પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૪૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯
માર્જરીનું મરણ.

કાળું પડી ગયું છે- અને એનાં નેત્રો પણ કેવાં ભયંકર દેખાય છે. આ છેલ્લાં ડચકાં ભરતાં એને કેટલી વેદના થાય છે, તે તો જુઓ. અહાહા ! શું ત્યારે આ અપૂપને ભક્ષનારની અંતે આવી જ અવસ્થા થવાની હતી ને? ઠીક - ઠીક રાજ્યલોભ, અધિકારલોભ અને સપત્ની મત્સરથી એ પાપી મંડળ કેવાં કેવાં ઘોરતમ પાપો કરવાને તૈયાર થશે, એની કલ્પના થવી અશક્ય છે !” એમ બોલીને મુરાદેવી અત્યંત ઉદ્ધિગ્ન દૃષ્ટિથી મહારાજાના મુખપ્રતિ જોવા લાગી. એટલામાં તો માર્જારીનું મરણ થઈ ગયું. તેની ફાટી ગએલી અાંખો ઘણી જ ભયંકર દેખાતી હતી અને તેનું મુખ તથા ઓષ્ઠો કોયલા પ્રમાણે કાળાં અથવા તો કાળાં ઠીકરાં જેવાં થઈ ગયાં હતાં. આવો દેખાવ જોતાં જ ધનાનન્દના હૃદયમાં એકાએક અનિવાર્ય સંતાપનો ઉદ્દભવ થયો અને તે પોકાર કરીને કહેવા લાગ્યો કે, “અરે ચાડાંલિની ! તેં મારો જ જીવ લેવાની ધારણા રાખી ? પ્રસાદના નિમિત્તે અપૂ૫ બનાવીને તેમાં આવું ભયંકર વિષ મેળવી મને જ નષ્ટ કરવાની દુષ્ટ ઇચ્છાથી એ અપૂપો મને જ ખાવામાટે મોકલ્યા ! અને તે આરોગવા માટે ખાસ વિનતિપત્ર પણ લખ્યું ! વાહ-વાહ ! હવે જો, કે એક ક્ષણ માત્ર પણ તું તારા વૈભવના આસને રહી શકે છે કે? તને ગર્દભના પૃષ્ઠ ભાગે બેસાડી સમસ્ત અંત:પુરમાં ફેરવી અને પછી તારો વધ કરાવી, કૂતરાંને શિયાળવાંને તારા માંસની ઉજાણી આપું, તો જ હું ધનાનન્દ ખરો ! તું મારા સુમાલ્યની માતા છે, માટે આવી કઠિન શિક્ષા તને ન આપવાની પણ ધારણા થાય છે: પણ ના – જ્યારે તેં મારા જ નાશનો પ્રયત્ન આદર્યો, ત્યારે હવે તારામાટે દયા કરવી, એ વ્યાજબી નથી જ. જેવી રીતે આજે તે મારી હાનિનો યત્ન કર્યો, તેવી જ રીતે કાલે પોતાનો હેતુ સિદ્ધ કરવાને પોતાના પુત્રના પ્રાણ લેવાને પણ તું તત્પર થઈશા માટે પળમાત્રનો વિલંબ ન કરતાં તને કઠિનમાં કઠિન અને યોગ્ય શિક્ષા જ આપવી જોઈએ - એમાં જ મારું અને રાજ્યનું શ્રેય સમાયલું છે!!”

“પ્રાણનાથ એકાએક આમ ક્ષુબ્ધ થવાનું કાંઈપણ કારણ નથી. એ સઘળું કારસ્થાન મહાદેવીએ જ કર્યું અને આ વિષપ્રયોગ પણ તેણે જ કર્યો, એમ કહેવાનો હાલમાં આપણી પાસે આધાર શો છે?” મુરાદેવીએ વળી એક બીજો જ બુટ્ટો ઉઠાવ્યો, મુરાદેવી જે વેળાએ એ વાક્યો ઉચ્ચારતી હતી, તે વેળાએ તેના આવિર્ભાવો ખાસ અવલોકન કરવા જેવા હતા. કોઈ મનુષ્યનું મન પ્રથમથી જ કલુષિત થએલું હોય, તેમાં વધારે ક્લેશનો ઉમેરો કરવાના હેતુથી કેટલાક દુષ્ટ મનુષ્યો જેવી રીતે બહારથી વિરુદ્ધ ભાષણ જ કરતા હોય છે, તેવો જ મુરાદેવીનો