદ્દગુણી થયો હોત, એ વિચાર મનમાં આવતાં તે ખિન્ન થઈ જતી હતી. તેણે ચન્દ્રગુપ્તને રાજાના દર્શનનો લાભ અપાવ્યો, તે વેળાએ રાજાને તેણે આ પ્રમાણે કહ્યું હતું, “ મહારાજ ! આ મારા બંધુનો પુત્ર છે - પ્રદ્યુમનદેવનો પુત્ર થોડા દિવસ મારે ત્યાં રહેવાને આવેલો છે. મારા આગ્રહથી મારાં માતા અને બંધુએ એને અહીં મોકલ્યો છે. જો આપની અનુમતિ હોય, તો એને અહીં રાખીએ.” એ વાક્યો ઉચ્ચારતી વેળાએ તેનો કંઠ રૂંધાઈ જવાથી તેનાં નેત્રોમાંથી અશ્રુની ધારાનું ખલખલ વહન થવા લાગ્યું. એટલે રાજાએ તેને “તું રડે છે શામાટે ?” એવો પ્રશ્ન કર્યો. એથી તો તેનો શોક બમણો થયો અને તે મોટેથી ડુસકાં ભરી ભરીને રોદન કરવા લાગી. ધનાનન્દે તેના રોદનનું કારણ જણાવવાનો ઘણો જ આગ્રહ કર્યો, પરંતુ તેણે કાંઈ પણ જણાવ્યું નહિ. છેવટે રાજાએ તેને પોતાની ગોદમાં લઈ છાની રાખવાનો પ્રયત્ન કરીને ઘણી જ નમ્રતાથી પૂછ્યું ત્યારે રડતાં રડતાં રાણીએ જવાબ આપ્યો કે, “આર્યપુત્ર ! હું શું કહું? જે વાર્તાને ભૂલી જવાની અને પુનઃ તેનું સ્મરણ ન કરવાની આપની આજ્ઞા થએલી છે, તે વાર્ત્તાનું હવે મારાથી આપના સમક્ષ સ્મરણ કેવી રીતે કરી શકાય? પણ આર્યપુત્ર, આપની આજ્ઞા ન હોવાથી તેનું ઉચ્ચારણ આપ સમક્ષ ન કરવું, એ મારા વશની વાત છે, પરંતુ મારા અંત:કરણમાં પણ તેનું સ્મરણ ન થવા દેવું, એ મારા વશની વાત નથી. પુત્રનું સ્મરણ માતાને ન થાય, તો બીજા કોને થાય ! ચન્દ્રગુપ્તને જોયા પછી મારો પુત્ર પણ આજે આવડો જ હોત............” પરંતુ વધારે તેનાથી બોલી શકાયું નહિ. તેનાં નેત્રોમાંથી અશ્રુનો પ્રવાહ તો હવે એટલી બધી પ્રબળતાથી વહેવા માંડ્યો કે, તેથી રાજાના સ્કંધ પ્રદેશ અને વક્ષ:ભાગનાં વસ્ત્રો પણ ભીંજાઈ ગયાં. તેના મનનું સમાધાન કરતાં કરતાં રાજા અંતે કંટાળી ગયો. અંતે તે કાંઈક હસતો હસતો કહેવા લાગ્યો કે, “પ્રિયે મુરે ! ચન્દ્રગુપ્ત જો અહીં જ રહે અને તેને જોઈ જોઈને તને આવી રીતે શોક થયા કરે, તો હું તેને અહીં રાખવાની અનુમતિ આપવાનો નથી. તેને જોઈને જો તને વીતેલી વાતોનું વિસ્મરણ થતું હોય અને તું સમાધાનમાં રહેતી હોય, તો જ હું તેને અહીં રાખવાની અનુમતિ આપીશ. જો એમ ન થાય તો એક બે દિવસમાં તેને પાછો પોતાના દેશમાં વિદાય કરી દે. તને અત્યાર પછી જરા જેટલું પણ દુઃખ ન આપવાનો મેં દૃઢ નિશ્ચય કરેલો છે અને તું ગતકાલની બીનાઓને સ્મરીને આમ શોક કરતી બેસે, એ મારાથી કેમ સહન કરી શકાય વારુ?”