પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૫૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
ભાગુરાયણ સેનાપતિ.

સમક્ષ લાવીને ઉભો કરવામાં આવે તો તું શું પ્રયત્ન કરી શકે તેમ છે, તે જોવું. તેથી જ આટલા પ્રશ્નો તને મેં પૂછ્યા. હું જાણી શક્યો કે, જો મારા કહેવા પ્રમાણે જ સર્વ રચના કરવામાં આવે તો દાવ અવળો પડે નહિ અર્થાત્ એથી કાર્યસિદ્ધિનો પૂરેપૂરો સંભવ છે, કેમ નહિ કે ? ચાલો-હશે– આપણો સંવાદ પૂરો થયો.” ચાણક્યે ભાગુરાયણના મનોભાવને યુક્તિથી જાણી લીધો અને ગંભીર વિષયને વિનોદમાં ઉડાવી દીધો.

ભાગુરાયણ અને ચાણક્યના એ પરસ્પર સંભાષણમાં ઘણો જ સમય વીતી ગયો. એટલે ચાણક્ય પોતાની પર્ણકુટીમાં જવાને અને ભાગુરાયણ પોતાના મંદિરમાં જવાને નીકળ્યો. ભાગુરાયણ માર્ગમાં ચાલ્યો જતો હતો, તે વેળાએ તેના મનમાં એવી શંકા આવી કે, “મારાપર કોઈપણ નજર રાખીને મારી પાછળ પાછળ તે ચાલ્યો આવે છે. કદાચિત્ એ રાક્ષસનો જ કોઈ ગુપ્ત દૂત હશે.” એ શંકાથી તેને મનમાં ધણું જ માઠું લાગ્યું અને ક્રોધ ૫ણ આવ્યો; પરંતુ નીતિશાસ્ત્રની કલ્પનાથી તેણે પોતાના મનનું સમાધાન કરી લીધું. તે ગૃહે જઈને સાયંસંધ્યાદિ કરીને ભોજન માટે બેસતો હતો; એટલામાં અમાત્ય રાક્ષસ તરફથી આમંત્રણ આવ્યું કે, જેવી સ્થિતિમાં હો તેવી જ સ્થિતિમાં આપને પ્રધાનજી બોલાવે છે. એ આમંત્રણ સાંભળતાં જ ભાગુરાયણ મનમાં પાછો વધારે છેડાયો; પણ તે કોપને શમાવી ભેાજન લીધા વિના જ રાક્ષસ પાસે જઈ પહોંચ્યો. તેને જોતાં જ રાક્ષસે જે પ્રથમ પ્રશ્ન કર્યો, તે આ હતો.

“ આપ જે બ્રાહ્મણ પાસે જઈને આજ કાલ રોજ ઘણો જ સમય વીતાડો છો, તે બ્રાહ્મણ કોણ છે એ જણાવશો કે ?”

એ પ્રશ્ન સાંભળતાં જ ભાગુરાયણના કપાળમાં વળ પડી ગયા.

—₪₪₪₪—


પ્રકરણ ૧૬ મું.
ભાગુરાયણ સેનાપતિ.

માત્ય રાક્ષસનો પ્રશ્ન સાંભળતાં જ ભાગુરાયણનું સમસ્ત શરીર કોપના આવિર્ભાવથી કંપાયમાન થઈ ગયું, અને તેના મનમાં પણ ઘણો જ સંતાપ થયો. અમાત્ય માટે તેના મનમાં અતોનાત આદર હતો અને અમાત્ય જેવો સ્વામિભક્ત બીજો કોઈ પણ નથી, એ તે સારી રીતે જાણતો હતો; અને એ સ્વામિભક્તિને લીધે જ અમાત્ય સર્વ અધિકારીઓને કરડી નજરથી નીહાળે છે, એ પણ તેની જાણ બહાર તો નહોતું જ. તથાપિ “મારા જેવાની હીલચાલોપર પણ નજર રાખવાને