પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

આવી હતી ત્યારે આબેહૂબ એના જેવી જ દેખાતી હતી. મને તે તારા પૂર્વ રૂપનું સ્મરણ થઈ આવ્યું - તારી અને એની મુખમુદ્રામાં ઘણું જ સામ્ય છે હો ! આ ચન્દ્રગુપ્ત આગળ જતાં ઘણો જ ભાગ્યશાળી થશે, એમ એનાં સામુદ્રિક ચિન્હોથી સ્પષ્ટ અનુમાન થઈ શકે છે.” રાજાએ સ્વાભાવિક ઉદ્દગાર કાઢ્યા.

“એની ઇડાપીડા ટળો, અને એ મારા જેવો ભાગ્યશાળી ન નીકળો; એટલે થયું ...... ” મુરાદેવી કાંઈક બીજા જ ભાવથી બોલી.

“કેમ વારુ ? તારું ભાગ્ય તે શું ખોટું છે?” રાજાએ વચમાં જ તેને કહ્યું અને તેને જોઈને હસવા લાગ્યો.

“આર્યપુત્ર ! જો આપને કો૫ ન થાય, તો કહું - આપના આ હાસ્યમાં જ આપના પ્રશ્નનું ઉત્તર સમાયલું છે.” મુરાદેવીએ કહ્યું.

એવી રીતે બીજું પણ કેટલુંક વિનોદાત્મક અને ઇતર પ્રકારનું ભાષણ થયું અને રાજાએ ચન્દ્રગુપ્તને તેની ફોઈપાસે રહેવાની આનંદથી આજ્ઞા આપી. રાજા અને ચન્દ્રગુપ્તના પ્રથમ મેળાપનું પરિણામ તો સારું આવ્યું.

એ મેળાપનું પરિણામ પોતાને જોઈતું હતું, તેના કરતાં પણ વધારે અનુકૂલ થવાથી મુરાદેવીના મનમાં ઘણો જ હર્ષ થયો અને તેણે તે દિવસે સાયંકાળે ચન્દ્રગુપ્તનાં ઘણા જ સ્નેહથી ઓવારણાં લીધાં. ચન્દ્રગુપ્તના નિવાસ માટે તેણે પોતાના જ મહાલયમાં વ્યવસ્થા કરી આપી. તેના ખાનપાનની તે પોતે જ ખાસ તપાસ રાખતી હતી. તેણે ચન્દ્રગુપ્તને ચાંપી ચાંપીને કહી મૂક્યું હતું કે, “જો જરાક પાણી પણ પીવું હોય, તો તે મને દેખાડ્યા વિના પીવું નહિ, અને બીજું કોઇ ક્યાંય કંઈ ખાવાનું આપે તો તે કદાપિ ખાવું નહિ. આ પાટલિપુત્રમાં આજકાલ ઘણી જ ખરાબ સ્થિતિ ચાલે છે. અનિષ્ટ ક્યારે અને કઈ વેળાએ થશે, એનો નિયમ નથી. માટે વિચારીને વર્તવામાં વધારે સારું છે.” મુરાદેવીએ ખાવાપીવા વિશેની આટલી તાકીદ શામાટે આપી હશે, એ જો કે પ્રથમતઃ ચન્દ્રગુપ્તના ધ્યાનમાં આવી શક્યું નહિ; પરંતુ ચાણક્યે તેને આજ્ઞાધારકતાથી વર્તાવાની ટેવ પાડી દીધેલી હોવાથી તેણે આમ શામાટે કરવું અને તેનું કારણ શું? ઇત્યાદિ પ્રશ્નો ન પૂછતાં આજ્ઞાપ્રમાણે વર્તવાનું મુરાદેવીને વચન આપ્યું. એવી રીતે ચન્દ્રગુપ્તની નંદની રાજધાની પાટલિપુત્રમાં તેની જ પ્રિય મહિષી મુરાદેવીના મંદિરમાં સ્થાપના થઈ.

એ ઘટનાને લગભગ પાંચ દિવસ વીતી ગયા. એક દિવસ રાણી મુરાદેવી મહારાજ ધનાનન્દ પાસે બેઠી હતી – એટલામાં તેની એક દાસી