પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
સુવર્ણ કરંડમાનો અપૂપ.

ત્યારે હું સુનંદા જેવી એક સાધ્વી સ્ત્રીવિશે દ્વેષ અને મત્સર કેમ કરી શકું વારુ ? મારાથી કોઈ કાળે પણ એમ થવાનું નથી. એ મારો સ્વભાવ જ નથી. વધારે શું કહું, નાથ ?”

મુરાદેવીનું એ ભાષણ સુનંદાની પરિચારિકા ઘણા જ આશ્ચર્યના ભાવથી સાંભળતી ઊભી હતી. રાજા ધનાનન્દ પણ મુરાની મુખમુદ્રાનું કાંઈક આદર અને કાંઈક આશ્ચર્યના મિશ્રભાવથી ધ્યાનપૂર્વક અવલોકન કરી રહ્યો હતો. મુરાદેવીનાં અંતિમ વાક્યોએ ઘણું જ સારું કાર્ય કર્યું. એથી ધનાનન્દના મનમાં દૃઢ નિશ્ચય થઈ ગયો કે, “મુરા જેવી અત્યંત સુશીલ, સારાં ચિરિત્રોવાળી, શુદ્ધ અને નિષ્કપટી સ્ત્રી સંસારમાં કોઈક જ હશે - કિંબહુના, બીજી એના જેવી ન જ હોય, તો તેમાં પણ આશ્ચર્ય જેવું તો નથી જ.” મનમાં એવો વિચાર કરીને પછી તે સુનંદાની પરિચારિકાને સંબોધીને બોલ્યો:-“પરિચારિકે! તું જઈને તારી સ્વામિનીને કહેજે કે, તમારી મોકલેલી વસ્તુઓ મહારાજ તો પાછી જ ફેરવતા હતા, પણ જે મુરાદેવીના સર્વસ્વનો તમે નાશ કર્યો છે, તે જ મુરાદેવીએ તમારો પક્ષ કરીને મારા હસ્તે આગ્રહથી એ પદાર્થોનો સ્વીકાર કરાવ્યો છે. જા. આ પત્રિકાનું એટલું જ ઉત્તર છે, બીજું કાંઈપણ કહેવાનું નથી.”

મહારાજાની આજ્ઞા થતાં જ પોતે લાવેલી બન્ને વસ્તુઓ રાજા ધનાનન્દનાં ચરણોમાં મૂકીને તે પરિચારિકા ત્યાંથી ઉતાવળે પગલે રવાના થઈ ગઈ. જતાં જતાં માત્ર એકવાર તેણે મુરાદેવીની ગંભીર મુખમુદ્રાનું ઘણી જ ચમત્કારિક દૃષ્ટિથી અવલોકન કર્યું. કેટલાક વિષયોમાં રાજમહાલયોમાં વસનારી રાજપરિચારિકાઓ અને દાસીઓ પણ કેવી ચતુર અને બુદ્ધિમતી હોય છે, એનું આથી સારું અનુમાન કરી શકાય છે. અસ્તુ.

મુરાદેવી તે પત્રિકાને હાથમાં રાખી મહારાજને સંબોધી કહેવા લાગી “આર્યપુત્ર ! આ પત્રિકા આપ વાંચો છો કે, હું વાંચી સંભળાવું ? મારી પત્રિકા પણ ન વાંચતાં જો આપે પાછી મોકલી દીધી હોત, તો મારા મનમાં કેટલો બધો ખેદ થયો હોત ! એવી જ રીતે તેના મનમાં પણ ખેદ થશે - તેથી જ હું કહું છું કે, એ પત્રિકા વાંચવી તો જોઈએ જ - આપ ન જ વાંચવાના હો'તો હું વાંચું.”

એમ કહીને મુરાદેવી તે પત્રિકા ઊઘાડવા જતી હતી, એટલામાં ધનાનંદે તેના હાથમાંથી એકદમ પત્રિકા છીનવી લઈને કહ્યું કે, “ના ના- તું એ પત્રિકા વાંચીશ નહિ, એમાં તારા વિશે મારું મન પાછું કલુષિત કરવાનો જ યત્ન કરેલો હશે. માટે એ પત્ર મને જ વાંચવા દે.”