કરશો, તો વધારે સારું થશે; એવી મારી ધારણા છે. મારો તો આજે એવો જ નિશ્ચય થઈ ગયો છે કે, એ બ્રાહ્મણને એક બે દિવસમાં જ આપણા પાટલિપુત્રમાંથી હાંકી કાઢવો, અથવા દેશનિકાલ કરવો. કદાચિત યવનોનો જાસૂસ બ્રાહ્મણરૂપ ધારીને આવ્યો હોય, એવું મારું માનવું છે. કારણ કે, આપણા રાજ્યમાં પ્રવેશ કરવાને સલૂક્ષ ટાંપીને બેઠેલો છે, એ મારે આપને નવેસરથી જણાવવું જોઈએ તેમ તો નથી જ. ત્યારે જે મનુષ્યને આપણે એાળખતા નથી, એવા કોઈ ગુપ્તવેશીને આપણા જ ગૃહમાં રાખવા કરતાં કાઢી મૂકવો અથવા તો પ્રતિબંધમાં રાખવો, એમાં જ અધિક નિર્ભયતા સમાયલી છે એમ મને તો લાગે છે. આ૫નો શો વિચાર છે? આપનો અને તેનો આજ કાલ વધારે સ્નેહ સંધાયલો છે, તેથી જ આમ પૂછવું પડે છે.”
અમાત્યના અંતિમ શબ્દોથી ભાગુરાયણનો ભીષણ કોપાગ્નિ વધારે સળગ્યો. અમાત્ય પોતાને જ માત્ર ચતુર અને સ્વામિહિતપરાયણ સમજીને બીજાઓને મૂર્ખ તથા સ્વામિહિતદ્રોહી જાણે છે, એમ તેના મનમાં લાગ્યું. એથી તે તત્કાળ બોલી ઉઠ્યો કે, “અમાત્ય રાક્ષસરાજ ! આપ આ પાટલિપુત્રમાં જે ધારો તે કરવાને સમર્થ છો; પરંતુ વિનાકારણ સંશય લાવીને કોઇ પવિત્ર બ્રાહ્મણની અવહેલના ન કરો તો વધારે સારું. અાપ સર્વ પ્રકારનાં નીતિશાસ્ત્રમાં ઘણા જ નિપુણ હોવાથી મારા જેવા સેનાપતિની આપને આવશ્યકતા તો નથી જ; પરંતુ હજી પણ આપના ગુપ્તદૂતોદ્વારા આપ પાકી ખબર મેળવો, આર્ય ચાણક્ય મ્લેચ્છોનો અથવા તો યવનોનો જાસૂસ છે, એનો પૂરો નિશ્ચય કરો અને ત્યારપછી જે કરવાનું હોય તે કરો. મારો તો તેનાથી જે ચાર દિવસનો પરિચય થએલો છે તેના આધારે હું તો એમ જ કહું છું કે, એ નિઃસ્પૃહી અને ભોળો બ્રાહ્મણ અહીં પાટલિપુત્રમાં સહજ સ્વભાવે જ આવેલો છે. મુરાદેવીએ તેને પોતાના મહાલયની યજ્ઞશાળામાં આવીને રહેવા માટે કેટલોય આગ્રહ કર્યો પરંતુ એ નિ:સ્પૃહી બ્રાહ્મણે તેના આમંત્રણનો સ્વીકાર કર્યો નહિ. એથી પણ સિદ્ધ થાય છે કે, એ કોઈનો જાસૂસ કે ગુપ્ત દૂત તો નથી જ છતાં પણ ભલે આપ તપાસ કરો અને એવો જ નિશ્ચય થાય, તો પછી ઇચ્છા પ્રમાણે જે કરવું હોય તે કરો. આપ ઘણા જ શાંત અને દીર્ઘ વિચારી પુરુષ છો, માટે હું આપને વધારે ઉપદેશ આપી શકું એમ નથી. કોઈ ગરીબ બ્રાહ્મણ વિનાકારણ આપત્તિમાં આવી ન પડે, એટલું જ મારું કહેવું છે. એ બ્રાહ્મણ પૂર્ણ બ્રહ્મનિષ્ટ અને સુજ્ઞ પંડિત છે.”