કોની સાથે આવો પ્રસંગ પાડીએ વારુ? હું તને એક યુક્તિ બતાવું છું - તે તને રુચે છે કે નહિ? પાટલિપુત્રના નિકટમાં જ પર્વતેશ્વરનું રાજ્ય આવેલું છે. તેની સભામાં રાક્ષસના નામે એક દુત મોકલીને એમ કહેવડાવવું કે, તું આવીને પાટલિપુત્રનો ઘેરો ઘાલી બેસ, હું તને અંદરથી સહાયતા આપીને પાટલિપુત્ર હસ્તગત કરાવી આપીશ. રાક્ષસને પોતાને જ અનુકૂલ થએલો જોતાં જ પર્વતેશ્વરને ઘણો જ હર્ષ થશે, કારણ કે, પાટલિપુત્રપર તેની આજે ઘણા લાંબા વખતથી દૃષ્ટિ છે. રાક્ષસના સંદેશા ખરેખર રાક્ષસ તરફથી નથી આવતા, એ બાબત તેને જાણ ન થવા દેવાની સખત સંભાળ રાખવી જોઇએ. રાક્ષસ તેને જાણે એવો સંદેશો કહેવડાવે કે, “હું બહારથી તો મારા રાજનિષ્ઠાના વેષને કાયમ રાખી તારાથી વૈરભાવ હોય, તેવું જ દેખાડીશ. એટલે ધનાનન્દના મનમાં મારા વિશે જરા પણ સંશય રહેશે નહિ, અંદરખાનેથી તને પૂર્ણ રીતે સહાયતા આપી તારા હાથે ધનાનન્દનો નાશ થાય, તેમ કરીને રાજ્યની લગામ તારા જ હાથમાં સોંપીશ.” એ યુકિત જો સફળ થાય તો આશાથી પર્વતેશ્વર પોતાનું સૈન્ય લઇને અહીં આવશે, અને તે આવ્યો કે, એ રાક્ષસના આમંત્રણથી જ આવેલો છે, એવી આપણે સર્વત્ર અફવા ઉડાડવી, પર્વતેશ્વર તરફથી પણ આપણા કહેવાનો પૂરાવો મળશે જ. ત્યારપછી નંદનો નાશ થાય ત્યાં સૂધી તારે અને તારી સેનાના સૈનિકોએ સ્વસ્થતાથી બેસી રહેવું. નંદનો નાશ થયો કે મુરાદેવીના પુત્રને આગળ કરીને તેની વતીએ તારે અને તારા સૈન્યે પર્વતેશ્વરથી લડવું. એથી લેાકેાનું ચિત્ત તારા તરફ આકર્ષાશે અને તું સત્ય સ્વામિનિષ્ઠ ઠરવાથી તેમના મનમાં નંદનો એ એકલો જ વંશજ બાકી રહેવાથી મુરાદેવીના પુત્ર માટે સ્નેહ પણ ઉત્પન્ન થશે. આ સઘળી વાતો હું કલ્પનાથી રચીને જ કહું છું; પણ જેવી રીતે ચોપટ અથવા શતરંજની રમત રમવામાં આવે છે, તેવી રીતે હું તારા સમક્ષ નીતિશાસ્ત્રનો એક પેચદાર દાવ માંડું છું. એથી મારે જોવાનું છે કે, તું એ દાવ જિતવામાં કેટલો અને કેવો ચતુર છે. એમાં મારો બીજો કશો પણ હેતુ સમાયેલ નથી. આ તો આપણા ટાઢા પહોરના ગપાટા જ છે બીજું શું !” ચાણક્યે એ ભાષણથી પોતાના બુદ્ધિબળનો ચતુરતાથી વિસ્તાર કરવા માંડ્યો.
“મને તો એમ જ લાગે છે કે, તમે કહો છો, તે દાવ જો સવળો આવે તો તો ઘણું જ સારું, પણ યદાકદાચિત્ જે અવળો થઈ જાય તો આપણું સર્વસ્વ અને અંતે જીવના નાશનો સંભવ પણ ધારી શકાય ખરો. જો આપણી ધારણા સફળ થાય, તો તો રાક્ષસની બધી ખોડ ભૂલાવી