પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૪૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

સ્થળે જશે, એમ તને ભાસે છે કે શું ? કદાચિત્ એમ ભાસતું હોય, તો તે ભાસ સર્વથા નિર્મૂલ છે. એમ કાલત્રયે પણ થનાર નથી. તારા નખને પણ કોઈ નુકસાન પહોંચાડવાનો યત્ન કરશે, તો તેને હું ત્યાં જ ઉભો ચીરાવી નાંખીશ. માટે એવા વિચારોને મનમાંથી કાઢી નાંખ, હું હવે તે દુષ્ટ ચાંડાલિનીને શી શિક્ષા કરવાની છે, તેની આજ્ઞા મોકલી આપું છું. આવા ન્યાયના કાર્યમાં વિલંબ કરવો, એ મારા જેવા રાજાને યોગ્ય નથી. પોતાની રાણી અને તે પણ યુવરાજ માતા જેવી સ્ત્રીને પણ તેના અપરાધની હું ક્ષમા નથી આપતો, એટલો બધો હું ન્યાયપરાયણ છું; એ પ્રજાજનોની જાણમાં આવવું જ જોઈએ. આ વેળાએ હું મૌન ધારીને બેસી રહીશ તે સારું કહેવાશે નહિ.”

“મહારાજ!” મુરાદેવીએ ઘણા જ કાલાવાલા કરીને હાથ જોડી કહ્યું “ નાથ ! એમ કરશો નહિ. આજપર્યન્ત આ૫ મારી અનેક પ્રાર્થનાઓ ધ્યાનથી સાંભળતા આવ્યા છો, તેવી જ રીતે આ એક પ્રાર્થના હજી પણ સાંભળો. એથી આજની ઘટનામાં સત્યતાનો કેટલો ભાગ રહેલો છે, તે સહજમાં આપ જાણી શકશો. આમાં મહાદેવીનો કશો પણ અપરાધ નથી, એવી મારી ધારણા છે. એ પ્રપંચનાં કરનારાં કોઈ બીજા જ હોવાં જોઈએ.

“તે કોણ ?” ધનાનન્દે તત્કાળ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.

“કોણ ? એ અત્યારે મારાથી પણ કહી શકાય તેમ નથી.” મુરાદેવીએ ઉત્તર આપ્યું. “પરંતુ જાણેલી બીનાને હૃદયમાં છૂપાવી રાખીને આપ જો ધૈર્ય ધારી બે ચાર દિવસ સ્વસ્થ બની બેસી રહેશો, તો પોતાની મેળે જ એ બધો ભેદ ખુલ્લો થઈ જવાનો સંભવ છે. મારું જીવવું જેમને ગમતું નથી, તેવા દુર્જનોનો જ આ બધો પ્રપંચ છે. આપ હાલમાં મારા જ મહાલયમાં વસો છો, તેથી જો અજાણપણે આપ આ અપૂપ ખાઈ ગયા હોત અને તેથી જો કાંઇપણ અનિષ્ટ બન્યું હોત તો એ કૃષ્ણ કાર્યનો દોષ મારે શિરે ચઢાવીને તેમને મારું ઊંધું વાળતાં કેટલો વિલંબ લાગ્યો હોત વારુ ? જરાપણ નહિ. એ પ્રસંગે મારી નિર્દોષતા દેખાડવાનો મેં ગમે તેવો અને ગમે તેટલો પ્રયત્ન કર્યો હોત, તોપણ કોઈ તે માનત નહિ. અને મારો પક્ષકાર પણ બીજો કોણ રહ્યો હોત, કે તે મારો બચાવ કરે ? માટે જેણે આ બધા પ્રપંચોનો વ્યૂહ રચેલો છે, તેઓ પોતાના પ્રયત્નનું શું પરિણામ આવ્યું, તે જાણવા માટે પોતાના ગુપ્તચારો દ્વારા શોધ ચલાવશે જ. હવે અાપ આજથી ખોટા ખોટા માંદા પડી જાઓ અને અપૂપ ખાધાપછી પેટમાં કોણ જાણે શું થાય છે અને મહારાજાના