હિમાલય પર્વત તે સૃષ્ટિમાંના સમસ્ત પર્વતોને રાજા છે, એવી બહુધા બધાની માનીનતા છે, અને તેની ઉચ્ચતાના પ્રમાણથી, તેણે ધારેલા વનસ્પતિના અનન્તત્વથી, ભવ્ય વનશોભાથી, અનેક મહાનદ અને મહાનદીઓની તેમાંથી ઉત્પત્તિ થતી હોવાથી, વિશાળ કંદરાઓ અને ગુહાઓની તેમાં વિપુલતા હોવાથી, ત્યાં હિંસ્રશ્વાપદોનો વિશેષ વસવાટ હોવાથી અને વૃક્ષોના ગગનચુંબિત વિશાલત્વથી એ ગિરિશ્રેષ્ઠને એ પદવી યથાર્થરીતે શોભે છે પણ ખરી. એ પર્વતમાંનાં અરણ્યો અત્યંત ગહન અને ભયંકર છે તેમ જ એ પર્વતપ્રદેશમાં સર્વદા શીતલતાનું પ્રાબલ્ય રહેતું હોવાથી ત્યાંનાં પશુઓ સ્વભાવસિદ્ધ ઊર્ણવસ્ત્રોથી આચ્છાદિત હોય છે, અને જે મનુષ્ય પ્રાણીઓ ત્યાં વસે છે, તેઓ પોતાના શરીરના સંરક્ષણ માટે એ પશુઓને મારીને તેમનાં નૈસર્ગિક વસ્ત્રોનો પોતાના શીત નિવારણાર્થ ઉપયોગ કરે છે.
ભયંકર પર્વત હો કે જલહીન વાલુકારાણ્ય હો, પણ મનુષ્ય પ્રાણીએ પોતાના નિવાસની વ્યવસ્થા ત્યાં ન કરી હોય, એમ કદાપિ બન્યું નથી અને બનવાનું પણ નથી. અર્થાત્ જ્યાં ઘણા જ કષ્ટથી જીવનનો વ્યાપાર કરી શકાય છે, ત્યાં રહીને મનુષ્ય પ્રાણી વૃક્ષ અને લતાઓનો તેમ જ અન્ય પ્રાણીઓનો નાશ કરીને પણ પોતાના નિવાસની વ્યવસ્થા તો કરી લેવાનો જ. એ જ ન્યાયને અનુસરીને એ પર્વતના પણ જે જે ભાગોમાં રહી શકાય તેવું છે, ત્યાં જંગલી ભિલ્લ અને તેવી જ બીજી જાતિના લોકોનો નિવાસ છે જ. જ્યાં મનુષ્યના નિવાસની શક્યતા હોય અને ત્યાં મનુષ્યનો નિવાસ ન હોય, એવું કોઈ સ્થાન ત્રિભુવનમાં પણ મળવું દુર્લભ છે. એ પર્વતરાજનો કાશ્મીરના પ્રદેશમાં પડતો જે ભાગ છે, ત્યાંથી તે ઠેઠ પૂર્વ દિશાના સમસ્ત વિસ્તારમાં અત્યંત પ્રાચીન કાળમાં બકરાં મેઢાં પાળનારા રબારીઓ અને ગોવાળો વિશેષ પ્રમાણમાં વસતા હતા. તેઓ નિત્ય પોતાનાં મેઢાં બકરાંને પોતાના રહેવાની દરીઓમાંથી છોડીને પર્વતના બીજા હરિયાળીવાળા પ્રદેશમાં ચારવામાટે લઈ જતા હતા. કોઈ સારા ઘાસવાળા મેદાનમાં પહોંચ્યા, એટલે ત્યાં જાનવરોને૧