પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
સુવર્ણ કરંડમાંનો અપૂપ.

આવીને તેને કહેવા લાગી કે, “દેવિ! પટરાણી સુનંદાદેવીએ પોતાની એક દાસીદ્વારા એક સુવર્ણ કરંડ અને એક પત્રિકા મહારાજાધિરાજમાટે મોકલાવ્યાં છે - તે લઈને તે દ્વારપર ઊભેલી છે. તે વસ્તુઓ અમને આપો તો અમે મહારાજાને પહોંચાડીએ, એમ અમે કહ્યું, પણ એનો એવો જવાબ મળ્યો કે, મને એ વસ્તુઓ પોતે જ જઈને મહારાજાને હાથોહાથ આપવાની દેવીની આજ્ઞા છે અને તેમ ન બન્યું તો હું પાછી જઈશ; એમ તે કહે છે, હવે એ વિશે મહારાજાની જેવી આજ્ઞા થાય, તે પ્રમાણે અમલ કરવામાં આવે. મહારાજની આજ્ઞા વિના અમારાથી શું કરી શકાય વારુ?” એમ કહીને રાજાની આજ્ઞાની વાટ જોતી તે દાસી હાથ જોડીને મૂક મુખે એક બાજુએ ઊભી રહી.

દાસીનું એ ભાષણ સાંભળીને મુરાદેવી તેના શરીરપર ધસી જઈને કાંઈક કોપના ભાવથી કહેવા લાગી કે, “પણ મૂર્ખે ! આજ્ઞા વિના તેને અહીં ન આવવા દેવાનું તને કોણે કહ્યું હતું? તમને બધાને એક નહિ, પણ અનેક વાર મેં કહેલું છે કે, જો બીજી રાણીઓ તરફથી કોઈદાસી કાંઈ પણ કહેવાને આવે, તો તેને બિલકુલ અટકાવશો નહિ. એકદમ તેને અંત:પુરમાં આવવા દેજો. મારા હાથે કોઈને પણ કાંઈ દુ:ખ થવું ન જોઈએ. એવી જ મારી ઇચ્છા છે ! જેવી હું મહારાજાની પત્ની છું, તેવી તે પણ પત્નીઓ નથી કે શું? જા અને જઈને તેને અહીં સત્વર મોકલી દે, જા જા – મોઢું શાની જોયા કરે છે - જા તેને તું જ લઈ આવ.”

એ સાંભળીને રાજા ધનાનન્દે મુરાદેવીને કહ્યું કે, “તે દાસીએ જ અહીં શામાટે આવવું જોઈએ? જે વસ્તુ લાવવાની હોય, તે તારી દાસીને જ કહીને મંગાવી લે, એટલે થયું.”

પરંતુ મુરાદેવી પુનઃ રાજાને પ્રાર્થના કરતી કહેવા લાગી કે, “મહારાજ, એમ કરવું તે સારું નથી. તે કરંડક અને પત્રિકા આપનાં જ ચરણોમાં અપવાની રાણીની આજ્ઞા છે, ત્યારે તેનો મનોભંગ શામાટે કરવો ? તે જેવી આવશે તેવી બિચારી ચાલતી થશે. જા - જા તે જે કાંઈ લાવી હોય, તે તેને અહીં લાવવાનું કહી દે, મહારાજ વાટ જોતા બેઠા છે.” એ છેલ્લું વાક્ય તે દાસીને ઉદ્દેશીને બોલી.

આજ્ઞા થતાં જ દાસી બહાર ગઈ અને થોડા જ સમયમાં બીજી એક દાસીને લઈને અંદર આવી. એ દાસીના હાથમાં એક સુવર્ણ કરંડક અને એક પત્રિકા હતી. આવતાં જ એ બે વસ્તુઓ રાજાનાં ચરણમાં રાખીને તેણે વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ ! મહાદેવી સુનંદાએ અનેક